દેશમાં ચૌધરી ચરણ સિંહની જયંતી નિમિત્તે દર વર્ષે 23 ડિસેમ્બરના દિવસને રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.
રાષ્ટ્રીય કિસાન દિવસનું શું મહત્વ છે ?
દેશના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહની જયંતી 23 ડિસેમ્બરે હોય છે. તેમનો જન્મ 23 ડિસેમ્બર, 1902ના રોજ હાપુડ (હરિયાણા)માં થયો હતો. તેમણે પોતાના કાર્યકાળમાં ખેડૂતોના જીવનને સુધારવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા. આ સાથે અનેક કૃષિ બિલો રજૂ કર્યા હતા. ખેડૂતો માટે તેમનું વિશેષ યોગદાન રહ્યું હતું. માટે વર્ષ 2001થી દર વર્ષે 23 ડિસેમ્બરના દિવસને રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
અમે તમને જણાવી રહ્યા છીએ રાષ્ટ્રીય કિસાન દિવસના ઇતિહાસ તથા તેનું મહત્વ શું છે ?
રાષ્ટ્રીય કિસાન દિવસનો ઇતિહાસ
ચૌધરી ચરણ સિંહજીનું અવસાન 29મી મે, 1987ના રોજ થયુ હતું. ત્યાર બાદ ભારત સરકાર દ્વારા વર્ષ 2001માં 23 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો ઇતિહાસ પર નજર નાખીએ, તો ચૌધરી ચરણ સિંહે જુલાઈ-1979થી જાન્યુઆરી-1980 સુધી ભારતના વડાપ્રધાન તરીકે કામ કર્યું હતું. પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે ખેડૂતોના જીવન અને તેમની સ્થિતિને સુધારવા માટે નીતિઓનો એક સમૂહ બનાવ્યો હતો. ચૌધરી ચરણ સિંહે કૃષિ ક્ષેત્ર માટે બિલો રજૂ કર્યા.
રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કેવી રીતે કરવામાં આવે છે ?
દેશ ભરના ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી ખૂબ જ ધૂમધામથી કરવામાં આવે છે. આ દિવસે અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ દિવસે ખેડૂતો માટે જિલ્લા તથા તાલુકા સ્તરે અનેક સેમિનારોનું આયોજન કરવામાં આવે છે કે જેમાં કૃષિ અધિકારીઓ અને કૃષિ વૈજ્ઞાનિકો ખેતી કરવાની નવી પદ્ધતિઓ વિશે માહિતી આપે છે. આ ઉપરાંત કૃષિ વિમા યોજના તથા સરકાર દ્વારા અન્ય યોજનાઓ અંગે પણ માહિતી આપવામાં આવે છે.
ચૌધરી ચરણ સિંહનું ખેડૂતો માટે યોગદાન
ચૌધરી ચરણ સિંહનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેના કારણે તેઓ ખેડૂતોની સમસ્યાને પોતાની સમસ્યા માનતા હતા અને સારી પેઠે સમજતા હતાં. તેમણે હંમેશા ખેડૂતોનું સમર્થન કર્યું હતું. જ્યારે તેઓએ ભારતના વડાપ્રધાન તરીકે કાર્ય કર્યું, ત્યારે વર્ષ 1979ના બજેટને ખેડૂતોની માંગ પૂરી કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યુ હતું. આ બજેટમાં ખેડૂતો માટે અનેક નીતિઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત ચૌધરી ચરણ સિંહે ખેડૂતોને બચાવવા માટે જવાહરલાલ નહેરૂની સામૂહિક ભૂમિ ઉપયોગ નીતિ સામે લડાઈનું નેતૃત્વ પણ કર્યું હતું.
Share your comments