કૃષિ ઉત્પાદન વધારવામાં જે જુદા જુદા પરિબળો છે તેમાં ખાતરોના ફાળો ખુબજ મહત્વનો છે. એક અંદાજ મુજબ કૃષિ વિકસિત ટેકનોલોજીના વિવિધ પાસાઓથી થતાં ઉત્પાદન પૈકી ૪૧ ટકા જેટલું ઉત્પાદન માત્ર ખાતરોના ઉપયોગી થાય છે.
પાકને તેનો સંપૂર્ણ જીવનક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે કુલ ૧૭ પોષક તત્વોની જરૂર પડે છે. જે પૈકી કાર્બન, હાઈડ્રોજન અને ઓક્સીજન હવા અને પાણીમાંથી મળી રહે છે. નાઈટ્રોજન, ફોસફરસ અને પોટાશને મુખ્ય પોષકતત્વો ગણવામાં આવે છે. કારણકે પાકને આ તત્વોની વધુ પ્રમાણમાં જરૂર પડે છે અને જમીનમાં આ તત્વોની ઉણપ પણ વધુ સર્જાય છે. આ તત્વોનો જમીનમાંથી નીતાર વાટે, વાયુ સ્વરૂપે અને ધોવાણ દ્વારા વ્યય થાય છે. પાકને મુખ્યતત્વે જરૂરી એવા નાઈટ્રોજન, ફોસફરસ અને પોટાશ એ ત્રણ તત્વોમાં નાઈટ્રોજન તત્વનું હલન - ચલન વધુ હોવાથી તે જમીનમાંથી ધોવાઈ અથવા જમીનમાં વધુ નીચે ઉતરી જવાનો સંભવ રહે છે.આમ નાઈટ્રોજનયુક્ત ખાતરનો વ્યય થતો અટકાવવા માટે નાઈટ્રોજન ખાતરોનો ભલામણ કરેલ કુલ જથ્થો એકી સાથે પાયાના ખાતર તરીકે ન આપતાં, પાકના જીવનકાળ, જમીનનો પ્રકાર અને પાકની જરૂરીયાત મુજબ જુદી - જુદી વિકાસની અવસ્થાએ હપ્તામાં આપવા માટે ભલામણ છે. ફોસફરસની ગતિ નહીવત છે પરિણામે ફોસ્ફરસયુક્ત ખાતરો પાકને મળતા વાર લાગે છે અને પાકને મળવાનું પ્રમાણ પણ ધીમું હોવાથી ફોસ્ફરસયુક્ત ખાતરોનો બધો જ જરૂરી જથ્થો પાયાના ખાતર તરીકે આપવા માટે ભલામણ કરેલ છે. જ્યારે પોટાશની ગતી પ્રમાણમાં ધીમી છે. જેથી આ ખાતરોને પણ પાયાના ખાતર તરીકે પાકના વાવેતર પહેલા આપવું જોઈએ.
કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ગંધકને ગૌણ તત્વો કહેવામાં આવે છે કારણ કે મુખ્ય તત્વો આપવાની સાથે આ તત્વો પણ આપોઆપ જમીનમાં ઉમેરાઈ જાય છે. દા.ત. એમોનિયમ સલ્ફેટ આપવાથી નાઈટ્રોજનની સાથે ગંધક પણ ઉમેરાય છે. એજ પ્રમાણે કેલ્શિયમ એમોનિયમ સલ્ફેટમાં કેલ્શિયમ અને ગંધક પણ રહેલા છે. આ સિવાયના લોહ, જસત, મેંગેનીઝ, તાંબુ, બોરોન, મોલીબ્ડેનમ, ક્લોરીન અને નિકલને સુક્ષ્મતત્વો કહેવામાં આવે છે, કારણ કે પાક ઉત્પાદનમાં આ તત્વોની ખુબ જ ઓછી માત્રામાં જરૂર પડે છે. આ પોષકતત્વો ત્રણ રીતે આપી શકાય છે.
૧.સેન્દ્રીય ખાતર દ્વારા
છાણીયું ખાતર, ક્મ્પોષ્ટ, વર્મીક્મ્પોષ્ટ, ખોળ, લીલો પડવાશ વગેરે જેવા સેન્દ્રીય પદાર્થોનો ઊપયોગ કરીને પાકની જરૂરીયાત સંતોષવાનો પ્રયાસ કરવામાં આવે છે.
સેન્દ્રીય ખાતરોની કાર્યક્ષમતા વધારવા માટે ધ્યાનમાં રાખવાના મુદાઓ
પુરેપુરા કોહવાયેલ ગળતિયાં / છાણીયા ખાતરનો ઉપયોગ કરવો.
સેન્દ્રીય ખાતરો પાકના વાવેતર પહેલા ૧૦ - ૧૫ દિવસ અગાઉ જમીનમાં નાખવા.
સેન્દ્રીય ખાતરો જમીનમાં પૂરે પુરા ભેળવી દેવા.
વૈજ્ઞાનિક પદ્ધતિથી સેન્દ્રીય ખાતરો બનાવવા.
છાણીયું ખાતર બનાવતી વખતે જૈવિક ખાતરો તથા સીંગલ સુપર ફોસ્ફેટનો ઊપયોગ કરવાથી છાણીયું ખાતર ઝડપથી અને સારી ગુણવત્તાવાળું થાય છે.
ખાતરની ખાડ અથવા ક્મ્પોષ્ટ પીટમાંથી ખાતર કાઢવા બાદ ખુલ્લામાં લાંબો સમય રાખવું નહિ.
લાંબા સમય સુધી ખેતમાં ખાતરના ઢગલા રાખવા નહી.
સેન્દ્રીય ખાતરનો કાર્યક્ષમતાથી ઉપયોગ થાય તે માટે ચાસમાંજ નાખવા જોઈએ.
૨. જૈવિક ખાતર દ્વારા
જૈવિક ખાતરો ખાસ કરીને કઠોળ વર્ગના પાકોમાં રાઈઝોબિયમ નામના બેકટેરીયા સાથેની સહજીવીતાથી કઠોળ પાકોની નાઈટ્રોજનની જરૂરીયાત મહદ્દઅંશે પૂરી થાય છે, પરંતુ અન્ય પોષકતત્વો માટે બીજા સ્ત્રોતો ઉપર આધાર રાખવો પડે છે. કઠોળ સિવાયના અન્ય ધાન્ય પાકો, તેલીબિયાના પાકો, રોકડીયા પાકો વગેરેમાં એઝોસ્પીરીલમ જેવા અસહજીવી બેકટેરિયાના ઉપયોગથી નાઈટ્રોજનની આંશિક પરીપૂર્તિ કરી શકાય છે. આ સિવાય ફોસ્ફરસની લભ્યતા વધારવા માટે ફોસ્ફરસ સોલ્યુબિલાઈઝીંગ બેકટેરીયા (પીએસબી) અને પોટાશ સોલ્યુબિલાઈઝીંગ બેકટેરીયા (કેએસબી) પણ કાર્યક્ષમ પુરવાર થયા છે.
જૈવિક ખાતરોનો કાર્યક્ષમ ઊપયોગ કઈ રીતે કરી શકાય ?
૧. જે પાક માટે જે કલ્ચરની ભલામણ થઈ હોય તે જપાક માટે તે કલ્ચરનો ઉપયોગ કરવો.
૨. પેકેટ ઉપર દર્શાવેલ મુદત સુધીમાજ કલ્ચરનો ઉપયોગ કરવો.
૩. કલ્ચરનું પેકેટ ઊપયોગ કરતી વખતે જ ખોલવું.
૪. શક્ય હોય ત્યાં સુધી તાજું બનેલ કલ્ચર લેવાનો આગ્રહ રાખવો. ખરીધા પછી ઘરમાં થંડકવાળી જગ્યાએ સંગ્રહ કરવો.
૫. બિયારણમાં કલ્ચરનો એકસમાન પટ આપવો.
૬. પટ આપેલ બીજને છાયામાં થોડો સમય સૂકવો અને ત્યાંરબાદ તેની તુર્તજ વાવણી કરવી.
૭. બીજને થાયરમ, કેપ્ટાન કે મેન્કોઝેબ જેવી ફૂગનાશક દવાનો પટ આપેલ હોય તો આ કલ્ચરનું પ્રમાણ બમણું રાખવું.
૩. રાસાયણિક ખાતર
સેન્દ્રીય ખાતર અને જૈવિક ખાતર દ્વારા પાકની પોષકતત્વોની સંપૂર્ણ માંગ સંતોષતી નથી. આથી પાકના સંપૂર્ણ વિકાસ અને મહતમ ઉત્પાદન મેળવવા માટે રાસાયણીક ખાતરોનો ઉપયોગ અનિવાર્ય છે. રાસાયણિક ખાતરોનું યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવે તો તે અત્યંત કાર્યક્ષમ, સસ્તા અને પાકની જે તે પોશ્ક્તત્વની જરૂરીયાતને સંતોષવામાં સક્ષમ નીવડ્યા છે.
રાસાયણિક ખાતરોનો કાર્યક્ષમતા વધારવી શા માટે જરૂરી છે.
રાસાયણિક ખાતરો દિવસે દિવસે મોંધા થતાં જાય છે તેમજ અછત પણ વર્તાય છે, જેથી જરૂર હોય ત્યારે ઘણી વખત મળતા પણ નથી. રાસાયણિક ખાતરોની કાર્યક્ષમતાની વાત કરીએ તો નાઈટ્રોજનયુક્ત ખાતરોની કાર્યક્ષમતા ૩૫ - ૪૦ ટકા છે એટલે કે ૧૦૦ કિ.ગ્રા. નાઈટ્રોજન જમીનમાં ઉમેરવામાં આવે તો તેમાંથી ફ્ક્ત્ત ૩૫ - ૪૦ કિગ્રા નાઈટ્રોજનનો પાક ઉપયોગ કરી શકે છે. બાકીનો નાઈટ્રોજન કાં તો જમીનમાં ઉંડે ઉતરી જાય છે અથવા તો હવામાં
રાસાયણિક ખાતરની કાર્યક્ષમતા વધારવા માટે ખાતર આપવાનો જથ્થો, સમય અને પદ્ધતિ વિષેની જાણકારી હોવી જરૂરી છે. જે નીચે મુજબ છે.
અ. ખાતરનો જથ્થો :- રાસાયણિક ખાતરોનો જથ્થો નીચેની બાબતો ઉપર આધાર રાખે છે.
૧. પાક અને તેની જાત :-
પોષક તત્વોની જરૂરિયાતનો મોટો આધાર પાક અને તેની જાત ઉપર રહેલો છે. પાક જમીનમાંથી તેની જરૂરીયાત પ્રમાણે પોષકતત્વોનો ઉપાડ કરે છે. જો કઠોળ વર્ગનો પાક હોય તો તેની નાઈટ્રોજન તત્વની જરૂરીયાત ઓછી હોય છે. તેલીબીયા કે રોકડીયા વર્ગના પાકોની નાઈટ્રોજનની જરૂરીયાત વધુ હોય છે. કોઈપણ પાકની દેશી જાતો કરતા વધુ ઉત્પાદન આપતી સુધારેલી અને સંકર જાતોને ખાતરોની વધારે જરૂરીયાત રહે છે.
૨. જમીનમાં લભ્ય પોષક તત્વોનું પ્રમાણ
જમીનના રાસાયણિક પુથ્થ્કરણના આધારે જમીનમાંલભ્ય પોષક તત્વોનું કેટલું પ્રમાણ છે. તે જાણી શકાય છે. જેના આધારે જે તે જમીનમાં પોષક તત્વોની લભ્યતા ઓછી, મધ્યમ કે વધારે છે તે નક્કી કર્યા બાદ જ પોષક તત્વોની જરૂરી ખૂટતો જથ્થો જે તે અનુકુળ સ્ત્રોતમાંથી આપવાની ભલામણ કરવામાં આવે છે.
૩. આગલા - પાછલા / આંતરપાકની પસંદગી
જો આગલા પાક / આંતરપાક તરીકે કઠોળ વર્ગના પાકની પસંદગી કરી હોય તો નાઈટ્રોજનયુક્ત ખાતરો ઓછા પ્રમાણમાં જોઈશે, પણ જો આના સ્થાને જુવાર જેવા પાકો કે ઘાસચારાના પાકની પસંદગી કરેલ હોય તો ખાતરનું પ્રમાણ વધારે રાખવું પડે.
૪. પોષકતત્વોનો પ્રકાર
સામાન્ય રીતે મુખ્ય તત્વોનો ભલામણ કરેલ જથ્થો વધારે હોય છે. જ્યારે સુક્ષ્મ તત્વોનો ભલામણ કરેલ જથ્થો પ્રમાણમાં ઓછો હોય છે.
બ. ખાતર આપવાનો સમય
ખાતરના કાર્યક્ષમ ઉપયોગ માટે કયું ખાતર ક્યારે આપવું તે નક્કી થવું ખુબ જ આવશ્યક છે. આ બાબતે નીચેના મુદાઓ ધ્યાનમાં રાખવા.
૧. નાઈટ્રોજન ખાતર એક સાથે ન આપતાં અલગ અલગ બે થી ચાર હપ્તામાં પાકના વિકાસના તબક્કાને ધ્યાનમાં રાખીને આપવું.
૨. ફોસ્ફરસ ખાતરોનો બધોજ જથ્થો વાવણી સમયે પાયાના ખાતર તરીકે બીજની નીચે ૪-૬ સે.મી. રહે તે રીતે ચાસમાં ઉંડે ઓરીને આપવા હિતાવહ છે. આ સાથે ફોસ્ફેટ કલ્ચરનો ઉપયોગ કરવાથી મહત્તમ લાભ મેળવી શકાય છે.
૩. પોટાશયુક્ત ખાતરો સામાન્ય પાકોમાં એક હપ્તેથી આપી શકાય, પરંતુ શેરડી અને કપાસ જેવા લાંબા ગાળાના પાક કે જ્યાં પોટાશની વિશેષ જરૂર હોય ત્યાં અથવા તો રેતાળ જમીનમાં પોટાશયુક્ત ખાતરો બે હપ્તામાં આપવા સલાહભર્યુ છે.
ક. ખાતર આપવાની પદ્ધતિ
૧. જ્યારે પાકની બે હાર ઘણી જ નજીક હોય અથવા પાકને પુંખીને વાવેલ હોય ત્યારે પાયાના ખાતર તરીકે અથવા પૂર્તિ ખાતર તરીકે ખાતર પણ પુંખીને અપવાની ભલામણ છે. સામાન્ય રીતે નાઈટ્રોજનયુક્ત ખાતરોને આ રીતે આપી શકાય.
૨. ફોસ્ફરસ અને પોટાશયુકત ખાતરોને બીજની નીચે ૪-૬ સે.મી. રહે તે રીતે ચાસમાં ઓરીને આપવામાં આવે છે. કોઈક વાર લાંબા ગાળાના પાકમાં જરૂર પડે ત્યારે ફોસ્ફરસયુક્ત ખાતરોને પાકની હારની બાજુમાં ચાસ ખોલીને પણ આપી શકાય.
૩. ખાતરોને પ્રવાહી દ્રાવણ બનાવીને છાંટવાથી પણ તેમની કાર્યક્ષમતા વધારી શકાય છે. ખાસ કરીને સુક્ષ્મતત્વોને ખુબજ ઓછી માત્રામાં આપવાના થતાં હોવાથી આ પદ્ધતિ ઘણી જ અસરકારક જણાઇ છે.
ખાતરોની કાર્યક્ષમતાવધારવા માટેના ધ્યાનમાં રાખવાના મુદાઓ.
ખેતરને સમતલ બનાવવું.
આર્થિક દ્રષ્ટીએ વધુ ઉત્પાદન આપતાં પાકો અને તેની જાતો પસંદ કરવી.
જે તે પાક માટેની ખેત પદ્ધતિઓ જેવી કે વાવણીનો સમય, બે હાર વચ્ચેનું અંતર વગેરે બાબતો જે તે પાકની ભલામણ મુજબ અનુસરવી.
રાસાયણિક ખાતરોની સાથે શક્ય હોય તેટલું છાણીયું ખાતર કે ક્મ્પોષ્ટ અથવા લીલા પડવાશનો ઉપયોગ કરવો.
પાકના વિકાસ માટે જરૂરી બધાંજ પોષક તત્વનું પ્રમાણ પુરતું છે તો પણ જમીન ચકાસણીની ભલામણ મુજબનું આ ખાતર આપવું.
ગુજરાત રાજ્યની જમીનમાં પોટાશ તત્વનું પ્રમાણ પુરતું છે તો પણ જમીન ચકાસણીની ભલામણ મુજબનું આ ખાતર આપવું.
યુરીયા અને અન્ય ખાતરો જ્યારે મિશ્ર કરી આપવાના થાય ત્યારે તે ક્યાં કયા ખાતર સાથે અને કેટલો સમય મિશ્ર થાય તેની ચકાસણી કર્યા બાદજ યોગ્ય પ્રયોગ કરવો.
યુરીયા ખાતરની કાર્યક્ષમતા વધારવા માટે યુરીયા લીંબોળી, મહુડા કે કરંજના ખોળ સાથે મિશ્ર કરી આપવું તથા એક ભાગ યુરીયાને પાંચ ભાગ માટી સાથે મિશ્ર કરી બે - ત્રણ દિવસ મૂકી રાખવું અને ત્યાર બાદ વધારે માટી ભેળવી જમીનમાં આપવું.
ભાષ્મિક અને ખારી ભાષ્મિક જમીનમાં કેલ્શિયમ એમોનિયમ નાઈટ્રેટ અને ડી.એ.પી. ખાતર આપવાથી ફાયદો થાય છે.
ભાષ્મિક જમીનમાં સેન્દ્રીય પદાર્થનું પ્રમાણ ઓછું હોવાથી ભલામણ થયેલ નાઈટ્રોજન જથ્થા કરતા સવાયો જથ્થો આપવો.
છીછરી અને હલકી જમીનોમાં ખાતરો આપ્યા પછી પાણીનું નિયંત્રણ થઈ શકે તેમ હોય તો યુરીયા ખાતર પાણી આપ્યા પછી વરાપના ભેજે આપવું જોઈએ. પાણી ભરેલી ક્યારી જમીનમાં પાણી નિતારીને યુરીયા આપી જમીનમાં ભેળવવું.
વિશિષ્ટ સંજોગો જેવા કે ખાતરમાંના તત્વોનું જમીનમાં સ્થિર થઈ જવું, ગૌણ અને સુક્ષ્મતત્વોની ઉણપ જોવા મળવી, ખેતરમાં વધુ સમય પાણી ભરાઈ રહેવું, ખુબજ ખારી, ખારી કે ભાષ્મિક જમીન વિગેરે પરિસ્થિતિમાં ખાસ કરીને યુરીયા અને સુક્ષ્મ તત્વો છંટકાવથી આપવા.
જમીનમાં લોહ અને ભાષ્મિક જમીનમાં ખાતરો આપતાં પહેલા જરૂરીયાત મુજબ જીપ્સમ આપવું.
ભાષ્મિક પ્રકારની જમીનમાં નાઈટ્રોજનને એમોનિયમ સલ્ફેટના રૂપમાં આપવું.
સમયસરનું નીંદણ તેમજ રોગ / જીવાત નિયંત્રણ પણ ખાતરોની કાર્યક્ષમતા વધારવા માટેનું એક અગત્યનું પરિબળ છે.
Share your comments