ખેડૂતો કહેતા જ હતા કે, આ નવા કાયદાની આડ અસરે યાર્ડો બંધ થઇ જશે, સરકાર એવો વિશ્વાસ વ્યક્ત કરતી હતી કે, યાર્ડોને કંઇ ફેર નહીં પડે, હાલ ગુજરાતમાં માર્કેટ યાર્ડો બંધ થવાની સ્થિતિ સર્જાતા ખેડૂતોની વિરોધાત્મક વાતને સમર્થન મળી રહ્યું છે...!
માર્કેટિંગ યાર્ડની સ્થિતિ સુધારવા અંગે રાજ્ય સરકાર પાસે યાર્ડના જ કર્મચારીઓ દ્વારા પણ અનેક વખત રજૂઆતો પણ થઇ ચૂકી છે, રજૂઆતો કરી કરીને કંટાળીને અંતે કર્મચારી મંડળના પ્રમુખે જ રાજીનામુ ધરી દીધું છે...!
નાના નાના યાર્ડોને ટપોટપ તાળા લાગી રહ્યા છે
નવા કૃષિ કાયદાઓ ખેડૂતો માટે ડેથ વોરંટ જેવા છે, જે મુદ્દે દેશની રાજધાની દિલ્હી ખાતે પણ છેલ્લા નવેક મહિનાથી ખેડૂતોનું રાષ્ટ્રવ્યાપી આંદોલન જારી છે. નવા કાયદા આવ્યા ત્યારથી શરૂઆતથી જ ખેડૂતો એવું કહેતા હતા કે, આ નવા કાયદાની શરતો અંતર્ગત તેની આડ અસરે માર્કેટિંગ યાર્ડો નામશેષ થઇ જશે, ત્યારે જ બીજી તરફ સરકારી પ્રતિનિધિઓ કે, જે આ કાયદાનું સતત સમર્થન કરતા હોય તેઓ એવો મત વ્યક્ત કરતા હતા કે, આ કાયદાથી યાર્ડોને કંઇ નહીં થાય, તમારો ડર નાહકનો છે ! પરંતુ હાલ જ્યારે ગુજરાતના યાર્ડોની સર્જાયેલી પરિસ્થિતિ પર નજર કરીએ તો મોટા ખમતીધર યાર્ડો બાદ કરતા જાણે નાના નાના યાર્ડોને ટપોટપ તાળા લાગી રહ્યા હોય તેવી પરિસ્થિતિ વચ્ચે જાણે ખેડૂતોનો યાર્ડો બંધ થઇ જશેનો ડર વાજબી હતો, તેવું ફલિત થવા લાગ્યું છે !
વેપારીઓ માર્કેટીંગ યાર્ડની બહાર વેપાર કરવાનું પસંદ કરી રહ્યા છે
નવા કૃષિ કાયદા આવ્યા બાદ હવે માત્ર યાર્ડમાં જ લાયસન્સ ફીનો નિયમ લાગુ હોવાથી મોટા ભાગના વેપારીઓ માર્કેટિંગ યાર્ડની બહાર વેપારો કરવાનું વધુ પસંદ કરવા લાગ્યા છે. તો બીજી તરફ યાર્ડોમાં જાણે ખેડૂતોની હાજરી – ખેડૂતોનો ધમધમાટ પણ ઘટ્યો હોય તેવી સ્થિતિ છે. એવું પણ કહી શકાય કે, યાર્ડોમાં એક જ ઝાટકે આવકના સ્ત્રોત ઘટી ગયા છે ! ગુજરાતમાં હાલ જે યાર્ડોમાં પગારના’ય ફાફા છે તેવા યાર્ડોમાં સોનગઢ, કડાણા, કઠલાલ, ધારી, ઉમરેઠ, વંથલી, તાલાળા અને ધરમપુર યાર્ડનો સમાવેશ થાય છે.
15 APMC બજારોને તાળા વાગ્યા
જે યાર્ડોમાં પગારમાં ઘટાડો કરાયો છે તેમાં ધારી, હાંસોટ અને માંગરોળ યાર્ડનો સમાવેશ થાય છે. ખાસ કરીને વધુ પ્રમાણમાં વેપારીઓ યાર્ડની બહાર નીકળી ગયા હોય તેવા માર્કેટિંગ મથકોમાં કોસંબા, નિઝર, નડિયાદ, સોનગઢ, દેવગઢ – બારિયા, મહૂવા, વલસાડ, ખેડબ્રહ્મા, ધરમપુર, લુણાવાડા, દેસર, દેડિયાપાડા, વાલિયા, બાવળા, બારડોલી અને સંતરામપુર માર્કેટ યાર્ડનો સમાવેશ થાય છે. પંદર એપીએમસી એવી પણ છે કે જેને તાળા લાગી ગયા છે. જેમાં ખાસ કરીને કડાણા, કઠલાલ, ધારી, ઉમરેઠ, વંથલી, ધરમપુર, માંગરોળ, ગારિયાધાર, ખેડા, વિજયનગર, સંતરામપુર, સિહોર અને તિલકવાડા સહિતના યાર્ડોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો - 3 કૃષિ કાયદા રદ કરો !’ ના નારા સાથે ખેડૂતોએ ઉદ્યોગપતિઓના પૂતળાનું દહન કર્યા.
રાજ્યની કુલ 224 બજાર સમિતીઓમાં હાલ અંદાજે ત્રણ હજાર જેટલા કર્મચારીઓ કાર્યરત છે. યાર્ડના ચેરમેનો કે, જે મોટેભાગે સરકાર પ્રેરિત જ કાર્યરત હોય છે, તેવા સત્તાધિશોમાં પણ યાર્ડની બહારની સેસની આવક ઘટી ગઇ હોવાનો રંજ વ્યક્ત કરી રહ્યા છે. કર્મચારી સંઘના પ્રમુખ અજિતસિંહ અટોદરિયાએ સરકારના વલણથી ત્રસ્ત થઇ રાજીનામુ ધરી દીધુ હતું !
‘નાના નાના યાર્ડોને બહારની સેસની આવકો બંધ થઇ તે હકીકત છે’ – ડી.કે.સખિયા (રાજકોટ યાર્ડ)
રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી.કે.સખિયાને ‘કૃષિ પ્રભાત’એ ઉપરોક્ત મુદ્દે પૂછતા, ચેરમેને જણાવ્યું હતું કે, ‘‘સરકારના નવા કૃષિ કાયદા બાદ નાના નાના યાર્ડોને બહારથી જે સેસની આવકો થતી હતી તે બંધ થઇ ગઇ છે, તે હકીકત છે. સરકારે કર્મચારીઓના હીતમાં પગલા ભરવા જોઇએ. ભલે સરકાર પણ જે કરે છે તે ખેડૂતોને લાંબાગાળે ફાયદો થાય તેવું વિચારીને જ કરે છે, પરંતુ એ પણ હકીકત છે કે, નાના યાર્ડો મુશ્કેલીમાં આવ્યા છે.’’
‘નાના યાર્ડોને નુકસાન મોટુ થઇ રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ...’ – જોરૂભા ધાંધલ (બોટાદ યાર્ડ)
બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જોરૂભા ધાંધલ કહે છે કે, ‘‘ભલે સરકારે ખેડૂતોના હીતમાં જે પણ કંઇ લાંબુ વિચારીને નિયમોમાં ફેરફાર કર્યા હોય, પરંતુ હાલ નાના યાર્ડોની સ્થિતિ દયાજનક બની છે તે હકીકત છે. આ કાયદો હાલ યાર્ડને મોટુ નુકસાન પહોંચાડે તેવો સાબિત થઇ રહ્યો છે. યાર્ડની બહાર ખરીદ વેચાણ વ્યવહાર અંતર્ગત કમિશન એજન્ટ, વેપારીઓ અને ખેડૂતો વચ્ચે છેતરપિંડી સહિતની સમસ્યાઓ સર્જાશે તેવી દહેશત પણ નકારી શકાતી નથી.’’
Share your comments