અરબી સમુદ્રમાં સર્જાયેલુ તાઉ-તે વાવાઝોડુ સોમવારે રાત્રે ગુજરાતના દરિયા કિનારા પર ત્રાટક્યું હતું. જ્યારે આ વાવાઝોડું જમીન પર આવ્યું ત્યારે તેની ઝડપ 155થી 165 કિમીની હતી. તેમ જ તે 16 કિમી પ્રતી કિમી ગતિથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને લીધે ખાસ કરીને ભાવનગર, ગીરસોમનાથ, જુનાગઢ, અમરેલી તથા સુરેન્દ્રનગરને અસર થઈ છે. વાવાઝોડાને પગલે વેરાવળ-જાફરાબાદ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું,જે ખૂબ જ ભયજનક માનવામાં આવે છે. રાજ્ય વહિવટીતંત્રએ ખૂબ જ અસરકારક કામગીરી હાથ ધરતા 17 જેટલા જિલ્લામાંથી આશરે 1 લાખ નાગરિકોને સલામત સ્થળે ખસેડ્યા છે. આ ઉપરાંત 44 જેટલી એનડીઆરએફની ટીમ બચાવ કામગીરીમાં જોડવામાં આવી છે. એરફોર્સને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યું છે.
વાવાઝાડાથી નુકસાનની સ્થિતિ
અત્યાર સુધીમાં જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી. જોકે સેંકડોની સંખ્યામાં વૃક્ષો તુટી પડ્યા છે, કાચા મકાનો પણ નુકસાન થયું છે. અસરગ્રસ્ત જિલ્લામાં વીજળી પુરવઠો ખોરવાયો છે.
વરસાદની સ્થિતિ
સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. 21 જિલ્લાના 84 જેટલા તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. છ જેટલા તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ થયો છે. વાવાઝોડાથી દરિયા કિનારાના વિસ્તારોમાં 150થી 160 કિમી ઝડપથી પવન ફૂંકાયો હતો.
આગામી બે દિવસની હવામાનની સ્થિતિ
આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર, વલસાડ, નવસારી, ભરુચ, અમદાવાદ, જામનગરમાં 18 મેના રોજ વરસાદ થઈ શકે છે. જ્યારે 19મી મેના રોજ અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, ભરુચ, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, સુરેન્દ્ર નગર, બોટાદમાં વરસાદ થવી શક્યતા છે.
ખેતીવાડીને અસર
રાજ્યમાં ઉનાળુ પાકોને નુકસાન થવાનો ભય સર્જાયો છે. ખાસ કરીને મગફળી, તલ, અડદ, મગ, બાજરી જેવા પાકો હજુ ખેતરમાં હોવાથી આ પાકો પર સંકટની સ્થિતિ છે. આ ઉપરાંત શાકભાજી, કેરીના પાકન પણ ભારે નુકસાન થઈ શકે છે.
Share your comments