દેશમાં ખરીફ પાકના વાવેતરના તાજેતરમાં આવેલા આંકડાઓ મુજબ ખરીફ પાકમાં આ વખતે ચોખાનું વાવેતર વધ્યું છે. ચોખાના વાવેતરનો વિસ્તાર ૨૦૨૧-૨૨ની હાલ ચાલી રહેલી ખરીફ અત્યાર સુધીમાં વધીને ૩૭ લાખ હેકટર્સને આંબી ગયો છે. કોરોનાનો માહોલ છતાં દેશમાં એકંદરે ખરીફ પાક માટે વાવેતરનો વિસ્તાર વધ્યાના નિર્દેશો મળ્યા છે. તાજેતરમાં બહાર આવેલા આંકડા મુજબ વર્તમાન ખરીફ મોસમમાં ચોખાનું વાવેતર વધી આશરે ૩૭ લાખ હેકટર્સમાં થયું છે જે પાછલી ખરીફ મોસમમાં આ ગાળામાં આશરે ૩૨ લાખ હેકટર્સમાં થયું હતું. ચોખાના વાવેતરનો વિસ્તાર પશ્ચિમ બંગાળ, તેલંગણા, કર્ણાટક, આસામ, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા વિ. રાજ્યોમાં આ વર્ષે વધ્યો છે.
દરમિયાન, એક બાજુ ખરીફ પાક માટે દેશમાં ચોખાનું વાવેતર વધી રહ્યું છે ત્યારે બીજી તરફ રવિપાકના બજારમાં આવી રહેલા ચોખા ખરીદવા માટે વિવિદ રાજ્યોમાં સરકારી તંત્ર દોડતું થયાના પણ સમાચાર બહાર આવ્યા છે. તેલંગણાથી આવેલા નિર્દેશો મુજબ ત્યાં સરકારે રવિપાકમાં આશરે ૮૦ લાખ ટન ડાંગર (પેડી) ખરીદવાની યોજના બનાવી છે અને આ માટે તેલંગણામાં ૬૪૦૦થી વધુ ખરીદી કેન્દ્રો ઊભા કરવા ત્યાં સરકાર તખ્તો ગોઠવી રહ્યાનું સૂત્રોએ જણાવ્યું હતું. તેલંગણામાં વાર્ષિક ધોરણે આશરે ૫૨થી ૫૩ લાખ હેકટર્સ જેટલા વિસ્તારમાં ચોખાનું વાવેતર થાય છે તથા આશરે ૧ કરોડ ૧૫થી ૨૦ લાખ ટન જાડા ચોખા તથા આશરે ૨૦થી ૨૫ લાખ ટન ફાઈન-બારીક ચોખાનું ઉત્પાદન થાય છ.ે તેલંગણામાં આ પૂર્વેની પાછલી રવિ મોસમમાં સરકારે આશરે ૬૪ લાખ ટન ડાંગર-પેડીની ખરીદી કરી હતી. આ વર્ષે ડાંગરની ખરીદી શરૂ થાય એ પૂર્વે ત્યાંની સરકારે ખેડૂતોને વિનંતી કરી છે કે ૧૭ ટકા સુધીની ભેજવાળા ડાંગર ખરીદવામાં આવશે અને ૧૭ ટકાથી વધુ ભેજ હોય એવા ડાંગર ખેડૂતોએ સરકારના ખરીદી કેન્દ્રમાં લાવવા નહિં.
દરમિયાન, ૨૦૨૦-૨૧ની ખરીફ મોસમના ડાંગરની પ્રાપ્તી પંજાબ, હરિયાણા, ઉત્તર-પ્રદેશ, તેલંગણા, ઉત્તરાખંડ, તામિલનાડુ, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, કેરળ, ગુજરાત, આંધ્ર-પ્રદેશ, ચંદીગઢ, ઓરિસ્સા, મધ્ય-પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ, આસામ, કર્ણાચક, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા વિ. રાજ્યોમાં સારી થઈ રહી છે તથા આશરે ૭૦૦ લાખ ટન જેટલી ડાંગરની ખરીદી થઈ ચૂકી છે. પાછલા વર્ષ કરતાં આ વર્ષે ખરીફ મોસમની ડાંગરની સરકાર તરફથી થતી ખરીદીમાં આશરે ૧૫થી ૧૬ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.
દરમિયાન, ભારતના ચોખાની નિકાસ માટે વિશ્વ બજારમાં માગનો વ્યાપ વધ્યો છે તથા ભારતના ચોખાની દરિયાપાર નિકાસ વધારવા માટે તકો વધી છે ત્યારે ચોખાના નિકાસકારો સામે નવા પડકારો પણ ઊભા થયાના વાવડ મળી રહ્યા છે. ભારતથી આ પૂર્વે બાસમતી ચોખાની નિકાસ વિશેષ રૂપે થતી હતી પરંતુ તાજેતરમાં બાસમતી ઉપરાંત નોન-બાસમતી ચોખાની નિકાસ માટે પણ તકો વધી છે. જોકે આવા ચોખાની નિકાસ કરતા નિકાસકારો માટે નિકાસ ઓર્ડરો સામે સમયસર માલની ડિલીવરી કઈ રીતે પાર પાડવી એ વિશે તાજેતરમાં ચિંતા વધ્યાના નિર્દેશો મળ્યા છે. નિકાસ માટેના માલોની હેરફેર માટેના ભાડાઓ તથા કન્ટેઈનર ચાર્જીસ વધ્યા છે. જહાજોની ઉપલબ્ધતા ઘટી છે. ઈન્ડોનેશિયા તથા મલેશિયામાં માલ મોકલવાના ભાડા ટનદીઠ ૨૦થી વધી ૪૦ ડોલર સુધી પહોંચ્યા છે. તથા આફ્રિકાના દેશોમાં માલો મોકલવા માટેના આવા ભાડા (શિપિંગ ચાર્જિસ) ૪૫થી વધી ૯૦ ડોલર સુધી બોલાતા થયા છે. જ્યારે ભારતીય ચોખાની માગ નિકાસ બજારમાં વધી છે ત્યારે નિકાસ સામે આવા પડકારો પણ ઊભા થયા છે.
દરમિયાન ભારત ખાતેથી નોન-બાસમતી ચોખાની વિશ્વ બજારમાં માગ વધી લગભગ બમણી થઈ ગઈ છે. ઓલ ઈન્ડિયા રાઈસ એક્સપોર્ટસ એસોસીએશનના સૂત્રોના જણાવ્યા મુજબ વિશ્વબજારમાં થાઈલેન્ડ તથા વિયેતનામના ચોખા આ વર્ષે ઓછા આવી રહ્યા હતા અને આવા માહોલમાં દરિયાપારના ચોખાના બાયરો ભારતમાં આવતા થયા છે. થાઈલેન્ડ તથા વિયેતનામમાં ચોખાનું ઉત્પાદન ઘટયું છે. ગુણવત્તાના સંદર્ભમાં પણભારતના ચોખા વિશ્વ બજારમાં સરસાઈ મેળવતા થયા છે. આ ઉપરાંત મ્યાનમારમાં તાજેતરમાં રાજકીય ઉથલપાથલ સર્જાતાં તેના કારણે પણ ભારતના ચોખાના નિકાસકારો માટે દરિયાપારના બજારોમાં નિકાસ વધારવાની નવી તકો સર્જાઈ છે. વિયેતનામ ચોખાની નિકાસ કરે છેતેના બદલે તાજેતરમાં વિયેતનામે ભારતમાંથી ચોખા ખરીદતાં ખેલાડીઓમાં આશ્ચર્ય ફેલાયું છે. ભારતના ચોખામાં શ્રીલંકા તથા ઈન્ડોનેશિયાની માગપણ દેખાઈ છે. ભારતમાં ચોખાનો વિપુલ પુરવઠો ઊભો થયો છે અને દરિયાપાર નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ મેળવવાની તકો વધી છે.
Share your comments