પાવાગઢના માચી ખાતે આવેલા ચાચરચોકમાં બનાવવામાં આવેલા પથ્થરના રેન બસેરાનો કેટલોક હિસ્સો તૂટી પડતા અહીં દર્શન કરવા આવેલા આઠ યાત્રિકો ઉપર પથ્થરોની શિલાઓ ધસી પડી હતી જેને પગલે આઠ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આપને જણાવી દઈએ કે બપોરે ગાજવીજ સાથે વરસાદ પડતાં કેટલાક યાત્રિકોએ રેન બસેરા નીચે વરસાદથી બચવા આશ્રય લીધો હતો એ સમયે દુર્ઘટના સર્જાતા 3 મહિલાઓ, 3 પુરુષો અને બે બાળકો ઇજાગ્રસ્ત થયા હતા.
પાવાગઢના માચીમાં યાત્રિકોની સુવિધા માટે બનાવવામાં આવેલા ચાચર ચોકની સાઈડ ઉપર પથ્થરના પિલરો ઉપર શિલાઓ ગોઠવી કલાત્મક રેન બસેરા બનાવવામાં આવ્યા હતા. આજે બપોરે અહીં ગાજવીજ સાથે વરસાદ વરસતા આ રેન બસેરા નીચે કેટલાક યાત્રિકો વરસાદથી બચવા આશરો લઈ ઉભા હતા. તે સમયે અચાનક પથ્થરોનું બાંધકામ તૂટી પડતા યાત્રિકો ઇજાગ્રસ્ત થયા હતા અને એકનું કમનસીબે મોત નીપજ્યું હતું. પથ્થરોની ભારે શિલાઓ નીચે દબાયેલા ત્રણ પુરુષ ત્રણ મહિલા અને બે બાળકો પૈકી એક મહિલાને માથાના ભાગે અને બંને પગ ભાગી જતા ગંભીર રીતે ઘવાઈ છે. જ્યારે અન્ય એક મહિલાને પેટના ભાગે પથ્થરો પડતા તેને પણ ગંભીર ઈજા થઈ છે. તેની સાથે જ બે પુરુષો પણ ઘાયલ થયા છે.
આ પણ વાંચો: મધમાખી ઉછેર: ખેડૂતોની આવક બમણી કરવા માટે એક ઉભરતો વ્યવસાય
દુર્ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આસપાસના અન્ય યાત્રિકોએ ભારેખમ પથ્થરો ઉઠાવી યાત્રિકોને બહાર કાઢ્યા હતા અને ખાનગી વાહનો તથા 108 મારફતે હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડ્યા હતા. અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષ સિવાયના તમામ સભ્યો એક જ પરિવારના હતા. જ્યારે એક મહિલા અને એક પુરુષ માતાજીના દર્શને આવેલા હતા.
Share your comments