Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડૂતોએ જાણવા જેવું : ક્ષારીય અને ભાસ્મિક જમીનનું વ્યવસ્થાપન અને તેની સુધારણા

ભારત ખેતી પ્રધાન દેશ છે. ખેતી અને કૃષિ વ્યવસ્થાપન ગ્રામીણ ભારતની જવાબદારી છે તથા મોટાભાગના લોકોનું જીવન ખેતી વ્યવસાય પર આધારીત છે. સમૃધ્ધ ખેતી માટે લભ્ય પાણી, ફળદ્રુપ જમીન, ઉત્તમ બિયારણ, ખાતર તથા માફકસરનું હવામાન મુખ્ય ભાગ ભજવતાં પરિબળો છે.

KJ Staff
KJ Staff
Saline Soils
Saline Soils

ભારત ખેતી પ્રધાન દેશ છે. ખેતી અને કૃષિ વ્યવસ્થાપન ગ્રામીણ ભારતની જવાબદારી છે તથા મોટાભાગના લોકોનું જીવન ખેતી વ્યવસાય પર આધારીત છે. સમૃધ્ધ ખેતી માટે લભ્ય પાણી, ફળદ્રુપ જમીન, ઉત્તમ બિયારણ, ખાતર તથા માફકસરનું હવામાન મુખ્ય ભાગ ભજવતાં પરિબળો છે.

સાંપ્રત સમયમાં કુદકે ને ભુસકે વધતી જતી વસ્તી, શહેરીકરણ, ઔધોગિક વિકાસની દોટ અને માથાદીઠ પાણીનો વધતો વપરાશ તેમજ ખેતીમાં પણ વધતી જતી સિંચાઇના પાણીની જરૂરીયાત સંતોષવા ભૂગર્ભ જળ સતત ઉલેચાતા રહ્યાં. પરીણામે ખાસ કરીને સૂકા અને અર્ધસૂકા વિસ્તારમાં ભૂગર્ભ જળ દર વરસે સરેરાશ ૩ થી ૫ મીટરના દરે ઊંડા ઉતરતા જાય છે અને આજના દિવસે સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભ જળની સપાટી ૫૦૦ મીટર ઊંડે સુધી જવા પામી છે. પરિણામે સમુદ્રના ખારા પાણી મીઠા જળના ભંડારમાં ઘુસી જઇને મીઠા જળની જગ્યા લઇ લીધી. તથા આવા ખારા પાણીના સતત વપરાશથી જમીન પણ દિવસે ને દિવસે વધુ ખારી બનતી જાય છે. આ ઉપરાંત બીજા ઘણાં કારણો છે જેના કારણે જમીન ક્ષારીય (ખારી) બને છે. જમીનમાં ક્ષાર વધવાથી જમીનમાંના દ્રાવણનો રસાકર્ષણ વધે છે. જેના કારણે પાકને પાણી તથા પોષકતત્વો પૂરતા પ્રમાણમાં મળતા નથી આમ, ખેત પેદાશમાં ઉત્તરોતર ઘટાડો થતો જાય છે તથા ખારી જમીનનો વિસ્તાર વધતો જાય છે. ભારત અને ગુજરાતમાં ૭૦ અને ૧૨.૧ લાખ હૅક્ટર વિસ્તાર અનુક્રમે ક્ષારીય અને ભાસ્મીક જમીનનો છે.

જમીન ખારી બનવાના તથા જમીનમાં ક્ષારનું પ્રમાણ વધવાના કારણો

(૧) ખારા પાણીના સતત પિયતથી જમીનમાં ક્ષારનું પ્રમાણ વધતું જાય છે.

(૨) અર્ધસૂકા તથા સૂકા વિસ્તારમાં સતત બાષ્પીભવનથી જમીનના તળના ક્ષાર સપાટી પર જમા થાય છે.                   

(૩) જમીનના તળમાં ક્ષારનું આવરણીય બંધારણ હોય તેવા સંજોગોમાં જમીનમાં ક્ષાર વધતો જાય છે.

(૪) પાણીના ઊંચા તળને લીધે જમીનનો ક્ષાર ઉપર આવે છે અને પાણીનું બાષ્પીભવન થતા સપાટી પર ક્ષાર જમા થાય છે.

(૫) કેનાલ કે નહેરના પાણીનો વધુ પડતો વપરાશ ખારાશને નોતરે છે.

(૬) કેનાલના પાળામાંથી પાણીના જમણને લીધે તથા કેનાલના લીધે પાણીના તળ ઊંચા આવવાના કારણે.

(૭) જમીનની પાણીના નિકાલની અક્ષમતાના લીધે જમીનમાં ક્ષાર એકત્રીત થાય છે.

(૯) જમીનની નબળી નિતાર શક્તિના લીધે જમીન ઉપર ક્ષાર એકત્રીત થાય છે.

(૧૦) સતત ઉલેચાતા ભૂગર્ભ મીઠા પાણીને લીધે સમુદ્રના ખારા પાણી મીઠા પાણીની જગ્યા લઇ લે છે.

આમ, જમીન ક્ષારીય (ખારી) બનવાના કારણોમાં ઘણી વખત ઉપરોક્ત પૈકી એક પરિબળ જવાબદાર હોય છે તો ક્યારેક એક કરતાં વધુ પરિબળોની સંયુક્ત અસરથી જમીન ખારી બને છે.

ક્ષારવાળી જમીન સુધારવાના ઉપાયો

ક્ષારીય જમીન સુધારવા માટે અને ક્ષારીય જમીનમાંથી પાક ઉત્પાદન લેવા માટે જમીનની ક્ષારીય બનવાના કારણ તથા ભૌગોલીક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પગલાં લેવાં આવે છે. આ ઉપરાંત ક્ષારીય (ખારી) અથવા જમીનની સુધારણાના પગલાં ભરતાં પહેલાં જમીન તથા પિયત પાણીના નમુનાનું બૃહદ પૃથ્થકરણ કરાવવું ખુબ જ જરૂરી છે.

(૧) સૌ પ્રથમ જમીનમાં પાક ઉત્પાદનની વાત લઇએ તો મહદઅંશે ખારાસ સહન કરતા પાકનું વાવેતર કરવું દા.ત. ચણા, તમાકુ, રાઇ, કપાસ, ઘઉં (કલ્યાણ સોના), ખારેક, નાળીયેરી વિગેરે.

(૨) પાણીની ગુણવત્તાં નબળી હોય તો પિયતની માત્રા ઘટાડવી.

(૩) ઊંચા ભૂગર્ભજળના કિસ્સામાં જો જમીન ઉપર ક્ષારનું પડ રચાતું હોય તો શક્ય હોય તો પાવડાની મદદ વડે ઉપરના ક્ષારીય પડને ભેગું કરી યોગ્ય જગ્યાએ નિકાસ કરવો.

(૪) પુરતી માત્રામાં પાણી લભ્ય હોય તો જમીનની ઉપરની સપાટી પર પાણી વહેવડાવીને ઉપરના ક્ષાર દુર કરી શકાય.

(૫) ચોમાસાની ઋતુમાં ખેતર કે જમીનમાંથી પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવી.

(૬) જમીનમાં નીચેનું પડ સખત ન હોય તથા પાણી જમીનમાં ઉતરી શકે તેવી પરિસ્થિતિ હોય તો જમીનમાં પાણી ભરી રાખીને દ્રાવ્ય ક્ષારોને જમીનમાં ઊંડે સુધી ઉતારી દેવા.

(૭) કેનાલના પાળામાંથી પાણીનું ઝમણ થતું હોય તેવા કિસ્સામાં ઝમણ થયેલા પાણીનો ઝડપી નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવી.

(૮) પાણીના તળ ખુબ જ ઊંચા હોય તેવા કિસ્સામાં પાણીનું તળ નીચું લાવીને જમીનમાંથી દ્રાવ્ય ક્ષારની માત્રા ઘટાડી શકાય.

(૯) પિયત પાણીની ગુણવત્તાં નબળી હોય તેવા કિસ્સામાં યોગ્ય પિયત પધ્ધતિની પસંદગીથી જમીન ખારી બનતી અટકે છે. દા.ત. ટપક પિયત પધ્ધતીથી ખારૂ પાણી પિયતમાં વાપરી શકાય તથા ફળાઉ ક્ષેત્રમાં જમીનમાં રેલાવીને પિયત આપવાના બદલે માત્ર ખામણામાં જ પાણી આપવાથી પાણી સાથે જમીનમાં આવતા ક્ષારનો જથ્થો ઘટી જશે.

(૧૦) ખારી જમીનમાં બીજી નવી માટી નાખીને ક્ષારની માત્રા ઘટાડવી.

(૧૧) ઉંડી ખેડ દ્વારા જમીનની ઉલટ સુલટ કરીને ખારૂ પડ જમીનમાં નીચે દાટી જમીનમાં ખારાશની માત્રા ઘટાડી શકાય.

(૧૨) ક્ષારીય (ખારી) જમીનમાં સેન્દ્રીય ખારતની વપરાશની માત્ર વધારવી.

(૧૩) ઝડપી વિકાશ પામતા તથા વહેલા સડી જતા પાકો જેવા કે શણ, ગુવાર, ઇક્કડ વિગેરે પાકો વાવીને લીલો પડવાશ કરવો. લીલો પડવાશ કરવાથી જમીનનું ભૌતિક બંધારણ સુધરે છે તથા જમીનમાં સેન્દ્રિય પદાર્થનો જથ્થો વધતા પાણી સંગ્રહવાની શક્તિ વધે અને જમીનમાં જૈવિક પ્રક્રિયાને લીધે જમીનની ખારાશમાં ઘટાડો થાય છે. આ ઉપરાંત જમીનની નિતાર શક્તિમાં પણ વધારો થાય છે.

(૧૪) જમીનની ઉત્પાદકતાને ધ્યાનમાં લઇએ તો રસાયણિક ખાતરનો વપરાશ ખુબ જ સમજણ પૂર્વક કરવો. આ ઉપરાંત ખારી જમીનમાં નાઇટ્રોજન યુક્ત ખાતર, પોટાશ તથા ફૉસ્ફરસયુક્ત કરતા વધારે લાભદાયી છે અને સાધારણ ખારી જમીનમાં પણ નાઇટ્રોજનની ગેરહાજરીમાં ફૉસ્ફરસ તથા પોટાશ ઉપયોગ નીવડતો નથી.

ભાસ્મિક જમીન સુધારવાના ઉપાયો : -

ભાસ્મિક જમીનમાં દ્રાવ્ય ક્ષારો ઘણાં ઓછા હોય છે. પરંતુ સોડિયમનું પ્રમાણ વધુ હોય છે. જમીનનો પી.એચ. ૮.૦ થી વધુ હોય છે. જમીનનો બાંધો સારો હોતો નથી. ક્ષારીય જમીન સુધારવામાં જિપ્સમ ખુબ જ ઉપયોગી પુરવાર થયું છે તેનો વિવેકપૂર્વક તથા ગણતરીપૂર્વકનો ઉપયોગ ખુબ જ જરૂરી છે ઘણીવાર તેની આડ અસર પણ ઉભી થવાની સંભાવના રહેલી છે. આમ આડઅસર ઉભી ન થાય તે માટે તથા પાણીમાં રહેલી ક્ષારની માત્રા તથા ક્ષારની પરિસ્થિતિ પેદા કરતા તત્વોની માત્રા જાણવા માટે જમીન તથા પાણીના નમુનાનું પૃથ્થકરણ અવશ્ય કરાવવું. જિપ્સમનું રસાયણીક બંધારણ CaSO4*2H2O છે. જિપ્સમમાં મુખ્યત્વે કેલશ્યિમ (૨૩%) અને સલ્ફર (૧૬%) હોય છે. જિપ્સમની સુધ્ધતાના આધારે તેના ગ્રેડ પાડવામાં આવે છે. સામાન્ય રીતે ખેતીમાં વપરાતું જિપ્સમ ત્રીજા, ચોથા અને પાંચમાં ગ્રેડનું હોય છે જેમા CaSO4 નું પ્રમાણ ૭૦-૮૫% જેટલું હોય છે જિપ્સમ પાણીમાં આશરે ૦.૨૫% જેટલું દ્રાવ્ય છે. સામાન્ય જમીનમાં ઉચ્ચ ગ્રેડના ૧.૦ ટન જિપ્સમ માટે ૧૦ લાખ લીટર પાણીની જરૂરીયાત હોય છે. ભાસ્મિક  જમીનમાં જિપ્સમની દ્રવ્યતાનો આધાર તેના pH, ESP અને તેમા રહેલા ક્ષારના પ્રકાર પર રહેલો છે. કેટલાક અખતરાઓ દ્વારા સાબિત થયેલું છે કે જિપ્સમને સેન્દ્રિય ખાતર સાથે વાપરવામાં આવે તો તેની દ્રાવ્યતા વધે છે.

જિપ્સમ કેટલું નાખવું ?

સૈધાંતિક સુત્રની મદદની નીચે મુજબ ગણી શકાય

જિપ્સમની જરૂરીયાત   GR (Me/100 gm) = CEC (ESPi – ESPf) / 100

અહીયા    GR (Me/100 gm) જમીન = 860 ppm જિપ્સમ

CEC = કેટાયન એક્ષચેંજ કૅપેસિટી

ESPi = શરૂઆતનો જમીનનો એક્સચેંજેબલ સોડિયમ %

ESPf = જમીનનો અંતિમ એક્સચેંજેબલ સોડિયમ %

જો જમીનમાં ૧૫ સીમી જાડાઇનો થર કરવામાં આવે તો પ્રતિ હૅક્ટર નીચે મુજબ ગણી શકાય              

GR/ha/ 15 cm = GR (me/100 gm) x 1720 kg

જિપ્સમ (ચિરોડી) ના ઉપયોત કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ :

(૧)  જમીનનું સુધારક જિપ્સમમાં ૭૦ થી ૮૦ ટકા કૅલ્શિયમ સલ્ફેટ હોવું જરૂરી છે.

(૨) ચિરોડીના રજકણનું કદ ૨ એમ.એમ. (૧૦ મેશ) હોવું જોઇએ.

(૩) ચિરોડીની જરૂરીયાત મુજબ જો પ્રથમ વર્ષે આપવામાં આવે તો પછીના વર્ષમાં તેની જરૂરીયાત ઓછી પડતી હોય છે.  

(૪) ચિરોડી જમીનમાં ૧૫ સે. મી. સુધી ઊંડાઇએ જમીનમાં રજકણો સાથે બરાબર ભળી જાય તે રીતે આપવું જોઇએ.

(૫) ચિરોડી આપવાનો યોગ્ય સમય મે માસનું છેલ્લું અઠવાડીયુ અથવા જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં અથવા ચોમાસાની શરૂઆત થાય ત્યારે આપવું.

આ લેખ શક્ય તેટલી સરળ ખેડૂત ભાષામાં રજૂ કરવાનો પ્રયત્ન કરેલો છે. આમ છતાં, જમીન સુધારણાના પગલા ભરતા પહેલા કૃષિ રસાયણ નિષ્ણાતની રૂબરૂ સલાહ લેવી હિતાવહ છે.

Share your comments

Subscribe Magazine

More on News

More