કોરોના મહામારીનો બીજી લેહરની શરૂઆત સાથે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ની પણ શરૂઆત થઈ છે.કોટોનના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં લોકડાઉનની શરૂઆત થતાં વેપાર ઉપર અસર પડી છે. સપ્લાય તેમજ ઘરાકી તૂટતાં કાચુ તેલ, ખાધ ચીજો, સોના-ચાંદી, મેટલ સહિત અનેક કોમોડિટીઝમાં મોટેભાગે તેજી પાર માહોલ છવાયો છે. જેનાથી શેરબજારની જેમ કોમોડિટી માર્કેટમાં રોકાણકારોને સારૂ વળતર મળી રહ્યું છે. જેમકે એક વર્ષમાં સોનામાં ત્રણથી ચાર ટકા, ચાંદીમાં ૫૦થી ૫૫ ટકા તથા કાચા તેલમાં ૧૦૦ ટકા ઉપરાંત અને કોપરમાં ૭૭ ટકા તેમજ એગ્રી કોમોડિટીમાં સોયાબીનમાં ૭૦ ટકા તથા હળદરમાં ૩૫ થી ૪૦ ટકા વળતર રહ્યું છે.
કોરોનાની મહામારીની પરિસ્થિતિ ગંભીર થતાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા પાડોશી રાજ્યોમાંથી આવતા ખેડૂતોને ફરજિયાત કોરોના ટેસ્ટીંગ અને વેકસીનના આગ્રહને કારણે રાજ્યના કૃષિ બજારોમાં વિવિધ પાકોની આવકોને ફટકો પડી રહ્યો છે. આ ઉપરાંત પેટ્રોલ-ડિઝલના ભાવો પણ આસમાને જતાં ખેડૂતોને કૃષિ માલોની હેરાફેરી પણ મોંઘી પડી રહી હોવાથી પાડોશી રાજ્યોમાંથી દેશના વિવિધ સેન્ટરોમાં સીધો માલ જઈ રહ્યો હોવાથી ઉભી જેવી સ્થાનિક કૃષિ બજારોની આવકોને પણ સરેરાશ ૨૫થી ૩૦ ટકા અસર પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીઓને લીધે છત્તીસગઢ, ઓરિસ્સા જેવા રાજ્યોની પણ માંગ તૂટી છે.
દેશના ઉત્તર ભાગના હરિયાણા, હિમાચલ પ્રદેશ તથા પંજાબ જેવા રાજ્યોમાં રાજસ્થાનથી સીધેસીધો જીરા જેવા માલોની સપ્લાયમાં નોંધપાત્ર ઉછાળો ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થવાથી થયો છે.
કૃષિ બજારોમાં માર્ચ એન્ડીંગ બાદ માલોની આવકની સામે કેટલીક ચીજોમાં સ્થાનિક તેમજ સ્ટોકિસ્ટોની લેવાલી નીકળતાં ગયા અઠવાડિયામાં નોંધપાત્ર તેજી રહી છે. જેમકે દાળોમાં વ્યાપારિક માંગ તેમજ લગ્નસરાની સીઝનને કારણે ખાસ કરીને ચણાની લેવાલી વધુ રહેતાં ચણા બજાર ૪૦૦ રૂપિયાનો ઉછળીને ૫૪૦૦ સુધી ઉંચે ગઈ છે. તુવેરના ભાવો ૬૮૦૦ થી ૭૦૦૦ના સ્તરે ઉંચી છે. તે જ રીતે સોયાબીન તેમજ રિફાઇન્ડ સોયાતેલમાં પણ માંગ નીકળતાં તેજીનો ચમકારો થતાં સોયાબીન વાયદો ૫૦૦ રૂપિયાના ઉછાળા સાથે ૬૭૦૦ની પાર થયો છે. મસાલા પાકોમાં આજકાલ ધાણા ઉપર સટોડિયા વર્ગની નજર વધુ છે. ધાણા વાયદો ૨૦૦ના વધારા સાથે ગયા અઠવાડિયે ૭૪૦૦ ઉપર રહ્યો છે. ધાણામાં આ વર્ષે કેરીફોરવર્ડ સ્ટોક અડધાથી ઓછો હોવાની સામે રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશમાં ધાણાનું ઉત્પાદન પણ ઓછું હોવાથી ધાણામાં મોટી તેજી થવાના એંધાણ બજારમાં છે. ખેડૂતોને નાણાંની જરૂરિયાત હોવાથી ૬૦ થી ૭૦ ટકા ઉપરાંત માલ બજારમાં આવી ગયો હોવાથી આગામી સમયમાં શોર્ટ સપ્લાયને કારણે ભાવો વધી શકે છે. હાલમાં સ્ટોકિસ્ટોની જીરૂ તથા ધાણામાં લેવાલી સતત વધી રહી છે. જોકે બજારમાં હાલમાં ધાણાની આવકો સતત તૂટી રહી છે. ધાણાના સરેરાશ ભાવો ૧૨૦૦થી ૧૫૦૦ની રેન્જમાં છે.
બીજી તરફ જીરાની પણ ઉભા બજારમાં છેલ્લા અઠવાડિયામાં સતત ૪૦થી ૫૦ હજાર બોરીની આવકો રહી છે. જીરાના સરેરાશ ભાવો ૨૪૦૦થી ૨૬૦૦ અને બેસ્ટ માલોના ભાવો ૨૭૦૦થી ૨૮૦૦ની રેન્જમાં છે. ઉભા બજારમાં ઈસબગોલની પણ દૈનિક ૨૫ હજાર બોરીની આસપાસની વધુ આવકોની સામે ઘટાડી અપેક્ષિત નહિ હોવાથી બજાર તૂટી રહ્યું છે. જોકે હજુ પણ આગામી માસમાં મધ્યપ્રદેશમાંથી ઈસબગોલની આવકોનો પ્રવાહ ચાલુ થશે તો બજાર વધુ નરમ રહે તેમ છે.
હોળી બાદ મરીની નિકાસ વધવાની સાથે સાથે સ્થાનિક બજારોમાં પણ શોર્ટ-સપ્લાયને કારણે ભાવોમાં ઉછાળો થયો છે. કઠોળમાં સરકારે નિકાસને છૂટ આપતાં છેલ્લા એક વર્ષમાં ૨૦ ટકા ઉપરાંતનો વધારો થયો છે. મગફળીમાં આગામી સમયમાં મોટી તેજી થવાની ધારણાએ હાલમાં વેચવાલીને બ્રેક વાગી છે. જેથી મગફળીના વેપાર સુસ્ત રહ્યા છે.
દરમ્યાન બુલિયન તેમજ મેટલ - કાચા તેલના બજારોમાં પણ તેજી સતત આગળ વધી રહી છે. છેલ્લા દશેક દિવસમાં સોનામાં ૧૬૦૦થી ૧૮૦૦ના ઉછાળા સાથે પ્રતિ ૧૦ ગ્રામે રૂપિયા ૪૬૬૦૦ની આસપાસ અને ચાંદીમાં ૨૫૦૦ના ઉછાળા સાથે પ્રતિ કિલોએ રૂપિયા ૬૭૦૦૦ની આસપાસ ઉંચે જઈ રહ્યો છે. ડોલર નબળો પડવાની સાથે સાથે કોરોનાની મહામારી અમેરિકા, યુરોપ સહિત અનેક દેશોમાં વધી રહી હોવાથી સોનાની તેજીને સપોર્ટ મળી રહ્યો છે. કોમેક્સ ગોલ્ડ માર્ચ મહિના બાદ હાલમાં ઉપરના સ્તરે જઈ રહ્યો છે. જોકે હાલના સંકેતો જોતાં સોનામાં શોર્ટ ટાઇમ તેજીનો જુવાર રહ્યા બાદ બજારમાં સ્થિરતા રહે તો સોનું ફરીથી ઘટાડા તરફ જઈ શકે તેમ છે. ભારત સહિત વિવિધ દેશોમાં લોકડાઉનની પ્રક્રિયા શરૂ થઈ હોવાથી મોટા ગજાનો રોકાણકાર વર્ગ શેરબજારમાંથી નીકળીને સૌથી સલામત ગણાતા સોનામાં ફંટાઈ રહ્યો છે. જેથી સોનાની ડિમાન્ડ વધે તો તેજીને હાલ પૂરતું બળ મળે તેમ છે.
Share your comments