Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ચણાની વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી ખેડૂતો સારું ઉત્પાદન મેળવી શકે છે

આપણા દેશમાં ઉગાડવામાં આવતા વિવિધ કઠોળ પાકોમાં વિસ્તારની દષ્ટીએ ચણા અગત્યનું સ્થાન ધરાવે છે. તેથી ચણા એ કઠોળ પાક્નો રાજા તરીકે ઓળખાય છે.ભારતમાં વર્ષ ૨૦૧૭-૧૮ માં અંદાજે ૧૦૫.૭૩ લાખ હેકટર વિસ્તારમાં ચણા પાકનું વાવેતર થયેલ અને જેનુ ઉત્પાદન અને ઉત્પાદકતા ૧૧૧.૫૮ લાખ ટન અને ૧૦૫૬ કિ.ગ્રા/હે. છે.

KJ Staff
KJ Staff

 આપણા દેશમાં ઉગાડવામાં આવતા વિવિધ કઠોળ પાકોમાં વિસ્તારની દષ્ટીએ ચણા અગત્યનું સ્થાન ધરાવે છે. તેથી ચણા એ કઠોળ પાક્નો રાજા તરીકે ઓળખાય છે.ભારતમાં વર્ષ ૨૦૧૭-૧૮ માં અંદાજે ૧૦૫.૭૩ લાખ હેકટર વિસ્તારમાં ચણા પાકનું વાવેતર થયેલ અને જેનુ ઉત્પાદન અને ઉત્પાદકતા ૧૧૧.૫૮ લાખ ટન અને ૧૦૫૬ કિ.ગ્રા/હે. છે. જયારે ગુજરાતમાં વર્ષ ૨૦૧૭-૧૮ માં અંદાજે ૨.૯૫ લાખ હેકટર વિસ્તારમાં ચણા પાકનું વાવેતર થયેલ અને જેનુ ઉત્પાદન ૩.૬૨ લાખ ટન થયેલ હતું.ચણા એ ઠંડી અને સૂકી પરિસ્થિતિમાં થતો પાક છે જે પાણીની ખેંચ અને ઓછી માવજત સામે ટકી શકે છે. ગુજરાત જેવા પ્રદેશો કે જયાં ઠંડીનું પ્રમાણ અને ઠંડીના દિવસો ઓછા છે, ત્યાં સાડા ત્રણથી ચાર મહિનામાં પાકી જતો આ પાક ઉતર પ્રદેશ, પંજાબ અને હરિયાણા જેવા રાજયમાં વધારે સમય લે છે. પાકની ઉત્પાદકતાનો આધાર પાકવાના દિવસો અને જાત પર અવલંબે છે. ગુજરાત રાજયમાં ચણાની ઉત્પાદકતા પ્રતિ હેકટરે ૭૯૯ કિ.ગ્રા. છે. ચણાનો પાક મુખ્યત્વે પંચમહાલ, જૂનાગઢના વિસ્તારમાં અને અમદાવાદ અને સુરેન્દ્રનગર જીલ્લાના ભાલ વિસ્તારમાં લેવામાં આવે છે. ભાલ અને ઘેડ વિસ્તારમાં ચોમાસામાં પાણી ભરાઈ રહેતું હોવાથી ચોમાસા બાદ શિયાળુ ઋતુમાં સંગ્રહિત ભેજમાં ચણાનો પાક લેવામાં આવે છે. પંચમાહાલ જીલ્લામાં કયારી જમીનમાં ડાંગરનો પાક લીધા બાદ ચણાનું વાવેતર કરવામાં આવે છે.

જમીન અને આબોહવા

ચણાનાપાકને કાળી, મધ્યમ કાળી, મધ્યમ ગોરાડું અને સારી ભેજસંગ્રહ શકિત ધરાવતી જમીન વધુ માફક આવે છે. ક્ષારીય અને નબળી નિતાર શકિત ધરાવતી જમીન માફક આવતી નથી. ચણા પાકને સૂકી અને ઠંડી આબોહવા અનુકૂળ આવે છે. આ પાક હિમ સહન કરી શકતો નથી. વાવણી સમયે ૨૦ થી ૩૦ સે. ઉષ્ણ તાપમાન અનુકૂળ છે. પાકની વૃધ્ધિ અને વિકાસ દરમ્યાન પુરતી ઠંડી ન પડે અને ગરમી વધી જાય તો પાકની વૃધ્ધિ અને વિકાસ બરોબર થતો નથી અને ઉત્પાદન પર માઠી અસર થાય છે. પાકને વરસાદ અને વાદળછાયું વાતાવરણ અનુકૂળ નથી.

જમીનની તૈયારી

જયાં ચણાની ખેતી ગોરાડું, મધ્યમ કાળી જમીનમાં બિનપિયત સંગ્રહિત ભેજ આધારિત કરવી હોય ત્યાં ચોમાસા દરમ્યાન વરસાદના પાણીનો ભેજના રૂપમાં વધુમાં વધુ સંગ્રહ થાય તે જરૂરી છે. આથી જે ખેતરમાં ચણાનો પાક લેવાનો હોય તે ખેતરને સમતલ કરી ફરતે પાળા બાંધવા જેથી ચોમાસા દરમ્યાન પડેલા પાણીનો વધુમાં વધુ સંગ્રહ જમીનમાં થાય. ચોમાસુ પુરૂ થતાં વરાપ આવ્યે જમીનમાં દાંતી-રાપ ચલાવી, નિંદામણ દૂર કરી, જમીન તૈયાર કરી ચણાનું વાવેતર કરવું. ભાસ્મિક જમીનમાં ચણાનું વધુ ઉત્પાદન લેવા માટે ચોમાસું શરૂ થતાં પહેલા એકર દીઠ એક ટન જીપ્સમ અને ૧૦ ટન છાણિયું ખાતર આપવું અને ખેડ કરી જમીનમાં બરોબર ભેળવી દેવું જેથી જમીનની ભૌતિક સ્થિતિ સુધરે છે અને ઉત્પાદન વધારે મળે છે. જયાં ચણાનો પાક પિયત આપીને લેવાતો હોય તેવી જમીનમાં ૮ થી ૧૦ ટન છાણિયું ખાતર નાખી દાંતી-રાપ સમાર ચલાવી જમીન તૈયાર કરવી.


 જાતની પસંદગી

સારૂં ઉત્પાદન મેળવવા માટે બીજની પસંદગી એ અગત્યનું પરિબળ છે. ભારતમાં ચણાના મુખ્ય બે પ્રકાર છે. કાબુલી અને દેશી કાબુલી જાતો મોટા દાણાવાળી અને સફેદ હોય છે જેને લાંબા શિયાળા અને તીવ્ર ઠંડીની જરૂર પડતી હોવાથી ગુજરાતમાં તેનું ધાર્યું ઉત્પાદન મળતું નથી ઉતર ભારતમાં ચણા પકવતા રાજયોમાં તે વધુ અનુકૂળ આવે છે. આપણા રાજયોમાં ટુંકો અને હળવો શિયાળો હોવાથી દેશી ચણાની જાતો વધુ અનુકૂળ આવે છે. દેશી ચણા પીળા હોય છે જેનો દાણો કાબુલીની સરખમાણીએ નાનો હોય છે. જમીનનો પ્રકાર અને વાવેતર પરિસ્થિતીને ધ્યાને લઈ નીચે આપેલ જાતોમાંથી યોગ્ય જાત પસંદ કરવી.

બીજ માવજત

બીજ કે જમીન જન્ય રોગ સામે રક્ષણ મેળવવા માટે બીજને ફૂગનાશક દવાનો પટ આપવો અનિવાર્ય છે. ચણાના પાકને શરૂઆતમાં થતાં મૂળના કોહવારાના રોગથી બચાવવા માટે કાર્બેંડાઝીમ કે કેપ્ટાન ફૂગનાશક દવા ૧ કિ.ગ્રા બીજ દીઠ ૩ ગ્રામ પ્રમાણે પટ આપી વાવેતર કરવું જોઇએ. ચણાનું વધુ ઉત્પાદન મેળવવા માટે બીજને વાવતા પહેલા ફૂગનાશક દવાની માવજત આપ્યા બાદ જૈવિક ખાતર રાઈઝોબિયમનો પટ આપવાથી નજીવા ખર્ચે ૧૦ થી ૨૦ % જેટલું વધુ ઉત્પાદન મેળવી શકાય છે. કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ ૧ કિ.ગ્રા. બીજ દીઠ ૫ મિ.લિ. જૈવિક ખાતર આપવાથી રાસાયણિક ખાતરનું પ્રમાણ ઘટાડી શકાય છે.

વાવણી સમય

બિનપિયત વિસ્તારમાં ચણાનું વાવેતર ઓકટોબર માસના બીજા પખવાડીયામાં અથવા જયારે જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે કરવું લાભદાયી નિવડે છે. પિયત વિસ્તારમાં ચણાનું વાવેતર નવેમ્બરના બીજા અઠવાડીયા સુધીમાં કરવું જોઇએ.

 

બિયારણનો દર અને વાવણી અંતર

ચણાની વાવણી બે ચાસ વચ્ચે ૩૦ થી ૪૫ સે.મી. અને બે છોડ વચ્ચે ૧૦ સે.મી. નું અંતર રાખી ૮ થી ૧૦ સે.મી. જેટલી ઊંડાઇએ કરવી જોઇએ. બિનપિયત પાક માટે હેકટરે ૭૫ કિ.ગ્રા. બિયારણ અને પિયત પાક માટે ૬૦ કિ.ગ્રા. બિયારણનો દર રાખી વાવેતર કરવું જોઇએ.

રાસાયણિક ખાતર

ચણા કઠોળ વર્ગનો પાક હોઇ નાઇટ્રોજનયુકત ખાતરની જરૂરીયાત ઓછી રહે છે. બિનપિયત પાક ઘેડ અને ભાલ વિસ્તારમાં એક વર્ષ ઘઉં અને બીજા વર્ષે ચણાની ફેરબદલી કરવામાં આવે છે. તેથી ઘઉંના પાકને છાણિયું ખાતર (દર વર્ષે એક વખત ૧૦ ટન પ્રમાણે) નાખવામાં આવેલ હોય તો ચણાના પાકને રાસાયણિક ખાતર આપવાની જરૂરિયાત રહેતી નથી. જેથી બિનપિયત ચણાના વાવેતર માટે હેકટર દીઠ ૨૦ કિ.ગ્રા. નાઇટ્રોજન (૪૩.૫ કિ.ગ્રા. યુરીયા) પાયાના ખાતર તરીકે આપવું જોઇએ જયારે પિયત પાક માટે ૨૫ કિ.ગ્રા. નાઇટ્રોજન અને ૫૦ કિ.ગ્રા. ફોસ્ફરસ જમીન તૈયાર કરતી વખતે ચાસમાં ૧૫ સે.મી. ઊંડાઇએ વાવણી પહેલા આપવું. કેમકે ચણાના મૂળમાં રાઇઝોબિયમ જીવાણુની પ્રક્રિયા દ્રારાછોડ પોતે જ હવાનો નાઇટ્રોજન પોતાના મૂળ વિસ્તારમાં વિસ્થાપિત કરે છે.  આ કારણથી ચણાને પૂર્તિ ખાતરની જરૂર નથી ઘણા ખેડૂતો પિયત ચણામાં પૂર્તિ ખાતર આપે છે જેથી ખોટો ખર્ચ થાય છે. આ વધારાનો નાઇટ્રોજન આપવાથી છોડની વધુ પડતી વાનસ્પતિક વૃધ્ધિ થાય છે. જેનાથી રોગ-જીવાતના પ્રશ્ર્નો ઉભા થાય છે. આવા છોડમાં ફૂલો પણ મોડા બેસે છે. બિયારણ તથા ખાતરનો જથ્થો એકી સાથે ઓરવા માટે બે પેરીવાળો ટ્રેકટર અથવા બળદથી ચાલતી ઓટોમેટિક વાવણિયો વધુ અનુકૂળ રહે છે.

નિંદામણ અને આંતરખેડ:

ચણા ના પાકમાં વાવણી પછી ૨૦ દિવસે અને ૪૦ દિવસે આંતરખેડ કરવાથી નીંદણનો નાશ થાય છે તથા જમીનમાં હવાની અવરજવર થવાથી ચણાના મૂળ પર મૂળગંડિકાનું પ્રમાણ વધશે જેથી હવામાંથી વધારે પ્રમાણમાં નાઇટ્રોજનનું સ્થિરીકરણ થશે. મજુરોની અછત ને ધ્યાને લેતા જો નીંદણનો અસરકારક નાશ કરવા માટે નીંદણનાશક દવાનો પણ ઉપયોગ કરવો. જે માટે પેન્ડીમીથાલીન (૧૦ લિટર પાણીમાં ૬૬ મિ.લિ.) હેકટરે ૧ કિ.ગ્રા. (સક્રીય તત્વ) મુજબ ૫૦૦ લિટર પાણીમાં ભેળવી (પંપની નોઝ્લ ફ્લડજેટ રાખવી) દ્રારા છાંટવાથી સારૂ નિયંત્રણ થાય છે. ચણાના પાકમાં સમયસર નીંદામણ કરવાથી ઉત્પાદનમાં ૨૬.૬ ટકાનો વધારો થાય છે.

પિયત વ્યવસ્થા:

ચણાના પાકને કાળી અને મધ્યમ કાળી જમીનમાં પિયતની જરૂરીયાત ઓછી રહે છે. તેમ છંતા ફૂલ આવવાનીઅવસ્થાએ એકાદ પિયત આપવાથી વધુ ઉત્પાદન મળે છે. ગોરાડુ અને બેસર જમીનમાં વાવેતર બાદ પ્રથમ પિયત ડાળી ફુટતી વખતે બીજું પિયત ફૂલ બેસતી વખતે અને ત્રીજુ પિયત પોપટા બેસવાની અવસ્થાએ આપવાથી સારું ઉત્પાદન મેળવી શકાય છે. સામાન્ય રીતે વાવણી બાદ ૩૦, ૪૫ અને ૭૦ દિવસે પિયત આપવું જોઇએ. કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ ગુજરાત ચણા-૧ જાતને જયારે ડાળી ફૂટવાની અવસ્થાએ એક માત્ર પિયત આપવું. બીજા વધારાના પિયતની ચણાના પાકને કોઇ જરૂરીયાત હોતી નથી.

પાક સંરક્ષણ:

ચણાના પાકમાં આવતા રોગ-જીવાતના નિયંત્રણના પગલા.

૧. ચણાનો સુકારો: સૌ પ્રથમ ચણાના સુકારની વાત કરીએ તો આ રોગ બીજ જન્ય અને જમીન જન્ય ફૂગથી થાય છે. અને પાકની કોઇ પણ અવસ્થામાં જોવા મળે છે. શરૂઆતની અવસ્થામાં વાવણી બાદ ત્રણ અઠવાડીયા પછી છોડ સુકાઈ જમીન પર ઢળી પડે છે. સુકારો ૩૦ થી ૩૫ દિવસથી માંડીને પાક પાકે ત્યાં સુધી જોવા મળે છે. છોડના થડને ઉભુ ચીરતા તેની જલવાહિની ઘેરા કથ્થાઈ કે કાળા રંગની જોવા મળે છે. આ રોગના નિયંત્રણ માટે પાક ફેરબદલી કરવી, જૂવાર પછી ચણાનો પાક લેવો. વાવેતર પહેલા દિવેલીનો ખોળ ૧૦૦૦ કિ.ગ્રા/હેકટર ના પ્રમાણમાં જમીનમાં નાખવો. રોગ પ્રતિકારક જાતો પિયત વિસ્તાર માટે ચણા-૨ અને ગુજરાત ચ્ણા-૩ નું વાવેતર કરવું. બીજને વાવતા પહેલા કાર્બેંડાઝીમ ૧ ગ્રામ તથા થાયરમ ૨-૩ ગ્રામ પ્રતિ કીલો બીજ દીઠ પટ આપી વાવેતર કરવું. અથવા ટ્રાઇકોડર્મા વિરડી ૪ ગ્રામ અને વાઇટાવેક્ષ ૪ ગ્રામ પ્રતિ કીલો બીજ દીઠ પટ આપી વાવેતર કરવું.

૨. ચણાનો સ્ટંટ:આ રોગમાં છોડ કદમાં નાનો રહી જાય છે. બે ગાંઠ વચ્ચે અંતર ઘટી જાય છે. રોગ લાગેલા છોડના પાન ભુખરા અથવા તાબાના રંગના જોવા મળે છે. પાન અને થડ બરડ અને જાડા થાય છે. થડની છાલ ઉખેડતા છાલની નીચે અન્નવાહિની ઘેરા કથ્થાઈ રંગની જોવા મળે છે. આ રોગ વિષાણુથીથાય છે અને તેનો ફેલાવો મોલોમશીથી થાય છે. તેથી ગુજરાત ચણા-૧ અને સાકી ૯૫૧૬ નું વાવેતર કરવું. રોગીષ્ટ છોડ જોવા મળે કે ઉપાડી નાશ કરવો. મોલોમશીના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવાનો છંટકાવ કરવાથી ચણાનો સ્ટંટ રોગ ફેલાતો અટકે છે.

૩. લીલી ઇયળ:ચણામાં મુખ્યત્વે લીલી ઈયળનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. જે પાન, કૂણી કૂપણો અને પોપટા કોરી ખાય છે. જેના સંકલીત નિયંત્રણ માટે પ્રોફેનોફોસ ૨૦ મી.લી. અથવા કલોરન્ટ્રાનીલીપ્રોલ ૧.૫ મી.લી. અથવા ઇમામેકટીન બેન્ઝોએટ ૨ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં મેળવી છંટકાવ કરવો. પ્રથમ છંટકાવ પાકની ૫૦ ટકા ફૂલ અવસ્થાએ અને બીજો છંટકાવ પાકની પ્રથમ છંટકાવના ૧૫ દિવસ પછી કરવો. આ ઉપરાંત હેકટરે ૬ ફેરોમોન ટ્રેપ મુકવાથી પણ આ જીવાતનું અસરકારક નિયંત્રણ થાય છે. તેમજ વારા ફરતી લીંબોળીના મીજના પાવડરનો ૫ ટકા અર્ક, બેસીલસ થુરેન્જીનેસીસ (બી.ટી.) ૧ કિ.ગ્રા./હે. અથવા હેકટરે એન.પી.વી. ૨૫૦ રોગીષ્ટ ઈયળોના દ્રાવણનો છંટકાવ કરવાથી પણ આ જીવાતનું અસરકારક નિયંત્રણ થાય છે. 

કાપણી:

ચણાનો પાક ૯૦ થી ૯૫ દિવસે તૈયાર થયે સમયસર કાપણી કરવી. બિનપિયત વિસ્તારમાં સવારે ચણા હાથથી સહેલાઇથી ઉપાડી શકાય છે.

ઉત્પાદન

જમીનમાં પુરતો ભેજ તથા હવામાનની અનુકૂળ પરિસ્થિતિમાં પિયત ચણાનું ઉત્પાદન ૧૫૦૦ થી ૨૦૦૦ કિ.ગ્રા. પ્રતિ હેકટરે  અને બિનપિયત ચણાનું ૮૦૦ થી ૧૦૦૦ કિ.ગ્રા. પ્રતિ હેકટરે ઉત્પાદન મેળવી શકાય છે.

Related Topics

Farmers scientific method gram

Share your comments

Subscribe Magazine

More on News

More