ઘર-ઑફિસની સુંદરતાને વધારવા માટે આજકાલ વિવિધ પ્રકારના છોડ ઉગાડવામાં આવે છે. આ તમામ છોડમાં મની પ્લાંટ નામના છોડથી સૌ સારી રીતે પરિચિત છે. આ મની પ્લાંટની અથથી ઇતિ સુધી આપણે ચર્ચા કરીએ. મની પ્લાંટ લગાવવા માટે એક નહીં, બલકે બે-બે કારણો છે. એક તો તેનાથી ઘર-ઑફિસોની સુંદરતા વધે છે, બીજું, ઘરમાં સુખ-શાંતિ રહે છે.
તમે એ વાતથી તો વાકેફ જ હશો કે મની પ્લાંટને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે, પણ શું તમે જાણો છો કે જે મની પ્લાંટ તમારા ઘરમાં સુખ, શાંતિ અને સંપત્તિ લઈને આવી શકે છે, પણ જરાક ભૂલચૂક થાય તો એ જ મની પ્લાંટ તમારા ઘરમાં મુસીબતોને પણ ખેંચી લાવી શકે છે!
જી હા, ઘરને સુંદર બનાવવાના મોહમાં આ મહત્ત્વના છોડને ઘરમાં ગમે ત્યાં મૂકી દેવાથી મુશ્કેલી ઘટવાના બદલે વધી શકે છે.
મની પ્લાંટ વાસ્તુ પ્રમાણે કેવી રીતે લગાવવો જોઈએ અને કઈ બાબતોની વિશેષ કાળજી રાખવી જોઈએ તે અંગે અમે આ લેખમાં માહિતી આપી રહ્યા છીએઃ
અગ્નિખૂણામાં જ લગાવો છોડ
તમારા ઘરમાં મની પ્લાંટનો છોડ હમેશાં ઘરના અગ્નિખૂણામાં જ લગાવવો જોઈએ. (ખૂણાની દિશાઓ અંગે જાણકારી ન હોય તો સારામાં સારો રસ્તો આ મુજબ છેઃ તમે પૂર્વમાં મોં રાખીને ઊભા રહો અથવા બેસો. પછી તમારા જમણા હાથે જે ખૂણો પડે છે તે અગ્નિખૂણો છે. ડાબા હાથે જે ખૂણો પડ્યો તે ઈશાન ખૂણો.) હવે, જે અગ્નિખૂણો પડ્યો તે આખા ઘરમાં બધી જ રૂમોમાં અગ્નિખૂણો જ ગણાશે. જે પણ રૂમમાં તમે આ છોડ મૂકો ત્યાં અગ્નિખૂણો જોઈને જ મૂકો. તેમ છતાં, તમને સંતોષ ન જણાય તો ખૂણાની માહિતી કોઈ જાણકાર જ્યોતિષી પાસેથી મેળવો. અગ્નિકોણમાં દક્ષિણ-પૂર્વની દિશા તરફ તેને લગાવવાથી વધારે લાભદાયક રહેશે. તેનાથી ઘરમાં સંપન્નતાનું આગમન થશે, કારણ કે અગ્નિકોણના સાક્ષાત ભગવાન શ્રી ગણેશનો વાસ મનાય છે.
દેવોમાં ભગવાન શ્રીગણેશને વિઘ્નહર્તા તરીકે પૂજવામાં આવે છે માટે આ દિશામાં મની પ્લાંટ ઘરનાં તમામ વિઘ્ન દૂર થવાની સારી સ્થિતિ ઊભી થાય છે. એટલું જ નહીં, મની પ્લાંટની શુભ ઊર્જાના કારણે તમારા ઘરાં આવતાં તમામ વિઘ્નો તથા નકારાત્મક શક્તિઓ અટકી જાય છે અને શુભ ઊર્જા ફેલાવા લાગે છે.
ઈશાન ખૂણો ખતરનાકઃ
જ્યોતિષશાસ્ત્રના જણાવ્યા પ્રમાણે મની પ્લાંટને કદી ઈશાન ખૂણા (ઉત્તર-પૂર્વ)માં લગાવવો ન જોઈએ. ઉત્તર-પૂર્વની દિશામાં લગાવવામાં આવતો આ છોડ ખુશહાલીને બદલે વિનાશકારી શક્તિને ઉત્તેજન આપે છે. ઈશાનમાં મુકાયેલો મની પ્લાંટ નાણાંનું નુકસાન, આયુષ્યમાં ઘટાડો અને પરિવારમાં કલહ વધારે છે. દામ્પત્ય-જીવન પર પણ તેની ખરાબ અસર થાય છે.
મની પ્લાંટ શુક્રને મજબૂત કરે છે
અગ્નિખૂણામાં લગાવેલો મની પ્લાંટ શુક્રને મજબૂત કરે છે. શુક્ર મજબૂત થવાનો અર્થ છે તમારી સંપત્તિ, ધન તથા સુખમાં વધારો થયો, સમજી લો. શુક્રને સમૃદ્ધિ અને ઐશ્વર્યનું પ્રતીક પણ માનવામાં આવે છે. માટે ઑફિસ અથવા ધંધા-રોજગારમાં પ્રગતિ માટે કાર્યસ્થળે અગ્નિખૂણામાં આ છોડ લગાવી શકાય.
ઘરની બહાર મની પ્લાંટ ન લગાવવો
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મની પ્લાંટને ઘરની બહાર લગાવવો યોગ્ય નથી. કેમકે, તેનાથી ઘરની ખુશહાલી પર અસર થાય છે. માટે તેને હંમેશા ઘરની અંદર લગાવવો. આમ તો આ છોડને ઘરની બહાર ન લગાવવાનું એક મોટું કારણ એ છે કે ખુલ્લામાં ઘણી નકારાત્મક શક્તિઓ ભ્રમણ કરતી હોય છે, જેના સંપર્કમાં આવવાથી તે સુકાઈ જાય છે. એટલું જ નહીં, બહારનું તાપમાન પણ તેને અનુકૂળ હોતું નથી. તમે એ બાબતથી વાકેફ છો કે વધારે ગરમી અથવા ઠંડીને મની પ્લાંટ સહન કરી શકતો નથી.
મોટી વેલ એટલે સમૃદ્ધિ
એવી પણ માન્યતા છે કે મની પ્લાંટની વેલ વધે તે લાભકારક છે. માટે લીલી તથા ઉપરની તરફ જતી વેલ પ્રસન્નતા વધારે છે. વેલનો ફેલાવો સમૃદ્ધિ આવવાના સંકેત છે. હા, વેલા નીચેની તરફ જાય તે સારું નથી. તેને નીચે તરફ વધવા ન દેશો, નીચેની તરફ જતી વેલ વિકાસમાં અવરોધક છે.
આ વાતની કાળજી રાખોઃ
અમે આપને જણાવ્યું કે, મની પ્લાંટ શુક્ર ગ્રહનું પ્રતીક મનાય છે. માટે વાસ્તુની દૃષ્ટિએ આ છોડ અર્ક, પલાશ કે ખેરની આજુબાજુ ન રહે તે પણ જુઓ. આ ત્રણ છોડ ચંદ્ર અને મંગળના પ્રતીકો છે, અને ચંદ્ર અને મંગળ ગ્રહોને શુક્ર સાથે બનતું નથી! શુક્રના સ્વભાવથી આ બંને વિરુદ્ધ સ્વભાવ ધરાવે છે, એટલે એમને ભેગા ન કરો.
આમ, સાધારણ સાવચેતી દાખવીને તમે મની પ્લાંટ લગાવો અને સાચા મનથી પરમાત્માની આરાધના કરો તો સુખનો ધોધ વરસવા લાગશે.
ભેંસ-ઉછેરના વ્યવસાયમાં વધુ દૂધ-ઉત્પાદન માટે મહત્ત્વના 5 મુદ્દા
Share your comments