
વર્ષ 2012 થી નેટ હાઉસમાં વિદેશી ફૂલ જરબેરા, જીપ્સોફિલા, ઓર્કિડની ખેતી કરી અન્ય ખેડૂતોને નવી રાહ ચીંધી
રીપોર્ટ : મનીષ કંસારા ભરૂચ : દિલ્હી ખાતે યોજાયેલા મિલિયોનેર ફાર્મર ઓફ ઇન્ડિયા 2023 એવોર્ડ સમારોહમાં ભરૂચના અંક્લેશ્વર તાલુકાનાં સજોદ ગામનાં પ્રગતિશીલ ખેડૂત યશવંતભાઈ પ્રજાપતિને ″મિલિયોનેર ફાર્મર ઓફ ઇન્ડિયા-2023″ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
સમગ્ર દેશમાંથી માત્ર 36 ખેડૂતોને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં ભરૂચ જિલ્લા માંથી એક માત્ર અંક્લેશ્વરનાં ખેડૂત યશવંત પ્રજાપતિની એવોર્ડમાં પસંદગી કરવામાં આવી હતી.અંકલેશ્વર તાલુકાનાં સજોદ ગામનાં ખેડૂત યશવંતભાઈ પ્રજાપતિએ પરંપરાગત ખેતીની સાથે ટૂંકા ગાળાની ખેતી તરફ ડગ માંડ્યા છે. તેઓ કપાસ, શેરડી, જુવાર, કેળ સહિતનાં પરંપરાગત પાકોની ખેતીની સાથે પાણીની પર્યાપ્ત સુવિધા ઉપલબ્ધ બનતા તેઓએ નેટ હાઉસમાં ખેતી કરવાનો વિચાર આવ્યો. ટૂંકા ગાળાની ખેતીની તેમને પ્રેરણા તેમને ઈઝરાયેલ દેશ તરફથી મળી હતી. ત્યારબાદ તેઓ ગુજરાત અને મહારાષ્ટ્રમાં નેટ હાઉસમાં ખેતી કરતા ખેડૂતો સાથે મુલાકાત કરી નેટ હાઉસમાં થતી ખેતી અને માહિતી મેળવી હતી.

યશવંતભાઈના બે ઉચ્ચ અભ્યાસી પુત્રો પણ ઉચ્ચ પગારની નોકરી છોડી તેમની સાથે ખેતીમાં જોડાયા
સમયાંતરે આ દિશામાં આગળ વધવા માટે યશવંત પ્રજાપતિએ કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાય વડે પોતાના ખેતરમાં નેટ હાઉસ બનાવી વિદેશી ફૂલની ખેતી કરવાનો નિર્ણય લઇ તેઓએ જરબેરા ફૂલની ખેતી ની શરૂઆત કરી. જેમાં તેઓને સફળતા મળી હતી. બાદમાં તેઓએ પોતાના ખેતરમાં બીજા બે નેટ હાઉસ બનાવી તેમાં જીપ્સોફિલા અને ઑર્કિડ ફૂલની ખેતી શરુ કરતાં મુંબઈ, દિલ્હી, સુરત ઇન્દોરમાં આ ફૂલોનું માર્કેટ મળતા તેઓને ધારી સફળતા મળી હતી. આ ખેતીની સાથે સાથે તેમના બે ઉચ્ચ અભ્યાસી પુત્રો ,ઉચ્ચ પગારની નોકરી છોડી તેમની સાથે ખેતીમાં રસ દાખવી પિતા સાથે ખેતીમાં જોતરાયા છે.

યશવંતભાઈની ખેતીના સફરની વાત
આ સફર વિશે તેઓ જણાવે છે કે, વર્ષ ૨૦૧૯માં તત્કાલિન પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીના હસ્તે ખેતીવાડી વિભાગમાં સરદાર પટેલ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. હાલમાં દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને પુરસોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ″મિલિયોનોર ફાર્મર ઓફ ઇન્ડિયા 2023″ એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં દેશમાંથી માત્ર 36 જેટલા પ્રગતિશીલ ખેડૂતોની પસંદગી કરવામાં આવી હતી જેમાં ગુજરાતમાં ભરૂચ જિલ્લામાંથી એક માત્ર અંક્લેશ્વર તાલુકાનાં સજોદ ગામનાં યશવંતભાઈ પ્રજાપતિની પસંદગી કરવામાં આવી હતી. તેઓને મિલિયોનોર ફાર્મર ઓફ ઇન્ડિયા 2023 એવોર્ડ એનાયત કરાતાં જિલ્લાનાં અન્ય ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાય ગઈ હતી.

આ પણ વાંચો : MFOI 2023 : GUJARAT NATIONAL AWARD WINNER , ધીરેન્દ્ર દેસાઈ એ પોતાના નામે કર્યો, જાણો કોણ છે ધીરેન્દ્ર દેસાઈ
Share your comments