પશુપાલક મિત્રો, જો આપણી પાસે ઓછા પશુઓ હોય, ત્યારે તેમાંના દરેક પશુને દેખાવ મુજબ ઓળખવાનુ અને એક-બીજાથી અલગ પાડવાનુ અશક્ય બને છે, પરંતુ જ્યારે આજના સમયમા પશુપાલન એક સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉભરી રહ્યો છે, ત્યારે પશુપાલકો પાસે મોટી સંખ્યામા પશુઓ હોય છે, ખાસ કરીને જ્યારે લોકો આધુનિક રીતે તબેલા પદ્ધતિ અપનાવતા થયા છે, તો આપણી સરકાર પણ પશુપાલકોને પ્રોત્સાહિત કરી રહી છે, ત્યારે દરેક પશુને ઓળખવા માટે ચોક્કસ પદ્ધતિ હોવી અનિવાર્ય છે. પશુ ઓળખ માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામા આવે છે.
પશુઓને ઓળખવાનુ મહત્વ:- મોટા તબેલામા રોજિંદા કામો જેવા કે પશુનુ વિયાણ, નવા જન્મેલા બચ્ચાની નોંધણી, મૃત્યુ પામેલ પશુ/બચ્ચાની વિગત, ગરમીમા આવેલ પશુને કેળવવુ, પશુ સારવાર, પશુ દીઠ દૂધ ઉત્પાદનની નોંધણી વગેરે માટે દરેક પ્રકારના પશુની ઓળખ જરૂરી છે. પશુના રજિસ્ટ્રેશન તથા વીમા પૉલિસી માટે પણ પશુ ઓળખ જરૂરી છે. આ ઉપરાંત પશુના ખોવાઈ જવાના કે ચોરાઈ જવાના કિસ્સામા પશુની ઓળખાણ ખૂબ જ ઉપયોગી થઈ પડે છે તેમજ પોલીસ કેસ કરતી વખતે તેની ઓળખાણ આપતી વખતે તેનો નંબર/ઓળખની જરૂરીયાત રહે જ છે. તો આવો જાણીએ આવી વિવિધ રીતો વિશે
પશુને ઓળખ આપવાની પદ્ધતિઓ:- પશુઓને જુદી જુદી પદ્ધતિઓમાંથી કોઈ પણ એક પશુપાલકને અનુકૂળ આવતી પદ્ધતિ દ્વારા ઓળખ આપી શકાય છે. તે વિવિધ પદ્ધતિઓ નીચે મુજબ છે.
નામ:- પશુની ખરીદીની જગ્યા, શારીરિક દેખાવ અથવા નદીના નામ, દેવી-દેવતાના નામ વગેરે ઉપરથી નામ આપી શકાય છે. જેમ કે ગંગા, જમના, યમુના, ગાયત્રી વગેરે. સામાન્ય રીતે આ પદ્ધતિનો ઉપયોગ બીજી પદ્ધતિઓ સાથે કરવામા આવે છે. આ રીત મોટાભાગના નાના પશુપાલકો દ્વારા અપનાવવામા આવે છે.
છુંદણા પદ્ધતિ (ટૅટૂઇંગ):- પશુ ઓળખની આ રીતમાં સ્ટીલની અણીઓવાળા અક્ષરો જે નંબર આપવાનો હોય, તે પ્રમાણે ટૅટૂઇંગ ચીપિયામા ગોઠવવામા આવે અને કાનની નીચે/અંદરના ભાગે ચીપિયો દબાવવાથી તે નંબરની કાણાવાળી છાપ ઉપસી આવે છે. આ કાણા ઉપર છુંદણાની શાહીને રૂ વડે ઘસવામા આવે છે. તેથી કાણામા શાહી ભરાવાથી કાયમી છાપ(ટૅટૂ) ઉપસે છે. ટૅટૂઇંગ સામાન્ય રીતે કાનની અંદરની સપાટીએ કરવામા આવે છે. ખાસ તો તાજા જન્મેલા વાછરડા-વછેરા, પાડી-પાડા, ગાડરા, લવારા વગેરેને આ પદ્ધતિથી ઓળખ આપી શકાય છે. આ રીત પશુ સંશોધન કેન્દ્ર ખાતે નાના બચ્ચના જન્મ પછી તરત જ અપનાવવામા આવે છે.
રંગ લગાવવો:- આ પદ્ધતિમા પશુના શરીરના જુદા-જુદા ભાગ પર રંગ લગાડવામાં આવે છે. આ રીત મોટાભાગે ઘેટાં, બકરાં ઉપરાંત ગધેડા જેવા નાના પશુઓમાં ઉપયોગમાં લેવાય છે.
ગરમ ડામ (બ્રાંડિંગ):- આ માટે ખાસ ધાતુના નંબર લાકડાના હાથાવાળા લોખંડના સળિયા ઉપર લગાવવામા આવે છે. આવા નંબરને ગરમ કરીને પશુના ખભા કે થાપા ઉપર ડામ આપવામા આવે છે. આનાથી નંબર જેટલો ભાગ બળી જાય છે અને આ પદ્ધતિ પશુની ઓળખ માટે જીવનપર્યંત કામ લાગે છે. આ રીત અત્યારના સમયમા બહુ નહિવત ઉપયોગમાં છે.
કાનમાં પટ્ટી/કડી ભરાવવી (ઈયર ટૅગિંગ):- આ રીત આપણા દેશમા હાલના સમયમા સૌથી વધુ ઉપયોગમા લેવાતી રીત પૈકીની એક છે. ગુજરાત સરકાર પણ આ રીતને હાલમા પ્રોત્સાહન આપીને દરેક મોટા દૂધાળા પશુને આવી કડી મારવામા આવે, તે માટે એક અભિયાન ચલાવી રહી છે. પ્લાસ્ટિકની કે ધાતુની પટ્ટી/ટૅગ સરળતાથી કાનમા લગાવી શકાય છે. આ પદ્ધતિ ગાય-ભેંસ માટે ઉપયોગી છે. ઉપરાંત ઘેટાં અને બકરાંમા પણ લગાવી શકાય છે. આ રીતમાં પશુને મારવામાં આવતી કડીમાં ૧૨ આંકડાનો નંબર હોય છે. તે એક પ્રકારે પશુના આધાર કાર્ડ સમાન છે. પશુ સંશોધન કેન્દ્ર ખાતેનાં નાના બચ્ચાના (પાડી-વાછરડા) જન્મ પછી તરત જ ટૅટૂઇંગ કર્યા પછીના ૪-૬ મહિના બાદ આ રીત અપનાવવામા આવે છે.
Share your comments