વર્ષ 2011ની વસતી ગણતરી સમયે ભારત પાણીની અછત ધરાવતા દેશોની યાદીમાં સ્થાન ધરાવતો હતો. કોઈ પણ દેશ પાણીની અછત ધરાવતો દેશ ત્યારે માનવામાં આવે છે કે જ્યારે પ્રતિવ્યક્તિ પાણીની ઉપલબ્ધતા ઘટીને 1,700 ક્યૂબિક મીટરથી ઓછી થઈ જાય છે. આ સદી પૂર્વે એટલે કે ગત 20મી સદી વ્યક્તિદીઠ પાણીની ઉપલબ્ધતા 15 ટકા ઘટી 1545 ક્યૂબિક મીટર થઈ ગઈ હતી કે જે હવે વધુ ઘટીને 1,400 ક્યૂબિક મીટર પ્રતિવ્યક્તિના સ્તરથી પણ નીચે આવી ગઈ છે. અલબત્ત છેલ્લા કેટલાક વર્ષોમાં પાણીની અછતને લગતી સમસ્યા કઇંક હદે ઓછી કરી શકાઈ છે, પરંતુ આપણા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા પાણીનું પ્રમાણ કુદરત દ્વારા કરવામાં આવતી ભરપાઈ કરતા ઘણુ વધારે છે. આ વાત એક રીતે તો જોખમી પણ છે. જો આપણે આ સ્થિતિને ઉલટાવવાનો પ્રયત્ન નહીં કરીએ, તો આપણી આગામી પેઢીને પાણીની અછતની મોટી મુશ્કેલીની સોગાદ આપીને જઇશું.
કેન્દ્રીય જળ આયોગ (CWC)ના આંકડાઓ પ્રમાણે વર્ષ 2000માં ઉપયોગ કરવામાં આવેલ પાણી પૈકી 85.3 ટકા ભાગ ખેતીવાડીના કામમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વપરાશ વર્ષ 2025 સુધીમાં ઘટીને 83.3 ટકા રહેવાની શક્યતા છે. ભારતની મહત્વની 140 મિલિયન હૅક્ટર કૃષિ જમીન પૈકી 48.6 ટકા જમીનમાં ખેતીવાડી પાણીથી સિંચાઈ થાય છે. પંજાબ અને હરિયાણા, ઉત્તરાખંડ તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશની ખેતીવાડી સિંચાઈ સુવિધાથી સજ્જ છે. અહીં હિમાલયમાંથી વહેતી નદીના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, પણ જેમ-જેમ ઉત્તર ભારતથી દક્ષિણ ભારતના મેદાની વિસ્તારો તરફ જઇએ, તેમ-તેમ પાણીની ઉપલબ્ધતાની સ્થિતિ વિકટ બની જાય છે. બુંદેલખંડ, મરાઠવાડા અને દક્ખન ક્ષેત્રોમાં પાણીની ઉપલબ્ધતા વિકટ સ્વરૂપ ધારણ કરી લે છે. તામિળનાડુ અને કર્ણાટક વચ્ચે કાવેરી નદી જળ વહેંચણીને લઈ લાંબી કાયદાકીય લડાઈ તથા રાજકીય વિવાદનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા બંધને લઈને ચાલેલા લાંબા વિવાદના કારણે નર્મદા નદીના પાણીને ગુજરાતના આંતરિયાળ વિસ્તારો સુધી પહોંચાડવામાં પણ લાંબી રાહ જોવી પડી.
ભારતમાં રિસાયકલિંગ અને ખેતરોમાં પાણી પુરવઠાની નીતિ બન્ને બદલવાની જરૂર
ભારતમાં જળ સંકટમાં ઘટાડો કરવા માટે રિસાયકલિંગ અને પાણીના સપ્લાઇ કરવાની પદ્ધતિમાં ફેરફાર કરવાની તાતી જરૂર છે. રિસાયકલિંગવાળા પાણીને ખેતી માટે સપ્લાઇ કરવામાં આવતા પાણીમાં સામેલ કરવાથી બે મોટી સમસ્યાઓનો ઉકેલ મેળવી શકાય છે. તેનાથી ખેતીવાડી ક્ષેત્રે પાણીની અછતને પૂરી કરી શકાશે તેમ જ ખેતીવાડી ક્ષેત્રે ઉપયોગમાં લેવામાં આવતા શુદ્ધ પીવાલાયક પાણીને ઘર વપરાશ તરફ વાળી શકાશે. આ સાથે પાણીના પ્રદૂષણની અસરને પણ મહદ અંશે ખાળી શકાશે.
સિંચાઈ માટે કેનાલ વાળી વ્યવસ્થાના સ્થાને મોટા વ્યાસવાળી પાઇપનો ઉત્તમ વિકલ્પ
સિંચાઈ માટે મેઢવાળી (પાળવાળી) નહેરોની સરખામણીમાં મોટા વ્યાસવાળી પ્રીફૅબ્રિકેટેડ કૉંક્રિટ પાઇપ સસ્તી પડે છે અને જલ્દીથી લગાવી શકાય છે. આ ઉપરાંત પાણીના નિકાલની જગ્યાએ તેને નિયંત્રિત કરી શકાય છે. પાણીની પાઇપ સાથે સબમર્શિબલ પમ્પ્સ લગાવવા શક્ય નથી અને તેનાથી પાણી તથા ઊર્જાની બચત થાય છે, પરુતુ તેને બદલે સૌર ઊર્જાવાળી ડ્રિપ ઇરિગેશન કિટ્સ વિકસિત કરવામાં આવેલી છે અને તેનો દેશમાં ઉપયોગ કરી શકાય છે. આ રીતે પણ પાક માટે પાણી તથા ઊર્જાનો ખેડૂતો ઉત્તમ રીતે ઉપયોગ કરવાનો વિકલ્પ મેળવી શકે છે.
અનેક વિકસિત દેશોની સાથે હવે ઉભરતી અર્થ વ્યવસ્થા તરીકે આગળ વધી રહેલા ભારતમાં મોટા વ્યાસવાળી પાઇપોનો સિંચાઈ ક્ષેત્રે ઉપયોગ ધીમે-ધીમે વધી રહ્યો છે.
Share your comments