પાટનગર દિલ્લી ખાતે આવેલ ભારત મંડપમની આજે વડા પ્રધાન નરેંદ્રભાઈ મોદીએ મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ ગ્રામીણ ભારત ઉત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું હતો અને તેમના સાથે આવેલ કલાકારો સાથે પણ વાતચીત કરી હતી. આ પ્રસંગે કેંદ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ હાજર હતા. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) ના ચેરમેન શાજી કે.વી દ્વારા વડા પ્રધાન મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વડા પ્રધાને કહ્યું હતું કે 2014 થી સતત હું દરેક ક્ષણે ગ્રામીણ ભારતની સેવામાં વ્યવસ્ત છું. ગ્રામીણ લોકોને ગૌરવપૂર્ણ જીવન પ્રદાન કરવું એ મારી સરકારની પ્રાથમિકતા છે.
ગામના લોકોને સશક્ત બનાવવું મોદી સરકારનો મિશન
પીએમ મોદીએ કહ્યું કે અમારૂં લક્ષ્ય ભારતના ગામોને ત્યાંના લોકોને સશક્ત કરવાનું છે અને તેમને ગામડાઓમાં જ પ્રગતિ કરવાની વધુમાં વધુ તક મળે તેને લઈને અમે સતત કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ગામના લોકોનું જીવન સરળ હોવું જોઈએ, એટલે અમે ભારતના ગ્રામીણ વિસ્તાર માટે મૂળભૂત સુવિધાઓની ખાતરી આપવાનું અભિયાન શરૂ કર્યું છે. અમારી સરકાર દ્વારા ગામના દરેક વર્ગ માટે વિશેષ નીતિઓ બનાવવામાં આવી છે જે ગ્રામાણ અર્થતંત્રને મજબૂત કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.જણાવી દઈએ કે ફક્ત 2-3 દિવસ પહેલા કેબિનેટે પીએમ પાક વીમા યોજનાને વધુ એક વર્ષ માટે ચાલુ રાખવાની મંજૂરી આપી છે.
સબસિડી વધારીને DAPની કિંમત સ્થિર રાખવામાં આવી
PMએ કહ્યું કે વિશ્વમાં DAP ખાતરની કિંમત વધી રહી છે, તે આકાશને સ્પર્શી રહી છે. જો આપણા ખેડુતને વિશ્વમાં પ્રવર્તતા ભાવો પ્રમાણે ખરીદી કરવી હોત તો તેના પર એટલો બોજ નાખવામાં આવ્યો હોત કે ખેડૂત ક્યારેય ઉભો ન રહી શક્યો હોત, પરંતુ અમે નક્કી કર્યું છે કે અમે ખેડૂતના માથે બોજ નહીં આવવા દઈએ તેથી અમે સબસિડી વધારીને ડીએપીની કિંમત સ્થિર રાખવાનું પ્રયાય કર્યો છે. અમારી સરકારના હેતુઓ, નીતિઓ અને નિર્ણયો ગ્રામીણ ભારતને નવી ઊર્જાથી ભરી રહ્યા છે.
ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી ઘટી
પીએમએ જણાવ્યું કે ગઈકાલે જ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો રિપોર્ટ બહાર આવ્યો, જે મુજબ ભારતમાં ગ્રામીણ ગરીબી 2012માં લગભગ 26 ટકા હતી. જ્યારે 2024માં ભારતમાં ગ્રામીણ ગરીબી ઘટીને 5 ટકાથી ઓછી થઈ ગઈ છે. અગાઉની સરકારોએ SC-ST-OBCની જરૂરિયાતો પર ધ્યાન આપ્યું ન હતું. ગામડાઓમાંથી સ્થળાંતર ચાલુ રહ્યું, ગરીબી વધતી રહી, ગામ અને શહેર વચ્ચેનું અંતર વધતું રહ્યું. મોદી તેમની પૂજા કરે છે જેમના વિશે કોઈ પૂછતું નથી. દાયકાઓથી વિકાસથી વંચિત રહેલા વિસ્તારોને હવે સમાન અધિકાર મળી રહ્યા છે.
નોંધ: ભારત મંડપમમાં યોજાઈ રહેલા ગ્રામીણ ભારત કાર્યક્ર્મ 9 જાન્યુઆરી 2025 સુધી ચાલશે. જ્યાં દેશભરના કેટલાક એફપીઓ અને કૃષિ ક્ષેત્રથી જોડાયેલી કંપનીઓએ પોતાના સ્ટોલ ઉભો કર્યો છે.
Share your comments