આધુનિક ખેતી પધ્ધતિમાં એકમ વિસ્તારમાંથી કુલ ઉત્પાદન વધારવાના અભિગમની સાથે આડેધડ રસાયણો જમીનમાં ઉમેરાંતા કુદરતી સમતુલા અસ્થિર થઈ તેથી પરંપરાગત આદિકાળથી થતી આવતી કુદરતી ખેતી મૃતઃપાય થવા લાગી અને પર્યાવરણ અસમતુલાથી ખેતી બિન–પોષણક્ષમ પણ બની. આ સંજોગોમાં ખેતી કે જે સક્રિય હોય, જીવંત હોય અને ટકાઉ પણ હોય તેવી ખેતી જ આવનાર વર્ષોમાં માવજત માટે આશીર્વાદરૂપ બની શકે તેમ છે. તેના ભુલાઈ ગયેલા સિધ્ધાંતોના આધારે આજના આધુનિક વિજ્ઞાનને ઉમેરીને નવા દષ્ટિકોણથી, વૈજ્ઞાનિક આયોજનથી સજીવ ખેતી કરીને ઉત્પાદનની સાથે ગુણવત્તા જાળવીને, નૈસર્ગિક સમતુલા રાખી શકાય તેમ છે.
આથી ઉપલબ્ધ નૈસર્ગિક સંપતિનો સમતોલ ઉપયોગ કરી યુગો પર્યત કૃષિ એક નિરાલી જીવન શૈલી બની રહે તે માટે હવે યોગ્ય દિશામાં વિચારવાનો સમય આવી ચુકયો છે, તેથી ટકાઉ ખેતી કે જે બદલાતા સમયમાં માનવજાતની જરૂરિયાત પોષે અને તેની સાથે પર્યાવરણ અને નૈસર્ગિક સમતુલા સાચવી રાખે તે માટે આ કૃષિ પધ્ધતિ એવી હોય કે જે પરિસ્થતિ વિજ્ઞાનની દ્રષ્ટ્રિએ સક્ષમ હોય, સામાજિક રીતે સ્વીકાર્ય હોય, અન્યોન્ય જીવ પ્રત્યેની પોષણ કડીને કુદરતી રીતે સમૃધ્ધ કરનારી હોય. આમ થવાથી જમીનની તંદુરસ્તી જળવાઈ રહેશે અને ખેતી ટકાઉ બનશે.આવી ખેતીના પ્રથમ પગથિયા રૂપે સેન્દ્રિય ખેતી પધ્ધતિના સિધ્ધાંતો ખૂબજ સ્વીકાર્ય બની શકે તેમ છે. આ અગત્યના સિધ્ધાંતો નીચે મુજબ છે.
(૧) ખેતી પધ્ધતિ સર્જનાત્મક હોય
(ર) કુદરતી ઘટનાઓ – પ્રક્રિયાઓમાં ખલેલ પહોંચતી ન હોય
(૩) કુદરતી સંવર્ધનની ક્રિયા સતત ચાલુ હોય
(૪) પોષણ અને વિકાસની દ્રષ્ટ્રિએ સંપૂર્ણ હોય
(૫) ન્યુનતમ સાધનોના ઉપયોગ અને ઓછા ખર્ચે વધુ ઉત્પન્ન આપનારી હોય.
(૬) જમીન જીવંત છે, રસાયણો ઉમેરી તેની તંદુરસ્તીને નુકસાન ન પહોંચાડવું જોઈએ.
(૭) જમીનમાં બહોળા પ્રમાણમાં સેન્દ્વિય તત્વ ઉમેરાતુ હોય.
આમ, જમીનની તંદુરસ્તી અને જાળવણી એ પાક ઉત્પાદન માટે ખુબ જ અગત્યની બાબત ગણવામાં આવે છે. તેથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે, ઉત્પાદકતા સચવાઈ રહે અને ઉપજાઉપણું ટકી રહે તેવી પોષણ વ્યવસ્થા હોવી જરૂરી છે.
પોષણ વ્યવસ્થામાં સૌ પ્રથમ છોડનો વિકાસ થાય તેવી જમીનની સ્થિતિ સચવાઈ રહેવી જોઈએ, કારણ કે જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાઓ ઉપર વાતાવરણનાં પરિબળો જેવાં કે હવામાન, વનસ્પતિ, પશુ–જીવો તેમજ માનવ પ્રક્રિયાઓની ખુબ જ અસર થાય છે. તેથી આ અસરોનું સંકલન એ રીતે થાય કે જેથી કરીને છોડના તંદુરસ્ત વિકાસ માટે જમીનની સ્થિતિ નીચે મુજબ બની રહે.
(૧) છોડને હવા, પાણી અને પોષક તત્વો સમયસર, સપ્રમાણ અને પુરતી માત્રામાં મળે.
(ર) જમીનની સ્થિતિ કે જે છોડના મૂળના વિકાસ માટે સાનુકૂળ હોય અને વાયુઓની
અવર–જવર સહેલાઈથી થતી હોય તેમજ જમીનની પાણી સંગ્રહ શકિત માપસર હોય.
(૩) જમીનનું તાપમાન એવું હોય કે જે જમીનમાં રહેલી જીવસૃષ્ટિ અને છોડના વિકાસને
અનુકૂળ હોય.
(૪) ઝેરી તત્વોની ગેરહાજરી હોય.
સેન્દ્રિય ખાતરો દ્ધારા સૂક્ષ્મતત્વો સહિત બધા જ આવશ્યક પોષકતત્વોની પૂર્તિ થતી હોવાથી સંતુલિત પોષણ વ્યવસ્થામાં પણ સેન્દ્રિય ખાતરોનું મહત્વ રહેલું છે. આ સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ યોગ્ય રીતે જાળવવામાં ન આવે તો જમીનમા રહેલાં પોષક તત્વોની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. આમ થવા માટે મુખ્યત્વે સેન્દ્રિય પદાર્થની જાળવણી જરૂરી બને છે. સેન્દ્રિય પદાર્થની જાળવણી નીચે મુજબ કરી શકાય છે.
(૧) જમીનમાં સીધી પૂર્તિ દ્વારા
(ર) સેન્દ્રિય કચરો વૈજ્ઞાનિક રીતે કહોવડાવીને જમીનમાં ઉમેરવાથી
(૩) કમ્પોસ્ટ (ગળતિયું) કરી ઉમેરવાથી
(૪) છાણિયા ખાતરના ઉપયોગ દ્વ્રારા
(પ) બાયોગેસની રબડીના ઉપયોગથી
(૬) લીલા પડવાશ દ્વારા
(૭) છોડના અવશેષો જમીનમાં ભેળવીને
(૮) જમીનને આચ્છાદિત કરીને
વિવિધ હવામાન પરિસ્થિતિ જેવી કે ભેજવાળી, મધ્યમ ભેજવાળી અને અર્ધસૂકી આબોહવાની પરિસ્થિતિમાં જમીનમાં કાર્બનના અનુક્રમે ર, ૧ અને ૦.પ ટકા જળવાઈ રહે તે માટે એક અંદાજ મુજબ અનુક્રમે ૮.પ, ૪ અને ર ટન પ્રતિ હેકટર સેન્દ્રિય પદાર્થો (છોડના અવશેષોના રૂપમાં) જમીનમાં ઉમેરાય તે જરૂરી છે. જો કે એક પાક દ્વારા આશરે આવા અવશેષો પ્રતિ વર્ષ હેકટર દીઠ ૩ ટન સુધી જમીનમાં ઉમેરી શકાય છે. જે ભેજવાળા હવામાન માટે પુરતા પ્રમણમાં નથી, તેથી આ સંજોગોમાં ઝાડ કે આચ્છાદિત પાકોના અવશેષોનો વિશેષ ઉપયોગ કરવો જરૂરી બને છે.
પોષણ વ્યવસ્થાને કાર્યક્ષમ બનાવવા નીચેના મુધ્દાઓ પર ધ્યાન આપવું જરૂરી છે.
(૧) સેન્દ્રિય ખાતર મેળવવાની વ્યવસ્થામાં સુધારો
સામાન્ય રીતે સ્થાનિક સેન્દ્રિય પદાર્થોનો પૂરતો ઉપયોગ થાય તે માટે સેન્દ્રિય પદાર્થોનું એકત્રીકરણ, કોહવાણની પ્રક્રિયા, તેની જાળવણી અને ખેતર સુધી પહોંચાડવાની ક્રિયામાં જરૂરિયાત મુજબના સુધારા લાવવા ઈચ્છનીય છે.
દા.ત. સેન્દ્રિય ખાતરોમાં પોષક તત્વોના પ્રમાણનો આધાર ઢોરને ખવરાવવામાં આવેલ વનસ્પતિનો પ્રકાર, પ્રમાણ અને ગુણવત્તા તેમજ ઢોરની જાત અને ઉંમર જેવી બાબતો પર છે. તેથી છાણિયા ખાતરનો જથ્થો અને ગુણવત્તા જાળવવા માટે...
- જાનવરની યોગ્ય પસંદગી અને તેની સંખ્યા જાળવવી જોઈએ
- ઢોરને ખવડાવવામાં આવતા ઘાસચારાની ગુણવત્તા વધારીને
- વિપુલ પ્રમાણમાં પોષક તત્વો ધરાવતા ખાણ–દાણ જેવા પદાર્થો ઢોરને ખવડાવીને કરી શકાય.
તદઉપરાંત આ પધ્ધતિને વધુ આર્થિક રીતે પોષણક્ષમ બને તે માટે ઉદાહરણ તરીકે જોઈએ તો આપણી રૂઢિગત પધ્ધતિ એટલે કે ઢોર, બકરા અને ઘેટાને દિવસ દરમ્યાન ચરાણ બાદ રાત્રે ખેતરમાં જ બેસાડી તેનાં છાણ–મૂત્રનો મહત્તમ ઉપયોગ કરી શકાય.
(ર) ગળતિયું ખાતર બનાવીને
વાનસ્પતિક અવશેષોના કોહવાણની પ્રક્રિયા જુદા જુદા સૂક્ષ્મ જીવો દ્વારા થાય છે અને તે પોષક તત્વો માટે ખુબજ ઉપયોગી એવા હયુમસમાં ફેરવે છે. આ ગળતિયા ખાતરની ગુણવત્તા કુદરતી ક્ષારો જેવા કે રોક ડસ્ટ, રોક ફોસ્ફેટ વગેરે ભેળવીને વધારી શકાય છે. ગળતિયું ખાતર બનાવવાની વિવિધ પધ્ધતિઓમાં વધુ ઉપયોગી અને અનુકૂળ પધ્ધતિની પસંદગી કરવી જોઈએ.
(૩) લીલા પડવાશ દ્વારા
ઝાડ, નાનાછોડ, આચ્છાદિત તેમજ કઠોળ વર્ગના પાક, વિવિધ નીંદામણ, નિલહરિ લીલ, આલ્ગી વગેરે લીલો પડવાશ પુરા પાડતા ઓછા ખર્ચાળ સેન્દ્રિય પદાર્થો છે. આ પદાર્થો જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદન વધારવામાં ખૂબજ ઉપયોગી છે. સામાન્ય રીતે લીલા પડવાશથી વાર્ષિક આશરે ૩૦–૬૦ કિલોગ્રામ જેટલો નાઈટ્રોજન પ્રતિ હેકટર જમીનમાં ઉમેરાય છે.
ઉંડા મૂળ ધરાવતા લીલા પડવાશના પાકો દ્વારા જમીનમાં નીચલા સ્તરમાં ઉતરી ગયેલાં પોષક તત્વોને ફરી ઉપયોગમાં લઈ શકાય છે.
લીલા પડવાશનો જુદી જુદી રીતે ઉપયોગ કરી શકાય છે.
(ક) વેરાન જમીનને ઝડપથી ફળદ્રુપ બનાવવા માટે : એક યા વધુ વર્ષો સુધી કે ફકત સુકી ૠતુમાં તેને ઉગાડીને દા.ત. શણ ઉગાડવાથી આ રીતે જમીનમાં સેન્દ્રિય કાર્બનમાં વધારો થાય છે અને લભ્ય ફોસ્ફરસ અને પોટાશમાં પણ ઉમેરી શકાય છે. લીમડાનાં પાન જમીનના ઉપલા સ્તરના અમ્લતા આંકમાં સુધારો કરે છે. સેન્દ્રિય કાર્બનમાં વધારો કરવામાં મદદરૂપ બને છે. વળી ભાસ્મિક સંતૃપ્તના વધે છે તેમજ લીમડાનાં બીજ જમીનમાં નાઈટ્રીકરણની પ્રક્રિયામાં અવરોધ કરી નાઈટ્રોજનનું પ્રમાણ જાળવી નુકસાનમાં ઘટાડો કરે છે.
(ખ) લીલા પડવાશની એવી પધ્ધતિ કે જેમાં ઝડપી વિકસતા ઝાડ–છોડ, ઘાસ કે નીંદામણને પાકની બે હાર વચ્ચે ઉગાડયા બાદ તેની છાંટણીથી મળતા અવશેષોને જમીનમાં ભેળવીને સેન્દ્રિય પદાર્થમાં ઉમેરો કરી શકાય છે.
(ગ) ઉભા પાકની કાપણી કરતા પહેલાં લીલા પડવાશના છોડ/પાકને વાવી યોગ્ય સમયે સૂકી ૠતુમાં જમીનમાં ભેળવવામાં આવે છે.
(ઘ) પાક ઉગાડતા પહેલાં આચ્છાદિત કરી શકે તેવા ઘાસ/કઠોળ વર્ગના પાકો ઉગાડીને વાવણી વખતે જરૂરી પટીઓમાંથી દૂર કરી જમીનમાં ભેળવી દેવામાં આવે છે અને આ રીતે ખેડ ઓછી કરી જીવંત આચ્છાદન મેળવી શકાય છે.
(ચ) ફળ–ફળાદી પાકોમાં છાયો આપતા લીલા પડવાશના પાકો ઉગાડવાની પધ્ધતિ ઉપયોગમાં લઈ શકાય.
(છ) અઝોલા તેમજ નીલહરિ લીલના ઉપયોગથી લીલો પડવાશ કરી શકાય છે.
(જ) મુખ્ય પાકને ઉગાડતા પહેલાં લીલા પડવાશના પાક ઉગાડી જમીનમાં ભેળવી શકાય છે.
લીલા પડવાશની પધ્ધતિ ખાસ કરીને અર્ધ સૂકા વિસ્તાર કરતાં ભેજવાળા વિસ્તારમાં વધુ ઉપયોગી જાણ પડેલ છે. જો કે આચ્છાદિત ઘાસ/પાકનો ઉપયોગ અર્ધ સુકા વિસ્તારો માટે પાણીનો સંચય કરવામાં વિશેષ ઉપયોગી છે.
(૪) જૈવિક ખાતર દ્વારા
જમીનમાં એવા ઘણા પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ વસવાટ કરે છે. જે વનસ્પતિને બહુ ઉપયોગી હોય છે. આવા જીવાણુઓ હવામાં મુક્ત નાઇટ્રોજનને સ્થિર કરવાનું કે જમીનમાં રહેલ અલભ્ય ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં પરિવર્તીત કરે છે અથવા સેન્દ્રિય પદાર્થને ઝડપી કહોવડાવવામાં તે મદદરૂપ થાય છે. આ તમામ પ્રકારના જીવાણુઓની બનાવટને સામાન્ય ભાષામાં જૈવિક ખાતર કહેવામાં આવે છે.
ગુણવત્તાસભર ખેત પેદાશ એ પ્રવર્તમાન સમયની જરૂરીયાત છે. કૃષિ ઉત્પાદનમાં જમીન પાયાનું અંગ છે. ઓછા સમયમાં, ઓછા વિસ્તારમાંથી, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માટે જમીન તંદુરસ્ત હોવી જોઇએ. જમીનના ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મો જળવાઇ રહે તો જમીન તંદુરસ્ત ગણાય અને તેવી જમીનની ઉત્પાદકતા પણ સારી હોય છે. ખાસ કરીને રાસાયણિક ગુણધર્મોમાં જમીનની ફળફ્રુપતાનો આંક મહત્વનો છે. જમીનમાં મુખ્ય પોષકતત્વોની સાથેસાથે સૂક્ષ્મતત્વોનું પ્રમાણ પણ માપસર હોય તો જ જમીન તંદુરસ્ત બને છે એમ કહી શકાય. સૂક્ષ્મતત્વોની જરૂરીયાતનું પ્રમાણ ઓછુ છે પરંતુ તેમની અગત્યતા મુખ્ય પોષક તત્વો જેટલી જ છે. વિશેષમાં સૂક્ષ્મતત્વોનું પ્રમાણ માપસર હોય તો મુખ્ય પોષકતત્વોની કાર્યક્ષમતા પણ વધતી હોય છે. આમ જમીનની તંદુરસ્તીમાં સૂક્ષ્મતત્વોનો ફાળો મહત્વનો છે. સૂક્ષ્મતત્વોના ઉપયોગથી સંતુલિત પોષણ વ્યવસ્થા દ્વારા ખેતીને ટકાઉ બનાવી શકાય છે. સેન્દ્રિય ખાતરોમાં સૂક્ષ્મતત્વો વિપુલ પ્રમાણમાં આવેલા હોય છે. તેની વિગતો કોઠા નં.૧માં આપેલ છે.
કોઠા નં. ૧ જુદા જુદા સેન્દ્રિય ખાતરોમાં રહેલા સૂક્ષ્મતત્વોનું પ્રમાણ:
સૂક્ષ્મતત્વોનું પ્રમાણ (મિ.ગ્રા./કિ.ગ્રા) |
||||
ખાતરોનું નામ |
લોહ |
મેંગેનીઝ |
જસત |
તાંબુ |
છાણિયુ ખાતર |
૫૦૦૦-૧૫૦૦૦ |
૧૫૦-૪૫૦ |
૨૫-૧૨૫ |
૧૫-૪૦ |
મરઘા-બતકાનું ખાતર |
૨૬૦૦-૯૪૫૫ |
૨૮૦-૩૦૦ |
૧૦૦-૧૨૦ |
૩૦-૫૦ |
પ્રેસમડ |
૪૦૦૦-૬૦૦૦ |
૨૫૦-૪૩૦ |
૫૦-૧૯૦ |
૫૦-૨૮૦ |
દિવેલી ખોળ |
૨૦૦-૩૫૦ |
૩૫-૫૦ |
૪૦-૬૦ |
૧૦-૨૦ |
ગોબર ગેસ સ્લરી |
૨૦૦૦-૯૦૦૦ |
૧૨૦-૩૫૦ |
૫૦-૩૦ |
૨૫-૪૦ |
વર્મિકમ્પોસ્ટ |
૪૦૦૦-૫૦૦૦ |
૨૦૦-૨૫૦ |
૧૦૦-૧૭૫ |
૨૦-૩૦ |
આથી જયાં આવા ખાતરોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે ત્યાં તેમની પૂર્તિ અજાણમાં થતી રહે છે અને ઉણપ વર્તાતી નથી. આ તત્વોની જરૂરીયાત સૂક્ષ્મ હોવા છતાં તેમની અગત્યતા મુખ્ય અને ગૌણ તત્વો જેટલી જ હોવાથી તેમની અવગણના થઇ શકે નહીં. કારણ કે આવશ્યક તત્વની ખાસયત પ્રમાણે એક પણ સૂક્ષ્મ તત્વની ખામીથી છોડનો વિકાસ રૂંધાય છે, વૃધ્ધિ અટકે છે અને ઉતાર ઘટે છે. સૂક્ષ્મ તત્વ અનેકવિધ કાર્યોમાં સંકલિત હોવા ઉપરાંત ઉત્સેચક ક્રિયામાં પણ અગત્યનો ભાગ ભજવે છે. જમીનમાં જે તે તત્વની અછત ઉભી થતા સુલભ્યતા ઘટે છે અને છોડની દેહધાર્મિક પ્રક્રિયામા વિક્ષેપ પડતા તેની ઉણપના વિશિષ્ટ ચિહ્નો પ્રદર્શિત થાય છે અને પરિણામ સ્વરૂપ પાકનો ઉતાર ઘટે છે. સૂક્ષ્મતત્વોના આ મહત્વને કારણે જમીનમાં સેન્દ્રિય ખાતરો દ્વારા તેમની સુલભ્યતા પ્રમાણસર જળવાઇ રહે તે જરૂરી છે.
સૌજન્ય:
ડૉ. નરેશ ગોયલ
અસિસટેન્ટ રિસર્ચ સેન્ટિસ્ટ (સોઈલ વિજ્ઞાન)
એગ્રીકલ્ચર એક્સપેરિમેન્ટલ સ્ટેશન
નવસારી એગ્રીકલ્ચર યૂનિવર્સિટી, પારિયા- 396145
ફોન નં- 9426960246
Share your comments