નાણાં મંત્રાલયના એક અધિકારીએ એક નિવેદનમાં કહ્યું છે કે બૅંકોએ કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) સાથે હેઠળ આશરે દોઢ કરોડ ખેડૂતોને જોડ્યા છે અને તેના વડે લગભગ 1 કરોડ 15 લાખ ખેડૂતોને 1.35 લાખ કરોડ રૂપિયાના ઓછાં વ્યાજ દરે ધિરાણોને મંજૂરી આપી છે. હકીકતમાં નાણાં મંત્રાલયે કોવિડ-19 સંકટ સમયે ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન અંતર્ગત આ યોજના સાથે 2.5 કરોડ ખેડૂતોને સાંકળવાની જાહેરાત કરી હતી. તે જાહેરાત અંતર્ગત કોરોના કાળમાં ખેડૂતોને તેમની આર્થિક જરૂરિયાતો પૂરી કરવામાં સહાય કરવામાં આવી રહી છે.
કેસીસી અંતર્ગત 1.5 કરોડ ખેડૂતોને મળશે આર્થિક સહાય
નાણાં મંત્રાલયના અધિકારીએ કહ્યું હતુ કે બૅંકો અને અન્ય સંબંધિત પક્ષકારો યોગ્ય દિશામાં કરવામાં આવેલા સતત પ્રયાસોથી સસ્તા વ્યાજ દરે ધિરાણ ઉપલબ્ધ કરાવવા માટે માછીમારો, પશુપાલકો સહિત 1.5 કરોડ ખેડૂતો માટે કેસીસી ઉપયોગી બન્યું છે. અત્યાર સુધી ઈશ્યુ કરવામાં આવેલ તમામ કિસાન ક્રેડિટ કાર્ડો માટે ખર્ચની કુલ મર્યાદા 1.35 લાખ કરોડ રૂપિયા છે એટલે કે કેસીસી હેઠળ જે ખેડૂતોને કુલ 1.35 લાખ કરોડ રૂપિયાની લોન આપવાની મંજૂરી અપાઈ છે.
કેસીસી યોજના વર્ષ 1998માં શરૂ કરાઈ હતી. તેનો ઉદ્દેશ ખેડૂતોને કૃષિ પ્રવૃત્તિઓ માટે કોઈ પણ અવરોધ વગર સમયસર લોન ઉપલબ્ધ કહાવનો હતો. ભારત સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ખેડૂતોને લોનના વ્યાજ પર 2 ટકા આર્થિક સહાય આપે છે અને સમયાંતરે ધિરાણ ચુકવતા ખેડૂતોને 3 ટકા પ્રોત્સાહન છૂટ પણ આપે છે. આમ કેસીસી યોજના હેઠળ લેવાયેલી લોન પર વાર્ષિક વ્યાજ દર ચાર ટકા આવે છે. સરકારે ખેડૂતોના હિતમાં મોટાં પગલાં ભરતાં 2019માં કેસીસીમાં વ્યાજ દરમાં આર્થિક સહાયની જોગવાઈનો સમાવેશ કરતા તેનો લાભ ડૅરી ઉદ્યોગ સહિત પશુપાલન અને માછીમારોને પણ આપવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે.
કેસીસી માટે ફક્ત ત્રણ દસ્તાવેજોની જરૂર
કૃષિ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કેસીસી માટે ફક્ત ત્રણ ડૉક્યુમેંટ્સ જ જોઇએ. પહેલું, જે વ્યક્તિ ઍપ્લિકેશન આપી રહી છે, તે ખેડૂત છે કે નહીં. આ માટે બૅંક તેની ખેતી-ખેતરના કાગળો જોશો અને તેની કૉપી લેશે. બીજું, રહેઠાણનું પ્રમાણ પત્ર તથા ત્રીજું, અરજી સાથે સોગંદનામુ કે લોન લેનારની અન્ય કોઈ બૅંક લોન ભરવાની બાકી નથી.
Share your comments