દેશમાં વર્ષ 2020-21માં અનાજનું ઉત્પાદન 297 મિલિયન ટનની નવી વિક્રમજનક સપાટી પર પહોંચે તેવી શક્યતા છે. આ સાથે જ દેશમાં સતત પાંચમાં વર્ષે અનાજનું વિક્રમજનક ઉત્પાદન થશે, તેમ સરકારે રજૂ કરેલા બીજા આગોતરા અંદાજમાં આ માહિતી આપી છે.
જોકે લક્ષ્યાંક કરતા ઉત્પાદન નીચુ રહી શકે છે
વર્ષ 2019-20માં દેશમાં અનાજનું 296 મિલિયન ટન ઉત્પાદન થયું હતું. જોકે સરકારે વર્ષ 2020-21 માટે અનાજના ઉત્પાદન માટે જે 301 મિલિયન ટનનો લક્ષ્યાંક રાખ્યો છે તેની તુલનામાં આ ઉત્પાદન ઓછું થાય તેવી શક્યતા છે. એટલે કે નિયત કરવામાં આવેલ લક્ષ્યાંક કરતા ઉત્પાદન ઓછું રહી શકે છે.અમે લક્ષ્યાંક સુધી પહોંચવા માટે યોજના ધરાવી છીએ. આ વર્ષ માટે ઉત્પાદનના અંતિમ સ્વરૂપ આપવામાં આવે તે અગાઉ ત્રણ વધુ અંદાજ રહેશે,તેમ કૃષિ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું.
અંદાજ પ્રમાણે ઘઉંનું ઉત્પાદન આશરે 107 મિલિયન ટન જ્યારે ચોખાનું ઉત્પાદન 119 મિલિયન ટન થાય તેવી શક્યતા છે, જે એક નવો રેકોર્ડ હશે. કઠોળનું ઉત્પાદન પણ ગયા વર્ષે 23 મિલિયન ટનના સ્તર પર રહી શકે છે, જ્યારે તેલીબિયાં પાકોનું ઉત્પાદન પણ નોંધપાત્ર પ્રમાણમાં વધી શકે છે.
તેલીબિયાના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ અગ્રેસર ભારત
કઠોળમાં આત્મનિર્ભરતાને હાંસલ કર્યાં બાદ અમે તેલીબિયાના ઉત્પાદનને વધારીને તેલની આયાતને ઓછી કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. આ વખતે દેશમાં 34 મિલિયન ટન તેબીલિયાનું ઉત્પાદન થાય તેવી શક્યતા છે, જે એક વર્ષ અગાઉ 33.4 મિલિયન ટન હતું. દેશમાં તેલીબિયાના ઉત્પાદનમાં સતત વધારો થઈ રહ્યો છે.
કોરોના મહામારી વચ્ચે પણ કૃષિ ક્ષેત્ર શ્રેષ્ઠ દેખાવ
કોરોના મહામારીની સ્થિતિ વચ્ચે વિક્રમજનક ઉત્પાદન ઘણુ મહત્વ ધરાવે છે. પંજાબ કે જે ખેડૂત આંદોલનનું કેન્દ્ર છે તે રાજ્યમાં ચોખાનું 13.58 મિલિયન ટન ઉત્પાદન થવાની શક્યતા છે,જે ગત વર્ષ કરતા 24 ટકા વધારે છે. બીજી બાજુ દેશની કૃષિ ક્ષેત્રની નિકાસ પણ વધી રહી છે. નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન કૃષિ નિકાસો 25 ટકા વધી રૂપિયા 1.02 લાખ કરોડ થઈ છે.
Share your comments