આઉનો સોજો (Mastitis) : પશુપાલક મિત્રો, ગત લેખમા આપણે દૂધ ઉત્પાદનને અસર પહોંચાડતા એવા ખૂબ જ ગંભીર ‘આઉના સોજા’ (મૅસ્ટાઇટિસ) રોગ વિશે પ્રાથમિક માહિતી મેળવેલ. હવે આ લેખમા આપણે આઉના સોજાના રોગ (મૅસ્ટાઇટિસ) વિશે ઉંડાણપૂર્વકની સમજ મેળવીએ.
રોગના ચિહ્નો: દુગ્ધ ગ્રંથિનો સોજો મંદ (સબએક્યૂટ), તીવ્ર (એક્યૂટ) અને જીર્ણ (ક્રૉનિક) એમ અલગ-અલગ પ્રકારમાં જોવા મળે છે. ક્યારેક કોઇક વખત દૂધ ગ્રંથિના કોપ સાથે પશુના શરીરમા તીવ્ર અસર થઈને આ રોગ અતિ તીવ્ર (પરએક્યૂટ) રૂપમા પણ જોવા મળી શકે છે. આ રોગના ચિહ્નોનો આધાર જીવાણુના પ્રકાર અને તેના દ્વારા પશુ શરીર પર થતી અસર પર અવલંબે છે. આ રોગમા મુખ્યત્વે દૂધમાં ફેરફાર, આંચળ અને આઉની વિકૃતિ તથા શારીરિક અસર જોવા મળે છે કે જેનો આધાર રોગની તીવ્રતા પર હોય છે.
મંદરૂપમાં ચિહ્નો:- આ રૂપમાં રોગ વિશે તરત ખબર પડતી નથી. દૂધમાં ઘટાડો થાય છે. આઉ અને આંચળ પર સાધારણ સોજો આવી જતો હોય છે. દૂધના રંગમાં ફરક જણાય છે. દૂધ થોડુક પીળાશ પડતું અને પાતળું દેખાય છે. દૂધને ધ્યાનપૂર્વક તપાસવામા આવે, તો તેમાં નાની-નાની ફોદીઓ દેખાય છે. દુગ્ધ ગ્રંથિ કોમળને બદલે સાધારણ તંતુમય અને કઠણ જણાય છે.
તીવ્રરૂપમાં ચિહ્નો:- દુગ્ધ ગ્રંથિ ઉપર એકાએક સોજો આવે. દૂધમાં અચાનક ઘટાડો જણાય. દૂધમાં ફોદીઓ વધારે પ્રમાણમા આવે છે. દૂધને બદલે પાણી જેવુ ચિકણું પ્રવાહી અથવા/તેમજ પરૂ નીકળે. કોઇક વાર તેમાં લોહી પણ નીકળે છે. આવેલા સોજાને લીધે પશુને પીડા-દુ:ખાવો થાય છે. દૂધ દોહવામાં તકલીફ થાય. પશુ દૂધ દોહન માટે સરખું ઊભું ન રહે. પશુ ઓછો ખોરાક લે. તેનું શરીર ગરમ જણાય અને આંચળ તથા આઉ કઠણ થઈ જાય છે. આ રૂપમાં તરત પશુ ચિકિત્સકીય સારવાર ન મળે, તો કોઇક વાર અંતે આંચળ અને આઉ ઠંડા પડી જાય. આઉની ચામડીનો રંગ ભૂરો-વાદળી થઈ જાય છે. ત્વચામાં કાપા જોવા મળે છે અને દૂધને બદલે પ્રવાહી નીકળે, ત્યારે તેને ગૅંગરીન (કોહવાણ) થયું કહેવાય છે. આ કાયમી નુકસાન રહે છે.
જીર્ણ રૂપમાં ચિહ્નો:- આ રૂપમાં વારંવાર થોડા-થોડા સમયના અંતરે આઉ-આંચળમાં સાધારણ સોજો આવતો રહે છે. દુગ્ધ ગ્રંથિ કઠણ જણાય છે અને દૂધમાં પણ ફેરફાર માલૂમ પડે છે. મોટાભાગે મંદ અથવા તીવ્ર રૂપમાંથી જ જીર્ણ રૂપ થતું હોવાથી આંચળ અને આઉની વિકૃતિ જોવા મળે છે, આ રૂપમાંથી પશુની રિકવરી થવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે.
આ રોગમાં અન્ય ચિહ્નો જેમ કે તાવ આવવો, પશુનુ સુસ્ત અને અવસાદી રહેવું, ખોરાક ન લેવો વગેરે રોગના ચેપની જાત અને તીવ્રતા પર આધાર રાખે છે.
Share your comments