Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

રાજ્યના ૨૦ જિલ્લાના ૫૪૨ ગામોનો ૬૭ હજાર એકર વિસ્તાર સિંચાઇ હેઠળ આવરી લેવાયો : ૪૫ હજારથી વધુ ખેડૂતોને લાભ - જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

નાના-મોટા ચેકડેમ, રિચાર્જ પાતાળ કૂવા, બંધારા, નાની-મોટી ઉદવહન યોજના, પાઇપ-લાઇન વડે તળાવ ભરવા જેવા કામોનો સમાવેશ. સિંચાઇ વિસ્તારમાં વધારા સાથે ભૂગર્ભ જળની ગુણવતા વધશે અને સ્તર ઊંચા આવશે

KJ Staff
KJ Staff
Kunwarjibhai Bavlia
Kunwarjibhai Bavlia

રાજ્યના ૨૦ જિલ્લાના વધુ ૧૦૫ તાલુકાના અંદાજે ૫૪૨ ગામોના ૬૭,૦૧૫ એકર વિસ્તારમાં અંદાજિત ૪૫,૦૫૦ ખેડૂતોને પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે ખેતી માટે સિંચાઇ સહિત અન્ય લાભો આપીને મુખ્યમંત્રી  ભૂપેન્‍દ્રભાઇ પટેલની નેતૃત્વવાળી સરકારે સિંચાઈ ક્ષેત્રે વધુ એક સિદ્ધિ મેળવી છે. જળ સંપત્તિ વિભાગ દ્વારા પ્રથમ તબક્કામાં નક્કી કરાયેલા ૨૦ જિલ્લાઓમાં ૧૬૯માંથી ૧૩૦ કામો પૂર્ણ કરાયા છે. જેમાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, પંચમહાલ, ડાંગ, તાપી, સુરત, નવસારી, વલસાડ, જામનગર, રાજકોટ, કચ્છ અને વડોદરાનો સમાવેશ થાય છે, તેમ જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું.

મંત્રીએ જળ સંપત્તિ હેઠળ ગુજરાતમાં કાર્યરત કામોની વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષના બજેટમાં જળ સંપત્તિ વિભાગ હેઠળ કુલ રૂ. ૯,૭૦૫ કરોડની માતબર રકમની જોગવાઇ કરવામાં આવી છે. હાલ ૧૦૦ દિવસના લક્ષ્યાંક અંતર્ગત રૂ. ૩,૩૦૬ કરોડના ૨૪૨ કામો મંજૂરીની પ્રક્રિયા હેઠળ છે. આ કામો પૂર્ણ થવાથી રાજ્યના ૩૧ જિલ્લાના વધુ ૧૧૦ તાલુકાના અંદાજિત ૩૫૬ ગામોનો ૧,૩૪,૨૫૦ એકર વિસ્તાર સિંચાઇ હેઠળ આવરી લઇને અંદાજિત ૬૯,૭૪૭ ખેડૂતોને પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે સિંચાઇ સહિત અન્ય લાભો મળશે.

આ જિલ્લાઓમાં અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, પાલનપુર, આણંદ, ખેડા, પંચમહાલ, ભરૂચ, મહિસાગર, સાબરકાંઠા, ડાંગ, તાપી, નર્મદા, નવસારી, સુરત, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, ભાવનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, છોટા ઉદેપુર, દાહોદ અને વડોદરાનો સમાવેશ થાય છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
જળ સંપત્તિ મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ખેડૂતોને સિંચાઇનો લાભ મળી રહે તે માટે નાના-મોટા ચેકડેમ, રિચાર્જ પાતાળ કૂવા, બંધારા,નાની-મોટી ઉદવહન યોજના, દરિયાઈ ધોવાણ અને પુર સંરક્ષણના કામો, કેનાલ અને કેનાલ સ્ટ્રક્ચર તથા અન્ય મરામતના કામો, હયાત ઉદવહન સિંચાઇ યોજનામાં પાઇપલાઇન વડે ગામ-સીમ વગેરેના તળાવો ભરવા જેવા કામો કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ચણાના ભાવમાં સુધારો થતા ખેડૂતો ખુશ

મંત્રીએ સિંચાઇ વિભાગ દ્વારા કરાયેલા કામોથી ખેડૂતોને સિંચાઇ માટે થતા ફાયદા અંગે કહ્યું હતું કે, સિંચાઇ વિસ્તારમાં વધારો/સુદ્દઢીકરણ, ભૂગર્ભ જળની ગુણવતામાં સુધારો-સ્તર ઊંચા આવશે, દરીયાઇ વિસ્તારના પ્રદેશોમાં ખારાશમાં ધટાડો થશે, નહેરમાંથી થતા સીપેજ તથા લીકેજ બંધ થશે અને પાણીનો બગાડ અટકશે. આ ઉપરાંત પાણીનો બગાડ અટકવાથી પાણીની બચત થશે, છેવાડાના ખેડૂતોને સિંચાઇ માટેનું વધુ પાણી મળશે, ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારા થવાથી ખેડુતોનું જીવન સ્તર ઉંચુ આવશે જ્યારે પાણી વિતરણ વ્યવસ્થા સરળ અને સુદ્રઢ બનશે તેમ મંત્રીશ્રીએ ઉમર્યું હતું.
મંત્રીએ કહ્યું હતું કે, જીવન અને પર્યાવરણ બંને માટે જળ આવશ્યક તત્વ છે. ઉપલબ્ધ પાણીના સ્ત્રોતોનો કાર્યક્ષમ ઉપયોગ કરવા, તેનો સંગ્રહ તથા તે પાણીને ડેમથી ખેતરો અને ઘરો સુધી પહોચાડવાનું સુદ્રઢ માળખું તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં ઊભું કરવામાં આવ્યું છે. સિંચાઈ યોજનાઓની કાર્યક્ષમતામાં વધારો કરવા અને પાણીની અછતવાળા વિસ્તારોમાં સિંચાઈ સુવિધા વધારવા નવી માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે પણ સરકાર સતત કાર્યરત છે. ક્ષાર પ્રવેશ નિયંત્રણ તેમજ ભૂગર્ભજળની પરિસ્થિતિમાં સુધારો કરવા માટે રાજ્યમાં વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. કૃષિ અને પીવાના પાણી માટે જળસંસાધનોની અગત્યતા ધ્યાને લેતાં આ જળ સંપત્તિના બજેટમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૮૨ ટકાનો વધારો કર્યો છે જેથી છેવાડાના ખેડૂતને સિંચાઇનો મહત્તમ લાભ મળી રહેશે.

Share your comments

Subscribe Magazine

More on News

More