Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

અનેક ઔષધિય ગુણો ધરાવતો બહેડા છે મોટી મોટી બીમારીઓનો કાળ

આપણે બધા જ જાણીએ છીએ કે, અત્યારના સમયમાં માણસ સુખ-સુવિધાઓ વધારવા માટે જંગલોના વૃક્ષોનો બેફામ ઉપયોગ કરી રહ્યો છે. જંગલોનું નિકંદન થઈ રહ્યું છે, ત્યારે આવનારી પેઢીના સુખમય ભવિષ્ય માટે વૃક્ષોનું જતન ખૂબ જ જરૂરી છે. કોરોનાના કપરા સમયમાં માનવીને વૃક્ષોનું મૂલ્ય સમજાયું છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
બહેડા વૃક્ષ
બહેડા વૃક્ષ

આપણે બધા જ જાણીએ છીએ કે, અત્યારના સમયમાં માણસ સુખ-સુવિધાઓ વધારવા માટે જંગલોના વૃક્ષોનો બેફામ ઉપયોગ કરી રહ્યો છે. જંગલોનું નિકંદન થઈ રહ્યું છે, ત્યારે આવનારી પેઢીના સુખમય ભવિષ્ય માટે વૃક્ષોનું જતન ખૂબ જ જરૂરી છે. કોરોનાના કપરા સમયમાં માનવીને વૃક્ષોનું મૂલ્ય સમજાયું છે. વધુમાં વધુ  વૃક્ષો વાવી તેને ઉછેરી આપણા પાંખા થયેલા જંગલોને ગાઢ બનાવી આપણી ધરતીને લીલીછમ બનાવવી ખુબજ જરૂરી છે. માનવજાત તેની બહુમુખી પ્રતિભાને કારણે જન્મથી મરણ સુધી અનાદિ કાળથી વનપેદાશો નો ઉપયોગ કરે છે. વનપેદાશોના વપરાશ અને ઉત્પાદન વચ્ચેની અસમાનતાએ છેલ્લાં કેટલાંક દાયકાઓમાં ભારતમાં તેની માંગ અને પુરવઠા વચ્ચેનું અંતર વધારી દીધું છે અને આગામી દાયકામાં આ અંતર વધુ વિસ્તૃત થવાની શકયતા છે. આ અંતર ને કારણે તેની આયાત માટે વધુ પડતો નાણાકીય બોજ લાદવામાં આવ્યો છે. ભારત, યુરોપ, યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને કેટલાક અન્ય દેશોના વિશિષ્ટ બજારોમાંથી ઉત્પાદનોની આયાત કરી રહ્યું છે. એટલા માટે આજના આ લેખમાં અમે તમને એક અગત્યના વનવૃક્ષ વિશે જાણકારી આપીશું તેમજ તેમના મહત્વ વિશે જણાવીશું.  અનેકવિધ ઔષધિય ગુણો ધરાવતા આ વનવૃક્ષનું નામ છે “બેહડા”.

વૈજ્ઞાનિક નામ છે ટર્મિનેલિયા બેલીરિકા      

અનેકવિધ ઔષધિય ગુણો ધરાવતા બહેડાનું વૈજ્ઞાનિક નામ ટર્મિનેલિયા બેલીરિકા (Terminalia bellirica (Gaertn.) Roxb.) છે. તે કૉમ્બ્રિટેસી (Combretaceae) કુળમાંથી આવે છે અને તે ‘બહેડા’ અથવા ‘બહેડો’ તરીકે પ્રખ્યાત છે. આ વૃક્ષને ગુજરાતી ભાષામાં હલ્લા બહેડા, બંગાળીમાં ભૈરાહ અને સંસ્કૃતમાં વિભીદકના નામ થી ઓળખાવામાં આવે છે. મહુડાના વૃક્ષ જેવા પાન ધરાવતા બહેડાના વૃક્ષના ફુલ ફળ તેમજ છાલનો ઔષધી તરીકે ઉપયોગ થાય છે. બહેડાના વૃક્ષ સમગ્ર ભારતમાં જોવા મળે છે. આ ઉપરાંત ગુજરાતના ડાંગ, વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા વગેરે જિલ્લાઓના જંગલોમાં તેઓ મહત્તમ જોવા મળે છે. પરંપરાગત ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી વનસ્પતિઓના પાન, ફુલ, છાલ, મૂળ વિગેરે જડીબુટ્ટી તરીકે વિવિધ રોગોના ઉપચાર માટે ઉપયોગમાં લેવાય છે.

ભારતીય દ્વીપકલ્પમાં તે ભેજવાળી ખીણોમાં સૌથી વધારે પ્રમાણમાં થાય છે. તેના કુદરતી આવાસમાં મહત્તમ તાપમાન ૩૬° થી ૪૬° સે., લઘુતમ તાપમાન ૦°થી ૧૫.૫° સે. અને વરસાદ ૧૦૦ થી ૩૦૫ સેમી. કે તેથી વધારે હોય છે. બહેડા માટે ભેજવાળી ગરમ તેમજ મધ્યમ ગરમ આબોહવા ખૂબ જ અનુકૂળ હોય છે; છતાં સંપૂર્ણ વિકસિત વૃક્ષ શુષ્ક આબોહવામાં પણ ટાકી શકાય છે. તે વિવિધ પ્રકારની ભૂમિમાં ઊગી શકે છે; પરંતુ સારા નિતારવાળી ભૂમિ તેના માટે વધુ માફક ગણાય છે. સારી ભેજસંગ્રહશક્તિ ધરાવતી ગોરાડુ ભૂમિમાં તેનો સૌથી સારો વિકાસ થાય છે.

બહેડાનો છોડ
બહેડાનો છોડ

બહેડા સામાન્ય રીતે ૧૫-૨૫ મીટર ઊંચું વૃક્ષ હોય છે, પરંતુ તે ૪૦ મીટર સુધી પહોંચી શકે છે અને ૧૦-૧૨ મીટર લાંબા સીધા અથવા વાંકાચૂંકા થડ ઉપરાંત ૧.૮-૩.૦ મીટર નો વ્યાસ ધરાવે છે. તે ભારતનાં પર્ણપાતી જંગલોમાં થાય છે, પરંતુ શુષ્ક પ્રદેશોમાં થતું નથી. પ્રકાંડ સીધું હોય છે અને જ્યારે મોટું હોય ત્યારે આધારમૂલ ધરાવે છે. પર્ણો પહોળાં ઉપવલયાકાર, ૪.૫ થી ૨૬ સેમી. લાંબાં અને ૨.૭ થી ૧૫.૫ સેમી. પહોળાં, ચર્મિલ, અરોમિલ અને સદંડી હોય છે. તેઓ શાખાની ટોચ પર ગુચ્છમાં આવેલાં હોય છે. પુષ્પવિન્યાસ કક્ષીય શૂકી પ્રકારનો હોય છે. પુષ્પો સફેદ કે આછાં પીળાં હોય છે. ફળ ગોળ, પાંચ ખૂણાવાળું હોય છે અને ૧.૩ થી ૨.૦ સેમી. વ્યાસ ધરાવે છે. તેનું પ્રસર્જન બીજ દ્વારા થાય છે. બીજનું અંકુરણ ૧૪ થી ૩૦ દિવસોમાં થાય છે. બીજની અંકુરણક્ષમતા એક વર્ષ સુધી રહે છે. માર્ચ કે એપ્રિલ માસમાં ક્યારામાં બીજ વાવી પિયત આપી રોપ ઉછેરવામાં આવે છે. ક્યારામાં તૈયાર થયેલા રોપ ૧૨ થી ૧૫ માસના થાય ત્યારે ૩૦ x ૩૦ x ૩૦ સેમી.ના અગાઉથી તૈયાર કરેલા ખાડામાં જુલાઈ–ઑગસ્ટમાં રોપણી કરવામાં આવે છે. બે રોપ વચ્ચેનું અંતર ૩.૦ x ૩.૦ મી.થી ૧૦ થી ૧૫ મી.ના અંતરે રાખવામાં આવે છે. ત્યારપછી એક વર્ષ સુધી જરૂરિયાત મુજબ પિયત આપવામાં આવે છે.

બહેડાના લાકડાનો ઉપયોગ હાથા, ગાડાં, કોલસાની ખાણમાં ટેકા, મકાન-બાંધકામમાં વળો, વહાણનું તૂતક કે સપાટ પાટિયાં, ખોખાં, હોડી, કૃષિનાં ઓજારો, કૉફીની પેટીઓ, ફ્રેમ, બળતણ અને કોલસો બનાવવામાં થાય છે. આયુર્વેદ અનુસાર બહેડાં ફળ મધુર, તૂરાં, હળવાં, લૂખાં, ઉષ્ણવીર્ય, મધુર, વિપાકી, કફ-પિત્તશામક, ભૂખવર્ધક, રક્તસ્તંભક, પીડાશામક, ધાતુવર્ધક, કફનાશક, કેશવર્ધક, આંખને હિતકર અને સોજા, શ્વાસ, કફ, શરદી, ખાંસી, સળેખમ, અવાજ બેસી જવો, મંદાગ્નિ, આફરો, તરસ, ઊલટી, હરસ અને કૃમિને તથા નાક તેમજ નેત્રના રોગ મટાડે છે. બહેડાંનાં ફળનાં મીંજ નાક, નેત્ર અને કેશના તથા કૃમિરોગના નાશક અને અનિદ્રાહર છે. પાકા ફળની છાલ ખાસ સંકોચક, કફનાશક તથા શ્વાસ, ઝાડા અને મરડાનાશક હોય છે.

આ પણ વાંચો:ગ્રામીણ મહિલાઓના સશક્તિકરણ માટે એપ થકી તેમને શીખવાડવામાં આવશે વાંસની ખેતી

બહેડાના વૃક્ષ
બહેડાના વૃક્ષ

ગુજરાતનું એકમાત્ર બહેડાનું ખૂબ જ પ્રાચીન વૃક્ષ:

  ઉનાઈ રેન્જ વિસ્તારના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઋચિ દવેએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાની ઉનાઈ રેન્જ સ્થિત પદમડુંગરી ઈકોટુરિઝમ નજીક ચુનાવાડી ગામની સરહદે અંબિકા નદીને કાંઠે અંદાજીત ૫૦૦ વર્ષ જૂનું ગુજરાતનું એકમાત્ર બહેડાનું ખૂબ જ પ્રાચીન વૃક્ષ આવેલું છે. આ મહાકાય વૃક્ષની વન વિભાગ દ્વારા જાળવણી કરવામાં આવી છે. સાત વ્યક્તિઓ એકસાથે હાથ ફેલાવી બાથ ભરે ત્યારે બહેડાના આ કદાવર વૃક્ષના થડને માપી શકાય છે. અહીં અંબિકા નદીનો કાંપ પ્રદેશ હોવાથી ઉનાઈ રેન્જની ૧૨ હજાર હેક્ટર જમીનમાં અનેક દુર્લભ વૃક્ષ જોવા મળ્યા છે. ૮૩૨ સે.મી. પરિઘ ધરાવતું આ બહેડાનું વૃક્ષ ખરેખર દુર્લભ વૃક્ષ છે. તેમણે એક રસપ્રદ વાત જણાવતાં કહ્યું કે, કોઈ પણ વૃક્ષ ૧૦૦ વર્ષની આવરદા પૂરી કરે તો તેના થડનો ઘેરાવો એક મીટર જેટલો વધે. એ ન્યાયે ઓછામાં ઓછી ૫૦૦ વર્ષ અને મહત્તમ ૮૦૦ વર્ષ પણ હોવાની પ્રબળ શક્યતાઓ છે.

બહેડાના પરંપરાગત ઔષધિય ઉપયોગો:

  • ગામડાઓમાં જોવા મળતા બહેડાનો છોડ આયુર્વેદમાં ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. તેના ફળનો ઉપયોગ હાથ પગની બળતરા અને સોજો ઘટાડવા માટે થાય છે.
  • બહેડેના બિયારણને પાણી સાથે પીસીને લગાવવાથી પણ લાભ મળે છે. તેના ચૂર્ણનો લેપ બનાવીને વાળના જડમાં લગાવવાથી વાળને સફેદ થતાં રોકી શકાય છે. જો કે, અહીં જણાવવામાં આવેલ ઉપાય પર અમલ કરતા પહેલા ડોક્ટર્સની સલાહ લેવી જરૂરી છે.
  • ગામડાના જંગલવાળા વિસ્તારમાં જોવા મળતા આંબળા, બહેડા અને હરડે ઔષધિય છોડને આયુર્વેદનો જીવ માનવામાં આવે છે. ત્રિફલા ચૂર્ણ બનાવવા માટે સૌથી પહેલા આંબળા, બહેડે અને હરડે આ ત્રણ વસ્તુ નાખીને તડકામાં સુકવીને તેના બિયારણ કાઢી તેને ફરી ૧-૨ દિવસ તડકામાં રાખવામાં આવે છે.
  • આ બિયારણ સારી રીતે સુકાઈ જાય પછી એક એક કરીને પીસી લેવામાં આવે છે અને તેનું ચૂર્ણ બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ કેટલીક રીતે કરવામાં આવે છે.
  • શરીરમાં આવતા સોજાથી લઈને હાથ-પગમાં થતી બળતરા દૂર કરવામાં આ ઔષધિય ફળના બિયારણનું ચૂર્ણ ખૂબ જ ઉપયોગી દવા છે.
  • હોર્મોન્સ પ્રોલ્બેમમાં પણ બહે
  • ડેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત વાળ સફેદ થઈ રહ્યા છે તો તેને કાળા કરવામાં આ ફળ મદદ કરશે. વાળની જડમાં તેનો લેપ લગાવવાથી વાળને ખૂબ જ મજબૂતી મળે છે.
  • આદિવાસી લોકો રવિવાર, મંગળવારે બહેડાના વૃક્ષનું પૂજન કરી પૂર્વ, ઉત્તર દિશામાં મુખ રાખી વૃક્ષના પાન, મૂળની પૂજા કરે છે. ત્યારબાદ પાન, મૂળને લાલ કપડાંમાં વિંટાળીને તિજોરી અથવા ઘરના મંદિરમાં રાખે છે, શ્રદ્ધાપૂર્વક પોતાના આરાધ્ય દેવનું પૂજન કરી ધન્યતા અનુભવે છે. કલ્પવૃક્ષ સમાન આ વૃક્ષની પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે એવી આદિવાસી સમાજની આસ્થા પણ તેના સાથે જોડાયેલી છે.
  • વાત, પિત્ત અને કફ ત્રણેય દોષો માટે બહેડો ઉત્તમ ઔષધ છે.
  • બહેડાનું તેલ વાળ કાળા કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
  • આંખો માટે ઉપયોગી અને કફયુક્ત રોગો માટે ખૂબ સારા ગુણો બહેડામાં રહેલા છે.
  • નાની બદામ આકારના તેના ફળોને ઔષધિય ચૂર્ણ બનાવીને ગામડાના વૈદરાજો ઉપચાર માટે ઉપયોગમાં લે છે. આ ઉપરાંત, વાળ સફેદ થતા રોકવામાં, કંઠ સબંધિત રોગોમાં તેઓ ઉપયોગી છે.
  • લોહીની ઉણપ દૂર કરવા તથા આંખના મોતિયા માટે પણ બહેડો ગુણકારી નિવડે છે. બહેડો પાચક અને વિરેચક છે.
  • આંખ, નાક, વાળ, હ્રદયરોગ, ડાયાબિટીસ, ડાયેરીયા, ટાઈફોઈડ, સોજો ઉતારવો, નપુસંકતા અને ચામડી સબંધિત રોગો સામે અકસીર જડીબુટ્ટી છે.
  • બહેડાની છાલનું ૩ થી ૫ ગ્રામ ચૂર્ણ પાણીમાં લેવાથી પિચોટી ખસી ગઈ હોય તો તે ફરી ઠેકાણે આવી જાયન છે.
  • બહેડાનું ચૂર્ણ મધ કે જૂના ગોળ સાથે ચાટવાથી કફ, ખાંસી અને શ્વાસની બીમારી મટે છે.
  • વાળ અકાળે સફેદ થવા કે ખૂબ ખરવા ઉપર બહેડાં-મીંજનું તેલ માથામાં કે નાકમાં નાખવાથી લાભ થાય છે.
  • બહેડા-મીજનું ચૂર્ણ સ્ત્રીના દૂધમાં વાટી, મધ મેળવી આંખે આંજવાથી ફ્લ્યું મટે છે.
  • આસામ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં તેનાં પાનનો ઉપયોગ ઘાસચારા તરીકે કરવામાં આવે છે. તેના પાનમાં ૧૫.૦૬ ટકા અશુદ્ધ પ્રોટીન હોય છે. તેનો ઉપયોગ રેશમના કીડાના ઉછેર માટે પણ કરવામાં આવે છે.
  • બીજમાંથી લગભગ ૩૮.૬ ટકા જેટલું અખાદ્ય તેલ પ્રાપ્ત થાય છે, જેનો ઉપયોગ સાબુ બનાવવામાં થાય છે.
  • કપાયેલા થડમાંથી ગુંદરનો સ્રાવ થાય છે અને તે પાણીમાં દ્રાવ્ય બનાયે છે, તથા મીણબત્તીની જેમ સળગે છે.

        તો જોયું મિત્રો, અનેકવિધ ઔષધિય ગુણો ધરાવતું બહેડા કેટલું ઉપયોગી વૃક્ષ છે. પ્રાચીન સમયથી બહેડાના પાન, ફુલ, છાલ, મૂળ વિગેરાને જડીબુટ્ટી તરીકે વિવિધ રોગોના ઉપચાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

સૌજન્ય: 

લેખક: રાકેશકુમાર એમ. જાળિયા, ડૉ. સુમનકુમાર એસ. ઝા, ડૉ.ચૈતન્ય મોગલ

વન જીવવિજ્ઞાન અને વૃક્ષ સુધારણા વિભાગ, વન્ય-મહાવિધાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી, ગુજરાત – ૩૯૬૪૫૦

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More