
ખેડૂતોને ખેતીમાં મૂલ્યવર્ધન (Value Addition) અને ઘરમાંથી નાના સ્તરે ઉદ્યોગ શરૂ કરવા માટે ટેક્નોલોજી આધારિત પ્રેરણા આપવા માટે પશુપતિ કોટ્સપીન લિમિટેડ,અમદાવાદ તથા એન આઈ એફ ઇન્ક્યુબેશન એન્ડ ઇન્ટરપ્રેન્યોરશિપ કાઉન્સિલ (NIF-IEC), ગાંધીનગર દ્વારા જંબુસર કિસાન ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ (FPO) ખાતે જંબુસર તાલુકાનાં કોટેશ્વર ગામે દાળ મિલ મશીનનું નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. એન આઈ એફ ઇન્ક્યુબેશન એન્ડ એન્ટરપ્રીન્યુર્શિપ કાઉન્સિલ એ ભારત સરકારના નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત એક ઇન્ક્યુબેશન સેન્ટર છે. જે જમીન સ્તરીય નવપ્રવર્તકો/ઉધોગસાહસિકોને પ્રોડક્ટ ડેવલોપમેન્ટ અને વ્યવસાયમાં માર્ગદર્શન આપે છે.

કોટેશ્વર ખાતે નિર્દશન દરમિયાન મીની દાળમિલ મશીનની કામગીરી, દાળ પાડવાની પ્રક્રિયા, જાળવણી તેમજ ઉત્પાદકતામાં વધારા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ મશીન દ્વારા તુવેર, ચણા, મગ વગેરે દાળોને સરળતાથી અને ઓછા સમયમાં પાડી શકાય છે. કાર્યક્રમમાં ૪૦ થી વધુ ખેડૂતો તથા બોર્ડ સભ્યો હાજર રહ્યા હતા. નિદર્શન જોઈને ઘણા ખેડૂતોને દાળ પાડવાની નવી પદ્ધતિઓ વિશે અવગત થવાની તક મળી હતી. આ તાલીમમાં એન આઇ એફ સંસ્થાના કર્મચારીશ્રી કમલેશભાઈ, પ્રિયાબેન તથા પશુપતિ કોટ્સપીન લિમિટેડ (સીબીબીઓ) નાં કર્મચારી શ્રી નીરવભાઈ અકબરી તથા બોર્ડ સભ્યો હાજર રહ્યા હતા.
શ્રી વિશાલભાઈ ભીમાણી (સંપ ઇન્ડિયા કન્સોર્ટિયમ ઓફ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ) ના સંકલન અને પ્રયાસોથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. FPO નાં ડિરેક્ટર્સશ્રી રંગેશભાઈએ જણાવ્યું હતુ કે એફ પી ઓ ની સ્થાપના પાછળનો હેતુ એ છે કે, “ખેડૂત માત્ર ઉત્પાદન સુધી મર્યાદિત ન રહે, પરંતુ તે ઉત્પાદનનું મુલ્યવર્ધન કરીને પોતાનો નફો ઊંચો કરી શકે. ઉપરાંત ખેતી આધારિત લઘુ ઉદ્યોગો ખેડૂત પરિવારના અન્ય સભ્યો માટે રોજગાર પણ પેદા કરે છે.

” શ્રી જયેશભાઈ પટેલ (ખેડૂત, કોટેશ્વર) એ જણાવ્યું: “આવું મશીન અમારા માટે આશીર્વાદ સમાન છે. હવે અમે અમારા ઉત્પાદનનું મૂલ્ય આપમેળે વધારી શકીશું. આ ડેમો કાર્યક્રમ એ સાબિત કરે છે કે, ખેડૂત માત્ર ખેતરમાં સીમિત નહિ રહે, પરંતુ ટેકનોલોજી અને માર્ગદર્શનથી એક સફળ ઉદ્યોગપતિ તરીકે ઉભા રહી શકે છે. આવાં કાર્યક્રમો દ્વારા આત્મનિર્ભર ભારતના મિશનને વેગ મળશે.
Share your comments