ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાને પગલે ભારે નુકસાન થયું. ખેતીવાડી ક્ષેત્રને પણ પારાવાર નુકસાન થયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કેરી, નારિયેળના પાકને વ્યાપક નુકસાન થયું છે. સમગ્ર ગુજરાતમાં 5 લાખ હેક્ટર વિસ્તારોમાં ફળોના બગીચામાં નુકસાન થયું છે. ગીર-ગીર સોમનાથ વિસ્તારોમાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા કેરીના પાકનો કચ્ચરઘાણ નિકળી ગયો છે. આંબા પરથી આશરે 50 ટકા કેરીનો પાક ઉતારી લેવામાં આવ્યો હતો, પણ એટલા જ પ્રમાણમાં બાકીના પાક રહી જતા તે લગભગ સંપૂર્ણ નાશ પામ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં ચીકુ, લીંબુ, સંતરા તથા શાકભાજીના પાકને પણ નુકસાન થયું છે.
રાજ્યમાં ડાંગર, શાકભાજી, કેળા,શેરડી, કઠોળ, તેલીબિયામાં મગફળીના પાકને પણ નુકસાન પહોંચ્યું છે. દક્ષિણ ગુજરાતમાં તલ, અડદ સહિતના પાકને નુકસાન થયું છે. ભારે પવનને લીધે ખેતરમાં ઉભા પાકો ખરી પડ્યા હતા.
આ ઉપરાંત મોટી સંખ્યામાં નારિયેળના ઝાડ તૂટી ગયા હતા. પવનની તીવ્ર ગતિને લીધે કેરી, જાંબુના પાક પણ ખરી પડ્યા હતા. ખેડીવાડીને ચોક્કસ કેટલાક પ્રમાણમાં નુકસાન થયું છે તે અંગે આગામી સમયમાં ચોક્કસ આંકડો મળવાનો બાકી છે.
Share your comments