અનાજ અને ધાન્ય આપણો રોજિંદો અને મુખ્ય ખોરાક છે. અનાજ અને ધાન્ય મુખ્યત્વે કાર્બોદિત પૂરા પાડે છે. પણ જો હાડકા અને દાંત માટે ખૂબ જરુરી એવું કેલ્શીયમ અનાજ અને ધાન્ય માંથી પૂરતી માત્રામાંથી મળતું નથી. મુખ્યત્વે દૂધ અને દૂધની બનાવટો કેલ્શીયમનો સારો સ્ત્રોત ગણવામાં આવે છે. પરંતુ એક ધાન્ય એવું છે કે જે કેલ્શીયમ ભરપૂર માત્રામાં પૂરું પાડે છે. આ ધાન્ય એટલે રાગી.
રાગી આમ તો ગુજરાતમાં બહુ વ્યાપક પણે ઉગાડાતું કે ખવાતું ધાન્ય નથી. પણ મહારાષ્ટ્ર અને કર્ણાટક, આંધ્રપ્રદેશ, તામીલનાડુ જેવા દક્ષિણ-પસ્ચીમી રાજ્યોમાં રાગી વ્યાપક પણે ઉગાડાય છે અને ખવાય છે. રાગીને મહારાષ્ટ્રમાં નાચણી પણ કહે છે. રાગી એક દાણાંદાર ધાન્ય છે. રાગીનાં ડૂંડા આંગળી જેવા લાંબા અને પતલાં હોય છે અને ઝુમખામાં ઉગે છે. જાણે કોઈનાં હાથ પરની આંગળીઓ હોય એવી લાંબી-પાતળી ડૂંડીઓમાં ઉગતી રાગીને અંગ્રેજીમાં 'ફીંગર મીલેટ' પણ કહે છે. ભારતમાં કર્ણાટક પુષ્કળ રાગી ઉગાડે છે. દક્ષિણ ભારતનાં રાજ્યોમાં રાગીના લોટના લાડુ બનાવીને ખવાય છે. ભારતમાં ઉગતી રાગીનો અડધો-અડધ હિસ્સો કર્ણાટકમાં જ ઉગે છે. રાગીનાં દાણાં રાયના દાણાં જેવા દેખાય છે. તે રંગે રતાશ પડતાં હોય છે. રાગીની ખાસીયત એ છે કે તે એક ખૂબ જ ખડતલ ધાન્ય છે. ઓછા-વધતા વરસાદ અને પ્રતિકુળ હવામાનમાં પણ રાગી ઉગી શકે છે. આટલું જ નહીં રાગીના દાણાં લાંબો સમય સારા રહે છે અને સંગ્રહ માટે પણ ખાસ કાળજી લેવી પડતી નથી.
રાગી એક ખૂબ જ પૌષ્ટિક ધાન્ય છે. દર 100 ગ્રામ દીઠ રાગી માંથી લગભગ 7-8 ગ્રામ પ્રોટીન, 90 ગ્રામ કાર્બોહાઈડ્રેટ આપે છે. આમ રાગી એ પ્રોટીન અને શક્તિ બેઉનો સારો સ્ત્રોત ગણી શકાય. દર 100 ગ્રામ દીઠ રાગીમાથી 3 ગ્રામ જેટલા રેષા મળે છે. રાગી ધાન્યમાં આવે અને બીજા ધાન્યોને જેમ જ સારી માત્રામાં ડાયેટરી ફાઈબર્સ એ રાગીનો વધારાનો ફાયદો ગણી શકાય. વધુ પડતાં મેંદા, રવા અને રીફાઈન્ડ લોટ, ઘઉં, પોલીશ્ડ ચોખાના ઉપયોગથી આજકાલ મોટા ભાગના લોકો કબજીયાત અને અપચાની તકલીફથી પીડાઈ રહ્યા છે. તેમના માટે રાગી સહેલાઈથી પચનારું અને કબજીયાતને દૂર રાખનારું ધાન્ય સાબિત થાય છે.
રાગીમાથી વિટામીન બી1, બી2 અને બી3 મળી રહે છે. વધુમાં રાગીમા ચરબીની માત્રા ખૂબ જ ઓછી માંડ 1-1.5 ગ્રામ જેટલી હોય છે. પણ રાગીનાં વખાણ તો એનાં કેલ્શીયમ માટે થાય છે. રાગીમાં સરેરાશ 360-380 મીલીગ્રામ જેટલી સારી માત્રામાં કેલ્શીયમ રહેલું હોય છે. કેલ્શીયમ દાંત અને હાડકાના બંધારણ માટે ખૂબ જરૂરી છે. આપણે ત્યાં બાળકોને 6 મહિના પછી માતાના દૂધ ઉપરાંત જે પૂરક આહાર અપાય છે તે કેવો આપવો તે વિશે હજુ જોઈએ તેવી જાગૃતિ પ્રવર્તતી નથી. અને મોડર્ન માતાઓ પણ તૈયાર બેબીફૂડ પર આધાર રાખતી થઈ ગઈ છે. આની બદલે રાગીને જો ખીર, પોરીજ, ખીચડી જેવા પૂરક આહારમાં સમાવાય તો બાળકના દાંત અને હાડકાના ડેવેલપમેંટલ સ્ટેજ સમાન આ સમયમાં પૂરતું કેળશીયમ મળી રહે. ઉપરાંત નોધપાત્ર બાબત એ પણ છે કે રાગી મીથીયોનીન નામના એમીનો એસીડનો પણ સારો સ્ત્રોત છે.
રાગી ભલે આપણા ગુજરાતીઓ માટે થોડું અજાણ્યું ધાન્ય લાગે પણ તે ઘણું પૌષ્ટિક હોવાથી તે ખાવું લાભદાયક છે. રાગી ખાતા રાજ્યોમાં તેને જુવાર-બાજરીની જેમ દળાવીને લોટ કરી લેવાય છે. આ લોટમાંથી રોટલા-ભાખરી જેવી વાનગીઓ બનાવાય છે. રાગીનાં લાડુ 'રાગી મુડ્ડે' તરીકે ઓળખાય છે. જે રીતે ઘઉંના લોટના લાડુ બને છે તે જ રીતે રાગીના લોટ્માંથી પણ લાડુ બનાવી શકાય છે. આ લાડુ કેલ્શીયમ સહિત વિવિધ પોષકતત્વોમાં સમૃધ્ધ હોવાથી જો બાળકોને નાસ્તામાં અપાય તો એક સરસ અને પૌષ્ટીક નાસ્તો બની શકે છે. વધુમાં સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે રાગીની વિવિધ વાનગીઓ ખૂબ પોષક છે.
6 મહિનાથી લઈને 2-3 વર્ષ સુધીના બાળકોને રાગી જરુર આપવી જોઈએ. તેમને રાગીની ખીર કે રાબ આપી શકાય. નાના બાળકોમાં અને સ્કૂલે જતા બાળકોમાં કેલ્શીયમની જરુરીયાત વધી જાય છે કેમકે તેમનું અસ્થીપીંજર નિર્માણ પામતું હોય છે અને ઉંચાઈ વધતી હોય છે. જ્યારે મોટી ઉંમરે હાડકામાંથી કેલ્શીયમ ઘસાવા લાગે છે. અને હાડકા બરડ બનવા લાગે છે. આથી આ બંને ઉંમર જૂથના લોકો માટે રાગીની બનાવટો શ્રેષ્ઠ છે.
સ્ત્રીઓમાં ખાસ કરીને 40 વર્ષ પછી અને રજોનિવૃત્તિના સમયગાળા દરમિયાન હાડકાનું કેલ્શીયમ ઘટવા લાગે છે. આ વખતે સ્ત્રીઓ અસ્થિછિદ્રતા કે ઓસ્ટીઓપોરોસીસ નો શિકાર બને છે. આવી સ્ત્રીઓ માટે પણ રોજિંદા ભોજનમાં ઘઊ -ચોખાની બદલે કેલ્શીયમમાં સમૃધ્ધ રાગીનો ઉપયોગ લાભદાયક છે.
જે લોકો રાગીના ગુણ જાણી ગયા છે તે તેનો રોજીંદો ઉપયોગ કરતાં થઈ ગયા છે. ગુજરાતમાં પણ હવે તો રાગી સહેલાઈથી મળી રહે છે. ઘણી વખત નવી અને પોષ્ટીક સામગ્રી વિશે જાણ્યાં પછી પણ ગૃહિણીઓ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે મુંઝવણ અનુભવતી હોય છે. રાગીનો ઉપયોગ વિવિધ રીતે કરી શકાય છે. જેમકે રાગીને ઘઉંના લોટમાં મેળવી રોટલી બનાવી શકાય છેરાગીના લોટનો રંગ સહેજ કાળાશ પડતો આવે છે આથી બાજરાના લોટની વાનગીઓ, મૂઠીયા, ઢેબરા વગેરેમાં તે સહેલાથી ભળે છે. આટલું જ નહીં રાગીને મીક્ષરમાં ક્રશ કરી દળી લઈને તેની દૂધ સાથેની ખીર કે રાબ બનાવી શકાય છે. આ ખીર દરેક ઉંમરના લોકો માટે પોષ્ટીક છે. રાગીના લોટને મૂઠીયા, પરોઠા, ઈડલી-ઢોસાના ખીરામાં ઉમેરી શકાય છે. પૂરી-સક્કરપારા, સેવ-ગાંઠીયા જેવી નાસ્તાની વાનગીઓમાં રાગીનો લોટ સહેલાઈથી ભળે છે. અમુક સંશોધકોએ રાગીનો ઉપયોગ કરીને ખીચડી, લાડુ, બાટી જેવી બનાવટો બનાવી હતી અને તે સ્વાસ્થ્યપ્રદ છે તેવું જણાવ્યુ હતું.
Share your comments