ભારત એક કૃષિપ્રધાન દેશ છે જ્યાં દેશના ૭૦% લોકો ખેતી અને પશુપાલન અધારિત પોતાનું જીવન નિર્વાહ કરે છે. આજે પશુપાલન અને દૂધ સાથે સંકળાયેલ વ્યવસાય એ દેશમાં ગરીબી અને જમીનની અછતથી પીડાતા લોકો માટે જીવવાનો એકમાત્ર સ્ત્રોત બની રહ્યો છે. સાથે સાથે ઘણાબધા લોકો આમાં આધુનિક ટેક્નોલૉજીનો સહારો લેતા, આ વ્યવસાય ને વ્યાપારિક ધોરણે લઈ, વધુ ને વધુ ઉત્પાદન થકી કમાણી કરી રહ્યા છે.
દૂધનું ઉત્પાદન શા માટે?
દૂધ એ શક્તિ (Energy) નો ભરપુર સ્ત્રોત છે. દૂધમાં મુખ્યત્વે ભરપુર માત્રામાં પ્રોટીન, વીટામીન અને મિનરલ હોય છે કે જે આપના શરીરને કાર્યક્ષમ અને નીરોગી રાખવામાં ઉપયોગી નીવડે છે. દૂધમાં રહેલ પ્રોટીન એ અન્ય પ્રોટીનયુક્ત ખોરાક કરતા શરીર માટે વધુ અસરકારક હોય છે. દૂધમાં ફેટ સોલ્યુબલ વિટામીન A, D, E, K આવેલા છે કે જે ખુબ જ ઉપયોગી છે. ગુણવત્તા ની દ્રષ્ટીએ શ્રેષ્ટ અને વધુ માત્રામાં કેલ્સીયમ પણ દૂધમાં થી જ મળી રહે છે કે જે હાડકાઓને મજબુત બાનાવે છે. આ બધા ફાયદા અને દેશની હમણાંની પરિસ્થિતિ જોતા દૂધનો વધુ ને વધુ માત્રામાં ઉપયોગ એ દેશમાં કુપોષણ (Malnutrition) સામે લડવા માટે જડીબુટ્ટી સમાન બની શકે છે.
ભારતમાં દૂધનું ઉત્પાદન
ભારતમાં દૂધ ઉત્પાદન માટે ગાય અને ભેસને પાળવામાં આવે છે. આવા બોવાઈન(Bovines) વર્ગ ના કુલ પ્રાણીઓની સંખ્યા ૩૦૦ મિલિયન (૧૯૦.૯ મિલિયન ગાય અને ૧૦૮.૭ મિલિયન ભેસ) જેટલી છે કે જેમાં ભેસની સંખ્યા ઓછી હોવા છતાં પણ કુલ દૂધના ઉત્પાદન માં તેમનો ફાળો ૬૦% જેટલો છે. વર્ષ ૨૦૧૫ ના અંત સુધી માં વિશ્વનું કુલ દૂધ ઉત્પાદન ૭૮૯ મિલિયન ટન નોધાયું છે કે જેના સામે એકલા ભારતમાં જ ૧૪૬.૩ મિલિયન ટન એટલે કે વિશ્વનું ૧૮.૫% જેટલું ઉત્પાદન થાય છે. વિશ્વના બીજા દેશો આ હરણફાળ માં બહુ પાછળ રહી જાય છે. આપણે ત્યાં Per Capita દૂધ નું ઉત્પાદન ૩૨૨ ગ્રામ છે કે જે ઇંડિયન ઇન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) ના કેહવા મુજબ વ્યક્તિ દીઠ જરૂરિયાત કરતા ઓછુ છે, છતાં પણ આ આંકડો એ બીજા દેશો ની વ્યક્તિ દીઠ દૂધ ઉત્પાદનની સરખામણી માં વધુ જ છે.
પશુપાલકોની સ્થિતિ
આટલું બધું દૂધનું ઉત્પાદન એ દેશના ખેડૂતો (પશુપાલકો), સહકારી દૂધમંડળીઓ અને સરકારના સહિયારા પ્રયાસો થકી શક્ય બન્યુ છે. પરંતુ આટલું બધું દૂધ ઉત્પાદન હોવા છતાં પણ દૂધ અને દૂધની બનાવટો ના માર્કેટિંગ ક્ષેત્રમાં અસરકારકતા ના હોવાના પરિણામે આ દૂધ ઉત્પાદન કરનાર અને કહેવાતા જગતના તાત એવા ખેડૂતને યોગ્ય ભાવ મળતા નથી કે જેના પરિણામ સ્વરૂપે તેમની સ્થિતિ પાયમાલ બને છે અને પશુપાલકોનો પશુપાલન કરવા માટેનો અભિગમ નીરાશાજનક બને છે. આ બધું ના થાય એ માટે દૂધ અને દૂધની બનાવટો ના માર્કેટિંગ ક્ષેત્રમાં અને તેમના નિકાસમાં યોગ્ય દિશામાં પગલા લેવામાં આવે એ અત્યંત જરૂરી છે.
દૂધના માર્કેટિંગ ક્ષેત્રમાં અસર કરતા પરિબળો
દૂધનું હાઈજેનિક પરિસ્થિતિ માં ઉત્પાદન ના કરાતું હોવાને લીધે જ વિદેશોમાં દૂધ અને દૂધની બનાવટોની નિકાસ ઓછી થાય છે અને આજ કારણ એ આ ક્ષેત્રમાં અવરોધ આપતું મુખ્ય પરિબળ છે કે જેના માટે પશુપાલકોએ યોગ્ય પગલા લઈ ગુણવત્તા સભર દૂધ ઉત્પાદન કરવા તરફ આગળ વધવું પડશે. પરંતુ હમણાની પરિસ્થિતિ જોતા પશુપાલકો આ પ્રકારનું દૂધ ઉત્પાદન કરવા માટે સક્ષમ પણ નથી જેના મુખ્ય કારણો છે;
૧. ભારતમાં સરેરાશ પશુ દીઠનું દૂધ ઉત્પાદન બીજા વિકસિત અને વિકાસશીલ દેશો ની સરખામણીમાં લગભગ ૨૦ થી ૬૦ જેટલુ ઓછું છે.
૨. પશુપાલકો દીઠ પશુઓની સંખ્યા ખુબજ ઓછી હોય છે. જેથી ઓછા પશુઓ માટે મિલ્ક પર્લર કે અન્ય સુવિધા બનાવવી ખર્ચાળ બને છે.
૩. અહીના ખેડૂતો પાસે ઓછી જમીન હોવાના લીધે પૂરતા પ્રમાણ માં ઘાસચારો પૂરો પડવો મુશ્કેલ બની રહે.
૪. પશુપાલકો માં દૂધનું હાઈજેનીક પરિસ્થિતિ માં ઉત્પાદન કરવા માટેનું પાયાના જ્ઞાન(Knowledge) નો અભાવ.
૫. સંસાધનો વિકસાવવા માટે યોગ્ય મુડીનો અભાવ.
વૈકલ્પિક ઉપાય
ઉપરના બધા પરિબળો જોતા ભારતને દૂધ ક્ષેત્રે વધુ ઉંચાઈએ લઈ જવું અગરૂ લાગશે પરંતુ વૈકલ્પિક ઉપાય તરીકે પશુ દીઠ દૂધ ઉત્પાદન વધારવા માટે પાયાના પ્રયત્ન તરીકે આ લાભ આનુવંશિક સુધારા મારફતે મેળવી શકાય છે જે ધીમી છે પરંતુ પ્રમાણમાં સસ્તી અને કાયમી છે. જેમાં મુખ્ય બે બાબતો છે,
૧. પશુની પસંદગી (Selection)
૨. પ્રજનન સિસ્ટમ (Mating system)
યોગ્ય પશુની પસંદગી કરવી જરૂરી છે. જેમકે ભેસની પસંદગી તેના દૂધ આપવાના આધારે કરી શકાય અને જો બીજી પેઢીમાં સારી ઓલાદ જોઈતી હોય, તો સારા પાડાની પસંદગી કરવી જોઈએ. આમ પસદંગી ની સાથે સાથે તે ક્યાં પ્રકારે અને ક્યાં પ્રાણી જોડે પ્રજનન કરે છે એ પણ એટલું જ મહત્વનું છે. આમ પશુની પસંદગી અને પ્રજનન સિસ્ટમ બંને ના સંયોજન ને સંવર્ધન યોજના તરીકે ઓળખવામાં આવે છે.
આવી સંવર્ધન યોજનાથી તૈયાર થયેલા નર પશુના વીર્ય (Semen) નો ઉપયોગ કરી પશુપાલકો પોતાના સરેરાશ પશુઓનું દૂધ ઉત્પાદન અનેક ઘણું વધારી શકે છે કે જે માટે સરકાર અને સહકારી ડેરીઓના સંયુક્ત પ્રયાસોથી સંતતિ પરીક્ષણ (Progeny Testing) અને વંશાવલી પસંદગી (Pedigree Selection) ના આધારે સારી જાતના, દેશી અને પોતાની આવનારી સંતતિ માં અનેકઘણું દૂધ વધારવા સક્ષમ એવા નર અને તેમનું વીર્ય(Semen) નું ઉત્પાદન અને સંગ્રહણ દૂધ ડેરીઓની પેટા શાખાઓમાં કરવામાં આવેલ છે. જેમ કે દૂધસાગર ડેરીની પેટા શાખા એવી DURDA માં મહેસાણી જાતની ભેસ માટે નર અને તેમનું વીર્ય (Semen) નું સંગ્રહણ કરેલ છે જે તેમના વિસ્તાર ના પશુપાલકો ના પશુ સુધારણા માટે ઉપયોગમાં લે છે, તો આવા પ્રકારના ડેરીઓના પશુ વિકાસના કાર્યક્રમોમાં ભાગ લઈ તેમને સહયોગ આપી પશુ સુધારણા થકી વધુ માત્ર માં દૂધ ઉત્પાદન મેળવી શકાય છે.
Share your comments