હવામાન વિભાગે શું આગાહી કરી ?
રાજ્યમાં ફરી એકવાર ઠંડીનુ કમબેક થઈ શકે છે, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડી પડશે. જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવાની અપીલ પણ કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુતમ તાપમાન ચાર ડીગ્રી સુધી વધતાં ઠંડીમાંથી રાહત મળશે. જોકે ત્યાર બાદ તાપમાન પાંચ ડીગ્રી સુધી ગગડતાં કાતિલ ઠંડીના વધુ એક રાઉન્ડની સંભાવના છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે રાજ્યમાં હજુ 15 ફેબ્રૂઆરી સુધી ઠંડીનું પ્રભુત્વ રહેશે. આ પછી ઠંડીના જોરમાં તબક્કાવાર ઘટાડો થવા લાગશે. આજે વહેલી સવારથી જ અમદાવાદમાં વહેલી સવારથી જ ધુમ્મસ છવાઈ જતાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ જોવા મળ્યું છે. ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતાં રસ્તા પર વાહનચાલકોએ વાહનની લાઈટો ચાલુ કરવી પડી હતી. સામેની બાજુએથી આવતું વાહન દેખાતું જ ન હોવાથી વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં પણ જેતપુર ગોંડલ નેશનલ હાઈવે પર ભારે ઝકાળ વર્ષા થઈ હતી.
રાજ્યમાં 15 ફેબ્રુઆરી સુધી ઠંડીનો રહેશે જમાવડો
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ સુધી સૂકું વાતાવરણ રહેશે. આગામી 3 દિવસ સુધી તાપમાનમાં 2-4 ડીગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ સુધી અમદાવાદમાં 5 ડીગ્રી સુધી તાપમાનનો પારો ઊંચકાઈ શકે છે. બીજી ફેબ્રુઆરીએ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ અપીલ કરવામાં આવી છે. દરિયા પર પવનો ફૂંકાવાની શક્યતાને કારણે માછીમારોને દરિયાનો ન ખેડવા જણાવ્યું છે. દરમિયાન આ પાંચ દિવસ દરમિયાન કોઈપણ પ્રકારની ઠંડી, કોલ્ડ વેવ કે અન્ય પ્રકારની ચેતવણી ઉચ્ચારવામાં આવી નથી.
ઠંડીનો પારો 10 ડિગ્રીથી વધુ જોવા મળ્યો
સૂકા પવનોની અસરથી અમદાવાદ સહિત રાજ્યભરમાં તાપમાનમાં વધારો થયો હતો જેના કારણે રાજ્યમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં 8.2 ડીગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી, પણ એને બાદ કરતાં અન્ય તમામ શહેરોમાં ઠંડીનો પારો 10 ડીગ્રીથી વધુ નોંધાતાં ઠંડીમાં ક્રમશ ઘટાડો થયો છે. આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં 2થી 4 ડીગ્રીનો વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સોમવારે અમદાવાદનું મહત્તમ 30.4 ડીગ્રી અને લઘુતમ તાપમાન 10.0 ડીગ્રી નોંધાયું હતું.
આ પણ વાંચો : “કુંવારપાઠાની વૈજ્ઞાનિક ખેતી”
આ પણ વાંચો : ફેબ્રુઆરી મહિનામાં ઉગાવી શકાય તેવા 5 પાક, મળશે ખૂબ લાભ
Share your comments