Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં હવે વિકાસનાં ફળ દેખાશે

Covie Prakash Jalal
Covie Prakash Jalal
Irrigation helpful farming
Irrigation helpful farming

તારાપુરઃ તા. 7 ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં છેલ્લાં ઘણાં વર્ષોથી સિંચાઈની સવલતોના અભાવે આદિજાતિ ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, તે હવે આગામી સમયમાં દૂર થવાના એંધાણ વરતાય છે. ગુજરાતના ખાસ કરીને પૂર્વપટ્ટી વિસ્તારના 14 જિલ્લાઓમાં 90 લાખથી વધારે આદિવાસીઓ ચાર હજારથી વધારે ગામોમાં વસવાટ કરી રહ્યા છે, તેમના પૈકી મોટા ભાગના લોકો ખેડૂત છે અથવા ખેતમજૂરી પર જીવન ગુજરાન ચલાવે છે. આદિવાસી વિસ્તારો પર અત્યાર સુધી બહુ ઓછા લોકોની નજર પડી છે, પરંતુ વર્તમાન ગુજરાત સરકારે આ વિસ્તારોમાં વસતા આદિવાસી નાગરિકોને પગભર કરવા અને શોષણથી મુક્ત કરવા માટે અનેક સિંચાઈ યોજનાઓ આ વિસ્તારોમાં શરૂ કરી છે, જેના અમલથી આ વિસ્તારોમાં સારામાં સારા પાકો લઈ શકાશે અને આદિજાતિ ખેડૂતો સધ્ધર બનશે, તેમાં બેમત નથી.

આદિવાસી વિસ્તારોની કાયાપલટ કરી શકે તેવી સિંચાઈ યોજનાઓઃ આદિવાસી વિસ્તારોમાં સુજલામ્-સુફલામ્ યોજના, સૌની યોજના તથા સરદાર સરોવર નર્મદા યોજના જેવી સરકારી યોજનાઓનાં જળ વહેતાં થવાના કારણે આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈનો વર્ષોજૂનો પ્રશ્ન હલ થતો જણાય છે. સરકારે આ વિસ્તારોનો પ્રશ્ન હાથ પર લઈને સિંચાઈ યોજનાઓ, કૅનાલ નેટવર્ક, ચૅકડેમો તથા કૂવાઓને રિચાર્જ કરીને પાણીની સવલત ઊભી કરી છે. એટલું જ નહીં, પીવાના શુદ્ધ પાણી માટે લોકોને દરબદર ભટકવું ન પડે તે માટે સરકારે વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અભિયાન ‘નલ સે જલ’ની હાકલ ગુજરાતમાં ઝીલી લઈને લોકોને પોતાનાં ઘરના આંગણે જ પીવાનું પાણી મળી રહે તેની વ્યવસ્થા શરૂ કરી છે. આ માટે સરકારી તંત્ર પ્રયત્નશીલ છે.

નલ સે જલ અભિયાનઃ આદિવાસી વિસ્તારોમાં વડાપ્રધાન શ્રી મોદીના અભિયાન નલ સે જલને આગળ ધપાવીને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા માટે સરકારી તંત્ર કમર કસે છે. સમાચાર માધ્યમોનાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં વર્ષ 2001માં કુલ 48 હજાર જેટલાં જ કુટુંબોને નળથી પાણી મળતું હતું. એ આંકડાને ટકાવારી મુજબ જોઈએ તો, 3.9 ટકા લોકોને જ નળથી પાણી મળતું હતું, તે સ્થિતિ સુધારીને સરકારે તંત્રને સાબદું કરીને હાલમાં કુલ 11 લાખ 30 હજાર જેટલા પરિવારોને નળથી પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. એટલે કે, 64.46 ટકા પરિવારોને હાલમાં નળથી પીવાનું પાણી મળી રહે છે.

પાણી અને વીજળી માટે આધુનિક ટૅક્નોલોજીનો ઉપયોગઃ રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં પીવાના શુદ્ધ પાણી માટે આધુનિક ટૅક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના દરેક આદિજાતિ વિસ્તારમાં વસતા નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તથા અંતરિયાળ આદિજાતિ વિસ્તારો પણ વંચિત ન રહી જાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે.

અગાઉના સમયમાં જે આદિજાતિ વિસ્તારોમાં માત્ર છાપરાં દેખાતાં હતાં ત્યાં હવે સારાં પાકાં મકાનો નજરે પડે છે અને આ વિસ્તારોમાં હવે ઘણાંખરાં ઘરો ઉપર તો સોલર એનર્જીનો પણ પ્રયોગ કરવામાં આવે છે. સૂર્યઊર્જાથી ખેતરોમાં તથા ઘરોમાં વીજળી સારી રીતે અને સસ્તા દામે વાપરી શકાય છે, એ સત્ય સ્વીકારીને અનેક આદિવાસી કુટુંબોમાં જાણે કે ક્રાન્તિ આવી ગઈ છે.

વેડફાઈ જતા વરસાદી પાણીનો સંગ્રહઃ દર વર્ષે થતા સારા એવા વરસાદ છતાં આદિવાસી વિસ્તારોમાં પાણીના નક્કર આયોજનના અભાવે સદાય કોરો પટ્ટો રહી જતો હતો. આ ફરિયાદ સરકાર દૂર કરવા ઇચ્છતી હોય, એ રીતે સરકારી તંત્ર દ્વારા આદિવાસી વિસ્તારોમાં વેડફાઈ જતા વરસાદી જળનો સંગ્રહ કરવાની પદ્ધતિઓ સમજાવીને તેનો ઉપયોગ કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. આ પાણી સાધારણ પાણી કરતાં વધારે પાણીદાર હોવાનું પણ વિજ્ઞાન સિદ્ધ કરી ચૂક્યું છે. જો તેનો પીવામાં કે ખેતીમાં ઉપયોગ થાય તો ઘણાં સારાં પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. સાથોસાથ, જળ-વ્યવસ્થાપનના ક્ષેત્રમાં પણ આ વિસ્તારોમાં ક્રાન્તિ આવી રહી છે.

પરપ્રાંતોમાં જવાનું વલણ ઘટ્યું દર વર્ષે આદિવાસી નાગરિકો મજૂર સ્વરૂપે અન્ય પ્રાંતોમાં જઈને ડાંગર તથા અન્ય ખેતપાકોમાં મજૂરી કરતા હતા, તેનું ચલણ હવે ધીમેધીમે ઘટી રહ્યું છે. જોકે, આ વર્ષે (2020માં) કોરોના વાઇરસના પગલે લોકોએ અન્ય વિસ્તારોમાં જવાનું ટાળ્યું છે, તોપણ આદિવાસીઓમાં આ એક જ કારણ નથી. બલકે, અન્ય કારણ એ પણ છે કે, તેમને તેમના વિસ્તારોમાં જ સારી એવી મજૂરી અથવા ખેતીના પાકની સલવત મળી રહેવા લાગી છે.

આમ જોઈએ તો, આદિવાસી ખેડૂતો ગુજરાતમાં સધ્ધર બની રહ્યા છે અને પોતાનો રોજગાર પોતે જ ઊભો કરી રહ્યા છે. તેની પાછળ સમજી વિચારીને કરવામાં આવેલું પદ્ધતિસરનું સિંચાઈની સવલતનું કારણ જણાય છે.

આદિવાસી કલ્યાણ માટે મંત્રી ગણપતસિંહ વસાવાની મહેનત: ગુજરાત સરકારમાં આદિવાસી કલ્યાણની ચિંતા કરવાની જવાબદારી મંત્રી ગણપતસિંહ વસાવાના શિરે છે. તેમણે આ વિસ્તારોની કાયાપલટ કરવા માટે ખૂબ જહેમત ઉઠાવી છે, એવો સાધારણ મત છે. ગુજરાતના અન્ય મંત્રીઓ પણ તેમની આ મુદ્દે પ્રશંસા કરે છે. આદિવાસી વિસ્તારોને તથા જનજીવનની સારી સૂઝ-સમજ મંત્રી શ્રી વસાવાને હોય એ સ્વાભાવિક છે, કેમ કે, તેઓ પોતે આદિવાસી છે અને સાધારણ આદિજાતિ જીવનથી પરિચિત છે. આ કારણે આ વિસ્તારોને તેમના પ્રયાસોનો સારો લાભ મળી રહ્યો છે.

Related Topics

irrigation areas in gujarat

Share your comments

Subscribe Magazine

More on News

More