કેશુભાઈ ખેડૂત પુત્ર હતા એટલે ખેતીવાડીને લઈ તેમની કોઠાસૂઝ અસાધારણ હતી. તેઓ કૃષિ ક્ષેત્રમાં પાણીના પ્રશ્નો, ખેતીવાડીને લગતા અર્થતંત્રની સ્થિતિ વગેરે પ્રત્યે સારી પેઠે પરિચિત હતા તેમ જ ઊંડો રસ પણ ધરાવતા હતા.
1975માં દેશમાં લદાયેલી ઇમર્જંસી બાદ કૉંગ્રેસ વિરોધી જુવાળ વચ્ચે ગુજરાતમાં 1977માં બાબુભાઈ જસભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રચાયેલી પ્રથમ નિર્કૉંગ્રેસી સરકારમાં કેશુભાઈ પટેલ યુવાવસ્થામાં સિંચાઈ વિભાગના મંત્રી હતા અને રાજ્યમાં નર્મદાના પાણી ગામે ગામ કેવી રીતે પહોંચાડવા ? તે અંગે તેમો દીર્ઘદૃષ્ટિ ધરાવતા હતા.
ગોકુળ ગ્રામ યોજના રજૂ કરી
‘ગામડુ એટલે અનેક સુવિધાઓથી પછાત-વંચિત’... તેવી એક પરંપરાગત માન્યતાને ભૂંસી કેશુભાઈ પટેલે રાજ્યના દરેક ગામને વિકસિત અને સમૃદ્ધ ગ્રામ બનાવવાના વિચાર સાથે ગોકુળ ગ્રામ યોજના રજૂ કરી. આ માટે ગામડાઓના દાયકા જૂના પાણીના પ્રશ્નને ઉકેલવો જરૂરી હતો. આ માટે તેમણે સરદાર સરોવર નર્મદા બંધ યોજનાના ભાગીદાર પાડોશી રાજયો સાથે સમજાવટથી કામ લીધું અને તેઓ નર્મદાના પાણીને ગામડાઓ સુધી પહોંચાડવામાં સફળ રહ્યા.
પાણીનો પ્રશ્ન ઉકેલવામાં સફળ પ્રયાસો કર્યો
કેશુભાઈ પટેલે તેમના કાર્યકાળમાં નર્મદાના પાણી ગામે-ગામ પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું, તો રાજ્યમાં જળ સંગ્રહને પ્રાધાન્યતા આપતી જળ સંચય યોજના રજૂ કરી. આ મારફતે સેકડોની સંખ્યામાં ચેકડૅમ તૈયાર કરાવ્યા અને ભૂગર્ભ જળ સ્તર વધે તે, માટે કાર્ય કર્યું.
ભૂકંપે લીધો ભોગ, પણ ન માની હાર
રાજકીય કાવાદાવાથી પર એવા કેશુભાઈ પટેલ 1995માં પહેલી વાર મુખ્યમંત્રી બન્યા, ત્યારે શંકરસિંહ વાઘેલાએ બળવો કરી તેમને સાત જ મહીનામાં હોદ્દા પરથી હટાવી દીધા, પરંતુ કેશુભાઈએ ત્રણ વર્ષ ધીરજ સાથે મેહનત ચાલુ રાખી અને 1998માં તેઓ બીજી વાર બે તૃત્યાંશ એટલે કે રેકૉર્ડ 121 બેઠકો સાથે વિજયી થયાં. પહેલી વાર વાઘેલા નડ્યાં, તો બીજી વાર તેમની કુદરતી આફતોએ કસોટીઓ કરી. સતત દુષ્કાળ, કંડલાનું વાવાઝોડું અને છેલ્લે ભૂકંપ. વિપરીત સંજોગોમાં કેશુભાઈ પટેલ રાજકીય રીતે નબળા પડ્યાં અને હાઈકમાંડે તેમના સ્થાને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો.
ભાજપ હાઈકમાંડના આદેશની અવગણના ન કરતાં કેશુભાઈએ 2 ઑક્ટોબર, 2001ના રોજ રાજીનામું આપ્યું અને 7 ઑક્ટોબર, 2001ના રોજ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બની ગયાં, પરંતુ કેશુભાઈ પટેલે હાર ન માની. કેશુભાઈને આ વાત સતત કોરી ખાતી કે હાઈકમાંડે તેમની સાથે અન્યાય કર્યો. એટલા માટે જ છેવટે તેમણે ભાજપથી છેડો ફાડ્યો અને પોતાના અલગ પક્ષ ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી)ની રચના કરી. કેશુભાઈએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું. જોકે તેઓ પોતે જ જીતી શક્યાં. બહુમતી તો ભાજપને જ મળી.
અંતે કેશુભાઈ પટેલે ફરીથી ભાજપમાં પરત ફરવાનો નિર્ણય કર્યો અને અંત સુધી ભાજપ સાથે જ રહ્યાં.
Share your comments