વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઑક્ટોબરના રોજ સીપ્લેન (Seaplane) સર્વિસનું લોકાર્પણ કરશે. પૂર્વે નક્કી થયુ હતું કે PM મોદી સીધા નર્મદા જિલ્લાના કેવડિયા કૉલોની જશે, પણ ગઈકાલે ભૂતપુર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું 93 વર્ષની વયે અવસાન થતા પીએમ મોદી 30મી ઑક્ટોબરે ગાંધીનગર પહોંચ્યા અને ભૂતપુર્વ મુખ્યમંત્રીના પરિવારજનોને મળી તેમને સાંત્વના પાઠવી. ત્યાર બાદ મોદી કેવડિયા કૉલોની ખાતે આવેલ સરદાર સરોવર નર્મદા ડૅમ તથા ત્યાં સ્થપાયેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટૅચ્યૂ ઑફ યૂનિટની મુલાકાતે પહોંચ્યા અને વિવિધ પ્રકલ્પનોનું લોકાર્પણ તેમજ શિલાન્યાસની શ્રૃંખલા શરુ કરી.
PM મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન ઘણા કાર્યક્રમોમાં હાજર રહેવાના છે, પરંતુ સૌથી વધુ ચર્ચા છે સીપ્લેનની. મોદી ગુજરાતમાં કેવડિયા કૉલોની સ્થિત સરદાર સરોવર ડૅમથી અમદાવાદ સાબરમતી રિવરફ્રંટ સુધીની સી-પ્લેન સેવાનું લોકાર્પણ 31 ઑક્ટોબરે કરવાના છે. મોદી જે સીપ્લેનનો શુભારંભ કરાવી રહ્યા છે, તે આશરે 3377 કિલોગ્રામ વજન ધરાવે છે તેમ જ મહત્તમ આશરે 5,600 કિગ્રા વજન સાથે ઉડી શકે છે.
સી-પ્લેન શું ક્ષમતા ધરાવે છે ?
આ સી-પ્લેન 3,377 કિલોગ્રામ વજન ધરાવે છે અને મહત્તમ 5,670 કિગ્રા વજન સાથે ઉડી શકે છે. તેની લંબાઈ 15.77 મીટર એટલે કે આશરે 51 ફુટ અને ઊંચાઈ 5.94 મીટર (19 ફુટ) છે. આ પ્લેન બે એંજિન ધરાવે છે. તે પ્રતિ કલાક 272 કિગ્રા બળતણનો વપરાશ કરે છે. આ સી-પ્લેન 19 જેટલા મુસાફરોને વહન કરવાની ક્ષમતા ધરાવે છે. તે સંપૂર્ણપણે કૉમ્પ્યુટરથી નિયંત્રિત વ્યવસ્થા ધરાવે છે.
સી-પ્લેનના લોકાર્પણ અગાઉ પૂર્વતૈયારીઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી-પ્લેનનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે, ત્યારે અમદાવાદ ખાતે આ માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન (AMC) દ્વારા સી-પ્લેન માટે તૈયાર કરેલા જેટીનો કબ્જો નાગરિક ઉડ્ડયન વિભાગે સોંપી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રંટ અને આશ્રમ રોડને જોડતા રિવરફ્રંટના તમામ રોડ માર્ગો 31મી ઑક્ટોબરના રોજ બંધ કરી દેવામાં આવ્યા છે.
સાબરમતી નદીમાં કુલ પાંચ રેસ્ક્યૂ બોટ ગોઠવવામાં આવી રહી છે. આ માટે તેનું ટેસ્ટિંગ પણ થઈ રહ્યુ છે.
Share your comments