ખેત પાક ઉત્પાદન પ્રક્રિયામાં કરવાના થતા કાર્યો માટે ઉપયોગમાં લેવાતા ઓજાર, સાંતી, યંત્રો અને મશીનરીને આપણે ‘ખેત યંત્રો’ તરીકે ઓળખીએ છીએ. આપણા ખેતી પ્રધાન દેશની સંસ્કૃતિ, પરંપરા તથા સામાજિક જીવનશૈલી અને આર્થિક પ્રગતિમાં ખેતી અને ખેતી કાર્યોનો ખૂબ જ પ્રભાવ રહ્યો છે. જે તે સમયને અનુરૂપ ખેત યંત્રોનો ઉપયોગ અને વિકાસ થતો રહ્યો છે. હાલના આધુનિક યુગમાં વપરાતા તેમજ વિકસાવેલા ખેત યંત્રોને આધુનિક/સુધારેલા ખેત યંત્રો કહી શકાય. ખૂબ જ મહેનત માંગતા ખેત કાર્યો માટે, ખેત મજૂરી મોંઘી થતી જતી હોઈ, તેના વિકલ્પરૂપે, યંત્રો- ઓજારોના વપરાશથી ખેતીમાં ઉત્પાદન ખર્ચ ઘટાડી શકાય છે. સારા અને કાર્યક્ષમ ખેત યંત્રોના ઉપયોગથી પાકની કપની અને લણણી જેવા કાર્યોમાં પાકને નુકશાન વિના સમયસર એકઠો કરી લેવામાં આવે તો સારી ગુણવત્તા જળવાય છે. અપાર ઉત્પાદનનો બજારમાં સારો ભાવ મળે છે. આમ, ખેતીને પરવડે તેવી બનાવવા સુધારેલા ખેત ઓજારો-યંત્રોનો ઉપયોગ કરવો ફાયદાકારક છે.
આવા ખેત યંત્રો – ઓજારોની કામગીરી, ઉપયોગ અને વપરાશ બાબતની પુરતી માહિતી ખેડૂતમિત્રોને હોય તો તેમના રીપેરીંગ –જાળવણી પેટે થતો ખર્ચ ઘટાડી શકાય છે. સમજણપુર્વકના ઉપયોગથી વધુ કાર્યક્ષમતા મેળવી શકાય તેમજ બળતણ ખર્ચ પણ ઘટાડી શકાય છે. આ રીતે કામ કરવાની ઝડપ વધી જાય છે. ઓપરેટર કે ડ્રાઈવરની કાર્યક્ષમતા વધે તો ઓછા ખર્ચે વધુ કામ મેળવી શકાય છે. પિયતની સગવડ હોય અને વર્ષમાં એકથી વધુ પાક લેવા હોય ત્યારે ઓછા સમયમાં, બીજા પાકની વાવણી માટે, જમીન તૈયાર કરી જમીનની ઉત્પાદન ક્ષમતા વધારવા જેવા ફાયદાઓ લઇ શકાય છે. આમ, આવા ઘણા ફાયદાઓ સુધારેલા ખેત ઓજારોના વપરાશથી ગણતરીમાં લઈ શકાય. આપણી ખેતીને અનુરૂપ ખેડકાર્યો માટે વિવિધ પ્રકારનાં ખેત યંત્રો – ઓજારો વિકસાવવામાં આવેલ છે તેની વિગતવાર ચર્ચા કરીએ.
મિની ટ્રૅક્ટર
વસ્તી વધારો અને ખાતેદારોની સંખ્યા વધતાં, ખેતીલાયક જમીનનું નાના ટુકડાઓમાં વિભાજન થતું જાય છે. આવા સામાન્ય ખેડૂતોને ટ્રૅક્ટરની કિમત પોષાતી નથી. તેમજ બળદની જોડીનો નિભાવ પણ નાના ખાતેદારોને પોષાય તેમ નથી. આ સંજોગોમાં નાના ખેડૂતોને પોષાય તેવું ઓછી કિમતનું મિની ટ્રૅક્ટર વસાવી શકાય.
રોટાવેટર (રોટરી ટીલર કમ કલ્ટીવેટર)
આ સાધનથી જમીનને એક જ વખત ખેડતા વાવણીલાયક બને છે. જમીનની ‘ટીલ્થ’(પોત) બહુ જ સારી રીતે તૈયાર થાય છે, ખેત ઉત્પાદન ખર્ચ ઘટાડી શકાય છે, ખૂબ જ ઓછા સમયમાં ‘સીડ બેડ’ તૈયાર કરી શકાય છે, વાવણીનું કામ સારું થાય છે તથા જમીનની ભૌતિક સ્થિતિ સારી થતી હોઈ પાક ઉત્પાદન વધે છે. કઠણ અને મુળવાળી જમીનમાં રોટર પહેલાં દાંતાથી જમીન માં કટ પડવાથી રોટાવેટરનું કામ સરળ થાય છે. જુવાર, બાજરી, ઘઉં, ડાંગર, અને શેરડી જેવા પાકો લીધા બાદ રોટાવેટરની એક જ ખેડથી જમીન ખેડાઈ જવાની સાથે પાકના અવશેષો, મૂળ, ડાંખળાં વગેરે ટુકડા થઇ જમીનમાં ભળી જાય છે. પાકના અવશેષોમાંથી સેન્દ્રિય ખાતર બનતું હોવાથી જમીનની ફળદ્રુપતા વધે છે. સમય, શક્તિ અને મૂડીરોકાણનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે.
પાવર ડિસ્ક હેરો
આ ઓજાર ટ્રૅક્ટરની પીટીઓ શાફ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. દેખાવમાં ડિસ્ક હેરો જેવું છે, પરંતુ તેની કામગીરી ડિસ્ક પ્લાઉ જેવી છે. જે વિસ્તારમાં શેરડી કે કેળનું વાવેતર થતું હોય તે વિસ્તારમાં આ ઓજાર ખૂબ ઉપયોગી છે. શેરડી કે કેળના મૂળને નાના ટુકડામાં કાપી નાંખી જમીનમાં ભેળવવામાં મદદરૂપ થાય છે. રોટાવેટર જેવી કામગીરી હોવાથી તેના કરતાં વધુ ઉંડાઈ સુધી ખેડકાર્ય કરી શકાય છે.
સબસૉઇલર (ટ્રૅક્ટર સંચાલીત)
ટ્રૅક્ટરથી ચાલતા સબસૉઇલર દ્વારા એક દાઢા વડે જમીનની પરીસ્થિતિ મુજબ ૪૦ થી ૪૫ સે.મી. ઉંડાઈ સુધીના ઉંડા ચીરા પાડીને, કઠણ થયેલા પડને તોડી, જમીનને પોચી અને નરમ બનાવી શકાય, જેથી વરસાદનું પાણી વધારે પ્રમાણમાં અને ઓછા સમયમાં ભૂગર્ભમાં નીચે ઉતારી શકાય છે. પરિણામે વરસાદ ખેંચાય ત્યારે અછતની પરિસ્થિતિમાં પાકનાં મૂળ વિસ્તારમાં સંગ્રહ થયેલ ભેજનો ઉપયોગ કરી છો પોતાની વાનસ્પતિક વૃદ્ધિ મેળવે છે. સબસોઈલીંગ કરેલ જમીનમાં મૂળતંત્રનો વિકાસ વધુ થવાની સાથે ઉત્પાદનમાં વધારો થાય છે.
પલ્વરાઇઝિંગ રોલર કમ કલ્ટીવેટર
કલ્ટીવેટર સાથે પલ્વરાઇઝિંગ રોલરનું જોડાણ કરી બનેલા સાધનને ટ્રૅક્ટરની પીટીઓ દ્વારા ચલાવી શકાય છે. આ સાધન દ્વારા ખેતીના કામમાં એક સાથે ખેડ અને ઢેફાં ભાંગી જમીનને સમથળ પણ કરી શકાય છે. આ સાધનની કિમત રોટાવેટરની કિમત કરતાં આશરે અડધી અને કાર્યક્ષમતા રોટાવેટર જેટલી જ રહે છે.
Share your comments