![ફોટો-સોશિયલ મીડિયા](https://gujarati.krishijagran.com/media/mria3ec4/add-a-subheading.png)
આપણા દેશના વૈવિધ્યપૂર્ણ સમતોલ આબોહવા અને જમીન હોવાના કારણે તે અનેકવિધ પ્રકારના તેલીબીયા પાકોના ઉત્પાદન માટે અનુકુળ પરિસ્થિતિ ધરાવે છે. આમ આપણા ખેડૂતોની આગવી સમજ, પુરુષાર્થ તેમજ કોઠાસુઝના પરિણામે મગફળી, તલ, કપાસ, એરંડા, રાયડો, સોયાબીન જેવા જુદાજુદા તેલીબીયા પાકોનું ઉત્પાદન આપણે ત્યાં લેવામાં આવે છે. ભારતમાં તેલીબિયાનું ઉત્પાદન છેલ્લા પાંચ વર્ષથી સતત વધી રહ્યું છે અને વર્ષ ૨૦૨૦-૨૧ માં તે ૩૬૫.૬૫ લાખ ટન થયું છે. ભારતમાં સૌથી વધુ તેલીબિયાં ઉત્પાદક રાજ્યોમાં આપણું રાજ્ય કુલ દેશના કુલ ઉત્પાદનમાં આશરે ૨૦ % હિસ્સા સાથે મોખરાનું સ્થાન ધરાવે છે. હાલના સમયમાં આપણે ખુલ્લી બજાર વ્યવસ્થા તરફ ઝડપભેર જઈ રહયાં છીએ ત્યારે તેલીબિયાં પેદાશોનું બજારમાં સ્થાન ટકાવી રાખવા માટે હાલની પ્રોસેસીંગ ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવો ખૂબજ જરૂરી બને છે. કોઈ પણ ખેતી પાકના ઉત્પાદન પછી તેને અનુકૂળ વિવિધ પ્રોસેસીંગ પ્રક્રિયા કરીને તેના ઉપભોકતા એટલે કે ગ્રાહકની રૂચી, પસંદગી અને જરૂરિયાત પ્રમાણેના સ્વરૂપમાં તૈયાર કરવાથી સારી એવી વધારાની આવક મેળવી શકાય છે. સામાન્ય રીતે કોઈપણ વ્યકિત, કંપની કે સંસ્થા પોતાના પ્રોડકટના મૂલ્યમાં વધારો કરવા માટે વિવિધ ઉપાયો હાથ ધરે છે. તે પ્રમાણે ખેડૂતોએ પણ પોતાની ખેત પેદાશોના મૂલ્યમાં વધારો કરવા માટે ઉપલબ્ધ ટેકનોલોજીની જાણકારી મેળવી તેના ઉપયોગથી પાકની મૂલ્યવૃધ્ધિ કરવા માટેની વ્યુહરચના ઘડવી ખૂબજ આવશ્યક છે.
સામાન્ય રીતે તેલીબીયા પાકોનો મોટાભાગનો જથ્થો પીલાણમાં ખાદ્ય અને અખાદ્ય તેલ કાઢવામાં વપરાય છે અને તેલ કાઢી લીધા પછીના ખોળનો ઉપયોગ પશુ આહાર બનાવવા માટે થાય છે. હાલના સમયમાં ગ્રાહકો તેમના જીવનને લગતી દરેક બાબતો પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. પોષણક્ષમ આહાર એ બદલાતી પર્યાવરણીય પરિસ્થિતિઓ અને જીવનશૈલી સાથે માનવ સ્વાસ્થ્ય ને અસર કરતા મુખ્ય ઘટકોમાંનું એક છે. પર્યાવરણના બગાડ અને ખાદ્યપદાર્થોમાં રહેલ રાસાયણિક અવશેષો વિશે ચિંતિત ગ્રાહકો હમેશા નીચા તાપમાને પ્રોસેસિંગ થયેલ તેલને ખાવાનું પસંદ કરતા હોય છે. સામાન્ય રીતે તેલ કાઢવા માટે સોલ્વન્ટ એક્ષટ્રેકસન અને મિકેનિકલ એક્ષ્પેલર દ્વારા તેલ કાઢવા માટેની જાણીતી અને પરંપરાગત વપરાતી પદ્ધતિ છે. મોટા ભાગના તેલીબિયામાં કોઈ એક પ્રક્રિયાનો અથવા તેનો સંયોજનમાં ઉપયોગ કરીને તેલ કાઢવામાં આવે છે. ઉપરોક્ત પદ્ધતિથી કાઢવામાં આવેલ તેલની ભૌતિક તેમજ રાસાયણિક લાક્ષણિકતાઓનું તેની જરૂરિયાત અને ઉપયોગના આધાર પર, તેલ કાઢવાની પદ્ધતિને ધ્યાનમાં લીધા વિના તેની શુદ્ધતાનું મૂલ્યાંકન કરવું જોઈએ.
કોલ્ડ પ્રોસેસિંગ, જેને કચ્ચીઘાણી તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જે તેલીબિયાં માંથી પ્રોસેસિંગ દ્વારા તલ કાઢવાની એક આપણી પરંપરાગત પદ્ધતિ છે. કોલ્ડ પ્રેસ મશીન એ ગોળ ગોળ ફરતું ખુબજ મજબુત અને ટકાઉ રોટરી મશીન છે, જેનો ઉપયોગ ભારતમાં પેઢીઓથી તલ, મગફળી, નારિયેળ, સૂર્યમુખી અને અન્ય તેલીબિયાં માંથી તાજું, કુદરતી અને શુદ્ધ ખાદ્ય અને અખાદ્ય તેલ કાઢવા માટે કરતા આવ્યા છીએ. સામાન્ય રીતે મોટા રીફાઇન ઘાણા દ્વારા ઉત્પાદિત તેલમાં ટોકોફેરોલ્સ, સ્ટીરોલ્સ, કેરોટીનોઈડ્સ અને ઓક્સિડેટીવ ફોસ્ફોલિપિડ્સ જેવા પોષણની રીતે મહત્વપૂર્ણ આહાર ઘટકો તેની શુદ્ધિકરણ પ્રક્રિયા દરમિયાન તેલમાંથી દુર થઈ જાય છે અથવા નુકસાન પામે છે. પરંતુ કચ્ચીઘાણીમાં તેલીબિયાનું પ્રોસેસિંગ નીચા તાપમાને કરવામાં આવતું હોવાથી તેમાંથી મળતા તેલમાં, ઉચ્ચ પોષક મૂલ્ય, સારો સ્વાદ અને ફિનોલિક પ્રોફાઇલ જેવી વિશેષતાઓનું સમાવેશ થાય છે. ઉપરોક્ત ફાયદાઓને ધ્યાનમાં રાખી કચ્ચીઘાણી દ્વારા કાઢવામાં આવતા ખાદ્ય તેલના વપરાશની પેટર્નમાં તાજેતરમાં સતત વધારો જોવા મળ્યો છે. સાથે સાથે કચ્ચીઘાણી તેલમાં સારું કોલેસ્ટ્રોલ અને ખુબજ નહીવત ટ્રાન્સ ફેટી એસિડ્સ હોવાથી તેનો ખાદ્યતેલ તરીકે રસોઈમાં અને ત્વચાના કોસ્મેટીક તરીકે ખૂબ જ મહત્વ છે.
![ફોટો-સોશિયલ મીડિયા](https://gujarati.krishijagran.com/media/c3gmf0oe/food-oil-2.jpg)
કચ્ચીઘાણીમાં ગ્રાહકો ને ઓછા ઉત્પાદન ખર્ચ સાથે ઉચ્ચ આવશ્યક ફેટી એસિડ્સ, ટોકોફેરોલ્સ, ફિનોલ્સ, કેરોટીનોઈડ્સ અને ફાયટોસ્ટેરોલ્સ સહિતના બાયોએક્ટિવ ઘટકો મળતા હોવાથી લોકો ઉપરોક્ત પદ્ધતિને તેલ કાઢવા માટે સામાન્ય રીતે પસંદ કરે છે. કચ્ચીઘાણી તેલ ખુબજ સારી માત્રામાં એન્ટીઑકિસડન્ટ ઘટકો ધરાવતું હોવાથી તે લોકોને ખુબ સારી સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરે છે. કચ્ચીઘાણી તેલને કોઈ પણ પ્રકારના સોલ્વન્ટ, રસાયણ કે ઉચ્ચ ગરમી વગર લાકડા અથવા પથ્થરથી બનેલા ગોળાકાર મૂસળનો ઉપયોગ કરીને કાઢવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા મળતું તેલ ખાવાના વપરાશ માટે ઉતમ હોવાની સાથે તે પર્યાવરણ માટે પણ ફાયદાકારક હોવાથી તેની માંગમાં વધારો થયો છે. કચ્ચીઘાણી માંથી મળતા તેલને સામાન્ય રીતે 50 ડિગ્રી સેલ્સિયસથી ઉપરના તાપમાને ગરમ ના કરવામાં આવે તો તેમાં ફિલ્ટરેશન, સેડિમેન્ટેશન અથવા સેન્ટ્રીફ્યુગેશન જેવી તેલને ભૌતિક રીતે શુદ્ધ કરવાની પ્રક્રિયાઓ તેલની ગુણવત્તાને અસર કરતી નથી.
કચ્ચીઘાણી દ્વારા મળતા તેલના અસંખ્ય ફાયદાઓ હોવા છતાં આ પધ્ધતિમાં મળતા ખોળ માં તેલનો મોટો જથ્થો છૂટી જતો હોવાથી તે તેલની નબળી ઉપજ ક્ષમતા ધરાવે છે. અને આમ તેની વ્યાપારી ઉપયોગીતા અવરોધાય છે. આ મુશ્કેલીના નિવારણ માટે કચ્ચીઘાણીમાં તેલીબીયાંને તેલ કાઢતા પહેલા બ્લેન્ચિંગ અથવા માઇક્રોવેવ જેવી નવીનતમ પ્રીટ્રીટમેન્ટ આપવામાં આવે છે. બ્લેન્ચિંગ અને માઇક્રોવેવ જેવી પ્રીટ્રીટમેન્ટના લીધે કચ્ચીઘાણીમાં એકસમાન ઉર્જા વિતરણ, ઉચ્ચ આંતરિક થર્મલ વાહકતા, ઉર્જા બચત અને ચોક્કસ નિયંત્રિત પ્રક્રિયાને લીધે તેમાં વધારે તેલ ઉપજ ક્ષમતા અને ખુબજ સારી માત્રામાં બાયોએક્ટીવ કમ્પાઉન્ડ જાળવી શકાઈ છે.
![ફોટો-સોશિયલ મીડિયા](https://gujarati.krishijagran.com/media/xbhfkoey/food-oil-6.jpg)
ફંકશનલ ફૂડ કે જેમને આપણે ગુજરાતીમાં "કાર્યાત્મક ખોરાક/ખાદ્ય પદાર્થ " તરીકે ઓળખી સકાય છે. સામાન્ય રીતે આ કાર્યાત્મક ખાદ્ય પદાર્થ આપણા દેશી ખોરાક જેવી ગુણવતા સાથે નિયમિત ધોરણે સેવન કરવા માટે સંતુલિત આહાર અને સકારાત્મક અસરો સાથેનો હોવા જોઈએ. હાલના સમયમાં ઉચ્ચ ફાઇબર, ફાયટોસ્ટેરોલ્સ અને n-3 પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ (PUFA) ધરાવતા ખાદ્ય પધાર્થને કાર્યાત્મક ખોરાક તરીકે ઓળખવામાં આવે છે. કચ્ચીઘાણી દ્વારા મળતા તેલમાં વિવિધ પ્રકારના ટોકોફેરોલ્સ અને ટોકોટ્રિએનોલ્સ, ફ્રી અને એસ્ટિફાઇડ સ્ટીરોલ્સ, હાઇડ્રોકાર્બન (સ્ક્વેલીન), ટ્રાઇટરપીન આલ્કોહોલ, કેરોટીનોઇડ્સ, ક્લોરોફિલ અને કલરન્ટ જેવા બાયો એક્ટીવ પદાર્થો અને જરૂરી પોષક તત્વો હોવાથી તેને કાર્યાત્મક ખાદ્ય પદાર્થ ગણવામાં આવે છે. વધુમાં આ તેલમાં જૈવિક રીતે સક્રિય સ્ટેરોલ્સ સાથે n-3 અને n-6 PUFA હોય છે.
રિફાઇન્ડ તેલ અને કચ્ચીઘાણી તેલ
તેલીબિયાં માંથી ઉચ્ચ દબાણ સાથે એક્ષ્પેલર (તેલ કાઢવાનું યંત્ર) દ્વારા અથવા તો હેક્સેન, પેટ્રોલિયમ ઈથર જેવા સોલ્વન્ટના ઉપયોગ કરી અને ગરમી આપી કાઢવામાં આવતા તેલને ક્રુડ તેલ તરીકે ઓળખાય છે. ઉપરોક્ત પ્રક્રિયામાં તેલીબિયાંને ઊંચા તાપમાને ઉકાળવાથી તેલના કોષોનું ભંગાણ થાય છે. તેમજ પ્રોટીન ડીનેચરેસનની સાથે સાથે તેલની સ્નિગ્ધતામાં ઘટાડો જોવા મળે છે. ક્રુડ તેલના ઘટ્ટ કલર અને ઉચ્ચ એસિડની માત્રાને લીધે તેને વાપરતા પહેલા સુધ્ધ કરવું ખુબ જરૂરી છે. ક્રૂડ તેલની સુધ્ધીકરણ પ્રક્રિયામાં ડિ-ગમિંગ, ન્યુટ્રલાઇઝેશન, બ્લીચિંગ, ડિ-વેક્સિંગ અને ડિઓડોરાઇઝેશન જેવા વિવિધ પગલાં દ્વારા શુદ્ધ કરવામાં આવે છે. પરંતુ આ પધ્ધતિમાંમાં ઉચ્ચ ગરમી, દબાણ અને રાસાયણિક પ્રક્રિયાના ઉપયોગને કારણે કેરોટીનોઇડ્સ, ટોકોફેરોલ અને સ્ટીરોલ્સ જેવા આવશ્યક જૈવ સક્રિય ઘટકોના નુકશાનની શક્યતા રહેલી છે. કચ્ચીઘાણીમાં તેલીબિયાંને ધીમી ગતિએ કચડીને નીચા તાપમાને તેમાંથી તેલ કાઢવામાં આવતું હોવાથી તેમાં ઉષ્મા-સંવેદનશીલ બાયોએક્ટિવ ઘટકો જાળવી શકાઈ છે.
![ફોટો-સોશિયલ મીડિયા](https://gujarati.krishijagran.com/media/j2efzhgz/food-oil.jpg)
કચ્ચીઘાણી પ્રક્રિયા:
આ પધ્ધતિમાં બીજમાંથી તેલ કાઢવા માટે સાફ કરેલા તેલીબિયાંને, ધોઈ અને સૂકવવામાં આવે છે. ત્યારબાદ તેલીબિયાંને ધીમી ગતિએ દબાવવાનું અને કચડવાનું કામ લાકડા અથવા પથ્થરથી બનેલા પેસ્ટલ ને ધાતુ અથવા સ્ટીલના બનેલા મોર્ટારની અંદર ચલાવી કરવામાં આવે છે. આ કાઢવામાં આવેલ તેલને ચાળણી અને મલમલના કપડાની મદદથી ફિલ્ટર કરવામાં આવે છે. વધુમાં આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈપણ સમયે ગરમીનો ઉપયોગ કરવામાં આવતો નથી.
કચ્ચીઘાણી પદ્ધતિ
સામન્ય રીતે ૧૫% થી વધુ તેલ ધરાવતા તેલીબીયાનો ઉપયોગ કચ્ચીઘાણીમાં તેલ કાઢવા માટે થાય છે. આ પદ્ધતિ તેલ કાઢવાની સૌથી જૂની, કુદરતી અને પરંપરાગત પદ્ધતિઓમાંની એક છે. તેમાં કોઈ સોલ્વન્ટ સામેલ ન હોવાથી, આ પદ્ધતિને સામાન્ય રીતે સલામત (GRAS) માનવામાં આવે છે. પરંપરાગત પદ્ધતિમાં બળદની મદદથી લાકડાના પેસ્ટલનો ઉપયોગ કરીને તેલ કાઢવામાં આવતું હતું. પરંતુ આજના સમયમાં પાવર સંચાલિત કોલ્ડ પ્રેસ મિલો ઉપલબ્ધ છે અને જેમાં સ્ટીલની બનેલી કૂલિંગ સિસ્ટમથી સજ્જ હાઇડ્રોલિક અથવા સ્ક્રુ-ટાઈપ એક્સપેલર પ્રેસનો ઉપયોગ કરીને તેલ કાઢવામાં આવે છે. આ પદ્ધતિ પ્રમાણમાં સરળ અને સસ્તી છે.
કચ્ચીઘાણી તબક્કાઓ
૧. તેલીબિયાંની સફાઈ અને ધોવા
સૌ પ્રથમ તેલીબિયામાં રહેલી ધૂળ, ચોટેલી ભૌતિક અશુદ્ધિઓને દૂર કરવા માટે તેલીબિયાં સાફ કરવામાં આવે છે. સાથે સાથે તેલીબિયાંની સપાટી પર રહેલ સુક્ષ્મ જીવાણું અને જંતુનાશક અવશેષો દૂર કરવા માટે જેને સુધ્ધ પાણીથી ધોવામાં આવે છે.
૨. તેલીબિયાંનું કન્ડીશનીંગ
તેલીબિયાંની કન્ડીશનીંગ એ ભેજને યોગ્ય રીતે સમાયોજિત કરવાની પદ્ધતિ છે અને તેનાથી બીજને જરૂરી યોગ્ય પ્રમાણમાં ભેજ આપી શકાઈ છે. કન્ડીશનીંગ કોશિકાઓ અને તેલ ગ્રંથીઓને સરળતાથી તૂટવામાં મદદ કરે છે. આ પ્રક્રિયા તેલ નિષ્કર્ષણ પર ફાયદાકારક અસર કરે છે પરંતુ તેલ અને ખોળની ગુણવત્તા પર નુકસાનકારક અસર કરે છે. ઉપયોગમાં લેવામાં આવતા તેલિબિયાની ગુણવત્તા, જેમ કે તેમની શુદ્ધતા, સુસંગતતા, અખંડિતતા અને પરિપક્વતા સૌથી વધુ મહત્વ ધરાવે છે અને તે તેલની ગુણવત્તાને પણ અસર કરે છે. વધુમાં તેલીબિયાંની પરિપક્વતા, બીજ સુકવણી, સંગ્રહ, અને લણણી પછી વ્યવસ્થાપન તેલી બીજની ગુણવત્તા પર ખુબજ ઊંડી અસર કરે છે.
૩. તેલીબિયાંનું પિલાણ
પીલાણની પ્રક્રિયામાં સૌ પ્રથમ બીજના તેલ ધરાવતા શેલ અને સ્ટ્રકચરને આંશિક રીતે તોડીને તેનો ઓઈલ કાઢી શકાઈ તેવો એરિયા વધારવામાં આવે છે. ઉપરોક્ત પ્રક્રિયાથી કોષની તેલ જાળવી રાખવાની પ્રતિકારકતા ઘટે છે. ત્યારબાદ, કચ્ચીઘાણી તેલની ગુણવત્તા અને સ્થિરતા સમય આધારિત હોવાથી, ભૂકો કરેલા બીજને તરત જ પિલાણ કરી, તેલ છુટ્ટું પાડી એકત્ર કરવું જોયયે.
![ફોટો-સોશિયલ મીડિયા](https://gujarati.krishijagran.com/media/1ssbnmjx/food-oil-3.jpg)
૪. કચ્ચીઘાણી તેલનું પેકેજીંગ
પેકેજીંગ એ ઉત્પાદન, સંગ્રહ, વેંચાણ અને વિતરણની છેલ્લી કડી હોવા છતાં ખેતરનાં શેઢેથી વાપરનારની થાળી સુધી જે તે પ્રોડકટમાં રહેલ પોષકતત્વો સલામત રીતે પહોંચાડવામાં અગત્યનો ભાગ ભજવે છે. કોઈપણ તેલને બજારમાં વેંચવા માટે તેને માન્ય આકર્ષક પેકમાં પેકીંગ કરવું ખૂબ જ આવશ્યક છે. આજના હરિફાઈના યુગમાં આપણાં ગુણવતાસભર કચ્ચીઘાણી તેલ તરફ ગ્રાહક આકર્ષાય તે માટે અનુરૂપ પેકીંગ કરવું જોઈએ. આપણા કચ્ચીઘાણી તેલને અનુકૂળ પધ્ધતિ તથા મટિરીયલ્સ દ્વારા પેક કરવાથી તેની ગુણવતા લાંબા સમય સુધી જાળવી શકાય છે. તેલીબિયાંનું પિલાણ કર્યા બાદ છુટા પડેલા તેલને વાસણમાં એકત્રિત કરી તેને સેડિમેન્ટેશન માટે રાખવામાં આવે છે. તે પછી ફિલ્ટરેશન પ્રક્રિયા દ્વારા એકત્રિત તેલને ફિલ્ટર કરીને પેક કરવામાં આવે છે. સામાન્ય રીતે કચ્ચીઘાણી તેલનું પેકેજીંગ મેટલ કેન/ડબ્બા, પીઈટી પેક અને કાચની બોટલમાં પેક કરવામાં આવે છે. આમ કચ્ચીઘાણી તેલનું પેકીંગ કરવાથી પ્રોડકટની પડતર કિંમતમાં જરૂર વધારો થશે. પરંતુ, પેકીંગ કરેલ પ્રોડકટના ઉંચા ભાવ મળતા સરવાળે વધુ લાભ થશે.
૪. તેલ સંગ્રહ
કચ્ચીઘાણી તેલને લાંબો સમય સુધી સાચવી રાખવા તેને મેટલ કેન/ડબ્બા, પીઈટી પેક અને કાચની બોટલમાં પેક કરી ઠંડા વાતાવરણમાં લાઇટપ્રૂફ, એરટાઇટ અને ભેજ-પ્રૂફ કન્ટેનરમાં રાખવું જોઈએ. આવી રીતે તેલનો સંગ્રહ કરવાથી તેની ફેટી એસિડ અને ઓક્સિડેટીવ સ્થિરતામાં કોઈ ફેરફાર થતો નથી.
કચ્ચીઘાણી તેલનું માર્કેટિંગ વ્યવસ્થા
આપણી હાલની માર્કેટિંગ વ્યવસ્થામાં ઉત્પાદક એટલે કે, ખેડૂત અને વપરાશકર્તા ગ્રાહકને જોડતી કડી એટલે કે, દલાલો કે વચેટીયાનો સમાવેશ થાય છે. જેના પરિણામે ખેડૂતને તેના માલના સારા ભાવો મળતા નથી અને ગ્રાહક એટલે કે, ઉપભોકતાને તે જ માલના ર થી ૩ ગણા નાણાં ચુકવવા પડે છે. એટલે કે, દલાલો કે વચેટીયાઓ વધુ નફો મેળવી લે છે અને ખેડૂત ફકત ઉત્પાદક જ બન્યો છે. બજારમાં મોટે ભાગે આવું જ જોવા મળે છે. આથી જો ખેડૂતો સહકારી મંડળી કે અન્ય આવા માળખાની મદદથી કચ્ચીઘાણી તેલ જેવો અગત્યનો તેનો માલ ગ્રાહક સુધી પહોંચતો કરી શકે તો ખેડૂતો અને ગ્રાહક બંનેને આર્થિક અને પોષણક્ષમ સુધ્ધ તેલ રૂપી લાભ થાય તેમ છે.
સરાંસ:
કચ્ચીઘાણી તેલની હાલ બજારમાં ખુબ માંગ રહેલી છે. કચ્ચીઘાણી દ્વારા મેળવેલ તેલ મોટા એક્સપેલરનો ઉપયોગ કરીને કાઢવામાં આવેલા રીફાઇ ખાદ્ય તેલની સરખામણીમાં તે તેલીબિયાંના કુદરતી સ્વાદ અને સુગંધ સાથે અનુકૂળ લાક્ષણિકતાઓ ધરાવે છે. કચ્ચીઘાણી તેલની આ વિશિષ્ટ વિશેષતાઓ ને લીધે લોકો ખુબ ઉત્સાહથી તેનો ઉપયોગ અથાણાં અને અન્ય ખાદ્ય બનાવતો ઉત્પાદનોમાં કરે છે. ગ્રામીણ વિસ્તારોમાં ઘની તેલનું બજાર મજબૂત છે. હાલના સમયમાં ગ્રામ્ય લેવલે કચ્ચીઘાણી યુનિટ શરુ કરવા માટે વિપુલ માત્રામાં તકો રહેલી છે. તેલીબિયાંનું ગ્રામ્ય સ્તરેજ પ્રોસેસીંગ કરવાથી ગામડાઓને ઉન્નત કરી અને ગ્રામ્ય સ્તરે બેરોજગારી ઓછી કરી શકાઈ છે. સાથે સાથે કચ્ચીઘાણી પ્રોસેસિંગથી તેલીબિયાં પેદાશોના સારા ભાવ મળે અને ગ્રામ્ય સ્તરેજ રોજગારીની તકો ઉભી થાય. વળી જે કાંઈ સુધ્ધ તેલ મળે તેનો ઉપયોગ ગ્રામ્ય સ્તરે પણ કરી શકાય. આ પ્રકારના યુનીટો ખાનગી રીતે અથવા તો સહકારી ધોરણે ચલાવવામાં આવે તો ખેતીને લગતા પ્રશ્નોનો ઘણા અંશે હલ કરી શકાય. વધુમાં કચ્ચીઘાણી યુનિટ સરું કરવામાં ખુબજ ઓછો મશીનરીનો નાણાકીય ખર્ચ અને તેને ચલાવવા માટે કુશળ મજૂરની જરૂર ના હોવાથી તે સફળ વ્યવસાય બની સકે છે. સાથે સાથે ગ્રામીણ મહિલાઓ પણ આ કામગીરીમાં મોટો ફાળો આપી ગ્રામ્ય સ્તરે તેમાંથી સારી એવી પૂરક આવક મેળવી શકે તેમ છે.
સૌજન્ય:
ડી. કે. ગોજીયા અને એન. કે. ધમસાણીયા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ-૩૬૨૦૦૧
મો. ૯૫૩૭૫૬૭૪૪૪
ઈ-મેલ: dkgojiya@jau.in
Share your comments