રાજ્ય સરકારે કોરોનાના કેસમાં જોવા મળી રહેલા ધરખમ ઘટાડાના પગલે રાજ્યમાં તમામ પ્રકારના નિયંત્રણ હટાવી લેવાની સોમવારે સાંજે જાહેરાત કરી છે. આ જાહેરાત અનુસાર હવે રાજ્યમાં લગ્ન સમારોહમાં વ્યક્તિઓની હાજરી રાખવા પર કોઈ પણ પ્રકારનાં નિયંત્રણો પણ નહીં રહે અને લગ્નમાં ગમે તેટલી વ્યક્તિને હાજર રહી શકશે. જે માટે કોઈ પણ પ્રકારની મંજૂરી નહીં લેવી પડે.
ઉલ્લેખનીય છે કે નવી ગાઈડલાઈન અનુસાર ગુજરાતમાં હવે તમામ વિસ્તારોમાં સિનેમા હોલ પણ 100 ટકા ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે. આ સિવાય લગ્ન પ્રસંગ, અંતિમયાત્રામાં પણ કોઈ મર્યાદા અથવા તો નિયંત્રણ રાખી શકાશે નહીં. પ્રવાસ, જીમ્નેશિયમ, કોચિંગ કેમ્પ કે જાહેર મેળાવડામાં હાજરી અંગેની વ્યક્તિ મર્યાદા પણ હટાવી લેવાની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યમાં ગત સપ્તાહથી રાજ્ય સરકાર દ્વારા દરેક શહેર અને જિલ્લામાં રાત્રિ કર્ફ્યું હટાવી લેવાની જાહેરાત કરવામાં આવી છે. હવે કોઈ પણ પ્રકારની કોરોના સંબંધિત પરવાનગી વગર રાજ્યમાં દરેક પ્રસંગની ઉજવણી થશે અને લોકોને એકત્ર કરવાની છૂટ આપવામાં આવી છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટતા રાજય સરકારે કોરોના સંક્રમણ નિયંત્રણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને પ્રવર્તમાન સ્થિતિમાં કોરોનાના નિયમોની તકેદારી સાથે કેટલાક નિયંત્રણો હળવા કરવાનો તેમજ કોરોના ગાઈડલાઈન Corona Guideline ના નિયમોમાં કેટલીક વધુ છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ આખું ગુજરાત રાજ્ય 100 ટકા કર્ફ્યૂ મુક્ત થયું છે. ઉપરાંત રાજ્ય સરકારે લોકોને મોટી રાહત આપી છે કે જેમાં લગ્ન, સામાજીક-ધાર્મિક અને રાજકીય સમારંભમાં ભેગા થવા મર્યાદાની હટાવી લીધી છે. આ નવી ગાઈડલાઈન 31 માર્ચ સુધી અમલમાં રહેશે.
કોરોનાની આ નવી ગાઇડલાઈન અંતર્ગત કોવિડ એપ્રોપ્રિએટ બિહેવીયર એટલે કે ફરજિયાત માસ્ક, સમાજિક અંતર, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ અને સેનીટાઈઝેશન અથવા વારંવાર હાથ ધોવાના નિયમો યથાવત્ રહેશે. ત્યાં જ બંધ જગ્યાએ યોગ્ય વેન્ટિલેશન રાખવાનું રહેશે.
રાજ્ય સરકારે જાહેરમાં માસ્ક પહેરવાનો નિયમ ફરજીયાત રાખ્યો છે. કામ કે મેળાવડાના સ્થળે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું, જાહેર કે ઓફિસમાં સેનેટાઈઝરની વ્યવસ્થા રાખવી, જાહેરમાં થૂંકવા જેવા નિયમો હજુ યથાવત રાખ્યા છે. રાજ્ય સરકારે બહાર પાડેલી નવી માર્ગદર્શિકા 31 માર્ચ 2022 સુધી અમલમાં રહેશે ત્યારબાદ સ્થિતી અનુસાર નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. આ નવા નિયમોના કારણે રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે તેવું માનવામાં આવી રહ્યુ છે.
આ પણ વાંચો : ‘મેરી પોલિસી, મેરે હાથ’ સ્કીમમાં 3 દિવસમાં મળશે વળતર
આ પણ વાંચો : મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન : સરકારી અને પડતર જમીન પર ફ્રી માં ખેતી કરો
Share your comments