Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

પ્રધાનમંત્રીએ કર્ણાટકનાં બેલગાવીમાં રૂ. 2,700 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કરી

Rizwan Rashid Shaikh
Rizwan Rashid Shaikh

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકનાં બેલગાવીમાં રૂ. 2,700 કરોડથી વધારે મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદ્‌ઘાટન કર્યું હતું. તેમણે પીએમ-કિસાન હેઠળ આશરે રૂ. 16,000 કરોડનો 13મો હપ્તો જારી કર્યો હતો. પ્રધાનમંત્રીએ પુનઃવિકસિત બેલગાવી રેલવે સ્ટેશનનું બિલ્ડિંગ દેશને સમર્પિત કર્યું હતું. તેમણે જલ જીવન મિશન અંતર્ગત છ મલ્ટી-વિલેજ સ્કીમ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો.

અત્રે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બેલગાવીના લોકોનો અતુલ્ય પ્રેમ અને આશીર્વાદ સરકારને લોકોનાં કલ્યાણ માટે કામ કરવા પ્રેરિત કરે છે અને તાકાતનો સ્ત્રોત બને છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "બેલગાવી આવવું એ કોઈ તીર્થયાત્રાથી ઓછું નથી." પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ ચિત્તૂરનાં મહારાણી ચેન્નમ્મા અને ક્રાંતિવીર સંગોલી રાયન્નાની ભૂમિ છે, જેમને સંસ્થાનવાદી શાસન સામે અવાજ ઉઠાવવા બદલ આજે પણ યાદ કરવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ બેલગાવીનાં યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, તેને આજ માટેની લડાઈ અને ભારતનાં પુનરુત્થાનમાં સ્થાન મળ્યું છે. કર્ણાટકની સ્ટાર્ટઅપ સંસ્કૃતિની સરખામણી કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, બેલગાવીમાં 100 વર્ષ અગાઉ સ્ટાર્ટઅપ શરૂ થયાં હતાં અને તેમણે બાબુરાવ પુસલકરનું ઉદાહરણ આપ્યું હતું, જેમણે બેલગાવીને વિવિધ ઉદ્યોગો માટેનાં મથકમાં પરિવર્તિત કરનાર એકમની સ્થાપના કરી હતી. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ડબલ એન્જિન ધરાવતી સરકાર વર્તમાન દાયકામાં બેલગાવીની આ ભૂમિકાને વધારે મજબૂત કરવા ઇચ્છે છે.

પ્રધાનમંત્રીએ કર્ણાટકનાં બેલગાવીમાં રૂ. 2,700 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કરી
પ્રધાનમંત્રીએ કર્ણાટકનાં બેલગાવીમાં રૂ. 2,700 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કરી

જે પરિયોજનાઓનો શિલાન્યાસ થયો છે અને આજે જે પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન થયું છે તેના પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ બેલગાવીના વિકાસમાં નવી ઊર્જા અને ગતિ લાવશે. તેમણે કનેક્ટિવિટી અને પાણીની સુવિધાઓ સાથે સંકળાયેલા સેંકડો કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ્સ માટે આ વિસ્તારના નાગરિકોને અભિનંદન આપ્યાં હતાં. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બેલગાવી મારફતે દેશના દરેક ખેડૂતને એક વિશેષ ભેટ મળી છે, જેમાં પીએમ-કિસાન પાસેથી ભંડોળનો વધુ એક હપ્તો બહાર પાડવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ફક્ત એક બટન દબાવીને દેશમાં કરોડો ખેડૂતોનાં બૅન્ક ખાતાઓમાં 16,000 કરોડ રૂપિયા હસ્તાંતરિત થઈ ગયા છે." તેમણે કહ્યું કે વચેટિયાની સંડોવણી વિના ટ્રાન્સફર કરવામાં આવેલી આટલી મોટી રકમે વિશ્વભરના લોકોનું પણ ધ્યાન ખેંચ્યું છે. કોંગ્રેસનાં શાસન સાથે સરખામણી કરતાં પ્રધાનમંત્રીએ એ વાત યાદ કરી હતી કે, તત્કાલીન પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે 1 રૂપિયો હસ્તાંતરિત થાય છે, ત્યારે ગરીબો સુધી ફક્ત 15 પૈસા જ પહોંચે છે. "પરંતુ આ મોદી કી સરકાર છે", પ્રધાનમંત્રીએ ઉદ્‌ગાર કર્યો કે, "દરેક પૈસો તમારો છે અને તે તમારા માટે છે." પ્રધાનમંત્રીએ ભારતના તમામ ખેડૂતોને ખૂબ જ સમૃદ્ધ હોળીની શુભેચ્છા પણ પાઠવી હતી અને કહ્યું હતું કે, હોળી પહેલા તેમને એક ખાસ ભેટ મળી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજનું બદલાતું ભારત વંચિતોને પ્રાથમિકતા આપવાની સાથે-સાથે એક પછી એક વિકાસલક્ષી પરિયોજનાઓને પૂર્ણ કરી રહ્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, નાના ખેડૂતો વર્તમાન સરકારની પ્રાથમિકતા છે. તેમણે માહિતી આપી હતી કે, અત્યાર સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ મારફતે નાના ખેડૂતોનાં ખાતામાં 2.5 લાખ કરોડ રૂપિયા જમા થયા છે, જેમાંથી 50,000 કરોડથી વધારે રકમ મહિલા ખેડૂતોનાં ખાતામાં જમા થઈ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ નાણાં ખેડૂતોની નાની પણ મહત્ત્વપૂર્ણ જરૂરિયાતોનું ધ્યાન રાખી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે, વર્ષ 2014 અગાઉ દેશનું કૃષિલક્ષી બજેટ જે 25,000 કરોડ હતું, તે હવે વધારીને 1,25,000 કરોડ કરવામાં આવ્યું છે, જે પાંચ ગણો વધારો છે. તેમણે કહ્યું કે આ દેશના ખેડૂતોને સમર્થન આપવાની ભાજપ સરકારની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. પ્રધાનમંત્રીએ ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો હતો, જેનો ખેડૂતોને સીધો લાભ થાય છે તથા તેમણે જન ધન બૅન્ક ખાતાઓ, મોબાઇલ કનેક્શન્સ અને આધારનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ સાથે જોડી રહી છે, જેનો ઉદ્દેશ ખેડૂતો કોઈ પણ જરૂરી પગલે બૅન્કોનો ટેકો મેળવી શકે એ છે. 

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વર્ષનું અંદાજપત્ર હાલની ચિંતાઓની સાથે સાથે કૃષિની ભવિષ્યની જરૂરિયાતોને પણ પૂર્ણ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, આજની જરૂરિયાત સંગ્રહ કરવાની અને ખેતીમાં ખર્ચ ઘટાડવાની, નાના ખેડૂતોને સંગઠિત કરવાની છે. તેથી જ આ બજેટ સંગ્રહ સુવિધાઓ પર ભાર મૂકે છે અને સહકારી મંડળીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.  તેવી જ રીતે કુદરતી ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ખેડૂત માટે ખર્ચ ઘટશે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી પ્રણામ યોજના જેવાં પગલાંથી ખાતરો પરનાં ખર્ચમાં વધારે ઘટાડો થશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "સરકાર ભવિષ્યના પડકારોનું વિશ્લેષણ કરવાની સાથે સાથે ભારતનાં કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે." આબોહવામાં ફેરફારના પડકારનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ બરછટ અનાજ અથવા બાજરીની પરંપરાગત શક્તિને પુનર્જીવિત કરવા પર ભાર મૂક્યો હતો અને માહિતી આપી હતી કે, આ અનાજ કોઈ પણ આબોહવાનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. આ વર્ષનાં બજેટનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે બરછટ અનાજ શ્રી અન્ન તરીકે નવી ઓળખ ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, કર્ણાટક બાજરીનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે, જ્યાં શ્રી અન્ન શ્રી ધાન્ય તરીકે પ્રસિદ્ધ હતું અને આ વિસ્તારના ખેડૂતો વિવિધ પ્રકારનાં શ્રી અન્નની ખેતી કરે છે. પ્રધાનમંત્રીએ શ્રી અન્નને પ્રોત્સાહન આપવા માટે તત્કાલીન બી એસ યેદિયુરપ્પા સરકાર દ્વારા ચલાવવામાં આવેલાં મહત્વપૂર્ણ અભિયાનને યાદ કર્યું હતું અને કહ્યું હતું કે, હવે આપણે તેને દુનિયા સમક્ષ પ્રસ્તુત કરવું પડશે. શ્રી અન્નના ફાયદાઓ ગણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ માટે ઓછા પ્રયાસોની અને ઓછાં પાણીની જરૂર છે, ત્યારે ખેડૂતો માટે તેનાથી બમણો લાભ થશે.

પ્રધાનમંત્રીએ શેરડીના ખેડૂતોની જરૂરિયાતો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી, કારણ કે કર્ણાટક શેરડીનું મોટું રાજ્ય છે. તેમણે આ વર્ષનાં બજેટની જોગવાઈનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં વર્ષ 2016-17 અગાઉ ચૂકવવાપાત્ર રકમની સહકારી શેરડીની ચુકવણી પર કરમુક્તિ આપવામાં આવી છે, જેનાથી ખાંડ સહકારી મંડળીને 10,000 કરોડ રૂપિયાની રાહત મળશે. સરકારે ઇથેનોલનાં મિશ્રણ પર ભાર મૂક્યો છે એ વિશે પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, ઇથેનોલનું ઉત્પાદન શેરડીના ખેડૂતોની આવક વધારવામાં મદદરૂપ થાય છે. તેમણે માહિતી આપી હતી કે છેલ્લાં 9 વર્ષમાં પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ 1.5 ટકાથી વધીને 10 ટકા થયું છે અને સરકાર પહેલેથી જ પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય રાખી રહી છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, કૃષિ, ઉદ્યોગ, પ્રવાસન અને શિક્ષણને વધારે સારી કનેક્ટિવિટી સાથે જ મજબૂત કરવામાં આવે છે. તેમણે માહિતી આપી હતી કે 2014 પહેલાનાં પાંચ વર્ષમાં કર્ણાટકમાં રેલવેનું કુલ બજેટ 4000 કરોડ રૂપિયા હતું જ્યારે આ વર્ષે કર્ણાટકમાં રેલવે માટે 7500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તેમણે નોંધ્યું હતું કે, અત્યારે કર્ણાટકમાં આશરે રૂ. 45,000 કરોડનાં મૂલ્યનાં રેલવે પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. તેમણે બેલગાવીમાં નવાં ઉદ્‌ઘાટન થયેલાં આધુનિક રેલવે સ્ટેશનનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, માત્ર સુવિધાઓને જ વેગ નથી મળતો પરંતુ રેલવે પ્રત્યેનો વિશ્વાસ પણ વધી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, "કર્ણાટકમાં ઘણાં સ્ટેશનોને આવા આધુનિક અવતારમાં સામે લાવવામાં આવી રહ્યાં છે." પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, લોન્દા-ઘાટપ્રભા લાઇનને બમણી કરવાથી આ પ્રવાસ વધુ ઝડપી અને સુરક્ષિત બનશે. બેલગાવી શિક્ષણ, પ્રવાસન અને હેલ્થકેર માટે મહત્ત્વનું કેન્દ્ર છે એ વાતનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રેલવે કનેક્ટિવિટીમાં સુધારો થવાથી આ ક્ષેત્રોને પ્રોત્સાહન મળશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ડબલ એન્જિન ધરાવતી સરકાર ઝડપી ગતિના વિકાસ માટે ગૅરંટી છે." જલ જીવન મિશનનું ઉદાહરણ ટાંકીને પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, વર્ષ 2019 અગાઉ કર્ણાટકનાં ગામડાંઓમાં ફક્ત 25 ટકા કુટુંબો પાઇપ મારફતે પાણીનાં જોડાણો ધરાવતાં હતાં, ત્યારે અત્યારે આ કવરેજ વધીને 60 ટકા થયું છે. બેલગાવીમાં પણ, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 2 લાખથી ઓછાં ઘરોમાં નળનું પાણી મળતું હતું, પણ આજે આ સંખ્યા 4.5 લાખને વટાવી ગઈ છે. તેમણે કહ્યું કે આ માટે આ બજેટમાં 60 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "સરકાર સમાજના દરેક નાના વર્ગને સશક્ત બનાવવા માટે કાર્યશીલ છે, જેની અગાઉની સરકારોએ અવગણના કરી હતી." બેલગાવી કારીગરો અને હસ્તકળાના માણસોનું શહેર છે, જે વેણુગ્રામ એટલે કે વાંસનાં ગામ તરીકે જાણીતું છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, અગાઉની સરકારોએ લાંબા સમયથી વાંસની લણણી પર પ્રતિબંધ મૂક્યો હતો, પણ વર્તમાન સરકારે જ કાયદામાં સુધારો કર્યો છે અને વાંસની ખેતી અને વેપાર માટેનો માર્ગ ખોલ્યો છે. તેમણે શિલ્પકારો અને હસ્તકલાના માણસોને ટેકો આપવા માટે આ વર્ષનાં બજેટમાં પ્રથમ વખત રજૂ કરવામાં આવેલી પીએમ વિશ્વકર્મા યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કર્ણાટક માટે કૉંગ્રેસ સરકારના તિરસ્કાર તરફ ધ્યાન દોર્યું હતું જ્યાં કર્ણાટકના નેતાઓનું અપમાન કરવું એ એક પરંપરા બની ગઈ હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "એસ નિજલિંગપ્પા અને વિરેન્દ્ર પાટીલજી જેવા નેતાઓનું કૉંગ્રેસ પરિવાર સમક્ષ કેવી રીતે અપમાન થયું હતું તેનો ઇતિહાસ પુરાવો છે." મલ્લિકાર્જુન ખડગેજી પ્રત્યે તેમના પૂજ્યભાવ અને આદર અને જનસેવા પ્રત્યેની તેમની નિષ્ઠા વિશે બોલતા પ્રધાનમંત્રીએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી કે, છત્તીસગઢમાં કૉંગ્રેસનાં એક સમારંભમાં આકરાં તડકામાં આ સૌથી વરિષ્ઠ સભ્યને એક છત્રી આપવાને યોગ્ય પણ ગણવામાં આવ્યા નહોતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ખડગેજી કૉંગ્રેસ અધ્યક્ષ છે, પરંતુ આખી દુનિયા જાણે છે કે તેમની સાથે જે રીતે વર્તન કરવામાં આવે છે તેનાથી રિમોટ કન્ટ્રોલ કોણ ધરાવે છે." શ્રી મોદીએ ધ્યાન દોર્યું હતું કે, દેશમાં ઘણા રાજકીય પક્ષો 'પરિવારવાદ'થી ગ્રસ્ત છે અને તેમણે દેશને તેની ચુંગાલમાંથી મુક્ત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કર્ણાટકની જનતાને કૉંગ્રેસ જેવા પક્ષોથી સતર્ક રહેવાની ચેતવણી પણ આપી હતી.

સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જ્યારે સાચા ઇરાદા સાથે કામ થાય છે, ત્યારે સાચો વિકાસ થાય છે." તેમણે ડબલ-એન્જિન સરકારના સાચા ઇરાદાઓ અને વિકાસ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, "કર્ણાટક અને દેશના વિકાસને વેગ આપવા માટે આપણે સબકા પ્રયાસો સાથે આગળ વધવું પડશે."

આ પ્રસંગે કર્ણાટકના મુખ્ય મંત્રી શ્રી બસવરાજ બોમ્મઈ, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમર, સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશી, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી સુશ્રી શોભા કરંદલાજે અને કર્ણાટક સરકારના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. 

પશ્ચાદભૂમિકા

ખેડૂતોનાં કલ્યાણ માટે પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાનું વધુ એક ઉદાહરણ પ્રદર્શિત કરતું એક પગલું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) હેઠળ આશરે રૂ. 16,000 કરોડના 13મા હપ્તાની રકમ 8 કરોડથી વધારે લાભાર્થીઓને પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ મારફતે આપવામાં આવી હતી. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂત પરિવારોને રૂ. 2000ના ત્રણ સમાન હપ્તામાં દર વર્ષે રૂ. 6000નો લાભ પ્રદાન કરવામાં આવે છે.

કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ પુનઃવિકસિત બેલગાવી રેલવે સ્ટેશન બિલ્ડિંગ દેશને સમર્પિત કર્યું હતું. આ રેલવે સ્ટેશનને અંદાજે 190 કરોડ રૂપિયાના ખર્ચે રિડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે, જેથી મુસાફરોને વૈશ્વિક કક્ષાની સુવિધાઓ મળી રહે. પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રને સમર્પિત અન્ય એક રેલવે પ્રોજેક્ટ બેલગાવી ખાતે લોન્દા-બેલગાવી-ઘાટપ્રભા સેક્શન વચ્ચે રેલવે લાઇન ડબલિંગ પ્રોજેક્ટ છે. આશરે રૂ. 930 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલા આ પ્રોજેક્ટથી વ્યસ્ત મુંબઈ – પૂણે-હુબલી-બેંગલુરુ રેલવે લાઇન પર લાઇનની ક્ષમતા વધશે, જે વિસ્તારમાં વેપાર, વાણિજ્ય અને આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે.

પ્રધાનમંત્રીએ બેલગાવીમાં જલ જીવન મિશન અંતર્ગત છ મલ્ટી-વિલેજ સ્કીમ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો, જેને આશરે રૂ. 1585 કરોડના કુલ ખર્ચે વિકસાવવામાં આવશે અને 315થી વધારે ગામની આશરે 8.8 લાખ વસતિને લાભ થશે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાએ ICAR-CIBA કેમ્પસ, ચેન્નાઈ ખાતે ત્રણ રાષ્ટ્રીય ફ્લેગશિપ કાર્યક્રમોનું લોકાર્પણ અને ઉદ્ઘાટન કર્યું

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More