સુરત જિલ્લાના કામરેજ પાસેના મોરથાણા ગામમાં તાજેતરમાં એગ્રો ફૉરેસ્ટ્રી ટૂર યોજાઈ હતી. આધુનિક યુગમાં જ્યારે યુવાવર્ગ કુદરતથી વિમુખ થઈ રહ્યો છે ત્યારે કુદરતને નજીકથી જાણવા-માણવાની તથા ખેતીમાં નવીનતા વાપરીને વધારે ઉત્પાદન મેળવવાનું શીખવાની મોટી તક ભરૂચના સામાજિક વનીકરણ વિભાગના આ કાર્યક્રમમાં લોકોને મળી હતી. ગુજરાતમાં આવો આ સૌપ્રથમ યોજાયેલો કાર્યક્રમ હતો. સામાજિક વનીકરણ વિભાગ, ભરૂચ વર્તુળ તથા મોરથાણાના પ્રકૃતિપ્રેમી દીપેન પટેલ, નરેન્દ્રભાઈ પટેલ વગેરે દ્વારા સુરત જિલ્લાના કામરેજ તાલુકાના મોરથાણા ગામમાં કુંવરબાની વાડી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. વનસંરક્ષકશ્રી ડૉ. શશીકુમાર (IFS)એ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી.
આ વિશિષ્ટ પ્રકારની એગ્રો ફૉરેસ્ટ્રી ટૂરમાં સમગ્ર દિવસ દરમિયાન આઠ કિ.મી. સુધીની એગ્રો વૉક યોજાઈ હતી. આ વૉકમાં 40 જેટલા પ્રકૃતિપ્રેમીઓએ તથા ખેડૂતોએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સૌને હાઈડ્રોપોનિક્સ, ગાય-આધારિત કુદરતી ખેતી, ઔષધીય વનસ્પતિઓ, કાઉ-કડલિંગ,ચંદન તથા નીલગિરિની ખેતી, ફ્રૂટ ફૉરેસ્ટ, એગ્રો ફૉરેસ્ટ્રી, ગ્રામીણ જીવનશૈલી તથા કિચન ગાર્ડન જેવાં વિવિધ પાસાં અંગેની તલસ્પર્શી માહિતી અને જાણકારી આપવામાં આવી હતી. તે ઉપરાંત, ઑર્ગેનિક ખેતી, સેન્ડલ વુડ ફાર્મિંગના ફાયદાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા વન સંરક્ષકશ્રી ડૉ. શશિકુમારે આ પ્રસંગે પોતાના જન્મ દિવસે સ્થાનિક પ્રજાતિનો છોડ રોપીને તેનો ઉછેર કરવાનો સંકલ્પ લઈને જન્મ દિનની ઉજવણી કરવાની જાહેર અપીલ સૌને કરી હતી. રાજ્યમાં સૌપ્રથમ આવી એગ્રો ફૉરેસ્ટ્રી ટૂર સુરત જિલ્લામાં યોજાઈ છે, એમ કહીને ડૉ. કુમારે ઉમેર્યું કે, આવી કુદરતી ટૂરમાં ભાગ લઈને યુવાનોથી માંડીને પ્રગતિશીલ ખેડૂતો તથા મહિલાઓ પણ એગ્રો ફૉરેસ્ટ્રી અંગે યોગ્ય જ્ઞાન મેળવીને આ ક્ષેત્રમાં પદાર્પણ કરીને સમૃદ્ધ બને તેવો આશય આવા ટૂર પાછળ રહેલો હોય છે. પરંપરાગત કૃષિપદ્ધતિ વિશે તથા શાકભાજીની ખેતી, ગ્રામીણ જીવનશૈલી તેમજ જમીનના પ્રકારો વગેરે અંગે શ્રી ડૉ. શશીકુમારે તલસ્પર્શી માહિતી આપી હતી.
ટૂર દરમિયાન સૌને ડિસકનેક્ટ ટૂ કનેક્ટ, ડિજિટલ ડેટૉક્સ જેવી નવીન પહેલો દ્વારા જ્ઞાન પીરસવામાં આવ્યું હતું. ખેતી તેમજ એગ્રો ફૉરેસ્ટ્રીમાં પાણી બચાવવાનું (વૉટર-મૅનેજમેંટનું) મહત્ત્વ સૌને સમજાવવામાં આવ્યું હતું. પાણીનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરીને વધારે ઉત્પાદન મેળવવાની રીતભાતો તથા પદ્ધતિઓની સમજણ આપવામાં આવી હતી.
આ પ્રસંગે યુવા-તજજ્ઞ શ્રી દીપેન પટેલે કુંવરબાની વાડીમાં ઉછરી રહેલા આંબા, સુખડ, ચંદન, રતાળુ, લાલ કેળાં, સફરજન, બુશ પીંપર, લક્ષ્મણ ફ્રુટ, ચીકુ, ફણસ, હળદર, બ્લૅક બેરી, બ્લૅક મૅંગો, પાલમા મૅંગો, વ્હાઇટ અને રેડ જાંબુ, શેતુર, લોગાન, કોકો, મોંબિન, કોકો, થાઇલૅન્ડ આમળાં જેવાં ફળોનાં વૃક્ષો, ફ્રુટ પ્લાન્ટ અંગે, તેના ગુણધર્મો તથા તેમને ઉછેરવાની રીતભાતો અંગે વિગતવાર માહિતી આપી હતી. યોગશિક્ષક શ્રી નીલેશભાઈ લાડે યોગનાં વિવિધ આસનો કરાવીને સ્ટ્રેસ મૅનેજમેંટની સમજણ પૂરી પાડી હતી.
કાર્યક્રમમાં સુરત સામાજિક વનીકરણ વિભાગના DFO શ્રી એમ. એસ.કટારા, કામરેજના RFO શ્રી પંકજ ચૌધરી, બારડોલીના RFO શ્રી ભાવેશભાઈ રાદડિયા, મોરથાણા ગામના અગ્રણી પ્રગતિશીલ ખેડૂત શ્રી નરેન્દ્રભાઈ પટેલ (ભીખાભાઈ), ફૉરેસ્ટર સર્વશ્રી એ.બી. ચૌધરી, નરેન્દ્રભાઈ કંથારિયા, પી.બી. હડિયા, ડૉ. આશાબહેન સહિત સામાજિક વનીકરણ વિભાગના અધિકારીઓ તથા અન્ય પ્રકૃતિપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Share your comments