કૃષિ ઉત્પાદન વધારવામાં વિકસિત ખેતી પધ્ધ્તિઓ પૈકી રાસાયણિક ખાતરોનો ફાળો ખૂબજ મહત્વનો છે. રાસાયણિક ખાતર એ પાક ઉત્પાદન વધારવા માટેનું એક અગત્યનુ ઘટક છે. જેનો પાક ઉત્પાદનમાં ૪૧ ટકા જેટલો નોંધનીય ફાળો છે. છોડને જરૂરી એવા અગત્યના ૧૬ તત્વ છોડની સંતોષકારકવૃદ્ધિ અને જીવનક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે જરૂરી છે. માનવજીવનના અસ્તિત્વ માટે હવા, પાણી, ખોરાક, પ્રકાશ વગેરેની જરૂરીયાત છે તેવી જ રીતે વનસ્પતિ માટે પણ આ બધા જ ઘટકો આવશ્યક છે પોષકતત્વો એ વનસ્પતિનો મૂળભૂત ખોરાક છે. છોડને જરૂરી ૧૬ પોષકતત્વો નીચે મુજબ છે.
૧. કાર્બન, હાઈડ્રોજન અને ઓકસીજન :
- આ ત્રણ તત્વો હવા તથા પાણીમાથી મળી રહે છે. તેથી ખાતરો દ્વારા આપવાની ભલામણ થતી નથી.
ર. નાઈટ્રોજન , ફોસ્ફરસ અને પોટાશ :
- આ ત્રણ તત્વો મુખ્ય પોષકતત્વો તરીકે ઓળખાય છે.
૩. ગંધક, કેલ્શીયમ અને મેગ્નેશીયમ :
આ ત્રણ તત્વો ગૌણ પોષકતત્વો તરીકે ઓળખાય છે.
૪. તાંબુ , જસત ,લોહ , મેંગેનીઝ , બોરોન , મોલીબ્ડેનમ અને કલોરીન :
- આ સાત તત્વો સુક્ષમતત્વ તરીકે ઓળખાય છે.
- ઘનિષ્ઠ ખેતી પધ્ધતિમાં વર્ષમાં બે થી ત્રણ વાર પાકો લેવામાં આવે છે. તેમજ વધુ ઉત્પાદન આપતી જાતોનાં વધતા વાવેતરના કારણે અને રાસાયણિક ખાતરોના બહોળા વપરાશને લીધે પાકના કુલ ઉત્પાદનમાં ધીરે ધીરે નોંધપાત્ર વધારો થઈ રહેલ છે. પરિણામે જમીનમાથી મુખ્ય પોષકતત્વોની સાથે સુક્ષમ પોષકતત્વોનો ઉપાડ પણ વધી રહેલ છે. તેથી જમીનમાં તેની અછત વર્તાવા લાગી છે. રાસાયણિક ખાતરોની સરખામણીમાં આ તત્વોનું પ્રમાણ સેન્દ્રીય ખાતરોમાં વિશેષ હોય છે.
ગુજરાતની જમીનોમાં મુખ્ય, ગૈાણ તેમજ સુક્ષમતત્વોની ઉણપ :
- મુખ્યતત્વોમાં ખાસ કરીને નાઈટ્રોજનની અછતવાળો વિસ્તાર ગુજરાતની જમીનોમાં સરેરાશ ૭ર ટકા જેટલો છે.
- ફોસ્ફરસ અને પોટાશની ખામીવાળો વિસ્તાર અનુક્રમે ૩૬ અને ર૦ ટકા જેટલો થવા જાય છે.
- ગૈાણતત્વોમાં ગંધકની ઉણપવાળો વિસ્તાર સરેરાશ ૪૦ ટકા જેટલો છે.
- સેોરાષ્ટ્રની જમીનોમાં ગંધકની ઉણપ વિશેષ્ા પ્રમાણમાં જોવા મળે છે.
- રાજયના કુલ વાવેતર વિસ્તારમાં ૪૯ ટકા વિસ્તારમાં જસતની ઉણપ અને ર૯ ટકા વિસ્તારમાં લોહની ઉણપ જણાય છે.
- ઉત્તર ગુજરાત, કચ્છ અને સૈારાષ્ટ્રની ચૂનાયુકત જમીનમાં જસત અને લોહની ઉણપ સવિશેષજોવા મળે છે. ગુજરાતમાં મેંગેનીઝ ૧૭ ટકા, તાંબુ ૧ર ટકા, બોરોન ૬ ટકા અને મોલીબ્ડેનમ ૧૦ ટકાની અપૂરતાવાળો વિસ્તાર નોંધાયેલ છે.
જમીનમાં પોષકતત્વોની ઉણપ થવાના કારણો વિશે જોઈએ તો મુખ્યત્વે ઘનિષ્ઠ ખેતી પધ્ધતિઓના કારણે જુદા જુદા પાકો ધ્વારા વિપૂલ પ્રમાણમાં પોષકતત્વનોઉપાડ થવાની સાથે સાથે જુદા જુદા નિંદામણો ધ્વારા પણ ઉપાડ થવાથી, અમુક પોષકતત્વો નિતાર ધ્વારા વ્યય થવાથી તેમજ જમીનના ધોવાણને લીધે અમુક પોષકતત્વો વાયરૂપે ઉડી જવાથી જમીનમાં પોષકતત્વોની ઉણપ વર્તાયેલ છે.
જમીનની ફળદ્રુપતા તથા ઉત્પાદન જાળવવા બધા જ જરૂરી તત્વો પ્રમાણસર જમીનમાં ઉપલબ્ધ હોવા જરૂરી છે. તેથી જમીનમાં કયા તત્વની ઉણપ વરતાય છે તે જાણવુ જરૂરી છે, જે જમીનનાં તથા છોડના વિશ્લેષણ પરથી જાણી શકાય છે અગર તો છોડ ઉપરના લાક્ષાણિક ચિન્હો દ્વારા જાણી શકાય છે. આ ચિન્હો ઓળખવા માટે બહોળા અનુભવ તેમજ આવશ્યક તત્વની ખાસીયતનું જ્ઞાન જરૂરી છે. જેથી સાચુ નિદાન થઈ શકે અને માત્ર ખુટતા તત્વની જ પુર્તી કરવાથી વિશેષ ફાયદો મેળવી શકાય છે.
ફોસ્ફરસ
- છોડમાં કોષના વિભાજનમાં તેમજ ચરબીના સંશ્લેષણમાં ફોસ્ફરસ આવશ્યક છે.
- છોડમાં ફૂલ, ફળ અને બીજ બનાવવામાં મદદ કરે છે.
- મૂળનો વિકાસ સારી રીતે થાય છે. પ્રકાંડને મજબૂત બનાવી પાકને ઢળતો અટકાવે છે.
- ગુણવતા વધારે છે.
- ફોસ્ફરસ શકિતની હેરફેરમાં તેમજ કાર્બોહાઈડ્રેટ, ચરબી અને એમિનોએસિડની રસાયણની ક્રિયામાં તેમજ ઉપચયનમાં અગત્યનો ભાગ ભજવે છે.
પોટેશ્યમ
- પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં અને કાર્બોહાઈડ્રેટ ના સંશ્લેષણ માટે ખાસ જરૂરી છે.
- પોટેશ્યમ છોડની કેટલીક મહત્વની દેહધાર્મિક ક્રિયાઓમાં અગત્યની કામગીરી બજાવે છે સાથે સાથે જુદા જુદા ઉત્સેચકોને સક્રીય કરે છે.
- કાર્બોહાઈડ્રેટનું સ્થળાંતર અને સંગ્રહ, નાઈટ્રોજનનો ઉપાડ અને પ્રોટીન સંશ્લેષણની ક્રિયાઓમાં અગત્યનો ભાગ ભજવે છે.
- છોડમાં પાણીની જાણવણી, છોડને રોગજીવાત તેમજ પાણીની અછત સામે પ્રતિકારક શકિત આપે છે. પાકની ઉત્પાદન ગુણવતામાં વધારો કરે છે.
- તેલના ટકામાં વધારો કરે છે.
કેલ્શિયમ
- છોડના પાયાના બંધારણમાં મુખ્ય ધટક તરીકે કામ કરે છે.
- છોડના મૂળિયાઓની તેમજ છોડની વૃદ્ધિ માટે જરૂરી છે.ફૂલ બનવાની ક્રિયામાં પણ તે ઉપયોગી છે.
- કેલ્શિયમ છોડમાં પ્રોટીનની બનાવટ સાથે પણ સંકળાયેલ છે.
મેગ્નેશિયમ
- છોડમાં નીલરસના બંધારણમાં એક માત્ર ખનિજતત્વ તરીકે આવેલું છે.
- મેગ્નેશિયમ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલું છે.
- તે છોડવાઓમાં ફોસ્ફેટની હેરફેર અને ચયાપચય સાથે સંકળાયેલું છે.
ગંધક
- તે છોડમાં એમીનો એસીડ અને પ્રોટીનની બનાવટમાં મુખ્ય ભાગ ભજવે છે.
- દાણામાં તેલનું પ્રમાણ વધારે છે.
- પાકની પેદાશોની ગુણવતા સુધારે છે. છોડમાં નાઈટ્રોજનનું પ્રોટીનમાં રૂપાંતર કરે છે.
લોહ : છોડાના પાંદડામાં નીલકણોનાં બનાવવામાં જરૂરી છે.
જસત : છોડમાં રહેલ વિવિધ અંત:સ્ત્રાવોની કિ્રયામાં અગત્યનો ભાગ ભજવે છે.
તાંબુ : છોડમાં રહેલ જુદા જુદા ઉત્સેચકોનાં બંધારણમાં જરૂરી છે.
બોરોન: છોડમાં પ્રોટીન બનવા માટે જરૂરી છે.
મેંગેનીઝ : છોડમાં બનતા કાર્બોદિત ઘટકોનાં સ્થળાંતરમાં ઉપયોગી બને છે.
મોલીબ્ડેનમ : છોડમાં બનતા કાર્બોદિત ઘટકોનાં સ્થળાંતરમાં ઉપયોગી બને છે.
કલોરીન : છોડમાં થતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પ્રાણવાયુ પુરો પાડે છે.
જમીનમાં પોષકતત્વોની ખામી ઉભી થવાના કારણો
(૧) ઘનિષ્ઠ ખેતી પધ્ધતીનું પ્રમાણ વધારે થવાથી
(ર) વધુ ઉત્પાદન આપતી સુધારેલ તેમજ શંકર જાતોનું વાવેતર વધવાથી
(૩) વધુ ટકાવાળા તેમજ શુધ્ધતાવાળા રાસાયણિક ખાતરોનો વધુ પડતો વપરાશ કરવાથી.
(૪) ગંધક રહિત ખાતરો જેવા કે યુરીયા, ડીએપી અને મ્યુરેટ ઓફ પોટાશ જેવા ખાતરોનો વધુ પડતો ઉપયોગથી ગંધકની ખામી
(પ) દર વર્ષે એક જ પ્રકારના પાકનું વારંવાર થતુ વાવેતર
(૬)સેન્દ્રીય ખાતરો જેવા કે છાણિયું ખાતર, કમ્પોસ્ટ કે ખોળનો ઉપયોગ ઘટવાથી.
આ ઉપરાંત જમીનના અમુક પ્રકારના ગુણધર્મોને કારણે પણ પોષક તત્વોની છોડમાં ખામી જોવા મળે છે જેવા કે જમીનનો પ્રતિક્રયા આંક, જમીનનું પોત, જમીનનું પ્રત, સેન્દ્રીય પદાર્થનું પ્રમાણ, વગેરે પોષક તત્વોની પુર્તી કરતી વખતે ધ્યાનમાં રાખવા અત્યંત જરૂરી છે
છોડમાં પોષક તત્વોની ઉણપ
પોષક તત્વોની ઉણપના લાક્ષાણિક ચિન્હો છોડના જુદા જુદા ભાગો ઉપર જોવા મળે છે. જેમ કે સારી રીતે વહન પામતા તત્વોના ઉણપ ચિન્હો પ્રથમ છોડના જુના નીચેના પાન ઉપર જોવા મળે છે. જયારે વહન ન થઈ શકે અથવા ઓછા વહન થઈ શકે તેવા તત્વોની ઉણપના ચિન્હો પ્રથમ કુમળા નવા પાન ઉપર જોવા મળે છે. દા.ત. જસત, લોહ, મેંગેનીઝ, તાંબુ અને બોરોન ઓછી વહનના ધરાવે છે. જયારે મોલીબ્ડેનમ મધ્યમ અને કલોરીન જેવા તત્વો નાઈટ્રોજનની માફક સારી વહન ક્ષામતા ધરાવે છે. ખાસ કરીને છોડના પીળા પડવાનું લક્ષાણ ઘણા તત્વોની ઉણપના લીધે જોવા મળતું હોય છે. આ સંજોગોમાં છોડના કયા પાન ઉપર નીલકણોની ઉણપ વર્તાય છે અને તેથી પાન પીળા પડે છે તેને ધ્યાનમાં લેવાથી ઉણપવાળું તત્વ નકકી કરવામાં મદદ મળે છે. દા.ત. નીચેના પાન ઉપર જોવા મળે તો તે ગંધકની ઉણપ હોઈ શકે, વળી જો ઉપરના પાનમાં આ પીળાશ માત્ર નસોની વચ્ચે હોય અને નસો લીલી માલુમ પડે તો લોહની ઉણપ હોઈ શકે.
- છોડના નીચેના જુના પાન ઉપર: નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, મેગ્નેશિયમ, જસત અને મોલીબ્ડેનમ
- છોડના ટોચની કૂંપળોમાં: કેલ્શિયમ અને બોરોન.
- છોડના નવા પાન ઉપર: ગંધક, લોહ, તાંબુ અને મેંગેનીઝ.
Share your comments