તારાપુરઃ તા. 11 આણંદ જિલ્લામાં ખંભાત પાસે તારાપુર અને પેટલાદ જેવાં મહત્ત્વનાં વ્યાપારી કેન્દ્રો છે, જેમાં પેટલાદમાં ગૌશાળા અને પાંજરાપોળ છે. ગત મહિનાઓ દરમિયાન લૉકડાઉન વખતે પેટલાદ અને આસપાસનાં ગામોમાં ખેડૂતો વિમાસણમાં હતા કે કૉબિજનો પાક વેચવો કઈ રીતે. એ વખતે અનેક ખેડૂતો ભારે ચિંતામાં પડી ગયા હતા, અને એ પૈકીના કેટલાકની આર્થિક સ્થિતિ પણ પાંગળી થઈ ગઈ હતી, એવા તબક્કે તારાપુરના દાતાશ્રી શૈલેષભાઈ કાંતિભાઈ પટેલના કાને આ વાત પહોંચી. એમણે તાબડતોબ કેળવણીકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેવા પોતાના મિત્રોને વાત કરીને આ તમામ પાક ખરીદી લઈને પેટલાદ પાંજરાપોળમાં ગૌમાતા માટે પહોંચાડવાની વ્યવસ્થા કરી દીધી.
દાનવીર મહાનુભાવો ખેડૂતોની લાજ રાખે છેઃ ઘણી વાર ખેતીના પાક નિષ્ફળ જાય અથવા તેના બરાબર ભાવ ન ઊપજે ત્યારે શ્રી શૈલેષભાઈ પટેલ જેવા મહાનુભાવો ખેડૂતોના પાક ખરીદી લઈને તેમને ટેકો આપતા હોય છે. શૈલેષભાઈ કાંતિભાઈ પટેલ તારાપુરની ધર્મદાસની ખડકીના રહેવાસી, અને પરિવાર સહિત વિદેશ રહે છે. વતન તારાપુર પ્રત્યેનો તેમનો પ્રેમ તેમને તારાપુર વારંવાર ખેંચી લાવે છે અને વ્યસ્તતા વચ્ચે પણ તેઓ માનવસેવાના લગભગ 55 જેટલા પ્રોજેક્ટ ચલાવે છે.
શ્રી શૈલેષભાઈ કાંતિભાઈ પટેલની માનવ સેવાઓઃ તારાપુર હૉસ્પિટલમાં 365 દિવસ દરરોજ નિઃશુલ્ક ભોજન આપીને દર્દીઓની સેવાથી માંડીને તારાપુર પાસેનાં ગામોની 14 સ્કૂલોમાં મીનરલ વૉટર દૈનિક ધોરણે પહોંચાડવા ઉપરાંત આર્થિક રીતે નબળા દર્દીઓને તબીબી સેવા માટે સહાય, તારાપુરના સરકારી દવાખાનામાં એનેસ્થેસિયા માટે ગરીબ દર્દીઓની ફી ભરવી, ડાયાબિટીસના દર્દીઓને ત્રિભુવન ફાઉન્ડેશન દવાખાનામાં નિઃશુલ્ક તપાસ અને સારવાર તથા દવાઓ આપવી, ગામનાં ગરીબ ઘરની દીકરીઓને લગ્ન વખતે એક હજાર રૂપિયા જેટલી ચીજવસ્તુ ભેટ આપવી તથા સમગ્ર આણંદ જિલ્લામાં 60 વર્ષથી વધારે ઉંમરના વડીલોને સ્વેટર, ટોપી, જૅકેટ તથા ચાલવા માટેની ટેકણ-લાકડીનું દાન કરવા જેવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવા ઉપરાંત ખેડૂતો માટે તેમને વિશેષ પ્રેમ છે. તેઓ ખેડૂતની તકલીફમાં તરત જ સાથે ઊભા રહે છે અને મદદરૂપ થાય છે.
કોરોના-કાળમાં સીધુ વહેંચીને ગરીબોની સેવાઃ ગત વર્ષે એપ્રિલથી જૂન-જુલાઈ સુધીના કપરા કાળમાં શ્રી શૈલેષભાઈ કાંતિભાઈ પટેલે ઘેરઘેર સીધું વહેંચાવીને લોકસેવાનો નમૂનો પૂરો પાડ્યો હતો. આવા લગભગ 55 જેટલા સેવા-પ્રોજેક્ટ તેઓ ચલાવી રહ્યા છે અને ધર્મ-જ્ઞાતિ કે કોઈ પણ ભેદભાવ વિના દરેકને શક્ય તેટલી મદદ પહોંચાડે છે.
ગાયની સેવાઃ તા. 18 અને 19 મે, 2020ના બે દિવસ માટે શ્રી શૈલેષભાઈએ પોતાનાં માતુશ્રીના સંસ્મરણાર્થે પુણ્યતિથિ નિમિત્તે તારાપુર ખાતે ખુલ્લાં ખેતરોમાં ગાયોને એકત્ર કરીને લીલું ઘાસ ખવડાવીને ગૌમાતા પ્રત્યે પ્રેમ દાખવ્યો હતો. દેવઉઠી અગિયારસ-તુલસી વિવાહના સપરમા દિવસે તેમણે આ દાન કરીને ગાયના શાસ્ત્રીય મહત્ત્વને પણ ઉજાગર કર્યું હતું. તેમનાં સેવાકાર્યોમાં તેમને તારાપુરના શિક્ષણશાસ્ત્રી કેળવણીકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેવા સજ્જનોનો પૂર્ણ સહકાર મળી રહે છે. ગત દેવઉઠી અગિયારસ- તુલસી વિવાહના દિવસે શ્રી શૈલેષભાઈ કાંતિભાઈ પટેલ તરફથી તારાપુર ગામના સીમવિસ્તારમાં ગાયોને એકત્ર કરીને લીલું ઘાસ અને મકાઈ ખવડાવવામાં આવી હતી.
Share your comments