ગાયો તથા ભેંસોમાં વંધ્યત્વ બે પ્રકારના હોય છે... અલ્પકાલીન વંધ્યત્વ અને કાયમી વંધ્યત્વ. સામાન્ય રીતે પ્રજનન અવયવોની ખામી કે વિકૃતિઓ અને અંડવાહિની તથા ગર્ભાશયના અમુક પ્રકારના દર્દોને કારણે કાયમી વંધ્યત્વ ઉદ્ભવે છે. આ ઉપરાંત, અસામાન્ય વિયાણ કે વિયાણમાં મુશ્કેલીઓ ઊભી થવાથી પ્રજનન અંગોને જો કોઈ ગંભીર ઈજા પહોંચી હોય, તો પણ તેને લઈને આવી સમસ્યા ઉદ્ભવી શકે છે. કાયમી વંધ્યત્વ બહુ ઓછા પશુઓમાં જોવા મળે છે. ખરું જોતાં તો અલ્પકાલીન વંધ્યત્વ જ ખૂબ નુકસાનકારક છે, કારણ કે ઘણી મોટી સંખ્યામાં પ્રાણીઓ આનાથી પીડાતા હોય છે અને તેમને યોગ્ય સમયે યોગ્ય સારવાર ન મળવાથી આ રોગ કાયમી વંધ્યત્વમાં પરિણમે છે. વળી એ પ્રાણી બંધાશે કે સગર્ભા થશે, એવી આશામાં ને આશામાં મહિનાઓ અને વર્ષો વીતી જાય છે, છતાં પ્રાણી બંધાતું નથી. આથી બચ્ચાંની સંખ્યામાં, દૂધ ઉત્પાદનમાં અને ખોરાકીમાં પશુપાલકને આર્થિક રીતે ઘણું બધું નુકસાન સહન કરવું પડે છે. અલ્પકાલીન વંધ્યત્વમાં ગર્ભધારણનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે. અપૂરતા પોષણના લીધે પશુની શારીરિક તથા ગર્ભાશયની વૃદ્ધિ યોગ્ય ન થવાથી પણ ગર્ભધારણ થતું નથી.
કાયમી વંધ્યત્વના કિસ્સામાં અંડાશય જરા પણ કાર્યરત હોતું નથી તેમજ ગર્ભાશયની વૃદ્ધિ પણ અટકી ગયેલ હોય છે. પ્રજનનના અંતઃસ્ત્રાવોનું ઉત્પાદન હંમેશા માટે બંધ થઇ જાય છે. કેટલીક વાર ઉભયલિંગી અંતઃસ્ત્રાવોનું પ્રમાણ વધી જાય છે. આવા વંધ્યત્વમાં ગર્ભધારણ થતું જ નથી. જ્યારે અલ્પકાલીન વંધ્યત્વમાં અંડાશયની કામગીરીમાં અવરોધ કે કોઈ કારણોસર તેમાં અંશતઃ ઘટાડો થાય છે. બીજ છુટું પડતાં પણ વાર લાગે છે. ગર્ભાશયની વૃદ્ધિમાં પણ અંશતઃ ઘટાડો જોવા મળે છે. પ્રજનન અંતસ્ત્રાવોનું ઉત્પાદન અનિયમિત અને તેનું નિયમન યોગ્ય થતું નથી. આવા વંધ્યત્વમાં પશુઓને યોગ્ય સમયે સારવાર કરવાથી ગર્ભધારણ કરાવી શકાય છે. સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં આપણે એલોપૅથી ચિકિત્સા પદ્ધતિથી સારવાર કરતા હોઇએ છીએ કે જે ખેડૂતો માટે આર્થિક રીતે ખૂબ જ ખર્ચાળ નીવડે છે. જ્યારે હોમિયોપૅથિક ચિકિત્સા પદ્ધતિ પ્રમાણમાં ઘણા ઓછા ખર્ચની હોય છે. હોમિયોપૅથિક દવા સૂક્ષ્મ અણુંવાળી હોય છે. આથી જીભ પર મૂકતાવેંત જ શોષાય જાય છે અને તરત જ અસર કરે છે. આ દવાનું પ્રમાણ પણ ઘણું ઓછું હોય છે તથા અત્યંત ક્રિયાશીલ હોય છે. આ દવાની કોઈ આડઅસર થતી નથી. તેમજ આ દવા અન્ય દવા સાથે આપવાથી કોઈ વિપરીત અસર થતી નથી.
સામાન્ય પ્રકારનું વંધ્યત્વ
કેટલીક વાર માદા... નરને ગ્રહણ કરવા દેતું નથી. જેને મૂંગું પ્રાણી કહેવાય છે. નર ઠેકવા આવે, ત્યારે બેસી જાય અથવા તોફાન કરે. આવી સમસ્યા ખાસ કરીને પાડી-વાછરડીઓમાં વધારે જોવા મળે છે. જ્યારે મોટા પશુઓમાં આવી પરિસ્થિતિ ઓછી જોવા મળે છે. આવા કિસ્સાઓમાં સેપિયા-૨૦૦ (Sepia) ઔષધિ એ રામબાણ છે. આ દવા આપવાથી માદા માનસિક રીતે નરને સ્વીકારવા માંડે છે અને તોફાન કરતી નથી. આ દવાની અસર ગર્ભાશય પર થાય છે. આ દવા મોટા પશુમાં ૧૦ ગ્લોબ્યૂલ્સ અને નાના પશુઓમાં ૪ ગ્લોબ્યૂલ્સ દિવસમાં એક વાર એમ સાત દિવસ સુધી આપ્યા બાદ દર અઠવાડિયે એક ડોઝ (૧૦ ગ્લોબ્યૂલ્સ) ચાર વખત આપવાથી તેમાં સુધારો જોવા મળે છે.
પ્રથમ અવસ્થામાં ભ્રૂણનું મરણ
આવી પરિસ્થિતિમાં પશુ વેતરમાં આવે છે, પણ ગર્ભધારણ થયા બાદ એકથી દોઢ માસમાં ગર્ભનું મૃત્યુ થાય છે અને ગર્ભ શોષાઈ જાય છે કે ગર્ભપાત થઈ જાય છે. ગર્ભનું કદ નાનું હોઈ, આવી બાબત ધ્યાનમાં આવતી નથી. આવા કિસ્સાઓમાં કાઉલોફાયલમ-૩૦ (Caulophyllum) દવાનો ઉપયોગ કરવો હિતાવહ છે. આ દવા વનસ્પતિમાંથી તૈયાર થાય છે. આ દવા ગર્ભાશયની નબળાઈ દૂર કરે છે. આ દવાના ૧૦ ગ્લોબ્યૂલ્સ અઠવાડિયે એક ડોઝ એમ આઠ અઠવાડિયા સુધી આપવી. વિબુર્નમ ઓપલસ-૩૦ (Viburnum Opulus) અને સેપિયા-૨૦૦ (Sepia) પણ આપી શકાય છે. વિબુર્નમ ઓપલસ-૩૦ દવા દર અઠવાડિયે એક ડોઝ (૧૦ ગ્લોબ્યૂલ્સ) એમ ત્રણ અઠવાડિયા સુધી આપવાથી પરિસ્થિતિમાં સુધારો જોવા મળે છે. સેપીઆ-૨૦૦ દવા રોજના ૧૦ ગ્લોબ્યૂલ્સ દિવસમાં એક વાર એમ સાત દિવસ સુધી આપવી અને પછી અઠવાડિયે એક વાર એમ ચાર થી છ અઠવાડિયા સુધી આપવી. એલ્ટરિસ ફૅરિનોસા-૩૦ (Aletris Farinosa) દવા જે પશુઓમાં વારંવાર ગર્ભપાત થતા હોય તથા ગર્ભાશય બહાર આવવાની તકલીફ થતી હોય અને ગર્ભાશયનું આંતરિક હલનચલન ન થતું હોય તથા વેતરે આવે ત્યારે રક્તયુક્ત ઘટ સ્ત્રાવ બહાર પડતો હોય તેવા પશુને દિવસમાં બે વાર ૧૦-૧૦ ગ્લોબ્યૂલ્સ એમ ત્રણ અઠવાડિયા સુધી આપવાથી ગર્ભધારણ થાય છે. ઉપરોક્ત દવા ચાલુ હોય ત્યારે વચમાં રોજના ફૉલિક્યુલિનમ-૬ (Folliculinum) દવાના ૧૦ ગ્લોબ્યૂલ્સ ત્રણ દિવસ આપવા હિતાવહ છે.
મૂંગું ગરમી (Subestrous)
આવા પ્રકારના અલ્પકાલીન વંધ્યત્વનું મુખ્ય કારણ પ્રજનન અંતઃસ્ત્રાવોની અનિયમિતતા, અકાર્યક્ષમતા અને અસમતોલન છે. આવી તકલીફમાં પશુઓ સદંતર વેતરમાં નથી આવતા કે કેટલીક વાર મૂંગા વેતરમાં હોય છે. ભેંસોમાં આ પરિસ્થિતિનું પ્રમાણ સવિશેષ જોવા મળે છે. આવી તકલીફમાં બધા જ પ્રકારના લેબોરેટરી પરિક્ષણ કરાવી હોર્મોન(અંતઃસ્ત્રાવો)ની સારવાર આપવાથી ફાયદો થાય છે પરંતુ એ મોંઘી પડે છે. વ્યવસ્થિત નિદાન વગર હોર્મોન(અંતઃસ્ત્રાવો)ની સારવાર આપવાથી કેટલીક વાર ઈલાજ થવાને બદલે નુકશાન થાય છે. આવા કિસ્સાઓમાં હોમિયોપૅથીક દવાની સારવારથી કોઈ આડઅસર વગર સારા પરિણામો મળી શકે છે. સેપીઆ-૨૦૦ (Sepia) દવા અઠવાડિયે એક વાર ૧૦ ગ્લોબ્યૂલ્સ એમ ત્રણ અઠવાડિયા સુધી આપવી. પલ્સેટીલા-૩૦ (Pulsatilla) દવાથી અંડાશય પર ઘણી સારી અસર થાય છે અને તેની કાર્યક્ષમતા પણ સુધારે છે. દર અઠવાડિયે એક વાર ૧૦ ગ્લોબ્યૂલ્સ એમ ચાર અઠવાડિયા સુધી આપવી. પલ્સેટીલા-૩૦ (Pulsatilla) દવા જે પશુ વેતરે મૂંગું આવતું હોય, બહુ સ્પષ્ટ ચિહ્ન ન બતાવતું હોય ત્યારે રોજ દિવસમાં બે વખત ૧૦-૧૦ ગ્લોબ્યૂલ્સ આપવાથી પશુ વેતરના ચિહ્નો બતાવવામાં સુધારો જોવા મળે છે.
ઋતુહીનતા (Anestorus)
ગાયો-ભેંસો વિયાણ બાદ ૬૦ થી ૯૦ દિવસમાં વેતરમાં આવવા માંડે છે. આ સમયગાળા બાદ વેતરમાં ન આવે તો વેતરે ન આવવાની સમસ્યા (ઋતુહીનતા) છે એમ કહી શકાય. ઋતુહીનતાથી પ્રાણીને સગર્ભા થવામાં વિલંબ થાય છે તથા બે વિયાણ વચ્ચેનો સમયગાળો લંબાય છે. વિયાણ પછી સાત થી આઠ માસનો ગાળો નીકળી જાય અને પશુ જો વેતરમાં ન આવે તો અંડાશય કે ગર્ભાશયની કોઈ વિકૃતિ હોઈ શકે છે. આયોડમ-૩૦ (Iodum) દવા જે પશુઓના અંડાશય ખૂબ નાના કદના અને સંકોચાયેલા હોય એવાં પશુઓમાં રોજ ૧૦ ગ્લોબ્યૂલ્સ દિવસમાં એક વાર એમ ૧૦ દિવસ સુધી આપવા. કેલકેરીઆ કાર્બોનીકા-૬, કેલકેરીઆ કાર્બોનીકા-૨૦૦, નેટ્રમ મૂર-૩૦ અને નેટ્રમ મૂર-૨૦૦ ની મિશ્ર દવાના ગ્લોબ્યૂલ્સ બનાવી અઠવાડિયે બે દિવસ ૧૦-૧૦ ગોળીના બે ડોઝ દૈનિક આપવા. બાકીના પાંચ દિવસ ખાલી રાખવા આમ એક માસ સુધી આ દવા આપવી. પછી ધીમે ધીમે પ્રમાણ ઓછું કરવું.
(વધુ જાણકારી હવે પછીના લેખમાં જોશું)
Share your comments