પશુપાલક મિત્રો, આપણા વાગોળતા પશુઓ એટલે કે ગાય, ભેંસ, ઘેંટા-બકરામાં સૌથી વધુ કોઈ રોગો જોવા મળતા હોય, તો તે પાચન તંત્રના રોગો હોય છે. આવો જ એક પાચન તંત્રનો રોગ એટલે એસિડોસિસ. આ રોગ ‘અમ્લ અપચો’ અને અંગ્રેજીમાં ‘રુમિનલ એસિડોસિસ’ તરીકે પણ ઓળખાય છે. જયારે પશુ વધારે માત્રામાં કાર્બોદિત પ્રકારના પદાર્થો આરોગે, ત્યારે તેમને આ રોગ લાગુ પડે છે.
કયા-કયા પદાર્થો ખાવાથી એસિડોસિસ થાય ?
વધુ પડતા કાર્બોદિત પદાર્થો જેવા કે ઘઉં, બાજરી, જુવાર, ચોખા, મકાઈ, જવ અને કઠોળ તથા તેના લોટ અને એની બનાવટો, તે ઉપરાંત બ્રેડ, બેકરીનો બગાડ, ગોળ, દ્રાક્ષ, સફરજન, બટાટા, રાંધેલુ ભાત, રસોડાનો એઠવાડ ખાવાથી તેમજ જ્યારે ખાણ-દાણમા આકસ્મિક ફેરફાર કરવામા આવતો હોય, ત્યારે આ રોગ થાય છે.
કેવાં હોય છે આ રોગના લક્ષણો ?
એસિડોસિસ રોગના લક્ષણો પશુએ કેટલી માત્રામા ઉપરોક્ત કાર્બોદિત પદાર્થો ખાધા છે ? તેના ઉપર આધારિત છે. શરૂઆતમા પશુ સુસ્ત અને નબળું જણાય છે, ખાવા-પીવા અને વાગોળવાનું બંધ કરે છે. પશુ થોડા સમયમાં બેસી જાય, આફરો ચઢે, મોમાંથી લાળ ઝરે, જઠરનુ હલન-ચલન ઘટી જાય છે. પશુની દૂધ ઉત્પાદન શક્તિ અને કાર્ય શક્તિમાં ઘટાડો થાય છે. પશુનો પોદળો ઢીલો થઈ જાય છે અને તેમાંથી ખટાશ જેવી વાસ આવે છે. શરીરમાં પાણીનુ પ્રમાણ ઘટી જાય છે, પશુ લંગડાતું ચાલે છે. જો વધારે કાર્બોદિત પદાર્થો ખવાઈ ગયા હોય (તીવ્ર અસર), તો આ રોગ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે અને જો તાત્કાલિક દાક્તરી સારવાર ન મળે, તો પશુનું મૃત્યુ થાય છે.
ઘરગથ્થુ ઉપચારમાં શું કરી શકાય ?
ગાય-ભેંસમાં ૨૦૦થી ૩૦૦ ગ્રામ ખાવાના સોડાને પાણીમાં ઓગાળીને તાત્કાલિક નાળ વાટે પશુને આપવાથી રાહત મળે છે. વધારે ગંભીર લક્ષણો દેખાતા તાત્કાલિક નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવો જોઇએ.
કેવી રીતે બનાવશો ‘પશુ’ને ‘ધન’ ? આ રહ્યા વૈજ્ઞાનિક રીતે પશુપાલન અને પશુ સંવર્ધન માટેના મહત્વના સૂચનો
Share your comments