સદીઓથી મનુષ્યો દ્વારા મોરિંગાનો એક બહુઉપયોગી વૃક્ષ તરીકે ખોરાક અને ઔષધિ માટે ઉપયોગ થઇ રહ્યો છે. તેમાં પ્રોટીન, ખનીજ અને વિટામિન્સની વિપુલ માત્રા હોવાને કારણે તેને "મિરેકલ ટ્રી" તરીકે પણ ઓળખાય છે. તે મોરિંગેસી પરિવારનું એક સદસ્ય છે, જે મોરિંગા વંશના અન્ય ૧૪ પ્રજાતિઓ સાથે આવે છે. જેમાં મોરિંગા ઓલિફેરા અને મોરિંગા સ્ટેનોપટેલા સૌથી મહત્વપૂર્ણ પ્રજાતિઓ છે.
જે ભારતવર્ષમાં મુખ્યત્વે સહજન, મૂંગા, મુનગા, મુરીન્ગકાઈ, મૂરિંગકયા, નૃગેકાઈ, સરગવો, સેવાગા, દ્રમસ્ટિક, હોર્સ રેડીસ ટ્રી વગેરે જેવા નામોથી ઓળખાય છે. પરંપરાગત રીતે તેને ઘરના વાડા કે બગીચામાં ઉગાડાય છે અને તેના પાંદડા અને સિંગોનો ખાદ્યપદાર્થ તરીકે વપરાશ થાય છે.
મોરિંગનો પણ અન્ય બહુવર્ષીય ચારાની જેમ પશુઓ માટે લીલા ચારા સ્વરૂપે ઉપયોગ થઇ શકે છે. તે એક ઝડપી વિકાસ પામતો અને ઊંડા મૂળ ધરાવતો ખૂબ જ ઓછા પાણીમાં થતું વૃક્ષ છે. લીલાચારા તરીકે તેના કોમળ પાંદડા અને ડાળીઓ કે જે ખૂબ જ પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને સારી સુવાસ ધરાવતી હોય છે. મહત્તમ માત્રામાં જૈવિક ભાર ઉત્પાદન કરવાની ક્ષમતા હોઈ પશુઓ માટે વર્ષભર વૈકલ્પિક લીલાચારાનાં સ્ત્રોત સ્વરૂપે તેને ગણી શકાય છે. ટેનીન જેવા અન્ય નિમ્નસ્તરના ઘટકની માત્રા પણ ખૂબ જ ઓછી જોવા મળે છે. તેને જ પરિણામે મનુષ્યના ખાદ્ય પદાર્થની સાથે સાથે પશુઓ માટે પણ લીલાચારા તરીકે મોરિંગાનો ઉપયોગ કરવો ફાયદાકારક છે.
મોરિંગા વિષે પ્રારંભિક માહિતી
મોરિંગનું મૂળ ઉત્પત્તિસ્થાન ભારતીય ઉપ મહાદ્વીપનું ઉપ હિમાલય વિસ્તાર છે. તે ઝડપી વિકાસ પામતું, આશરે ૧૦ થી ૧૨ મીટરની ઊંચાઈ ધરાવતું, સદાબહાર અને માધ્યમ આકારનું પર્ણદાર બહુવર્ષાયુ વૃક્ષ છે. તેનું થડ સફેદ ભૂરા રંગનું જાડી છાલ વાળું જોવા મળે છે. નવા વિકસિત થડ આછા લીલા સફેદ રંગના હોય છે. પરિપક્વ પામેલી શીંગો આશરે ૨૦ થી ૪૫ સેમી લંબાઈની જેમાં ઘાટા લીલા રંગના ૧.૦ થી ૧.૨ સેમી ગોળાઇના ૧૫ થી ૨૦ બીજ જોવા મળે છે.
ઉપલબ્ધ પોષક તત્વોની માત્રા:
દુધાળા પશુઓ માટે મોરિંગા અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર લીલાચારાનો સ્ત્રોત છે. પ્રોટીન અને ખનીજ તત્વો ઉપરાંત વિટા. એ, વિટા. બી, વિટા. સી, વિટા. ઈ, કેરોટિનોઇડ્સ તથા સિસ્ટીન અને મીથીયોનીન એમિનો એસિડનો ખુબ સારો સ્ત્રોત છે. ૨ થી ૩ મહિનાના અંતરાલ બાદ કાપેલ મોરિંગાના લીલાચારામાં, ૧૬.૬૩% સૂકો ભાર, ૧૫.૮૨% ક્રૂડ પ્રોટીન, ૨.૩૫% ક્રૂડ ફેટ, ૩૫.૫૪% ક્રૂડ ફાઈબર, ૭.૬૧% કુલ એશ, ૧.૦૨% સિલિકા, ૦.૮% કેલ્શિયમ, ૦.૫૧% મેગ્નેસિયમ, ૧.૪૩% પોટેશિયમ, ૦.૨૪% સોડિયમ, ૮.૭૮ પીપીએમ કોપર, ૧૮.૦૫ પીપીએમ ઝીંક, ૩૫.૫૭ પીપીએમ મેન્ગેનીઝ અને ૪૭૪.૨૫ પીપીએમ લોહતત્વ રહેલું હોય છે.
મોરિંગાની વાવેતર પદ્ધતિ:
મોરિંગાના બીજ ઉપરાંત તેના થડના ટુકડાને પણ ઉગાડી શકાય છે. પરંતુ બીજ દ્વારા ઉગાડવાની પ્રક્રિયા ઝડપી તથા વિશ્વસનીય છે. ભારતમાં કેટલીક સંસ્થાઓ દ્વારા કેએમ-૧, ધનરાજ, કેડીએમ-૧, પીકેએમ-૧, પીકેએમ-૨ વિકસિત કરેલી છે, જેનો લીલાચારા સ્વરૂપે પણ ઉપયોગ કરી શકાય છે.
મોરિંગાના વાવેતર માટે ૬.૫ થી ૮.૦ પીએચ વાળી કાળી માટી ખૂબ જ અનુરૂપ છે. જે જમીન પર પાણીનો ભરાવો રહેતો હોય તે મોરિંગા માટે માફક નથી કેમકે ચોમાસાની ઋતુમાં પાણીના ભરાવાથી વૃક્ષો પડવાની સંભાવના રહે છે. મુખ્યત્વે વસંત અથવા તો શરદ ઋતુમાં વાવેતર કરવાથી છોડનું અંકુરણ ઝડપી અને વિકાસ ખૂબ જ સારો થાય છે. જમીનને તૈયાર કરવા માટે હળથી ઊંડી ખેડ કર્યા બાદ જમીન સમતલ કરવી જરૂરી છે. બહુવર્ષાયુ પાક હોવાથી તેના મૂળને જમીનમાં સારી રીતે ફેલાવવા માટે ઊંડી ખેડ જરૂરી છે.
વાવેતરના ૧૫ દિવસ બાદ ૧૦ ટન પ્રતિ હેક્ટર છાણીયું ખાતર અથવા તો ૩ ટન અળસિયાનું ખાતર ખેતરમાં નાખવું. રાસાયણિક ખાતર તરીકે પ્રતિ હેક્ટર ૧૫૦ કિગ્રા નાઇટ્રોજન, ૬૦ કિગ્રા ફોસ્ફરસ, ૩૦ કિગ્રા સલ્ફર અને ૧૦ કિગ્રા ઝીંક સલ્ફેટ નાખવું જરૂરી છે. આ બધા માટે સિંગલ સુપર ફોસ્ફેટ (એસએસપી) અને એમોનિયમ સલ્ફેટ ખાતરનો ઉપયોગ કરી શકાય છે. ચારાનું વધુ ઉત્પાદન અને ઝડપી વિકાસ માટે પ્રતિ વર્ષ જૈવિક અને રાસાયણિક ખાતરોનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ જરૂરી છે.
વાવેતર પહેલા બીજને આખી રાત પલાળી મૂકી તેને ૫ થી ૧૦ કિલો બીજદરના હિસાબે ટ્રાયકોડર્મા વિરિડી અથવા તો કાર્બેન્ડિઝામથી બીજપટ આપવો કે જેથી છોડમાં લાગતી જમીનજન્ય બીમારીઓથી બચાવી શકાય છે.
એક હેક્ટર જમીન માટે ૧૦૦ કિગ્રા મોરિંગાના બીજની આવશ્યકતા છે. આ માટે બે લાઈન વચ્ચે ૩૦ સેમી અને બે વૃક્ષ વચ્ચે ૧૦ સેમી અંતર રાખવું જરૂરી છે. વાવેતર બાદ તુરત જ નિંદામણનાશક પેન્ડીમિથાલીન દવા ૧.૨૫ લી./હેક્ટરના હિસાબે છંટકાવ કરવો તેમજ અસરકારક નિંદામણ માટે ૨૫ થી ૩૦ દિવસના અંતરે હાથથી અથવાતો સાધનની મદદથી નિંદામણ કરવું ફાયદાકારક છે.
ગરમીની ઋતુમાં પાન ખાનારી ઈયળથી બચવા પ્રિ-ઇમરજન્સ તરીકે જૈવિક જંતુનાશક જેવીકે ૫% લીમડાના તેલનો ઉપયોગ અસરકારક પરિણામ આપે છે. જૈવિક સ્વરૂપે મોરિંગાની ખેતી કરવા માટે બાયોગેસમાંથી નીકળતી સ્લરી કાં તો પશુઓના વાડામાંથી નીકળતા નકામા પાણીનો સિંચાઈમાં ઉપયોગ કરવાથી વૃક્ષને હાનિકારક કીટકો તથા જંગલી પશુઓથી થતા નુકશાનથી બચાવી શકાય છે.
ઉત્પાદન:
વાવેતરના ૮૫ થી ૯૦ દિવસ બાદ પ્રથમ કાપણી માટે મોરિંગા લીલાચારા તરીકે તૈયાર થઇ જાય છે. ચારાનું ગુણવતાયુક્ત ઉત્પાદન અને ઝડપી વિકાસ માટે વૃક્ષને જમીનની ૩૦ સેમી ઉપરથી કાપવું હિતાવહ છે. ૯૦ દિવસ પહેલા ચારાને કાપવાથી તેનું થડ પાતળું અને કમજોર રહી જાય છે, જેને પરિણામે મૃત્યુદર વધી શકે છે. ત્યારપછીની દરેક કાપણી ૬૦ દિવસના અંતરાલે જયારે ઝાડ ૫ થી ૬ ફૂટની ઊંચાઈનું હોય ત્યારે કરી શકાય છે.
દરેક કાપણી બાદ વૃક્ષની ઝડપી વૃદ્ધિ માટે ૩૦ કિગ્રા નાઇટ્રોજન પ્રતિ હેક્ટર પ્રમાણે આપી પિયત કરવું જરૂરી છે. નીંદણ નિયંત્રણ માટે બે કતાર વચ્ચે હળવું ખેડાણ કરવું યોગ્ય છે. અંદાજે ૧૦૦ થી ૧૨૦ ટન પ્રતિ હેક્ટર પ્રતિ વર્ષ મોરિંગાની ખેતી વડે લીલાચારાનું ઉત્પાદન મેળવી શકાય છે.
લીલાચારા તરીકે ઉપયોગ:
ચાફકટરની મદદથી મોરિંગાના ૨ થી ૩ સેમી જેટલા નાના ટુકડા કરી લીલાચારા સ્વરૂપે પશુઓને ખવડાવી શકાય છે. પ્રતિદિવસ ૧૫ થી ૨૦ કિગ્રા મોરિંગાના કટકા અન્ય કોઈ લીલાઘાસ કે સૂકાચારા સાથે મિશ્ર કરી પશુને ખોરાક તરીકે આપી શકાય છે.
ફાયદાઓ:
- તે એક બહુવર્ષીય તથા ઓછા પાણીમાં થતો લીલાચારાનો એક સ્ત્રોત છે.
- તે પ્રોટીન, ખનીજ અને વિટામિન્સથી ભરપૂર લીલાચારાનો સ્ત્રોત છે.
- તેને બીજ તેમજ થડના ટુકડાથી પણ વાવેતર કરી શકાય છે.
- મનુષ્યની સાથે-સાથે પશુઓ માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.
- જૈવિક ભાર ઉત્પાદન કરવાની ક્ષમતા અન્ય ચારા કરતા વધુ છે.
Share your comments