એન.પી.વી. નું દ્રાવણ બનાવવાની રીત:
ખેતરમાંથી નાની નાની લીલી ઈયળો ભેગી કરીની તેને ઊછેરવામાં આવે છે. લીલી ઈયળનું એન.પી.વી બનાવવા માટે ચણાનાં દાણાને ૨૪ કલાક સુધી વિષાણુજન્ય દ્રાવણમા બોળી રાખીને તે દાણાને ત્રીજી અવસ્થાની લીલી ઈયળોને ખવડાવવામાં આવે છે. આવા વિષાણુજન્ય ચણાના દાણા ખવડાવવાથી લીલી ઈયળોના શરીરમાં વિષાણું જતા તેને રોગ લાગુ પડે છે. આવી વિષાણુજન્ય રોગ લાગેલી મરેલી મોટી ઈયળોને એક કાચના વાસણમાં ભેગી કરવામાં આવે છે. આવીજ રીતે પાન ખાનરી ઈયળોનું એન.પી.વી.નુ દ્રાવણ બનાવવા માટે ખેતરમાથી ભેગી કરેલી નાની ઈયળોને પાન ખાનાર ઈયળના એન.પી.વી.નું દ્રાવણ છાંટેલા દિવેલાના પાન ખવડાવવામાં આવે છે.
આવી ઈયળો વિષાણુયુક્ત પાન ખાતા તેને પણ રોગ લાગુ પડે છે. આવી વિષાણુજન્ય રોગ લાગેલી ૧૦૦ ઈયળોને એક કાચના વાસણમાં ભેગી કરો. બંને પ્રકારના વિષાણુજન્ય રોગવાળી ઈયળોને કાચના વાસણમાં અલગ અલગ રાખીને તેમાં ડીસ્ટીલ વોટર ઉમેરી ઈયળોને છુંદી નાખવામાં આવે છે. આવી ઈયળોવાળા દ્રાવણને ગળણીની અંદર મલમલનુ કપડું બે-ત્રણ ગડીવાળું કરીને મુકી તેમાથી ગાળવામાં આવે છે. જેથી મલમલના કપડા ઉપર છુંદેલી ઈયળનો નકામો કચરો રહી જાય. કપડા પર થોડુ વધારે પાણી નાંખીને કપડાને બરાબર ધોઈને પોચા હાથથી દબાવીને કપડામાં રહેલુ બધુ જ વિષાણુયુક્ત પાણી નિતારી નાખો.
આવા તૈયાર થયેલા દ્રાવણને બ્લેંડરમાં નાખી ૧૫ મીનીટ સુધી બરાબર ફેરવો. ૧૫ મીનીટ પછી દ્રાવણની ઉપર રહેલા ભાગને ફેંકી દો જ્યારે નીચે રહેલા ઘટ્ટ દ્રાવણને એકઠુ કરી તેને ૧૦૦ મિ.લિ. જેટલુ ઘટ્ટ દ્રાવણ એકઠું કરો. જેને ૧૦૦ એલ.યુ. (લાર્વલ યુનિટ)ની સાંદ્રતાવાળુ દ્રાવણ કહેવાય. આમ લીલી ઈયળ અને પાન ખાનારી ઈયળ માટે જુદુ જુદુ દ્રાવણ તૈયાર થાય છે.
એન.પી.વીને અસર કરતા પરિબળો
વધારે પડતી ગરમીની એન.પી.વી. પર વિપરીત અસર પડતી હોવાથી એનો ઉપયોગ ગરમી ઓછી હોય ત્યારે અસરકારક રીતે કરી સકાય છે.
એન.પી.વી. સુર્યપ્રકાશમાં જો વધારે પડતા સમય માટે ખુલ્લું રહે તો તેની અસરકારકતા ઘટે છે. માટે જ્યારે તેને છાંટવામાં આવે ત્યારે સુર્યપ્રકાશ સીધેસીધો તેના પર ન પડે તેવી જગ્યાએ તેનો છંટકાવ કરવો જોઈએ. સુર્યપ્રકાશની અસર ઓછી થાય તે માટે છાંટતી વખતે તેમાં રાનીપાલ, ઉજાલા અથવા ગળી ૧ મિ.લિ. એક લિટર પ્રવાહી દીઠ ઉમેરીને તેનો છંટકાવ કરવો કે જેથી સુર્યપ્રકાશમાં રહેલા અલ્ટ્રાવાયોલેટ કિરણોની તેના પર અસર ન થાય અને તેની અસરકારકતા જળવાય રહે.
એન.પી.વી. ના દ્રાવણમાં જો મોલાસીસ, ખાંડનું દ્રાવણ કે ગોળની રસી ૧ મી.લિ. એક લીટર પ્રવાહી દીઠ જો ઉમેરવામાં આવે તો ઇયળૉમાં આવા દ્રાવણ છાંટેલા પાન ખાવા માટે રુચી પેદા થાય છે અને આવા માવજત આપેલા છોડના પાંદડા ખાવાથી પાંદડાની સાથે સાથે એન.પી.વી. પણ વધારે પડતું ઈયળના શરીરમાં જવાથી તેને જલ્દીથી વાઇરસનો રોગ લાગુ પડે છે અને પાકને ઓછા પ્રમાણમાં નુક્સાન થાય છે.
એન.પી.વી.ના દ્રાવણને દીવસે છાંટવા કરતા સાંજના સમયે દિવસ આથમતા પહેલા છાંટવામાં આવે તો તેની અસરકારકતા જળવાઈ રહે છે અને ઈયળોનું સારુ નિયંત્રણ મળે છે.
એન.પી.વી. યુક્ત ૧૦ લિટર પ્રવાહી મિશ્રણ દીઠ લીમડાનું તેલ ૫૦ મિ.લિ. કે લીંબડાની લીંબોળીનાં મીંજના ૫૦૦ ગ્રામ ભુકામાથી મળેલ કસ ઉમેરીને છાંટવાથી તેની અસરકારકતા વધારે જોવા મળે છે.
એન.પી.વી.ના દ્રાવણમાં ટીનોપોલ ૦.૧%, સોયાબીનનો લોટ ૫% અને ગોળની રસી ૫% ટકા ઉમેરીને છંટકાવ કરવાથી તેની અસરકારકતા વધારે જોવા મળે છે.
Share your comments