પશુપાલક મિત્રો, અત્યારના સમયમા આપણો દેશ દૂધ ઉત્પાદનમા અગ્રિમ સ્થાન ધરાવતો દેશ છે. ભવિષ્યમાં પણ આ સ્થાન જાળવી રાખવા માટે આપણે આપણા પશુ ધનમા જોવા મળતા આઉના સોજા એટલે કે સ્તનના સોજા (MASTITIS)ના રોગની બાબતમા કાળજી લેવી ખૂબ જ અગત્યની જણાય છે. મૅસ્ટાઇટિસ નામનો આ રોગ થવા માટે ખાસ તો પશુપાલકો દ્વારા પશુઓની રખાતી નિષ્કાળજી જ મહદ્અંશે જવાબદાર હોય છે. આંચળ તથા આઉની ઉતિઓના સમ્પર્કમા જીવાણુઓ (બૅક્ટેરિયા) આવે છે અને જ્યારે તેઓને ઉપદ્રવ તેમજ ફેલાવા માટે અનુકૂળ કારણો તથા વાતાવરણ ઉપલબ્ધ બને, ત્યારે પશુની દુગ્ધ ગ્રંથિમા સોજો આવે છે. દૂધ પાતળુ, ફોદા વાળુ અને ખરાબ વાસ વાળુ, દૂષિત પ્રકારનુ આવે છે. આ પરિસ્થિતિને દુગ્ધ ગ્રંથિનો સોજો થયો કહેવાય છે. આ રોગ ગાય, ભેંસ, બકરી, ઘેંટી વગેરે સસ્તન (દુધાળા) પશુઓમા જોવા મળે છે.
રોગના કારક કારણો :- સસ્તન પશુઓમાં આ આઉના સોજાનો રોગ એક કરતા અનેક કારણોસર થાય છે. જીવાણુ, વિષાણુ, ફૂગ વગેરે જંતુથી થતો આ રોગ બીજા સ્વસ્થ જાનવરોમા પણ ફેલાઈ શકે છે. જંતુઓમાં ખાસ કરીને સ્ટ્રેપ્ટોકૉકસ એગેલૅક્સી, સ્ટ્રેપ્ટોકૉકસ ડિસએગેલૅક્સી, સ્ટેફાઇલોકૉકસ ઓરિયસ, કોરાઇનો બૅક્ટેરિયામ પાયોજિનસ તેમજ કેટલાક વિષાણુ (વાઇરસ) તથા ટ્રાઇકોસ્પોરોન અને કૅંડીડા જાતિના ફૂગો મુખ્ય રોગકારકો છે. આ સિવાય નીચેના આ અન્ય કારણો પણ આઉના સોજા માટે જવાબદાર હોઈ શકે છે.
આંચળ પર થયેલી ઈજા
પશુના રહેઠાણની ગંદકી
આંચળના સંકોચક સ્નાયુઓની શિથિલતા
લાંબા અને લટકતા આંચળ
અંગૂઠા વડે આંચળને દબાવીને દૂધ દોહવાની રીત
દૂધ દોહનારના હાથની અસ્વચ્છતા
પશુની નબળી રોગપ્રતિકારક શક્તિ (ખાસ કરીને સંકર ગાયોમા આ વધારે જોવા મળે)
જમીન પર દૂધ દોહતા પહેલા દૂધની ધાર નાખવાની ખરાબ ટેવ.
મૅસ્ટાઇટિસ રોગ દરમિયાન આર્થિક પાસું : આ રોગ આર્થિક રીતે પશુપાલકોને ખૂબ જ નુકસાનકારક છે. રોગીષ્ટ પશુનુ દૂધ પીવા-ખાવાલાયક રહેતુ નથી. દૂધ પૂરું આવતુ નથી અને દૂધ ઉત્પાદન ઘટી જાય છે. આ રોગ થવાથી દૂધ ઉત્પાદનમા ૩૦ ટકા જેટલો ઘટાડો નોંધાઈ શકાય છે. પશુ મહતમ દૂધ ઉત્પાદન સુધી પહોચી શકતું નથી. જાનવરના દૂધ ઉત્પાદનના કુલ ગાળામા ઘટાડો થાય છે, તો કેટલાક સંજોગોમા પશુને નજીવી કિંમતે (ખોટ ખાઈને) વેચી પણ દેવું પડે છે. આ ઉપરાંત સારવારનો ખર્ચ પણ થાય છે. આમ, પશુપાલકોને પોતાના પશુને થતાં મૅસ્ટાઇટિસ (આઉના સોજા કે સ્તનના સોજા) નામના આ રોગને લીધે ખૂબ જ મોટા પ્રકારનું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવે છે.
Share your comments