ખેડૂત મિત્રો, ગુજરાત રાજ્યમાં થઇ રહેલી ખેતી વિકાસની નોંધ સમગ્ર દેશમાં લેવાઈ રહી છે. ગુજરાત રાજ્યની ખેતીમાં દિન-પ્રતિદિન નવી નવી ટેક્નોલોજી સાથે નવું નવું પરિવર્તન આવતું જાય છે. આપણા રાજ્યમાં ખેડૂત ઉપયોગી યોજનાઓ અને તેના વિસ્તરણ પ્રવૃત્તિઓને કારણે રાજ્યના ખેડૂતો નવીન ખેતી પધ્ધતિ, નવી જાતો અને નવીન ટેક્નોલોજીમાં સતત રસ લેતા થયા છે, જે આપણા રાજ્યના ખેડૂતોની જાગૃતિ દર્શાવે છે.
તદ્ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા પ્રજા લક્ષી રહેણાંક વિસ્તારોના વીજ-ગ્રાહકોને અનુલક્ષીને સૌર-ઉર્જા દ્વારા ઘરે જ વીજ-ઉત્પાદન અને જરૂર પૂરતી વીજળી વાપરી વધારાની વીજળી વેંચી વીજ-બીલમાં રાહત તેમજ વધારાની આવક મેળવે એ હેતુથી "સૂર્ય ગુજરાત"(સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના) શરુ કરવામાં આવેલ છે. આ યોજનાનું સંચાલન ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. દ્વારા થઇ રહ્યું છે. જે સરદાર પટેલ, વિદ્યુત ભવન, રેસ કોર્ષ રોડ, ગૌતમ નગર, વાડીવાળી, વડોદરા, ગુજરાત ૩૯૦૦૦૭ ખાતે કાર્યરત છે. આ યોજનાની માહિતી ઉપર દર્શાવેલ સરનામા પર રૂબરૂ જઈ અથવા તો તેના ટોલ ફ્રી નંબર (૦૨૬૫) ૨૩૧૦૫૮૨ મેળવી શકો છો. આ યોજના અંતર્ગત ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. દ્વારા ગુજરાત રાજ્યમાં ૩૦૦+ સોલાર એજન્સી કાર્યરત છે. આ બધી એજન્સીઓ ની માહિતી તમને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. ની વેબસાઈટ www.gseb.com પરથી મળી રહેશે.
ખેડૂત મિત્રો સોલાર પંપ પણ ખેતરે લગાડવા જોઈએ, જેથી ખેડૂતોને તેમાંથી પણ આવકનો સ્ત્રોત મળી શકે. તેમજ અંતરિયાળ વિસ્તારમાં ખેડૂતોને રાત્રે વીજળી મળતી હોય ત્યારે સોલાર પંપ લગાવીને દિવસ દરમિયાન ખેતી લક્ષી કાર્યો કરી શકે છે. તેમજ રાત્રિ દરમિયાનના ખેતી કાર્યો માંથી મુક્તિ મેળવી શકે છે.
ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે ૨ લાખ સોલાર રૂફટોપ સાથે આગામી ૩ વર્ષમાં ૮ લાખ સોલાર રૂફટોપ દ્વારા ૧૮૦૦ મેગાવોટ વીજ ઉત્પાદનનો લક્ષયાંક રાખવામાં આવેલ છે, તો ખેડૂત મિત્રો સોલાર રૂફટોપ યોજનાનો લાભ લઈએ તેમજ સોલાર પંપ લગાવીયે અને પર્યાવરણ નું જતન કરીએ
Share your comments