
વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ કરોડો દેશવાસીઓ માટે મોટી ભેટની જાહેરાત કરી છે. PM મોદીએ 'PM સૂર્ય ઘર મફત વીજળી યોજનાની આજે શરૂઆત કરી દીધી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે રૂ. 75,000 કરોડનું રોકાણ કરીને રૂફટોપ સોલાર સિસ્ટમ દ્વારા એક કરોડ ઘરોને વીજળી પૂરી પાડવામાં આવશે, પરિણામે આ ઘરોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મળશે. વડા પ્રધાને જણાવ્યું હતું કે ગ્રામીણ સ્તરે રૂફટોપ સોલર સિસ્ટમને પ્રોત્સાહન આપવા અને લોકપ્રિય બનાવવા માટે શહેરી સંસ્થાઓ અને પંચાયતોને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સાથે આ યોજના દ્વારા લોકોને તેમની આવક વધારવામાં મદદ મળશે, વીજળીનું બિલ ઓછું થશે અને રોજગારીની નવી તકો પણ ઊભી થશે.
યુવાનોને આગળ આવું જોઈએ
પીએમ મોદીએ ટકાઉ વિકાસ વધારવાની સાથે સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે પીએમ સૂર્ય ઘર – મફત વીજળી યોજના હેઠળ તમામ ગ્રાહકો, ખાસ કરીને યુવાનોએ તેમના ઘરે સોલાર પેનલ લગાવવી જોઈએ. તેમણે કહ્યું કે આ માટે તેઓ pmsuryaghar.gov.in પર જઈને અરજી કરી શકે છે.
નાણામંત્રીએ વયગાળાના બજેટમાં આપી હતી માહિતી
નાણામંત્રી નિર્મલા સીતારમણે આ મહિનાની શરૂઆતમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. તે દરમિયાન રૂફટોપ સોલર અને મફત વીજળી યોજનાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના દ્વારા, એક કરોડ ઘરોને એક મહિનામાં 300 યુનિટ મફત વીજળી મળશે.આ સાથે આ યોજનાથી એક કરોડ પરિવારોને વાર્ષિક 15 થી 18 હજાર કરોડ રૂપિયાની બચત થશે અને તેઓ વધારાની વીજળી વિતરણ કંપનીઓને વેચી શકશે. નાણામંત્રીએ એમ પણ કહ્યું કે આનાથી ઇલેક્ટ્રિક વાહનોની ચાર્જિંગ સુવિધાઓમાં સુધારો થશે, મોટી સંખ્યામાં વિક્રેતાઓ માટે તકો ઊભી થશે અને ટેકનિકલ કૌશલ્ય ધરાવતા યુવાનો માટે રોજગારીની તકો ઊભી થશે.
રામલ્લાની પ્રાણપ્રતિષ્ઠાના દિવસે પીએમ કરી હતી જાહેરાત
તમને જણાવી દઈએ કે 22 જાન્યુઆરી, 2024 ના રોજ અયોધ્યામાં રામલ્લા ના અભિષેક બાદ વડાપ્રધાન મોદીએ તે સાંજે જાહેરાત કરી હતી કે તેમની સરકાર 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરશે. તેમણે કહ્યું હતું કે અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર મારો સંકલ્પ વધુ મજબૂત થયો છે કે ભારતના લોકોના ઘરની છત પર તેમની પોતાની સોલર રૂફટોપ સિસ્ટમ હોવી જોઈએ.આનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના વીજળી બિલમાં ઘટાડો થશે. એટલું જ નહીં, ભારત ઊર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર પણ બનશે.
Share your comments