Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ઇટાલીના રોમમાં એફએઓ મુખ્યાલયમાં આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષના ઉદ્‌ઘાટન સમારોહ દરમિયાન પ્રધાનમંત્રીનો સંદેશ

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ 2023 શરૂ કરવા બદલ સંયુક્ત રાષ્ટ્ર અને ખાદ્ય અને કૃષિ સંગઠનને અભિનંદન પાઠવ્યા

"સદીમાં એક વખત આવતી મહામારી અને ત્યારબાદ સંઘર્ષની પરિસ્થિતિએ દર્શાવ્યું છે કે ખાદ્ય સુરક્ષા હજી પણ પૃથ્વી માટે ચિંતાનો વિષય છે"

"સમયની માગ એ છે કે ભવિષ્ય માટે બાજરીને ખોરાકની પસંદગી બનાવવી"

"બાજરી ગ્રાહક, ખેડૂત અને આબોહવા માટે સારી છે"

"બાજરી એ કૃષિ અને આહારની વિવિધતા વધારવાનો એક સારો માર્ગ છે"

"મિલેટ માઇન્ડફુલનેસ' સર્જવા માટે જાગૃતિ લાવવી એ આ ચળવળનો એક મહત્વપૂર્ણ ભાગ છે"

pm modi
pm modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇટાલીના રોમમાં ફૂડ એન્ડ એગ્રિકલ્ચરલ ઓર્ગેનાઇઝેશનનાં મુખ્યમથકે બાજરીનાં આંતરરાષ્ટ્રીય વર્ષના ઉદ્‌ઘાટન સમારંભમાં પોતાનો સંદેશો આપ્યો હતો. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી સુશ્રી શોભા કરંદલાજેએ રોમમાં ઉદ્ઘાટન સમારંભમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ઉપસ્થિત જનમેદનીને પ્રધાનમંત્રીનો સંદેશો વાંચી સંભળાવ્યો હતો. આ પ્રધાનમંત્રીનું વિઝન અને પહેલ છે, જેનાં પગલે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ 2023ને વિશ્વભરના 70થી વધુ દેશોનાં સમર્થન સાથે 'આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ' જાહેર કર્યું હતું. તે વિશ્વભરમાં સ્થાયી કૃષિમાં બાજરીની નોંધપાત્ર ભૂમિકા અને સ્માર્ટ અને સુપરફૂડ તરીકેના તેના ફાયદાઓ વિશે જાગૃતિ લાવવામાં મદદ કરશે.

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ 2023ના શુભારંભ માટે સંયુક્ત રાષ્ટ્ર અને ખાદ્ય અને કૃષિ સંગઠનને અભિનંદન પાઠવ્યા હતા તથા આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ ઉજવવામાં સાથસહકાર આપવા બદલ સભ્ય દેશોની પ્રશંસા કરી હતી.

બાજરી એ મનુષ્ય દ્વારા ઉગાડવામાં આવતા સૌથી પ્રારંભિક પાકોમાંનો એક છે અને તે પોષકતત્વોનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે તે અંગે માહિતી આપતા પ્રધાનમંત્રીએ તેને ભવિષ્ય માટે ખોરાકની પસંદગી બનાવવા પર ભાર મૂક્યો હતો. ખાદ્યાન્ન સુરક્ષાના પડકારોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ સદીમાં એકાદ વાર આવતી મહામારી અને સમગ્ર વિશ્વમાં ઊભા થયેલા સંઘર્ષોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આબોહવા પરિવર્તન ખોરાકની ઉપલબ્ધતાને કેવી રીતે અસર કરી રહ્યું છે તેના પર પણ વાત કરી હતી.

બાજરી સાથે સંબંધિત વૈશ્વિક ચળવળ ખાદ્ય સુરક્ષાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે એ બાબતનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બાજરીનો ઉછેર સરળ છે, આબોહવાને અનુકૂળ છે અને દુષ્કાળ પ્રતિરોધક છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે બાજરી સંતુલિત પોષણનો સમૃદ્ધ સ્ત્રોત છે, જે ખેતીની કુદરતી રીતો સાથે સુસંગત છે અને ઓછાં પાણીની જરૂર પડે છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, "બાજરી ઉપભોક્તા, ખેડૂત અને આબોહવા માટે સારી છે."

જમીન પર અને જમવાના મેજ પર વિવિધતાની જરૂરિયાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જો કૃષિ મોનોકલ્ચર બની જાય તો આપણાં સ્વાસ્થ્ય પર અસર થાય છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે, બાજરી કૃષિ અને આહારની વિવિધતા વધારવાનો સારો માર્ગ છે. પોતાના સંદેશને પૂર્ણ કરતી વખતે પ્રધાનમંત્રીએ 'મિલેટ માઇન્ડફુલનેસ' ઊભી કરવા જાગૃતિ ફેલાવવાનો ઉલ્લેખ કર્યો હતો તથા સંસ્થાઓ અને વ્યક્તિઓ ભજવી શકે તેવી અસાધારણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે સંસ્થાકીય તંત્રો બાજરીનાં ઉત્પાદનને પ્રોત્સાહન આપી શકે છે અને નીતિગત પહેલ દ્વારા તેને નફાકારક બનાવી શકે છે, ત્યારે વ્યક્તિઓ બાજરીને તેમના આહારનો એક ભાગ બનાવીને આરોગ્ય પ્રત્યે સભાન અને ગ્રહ-મૈત્રીપૂર્ણ પસંદગીઓ કરી શકે છે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીનો સંદેશો નીચે મુજબ છેઃ

"હું આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ 2023 શરૂ કરવા બદલ સંયુક્ત રાષ્ટ્ર અને ખાદ્ય અને કૃષિ સંગઠનને અભિનંદન આપવા માગું છું.

હું વિવિધ સભ્ય રાષ્ટ્રોની પણ પ્રશંસા કરું છું જેમણે બાજરીનાં આંતરરાષ્ટ્રીય વર્ષ મનાવવાં અમારા પ્રસ્તાવને ટેકો આપ્યો હતો.

બાજરીનો મનુષ્ય દ્વારા ઉગાડવામાં આવતા પ્રારંભિક પાકમાંનો ગૌરવપૂર્ણ ઇતિહાસ છે. તે ભૂતકાળમાં ખોરાકનો એક મહત્વપૂર્ણ સ્રોત રહી છે. પરંતુ સમયની જરૂરિયાત એ છે કે તેને ભવિષ્ય માટે ખોરાકની પસંદગી બનાવવી!

સદીમાં એક વખત આવતી મહામારી અને ત્યાર બાદ સંઘર્ષની સ્થિતિ સર્જાઈ હતી, જે દર્શાવે છે કે ખાદ્ય સુરક્ષા હજુ પણ આ ગ્રહ માટે ચિંતાનો વિષય છે. જળવાયુ પરિવર્તનથી ખોરાકની ઉપલબ્ધતા પર પણ અસર પડી શકે છે.

આવા સમયે, બાજરીને લગતી વૈશ્વિક ચળવળ એક મહત્વપૂર્ણ પગલું છે, કારણ કે તે ઉગાડવામાં સરળ, આબોહવાની રીતે સ્થિતિસ્થાપક અને દુષ્કાળ પ્રતિરોધક છે.

બાજરી ગ્રાહક, ખેડૂત અને આબોહવા માટે સારી છે. તે ગ્રાહકો માટે સંતુલિત પોષણનો સમૃદ્ધ સ્રોત છે. તે ખેડૂતો અને આપણાં પર્યાવરણને લાભ આપે છે કારણ કે તેને ઓછાં પાણીની જરૂર હોય છે અને ખેતીની કુદરતી રીતો સાથે સુસંગત છે.

જમીન પર અને આપણા મેજ પર વિવિધતાની જરૂર છે. જો ખેતી મોનોકલ્ચર બની જાય, તો તે આપણાં સ્વાસ્થ્ય અને આપણી જમીનોનાં સ્વાસ્થ્યને અસર કરે છે. કૃષિ અને આહારની વિવિધતા વધારવા માટે બાજરી એ એક સારો માર્ગ છે.

'મિલેટ માઇન્ડફુલનેસ' સર્જવા માટે જાગૃતિ લાવવી એ આ ચળવળનો એક મહત્વપૂર્ણ ભાગ છે. સંસ્થાઓ અને વ્યક્તિઓ બંને જબરદસ્ત પ્રભાવ પાડી શકે છે.

જ્યારે સંસ્થાકીય તંત્ર બાજરીનાં ઉત્પાદનને પ્રોત્સાહિત કરી શકે છે અને નીતિગત પહેલ દ્વારા તેને નફાકારક બનાવી શકે છે, ત્યારે વ્યક્તિઓ બાજરીને તેમના આહારનો એક ભાગ બનાવીને આરોગ્ય પ્રત્યે સભાન અને ગ્રહ-મૈત્રીપૂર્ણ પસંદગીઓ કરી શકે છે.

હું સકારાત્મક છું કે આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ 2023 સુરક્ષિત, ટકાઉ અને તંદુરસ્ત ભવિષ્યની દિશામાં એક જન આંદોલન શરૂ કરશે."

પશ્ચાદભૂમિકા

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ 2023ને 'આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ' જાહેર કર્યું છે. પ્રધાનમંત્રીનું વિઝન અને પહેલને કારણે જ સંયુક્ત રાષ્ટ્રનો આ ઠરાવ દુનિયાભરના 70થી વધારે દેશોનાં સમર્થનથી પસાર કરવામાં આવ્યો હતો. તે વિશ્વભરમાં સ્થાયી કૃષિમાં બાજરીની નોંધપાત્ર ભૂમિકા અને સ્માર્ટ અને સુપરફૂડ તરીકેના તેના ફાયદાઓ વિશે જાગૃતિ લાવવામાં મદદ કરશે. ભારત 170 લાખ ટનથી વધુ ઉત્પાદન સાથે બાજરી માટેનું વૈશ્વિક કેન્દ્ર બનવાની તૈયારીમાં છે, જે એશિયામાં ઉત્પાદિત બાજરીનો 80 ટકાથી વધુ હિસ્સો બનાવે છે. આ અનાજના પ્રારંભિક પુરાવા સિંધુ સંસ્કૃતિમાં મળી આવ્યા છે અને તે ખોરાક માટે ઉછરેલા પ્રથમ છોડમાંનો એક હતો. તે લગભગ 131 દેશોમાં ઉગાડવામાં આવે છે અને એશિયા અને આફ્રિકામાં આશરે 60 કરોડ લોકો માટે પરંપરાગત ખોરાક છે.

ભારત સરકારે ભારતીય બાજરી, વાનગીઓ અને મૂલ્ય વર્ધિત ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે સ્વીકારવામાં આવે તે માટે તેને જન આંદોલન બનાવવા માટે આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ 2023ની ઉજવણી કરવાની જાહેરાત કરી છે. 'આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ'નો અર્થ વૈશ્વિક ઉત્પાદન વધારવા, કાર્યક્ષમ પ્રોસેસિંગ અને વપરાશની ખાતરી કરવા, પાકના રોટેશનના વધુ સારા ઉપયોગને પ્રોત્સાહન આપવા અને ફૂડ બાસ્કૅટનાં મુખ્ય ઘટક તરીકે બાજરીને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર ખાદ્ય પ્રણાલીમાં વધુ સારાં જોડાણને પ્રોત્સાહિત કરવા માટે અનન્ય તક પૂરી પાડવાનો છે.

એફએઓએ એક સંક્ષિપ્ત સંદેશમાં જણાવ્યું હતું કે એફએઓ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ (આઇવાયએમ) 2023ના ઉદ્‌ઘાટન સમારોહનો ઉદ્દેશ એફએઓ સભ્યો અને અન્ય સંબંધિત હિસ્સેદારોને જોડીને અને બાજરીનાં ટકાઉ વાવેતર અને વપરાશને પ્રોત્સાહન આપવાના ફાયદાઓ પર પ્રકાશ પાડીને આઇવાયએમ 2023 માટે જાગૃતિ લાવવાનો અને વેગ આપવાનો છે.

આ પણ વાંચો:સંસદના શિયાળુ સત્રની શરૂઆત પહેલા પ્રધાનમંત્રીની ટિપ્પણીનો મૂળપાઠ

Share your comments

Subscribe Magazine

More on News

More