Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ભારતીય કિસાન સંઘના કાર્યક્રમમાં કચ્છમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા, રાજકોટમાં વિરોધાર્થીઓ સામે કાર્યવાહી

અંતે ભાજપની ભગીની ગણાતી સંસ્થાએ પોષણક્ષમ ભાવના મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી, કૃષિ કાયદાના મુદ્દે સમર્થન આપી કિસાન સંઘને સરકારના વ્હાલા રહેવું છે ને, વળી ખેડૂતોના પ્રશ્ને સરકારનો કાન પણ આમળવો છે, તેવા માહોલ વચ્ચે ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન.

Sukhadev Thakor
Sukhadev Thakor

અંતે ભાજપની ભગીની ગણાતી સંસ્થાએ પોષણક્ષમ ભાવના મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી, કૃષિ કાયદાના મુદ્દે સમર્થન આપી કિસાન સંઘને સરકારના વ્હાલા રહેવું છે ને, વળી ખેડૂતોના પ્રશ્ને સરકારનો કાન પણ આમળવો છે, તેવા માહોલ વચ્ચે ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન.

સિંચાઇના પાણીથી માંડીને પોષણક્ષમ ભાવના મુદ્દે ખેડૂતો પ્રવર્તમાન ભાજપની સરકારથી ખૂબ જ નારાજ છે ત્યારે ભારતીય કિસાન સંઘ કે જેને ભાજપની ભગીની સંસ્થા ગણવામાં આવે છે, તે સંગઠને જ ભાજપ સામે બાંયો ચડાવતા સરકાર એક તબક્કે હરકતમાં આવી ગઇ હોય તેવો ઘાટ ઘડાયો હતો. કૃષિ કાયદાના મુદ્દે સમર્થન આપી કિસાન સંઘને સરકારના વ્હાલા રહેવું છે, ને વળી ખેડૂતોને પ્રશ્ને સરકારનો કાન પણ આમળવો હોય તેવા માહોલ વચ્ચે આજે ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ઠેર ઠેર ખેડૂતો દ્વારા ધરણા, આવેદનપત્રો પાઠવવા સહિતના વિરોધાત્મક કાર્યક્રમો યોજાયા હતા. કચ્છમાં એક અંદાજ મુજબ પાંચ હજારથી વધુ ખેડૂતો એકત્રિત થયા હતા, તો રાજકોટ સ્થિતિ ધરણાના કાર્યક્રમમાં ખેડૂત નેતાઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.

કચ્છ

ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા ભુજની નવી મામલતદાર કચેરી પાછળ આવેલા ટીન સીટી મેદાનમાં ખેડૂતોનો મોટો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ વિઠ્ઠલભાઇ દુધાત્રા સહિત સ્થાનિક જિલ્લા સ્તરના હોદ્દેારો જિલ્લા પ્રમુખ શિવજીભાઇ બરાડિયા, મંત્રી વાલજીભાઇ લીંબાણી અને કોષાધ્યક્ષ હરજીભાઇ વોરા સહિતના અગ્રણી નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કચ્છના યુવા ખેડૂત નેતા જીતુભાઇ આહિરે ‘કૃષિ પ્રભાત‘ને જણાવ્યું હતું કે, ‘‘આજના કચ્છ સ્થિત ખેડૂતોના કાર્યક્રમમાં અંદાજે પાંચ હજાર કરતા વધુ ખેડૂતો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વર્તમાન સમયે ટેકાના ભાવમાં વધારો કરી ટેકાના ભાવ કરતા નીચી કિંમતે હરાજી કરવામાં ન આવે, કચ્છના બે લાખ કરતા વધુ ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ નિષ્ફળ ગયેલા પાકનું વળતર ચૂકવવામાં આવે, યોજના મુજબ પાકનું વળતર પ્રતિ ચાર હેક્ટરે એક લાખ રૂપિયા મળવાપાત્ર છે તે આપવામાં આવે, ખેતીવાડી વીજ જોડાણોમાં મીટર પ્રથા બંધ કરવામાં આવે, નવી સ્ક્રેપ પોલિસીમાંથી ટ્રેક્ટરને બાકાત રાખવામાં આવે અને ખેત ઔજારોને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માગણીઓને કેન્દ્રસ્થાને રાખીને ઉદબોધનો કરાયા હતા.

રાજકોટ

રાજકોટ ખાતે પણ ભારતીય કિસાન સંઘ સંગઠનના નેતૃત્વ હેઠળ સાંકેતિક ધરણા, આવેદનપત્રો સહિતના કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા હતા. ખેડૂત હોદ્દેારો દ્વારા સૌરાષ્ટ્રના પ્રશ્નો અંતર્ગત કલ્પસર યોજના, ચેકડેમ રીપેરિંગ, જમીન રી સર્વે, દિવસના લાઇટ આપવાની અમલવારી, રોઝડા – ભૂંડ અને આખલાથી પાકને રક્ષણ જેવા અગત્યના મુદ્દાઓ ઉઠાવાયા હતા. ખેડૂતોને કલેક્ટર કચેરીએ ઉમટી પડવા હાકલ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ખેડૂત સંગઠન સાથે જોડાયેલા કેટલાક આગેવાનો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો - આજે કિસાન સંઘ 525 સ્થળે ધરણા સહિતના કાર્યક્રમો યોજશે, જાણો ક્યાં- ક્યાં યોજાશે કાર્યક્રમો

Share your comments

Subscribe Magazine

More on News

More