દેશની કૃષિમાં ધાન્ય પાકો પછીના ક્રમે કઠોળ પાકો અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે. કઠોળ આપણા દૈનિક ખોરાકનો ખૂબજ મહત્વનો ભાગ છે. ચોળી એ અગત્યનો કઠોળ વર્ગનો શાકભાજીનો પાક છે. આ પાકનું મૂળ વતન આફ્રિકા માનવામં આવે છે. ચોળા એ સૂકા અને અર્ધસૂકા વિસ્તારનો પાક છે. ચોળાની લીલી કુણી શીંગો તેમજ લીલા દાણાનો શાકભાજી તરીકે જયારે સૂકા દાણાનો ઉપયોગ કઠોળ તરીકે કરવામાં આવે છે. ચોળીની લીલી શીંગોમાં પ્રોટીન અને ખનિજ તત્વો સારા એવા પ્રમાણમાં હોય છે. ચોળીના સૂકા દાણામાં ૨૩ થી ૨૯ ટકા જેટલું પ્રોટીન હોય છે અને મિથીયોનાઈન અને થીયોનાઈન જેવા આવશયક એમિનો એસિડનું પ્રમાણ યોગ્ય માત્રામાં હોય છે. આ ઉપરાંત લીલી શીંગોમાં લોહ તત્વ તથા વિટામીન-એ પણ વિશેષ પ્રમાણમાં હોય છે. આ માટે સંયુકત રાષ્ટ્રસંઘ દ્રારા કઠોળ પ્રત્યેની જાગૃતિ લાવવા માટે વર્ષ ૨૦૧૬ ને આંતરરાષ્ટ્રીય કઠોળ વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલ હતું. દુનિયાના ૧૭૧ દેશોમાં કઠોળ પાકોનું વાવેતર થાય છે, જે પૈકી ભારત કઠોળ પાકોનું સૌથી વધારે ઉત્પાદન, વપરાશ અને આયાત કરનાર દેશ તરીકેનું સ્થાન ધરાવે છે. ગુજરાત રાજયમાં લગભગ બધાજ જીલ્લાઓમાં ચોળીનું આવેતર વધતા ઓછા પ્રમાનમાં કરવામાં આવે છે. આમ છંતા શાક્ભાજી માટે ચોળીનું વાવેતર ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વિશેષ કરવામાં આવે છે.
આબોહવા
ચોળીનો પાક ઉષ્ણ અને સમશિતોષ્ણ પ્રકારનું હવામાનમાં અનુકૂળ આવે છે. ચોળીનો પાક શિયાળાની ઋતુ સિવાય કોઇપણ ઋતુમાં લઈ શકાય છે. તેમ છંતા આ પાકમાં ફૂલ આવવાના સમયે સતત વરસાદ થી પાક ઉત્પાદન પર મોટી અસર પડે છે. ખાસ કરીને ચોળીનો પાક ચોમસુ અને ઉનાળુ બંને ઋતુમાં લઈ શકાય છે.
જમીન અને જમીનની તૈયારી
ચોળીનો પાક બધાજ પ્રકારની જમીનમાં લઈ શકાય છે. પરંતુ સારા નિતારવાળી અને ફળદ્રુપ ગોરાડુ જમીના પાકને વધુ માફક આવે છેઅને આવી જમીનમાં છોડનો વિકાસ સારો થાય છે. આ પાકને ખાસ કરીને ક્ષારીય કે ભાસ્મિક જમીન માફક આવતી નથી. જમીનમાં હળથી ખેડ કરી, કરબ ચલાવી, જમીન સપાટ કરવી જોઇએ. વાવણી બાદ જમીનના પ્રકાર અને ઢાળ અનુસાર યોગ્ય માપના કયારા તૈયાર કરવા.
જાતો
(૧) પુસા ફાલ્ગુની
ગુજરાત રાજયમાં શાકભાજી માટે પુસા ફાલ્ગુની જાતનું વાવેતર વિશેષ પ્રમાણમાં થાય છે. આ જાત ચોમાસુ અને ઉનાળુ ઋતુ માટે અનુકૂળ છે. આ જાતની લીલી શીંગો સુંવાળી, ઓછા રેષાવાળી અને પ્રમાણમાં દાણાના ઓછા ભરાવાવાળી હોય છે જેથી શીંગોમાં દાણા ઉપસી આવતા નથી. શીંગો ઘાટી લીલી, સીધી અને ૧૨ થી ૧૩ સે.મી. લંબાઈની હોય છે. જેના દાનાનો કલર સફેદ હોય છે આ જાતના છોડ પ્રમાણમાં ઠીંગણા અને નિયંત્રિત વૃધ્ધિવાળા હોય છે. લીલી શીંગોનું ઉત્પાદન એક હેકટરે ૧૦,૦૦૦ થી ૧૨,૦૦૦ કિ.ગ્રા. પ્રતિ હેકટરે મળે છે.
(૨) પુસા કોમલ
આ જાતના છોડ પણ ઠીંગણા અને નિયંત્રિત વુધ્ધિવાળા હોય છે. પ્રથમ વીણી ૫૫-૬૦ દિવસે મળે છે. શીંગો આછી લીલી, ગોળાકાર આશરે ૨૦ થી ૨૨ સે.મી લાંબી અને આછા પીળા રંગના દાણાવાળી હોય છે. આ જાત બેકટેરીયલ બ્લાઈટ સામે પ્રતિકારક શકિત ધરાવે છે. આ જાત ચોમાસુ અને ઉનાળુઋતુ માટે અનુકૂળ છે.
(૩) આણંદ શાકભાજી ચોળી-૧
આ જાત ચોમાસુ અને ઉનાળુઋતુ માટે અનુકૂળ છે. તેમજ નિયંત્રિત વૃધ્ધિવાલી છે. શીંગો લીલા રંગની આછા લીલાશ પડતા રંગની સુંવાળી, રેષાનું પ્રમાણ ખૂબજ ઓછું હોય છે અને ૧૨ થી ૧૫ સે.મી. લંબાઈની હોય છે. આ જાતના દાણાનો રંગ સફેદ છે. આ જાતનું અંદાજીત ઉત્પાદન ૧૨૦૦ થી ૧૪૦૦ કિ.ગ્રા. પ્રતિ હેકટરે મળે છે.
વાવણી સમય
ચોળીનું વાવેતર ચોમાસામાં જુન-જુલાઈ અને ઉનાળામાં ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં કરવામાં આવે છે.
વાવણી અંતર તથા બિયારણનો દર
ચોળીનું વાવેતર બે હાર વચ્ચે ૩૦-૪૫ સે.મી અને હારમાં બે છોડ વચ્ચે ૧૫-૨૦ સે.મી. અંતર રાખી કરવું. સમયસર ખાલાં પૂરવા તેમજ પારવણી કરી છોડની સંખ્યા જાળવવી. એક હેકટરના વિસ્તાર માટે ૧૨-૧૫ કિ.ગ્રા. બિયારણની જરૂર પડે છે.
ખાતર
જમીન તૈયાર કરતી વખતે ૧૦-૧૨ ટન સારુ કોહવાયેલુ છાણિયું ખાતર જમીનમાં ભેળવવું. પાયાના ખાતર તરીકે હેકટરે ૨૦ કિ.ગ્રા. નાઇટ્રોજન અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ(ડીએપી- ૮૭ કી.ગ્રા/હેકટરે અને યુરીયા ૯.૪ કિ.ગ્રામ/હેકટરે અથવા યુરીયાની એવેજીમાં એમોનિયમ સ્લ્ફેટ ૨૨ કિ.ગ્રા/હેકટરે) ને વાવણી સમયે ચાસમાં આપવું. કઠોળ વર્ગનો પાક હોવાથી પૂર્તિ ખાતર આપવાની જરૂરીયાત રહેતી નથી. જમીન ચકાસણી મુજબ સૂક્ષ્મ તત્વોની પૂર્તિ કરવી.
પિયત
જમીનની પ્રત તથા હવામાન મુજબ પિયત આપવા. ઉનાળુ ઋતુમાં ચોળીના પાકને સામાન્ય રીતે કુલ ૭-૮ પિયતની જરૂરીયાત રહે છે જે પૈકી પ્રથમ પિયત વાવણી પછી તરત જ અને પછીના પિયત ૧૦ થી ૧૨ દિવસના અંતરે આપવાં. વધુ પડતા પિયત આપવાથી વાનસ્પતિક વૃધ્ધિ થવાથી શીંગો ઓછી બેસે છે. ચોમાસુ ઋતુમાં ચોળીના પાકને જો વરસાદ ખેંચાય તો જ પિયતની જરૂરીયાત રહે છે.
આંતરખેડ અને નિંદામણ
પાકને શરૂઆતના ૨૦-૩૦ દિવસ સુધી નિંદામણમુકત રાખવો જરૂરી છે. જો પાક ૪૫ સે.મી. ના અંતરે વાવેલ હોય તો ૨૦ અને ૪૦ દિવસે આંતરખેડ કરવી. ખેતમજૂરોની ઉપલબ્ધતા હોય તો વાવણી બાદ ૨૦ અને ૪૦ દિવસે હાથ નિંદામણ કરવું. જો મજૂરોની અછ્ત હોય તો વાવણી બાદ પરંતુ પાક તથા નીંદણોના ઉગાવા પહેલાં પેંડીમેથાલીન ૦.૭૫ કિ.ગ્રા. અથવા ઓઅકસાડાયાઝોન ૦.૪ કિ.ગ્ર્તા. સક્રિય તત્વ પ્રતિ હેકટર ૫૦૦ લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો અને ૪૦ દિવસે હાથથી એકવાર નીંદામણ કરવુ. ઊભા પાકમાં ઘાસ વર્ગના નીંદણોના વધુ ઉપદ્રવ હોય તો વાવણી બાદ ૨૦ દિવસે કવીઝાલોફોપ ૪૦ ગ્રામ સક્રિય તત્વ પ્રતિ હેકટર ૫૦૦ લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો. ઘાસ વર્ગ તથા પહોળા પાનવળા નીંદણોના નિયંત્રણ માટે બજારમં તૈયાર મળતી મિશ્ર નીંદણનશક દવા પ્રોપાકવીઝાફોપ + ઇમાઝેથાપાયર ૧૨૫ ગ્રામ સક્રિય તત્વ પ્રતિ હેકટરે ૫૦૦ લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરી શકાય.
લીલી શીંગોની વીણી
પાકની જાતહવામાનની પરિસ્થિતિ તથા ઋતુ મુજબ વાવેતર બાદ લગભગ ૪૦ થી ૫૦ દિવસે ઉતારવા લાયક લીલી શીંગો તૈયાર થાય છે. આ શીંગો જયારે કુણી હોય ત્યારે વીણી કરવી. લીલી શીંગોની વીણી ૫ થી ૭ દિવસના સમયાંતરે કરવી જેની ૮-૧૦ વીણી મળતી હોય છે.
કાપણી અને સંગ્રહ
સુધારેલી જાતો સામાન્ય રીતે ૬૫ થી ૭૦ દિવસે પાકી જાય છે. શીંગો પાકતા પીળા રંગની થઈ જાય છે,એ વખતે યોગ્ય સમયે શીંગોની વીણી કરવી જોઇએ. જો બધી શીંગો એકી સાથે પાકી ગઈ હોય તો પાકની કાપણી સવારના સમયે કરવી. જો તડકામાં કાપણી કે શીંગોની વીણી કરવામાં આવેતો શીંગો ફાટી જવાથી ઉત્પાદનમાં નુકશાન થાય છે. શીંગોને ખળામં સૂકવ્યા બાદ દાણા છૂટા પાડવા. દાણા છૂટા પાડયા બાદ બરાબર સાફ કરી દાણાનું ગ્રેડિંગ કરવું. દાણાને જંતુરહિત કોથળા અથવા કોઠી કે પીપમાં ભરવાં. દાણા ભરેલ પીપ/કોઠીમાં જાળવણી માટે ઈથીલીન ડાયબ્રોમાઈડની ટયુબનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટયુબને દાણાના વચ્ચેના ભાગમાં મૂકી તેને તોડી નાની ઢાંકણ બંધ કરવું. આ ટયૂબ કોથળામાં પણ મૂકી શકાય છે. એક ક્વિન્ટલ દાણા માટે ૩ મિ.લિ. ની એક થી બે ટયુબનો ઉપયોગ કરવાનો રહે છે.
ઉત્પાદન
ચોળીમાં લીલી શીંગોનું ઉત્પાદન જાત પ્રમાણે મળતું હોય છે. હેકટર દીઠ સરેરાશ ૮,૦૦૦ થી ૧૦,૦૦૦ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે. જયારે દાણાનું સરેરાશ ઉત્પાદન ૧૪૦૦-૧૫૦૦ કિ.ગ્રા/હેકટરે મળી શકે છે.
પાકની ફેરબદલી
સમયાંતરે જો પાકની ફેરબદલી કરવામાં આવેતો જમીનની ફળદ્રુપતામાં વધારની સાથે સારુ ઉત્પાદન લઈ શકાય છે. આ માટે જયાં પિયતની સગવડતા હોય ત્યં શિયાળુ પાક લીધા બાદ ફાજલ પડતી જમીનમં ટૂંકા ગાળામાં પાકતી ચોળાની જાત વાવવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. વધુમાં ચોળી કઠોળ વર્ગનો પાક હોવાથી જમીનમાં નાઇટ્રોજનનું સ્થીરીકરણ પણ થાય છે.ચોમાસુ ઋતુમાં વધુ પડતા વરસાદથી જમીનનું થતુ ધોવાણ અટકાવે છે અને ટૂંકા ગાળામાં વધારાની આવક પણ મેળવી શકાય છે.
Share your comments