Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

વડોદરામાં જીવંત થયો ગાયકવાડના સમયનો કૃષિ વારસો, ઉગી ગયા છે અડધો ફૂટ લાંબા રાવણ તાડ

વડોદરા સયાજીબાગની નર્સરીમાં અમૂલ્ય વનસ્પતિ વારસો જાળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગાયકવાડ કાળના રાવણ તાડના વૃક્ષના 125 રોપા ઉછેરવામાં આવી રહ્યા છે.એક વર્ષમાં અડધો ફૂટના રોપા થાય છે.

Chetna Rajesh Raja
Chetna Rajesh Raja

વડોદરા સામાજિક વનીકરણ વિભાગે સયાજી બાગની નર્સરીમાં વડોદરાના અમૂલ્ય વનસ્પતિ વારસા જળવાય તેવા પ્રયાસ કર્યા છે,જેવા રાવણ તાડના વૃક્ષોના 125થી વધુ રોપાઓનો ઉછેર કર્યો છે.

શહેરના ગાયકવાડી કાળના સમૃદ્ધ વનસ્પતિ વારસો જાળવવાનો એક પ્રયાસ કર્યો છે. એકાદ વર્ષ પહેલાં રોપાયેલા બીજના અંકુરણ ફૂટ્યા બાદ હવે તે અડધો ફૂટ જેટલી ઊંચાઈના થઈ ગયા છે.

પરિક્ષેત્ર વન અધિકારી કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, એકાદ વર્ષ પહેલા તાડના બીજ મંગાવી મધર પેડમાં રેતી અને માટીના મિશ્રણમાં બીજને રોપવામાં આવ્યા હતા. તેના કોટા ફૂટ્યા બાદ બેગમાં ભરી નર્સરીમાં રાખવામાં આવ્યા છે. જો કે અન્ય વૃક્ષો કરતા રાવણ તાડનો વિકાસ બહુ ધીમો છે.

કોડીનાર, દીવમાં જોવા મળે છે રાવણ તાડ

રાવણ તાડને દીવ તાડ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે, ગીર સોમનાથ જિલ્લામાં કોડીનારથી માંડી દીવ અને ગીર ગઢડા સુધીના વિસ્તારમાં વૃક્ષ મોટા પ્રમાણમાં જોવા મળે છે. રાવણ તાડ 10 મીટર ઊંચું થાય છે અને તેમાં થડની પહોળાઈ આઠ ફૂટ સુધીની હોય છે. પર્ણદંડ 20 સે.મિ. જાડા અને એક મીટર સુધીની લંબાઈ ધરાવે છે. તાડના ફળ રતુંબડા રંગના અને સ્વાદે મીઠા અને તૂરા હોય છે. તેનું આવરણ શ્રીફળ જેવું સખત હોય છે.

 

આ પણ વાંચો: પગલા લેવાય તે પહેલા પીએમ સ્કીમની છેતરપિંડીથી લીધેલી રકમ પરત કરો, સરકારે આપ્યા વિવિધ વિકલ્પો

વનસ્પતિશાસ્ત્રી અને પર્યાવરણ પ્રેમી ડો.જીતેન્દ્ર ગવળીએ જણાવ્યું હતું કે, તાડ કુળની દુનિયાની એકમાત્ર ડાળીઓ ધરાવતી અજાયબી જેવી પ્રજાતિ રાવણ તાડ છે. સયાજીરાવ મહારાજે ઉના વિસ્તારમાંથી બીજ મંગાવી એના રોપ સૌ પહેલા સયાજીબાગમાં ઉછેર્યા હતા,એટલે વડોદરાના રાવણ તાડની ઉંમર અંદાજે 125 વર્ષથી વધુ છે. શહેરમાં એના વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે, ત્યારે વન વિભાગ દ્વારા એના રોપાનો ઉછેર વનસ્પતિ વિવિધતા જાળવવાનું આવકાર્ય પ્રયાસ છે.

ખજૂરી, સોપારી એ બધા તાડ કુળના વૃક્ષો

ખજૂરી, સોપારી એ બધા તાડ કુળના વૃક્ષો છે. જે બધા થડ અને એની ઉપર પર્ણોનો મુગટ ધરાવે છે. માત્ર રાવણ તાડ એક થી બે, બે થી ચાર, ચારથી આઠ, આઠ થી સોળ, સોળ થી બત્રીસ, બત્રીસ થી ચોસઠ એમ બે ના ગુણાંકમાં ડાળીઓ ધરાવે છે. એક થડિયામાથી અનેક ડાળીઓ ધરાવતા રાવણ તાડમાં દરેક ડાળીમાથી પાન જમીનથી 50થી 60 ફૂટ ઊંચાઈએ છાયાદાર છત્રી બનાવતા જોવા મળે છે. એની ડાળીઓ ડાયકોટોમી એટલે કે બે ભાગમાં વિભાજીત હોય છે અને આશ્ચર્યની વાત એ છે કે,એની આ રીતે વિભાજીત બંને ડાળીઓ લગભગ સરખી લંબાઈ અને સરખી મજબૂતાઇ ધરાવે છે. આ પ્રજાતિના જૂનામાં જૂના વૃક્ષો પૂર્વ આફ્રિકામાં અને ભારતીય ઉપખંડમાં જોવા મળે છે.

વડોદરાનું હવામાન માફક આવી ગયું

આ વૃક્ષને વડોદરાનું હવામાન માફક આવી ગયું છે. જેથી ફળમાંથી આપોઆપ નવા રોપા ઉગી નીકળે છે. શહેરની હિલ મેમોરિયલ હાઈસ્કુલના પ્રાંગણમાં એક નમૂનેદાર અને પૂર્ણ વિકસિત રાવણ તાડ છે. જેને અમૂલ્ય ધરોહર ગણી શકાય. વનસ્પતિવિદ ડો.જીતેન્દ્ર ગવળીના મંતવ્ય અનુસાર સયાજીરાવ મહારાજના વારસા જેવા વડોદરાના રાવણ તાડના વૃક્ષોની ઉંમર અંદાજે 125 વર્ષથી વધુ છે. તેમણે વન વિભાગના રાવણ તાડના રોપા ઉછેરીને સયાજી કાળનો વનસ્પતિ વારસો જીવંત રાખવાના પ્રયાસને બિરદાવ્યો છે.

Share your comments

Subscribe Magazine

More on News

More