![ફોટો-સોશિયલ મીડિયા](https://gujarati.krishijagran.com/media/3mbbi5nl/add-a-subheading.png)
જીવસૃષ્ટિમાં વૈવિધ્યસભર કીટકો કે જે સર્વવ્યાપી છે અને જેમનો માનવી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉદ્યોગીકરણ, ઔષધ અને ખોરાકના સ્રોત તરીકે ઉપયોગ કરે છે તેઓ વિશ્વભરમાં સદીઓ પહેલા ઝેર ઉત્પન્ન કરતાં કીટકો અને તેની પેદાશોનો માનવ જીવનમાં મુખ્ય ઔષધના સ્રોત તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. વિજ્ઞાને પણ એવુ સાબિત કર્યુ છે કે, કીટકો રોગપ્રતિકારક, પીડાહારક, જીવાણુપ્રતિકા૨ક, ફુગપ્રતિકારક, અચેનતા અને સંધિવા પ્રતિરોધક જેવાં ગુણધર્મો ધરાવે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કીટકો આર્થિક રીતે નુકસાન કરતા હોય છે, પરંતુ ઘણાં કીટકો અને તેની પેદાશો ઉપયોગી પણ હોય છે. જેમાં મધમાખીઓનું પણ સમાવેશ થાય છે. એમ તો વિશ્વભરમાં સાત જુદી જુદી પ્રજાતિઓની મધમાખીઓમાં જોવા મળે છે પણ આમાંથી ચાર મુખ્ય અને ત્રણ ગૌણ જાત છે. ચાર મુખ્ય જાતમાં બે પાલતુ અને બે જંગલી છે.
ભારતમાં છે ત્રણ પ્રકારની મધમાખીઓની જાત
ભારત એક એવો દેશ છે કે જ્યાં ત્રણ પ્રકારની પ્રજાતિઓ હતી અને ચોથી યુરોપના દેશમાંથી આયાત કરવામાં આવેલ છે. મધમાખીની એપિસ જાતિમાં ચાર પ્રજાતિઓ મુખ્ય છે જેવી કે ઈટાલિયન મધમાખી; એપિસ મેલીફેરા, ભારતીય મધમાખી; એપિસ સેરેના, ભમરિયું મધ; એપિસ ડોરસાટા, ડાળી મધ અને એપિસ ફ્લોરીયા. જયારે ગુસ્યુ મધ; ટ્રીગોના જાતિ એ મેલિપોનિડી કૂળમાં દેખાયે છે. બીજા પ્રાણીઓની જેમ જ મધમાખી પણ ગુસ્સાવાળી હોય છે. આ વિવિધ મધમાખીઓની પ્રજાતિઓમાંથી ઇટાલિયન મધમાખી અને ભારતીય મધમાખી સરળતાથી લાકડાની મધપેટીમાં ઉછેરી શકાય છે આથી તેમને “હાઇવ બી” કહેવામાં આવે છે. તેમની વધારે પડતી મધ ઉત્પાદનની ક્ષમતાને કારણે મધમાખી ઉછેરમાં તેઓ અગ્રિમતા ધરાવે છે. જ્યારે ભમરિયું મધ, ડાળી મધ અને ગુસ્યુ મધને સરળતાથી મધપેટીઓમાં ઉછેરી શકાય નથી એમ છે, આથી તેમને જંગલી માખી (Wild bees) તરીકે ઓળખવામાં આવે છે.
![ભારતીય મધમાખી](https://gujarati.krishijagran.com/media/m14decip/bhartiya-magmakhi.png)
ભારતમાં જોવા મળતી વિવિધ મધમાખીઓ:
ભારતીય મધમાખી: એપિસ સેરેના ઇન્ડિકાના વૈજ્ઞાનિક નામથી આ મધમાખી ઓળખાય છે. આ મધમાખી કદમાં ડાળી મધમાખી કરતા મોટી અને જંગલી મધમાખી કરતા નાની હોય છે. તે સ્વભાવે નમ્ર અને ભારતમાં ડુંગરાળ અને સપાટ પ્રદેશમાં જોવા મળે છે. આ માખીને સાતપુડીયા માખી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઝાડની બખોલ, ગુફાઓ, કુવાની દિવાલો વગેરે જગ્યાએ મધપૂડા બનાવવાનું પસંદ કરે છે. જે એક કરતા વધારે સમાંતર પૂડા બનાવે છે. મધ પણ પ્રમાણમાં સારુ એકઠું કરે છે. આથી મધમાખી ઉછેર માટે ઘણી જ માફક છે. આથી આ જાતનો ઉછેર મધ મેળવવા માટે કરવામાં આવે છે. સપાટ પ્રદેશમાં આ જાતની મધમાખીઓના મધપૂડામાંથી ૧૫ થી ૩૦ કિ.ગ્રા. જેટલું મધ આખા વર્ષ દરમ્યાન પરાગરજ અને મધુરસ પુરા પાડતી વનસ્પતિ મળી રહે તો એક વસાહતમાંથી મળે છે. આ જાતની મધમાખીઓ ફળપાકોના બગીચામાં ફલિનીકરણ કરવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે. જેનાથી ફળ પાકોનું ઉત્પાદન અને ગુણવત્તામાં સારો એવો ફાયદો થાય છે. આ મધમાખી વસંત ઋતુ કરતા શિયાળામાં વધારે કાર્યરત હોય છે. આ મધમાખીના મધપૂડામાં સામાન્ય રીતે ૨૬,OOO થી ૩૫,000 હજાર અને વધુમાં વધુ ૫0,000 હજાર જેટલી મધમાખીઓ હોય છે. આ મધમાખીઓ જો વાતાવરણ સારૂ હોય અને મધુરસ તથા પરાગરજ પુરી પાડતી વનસ્પતિ મળી રહે તો સ્થળાંતર કરતી નથી. આ મધમાખીઓ ભમરીઓ અને બીજા દુશ્મનો સામે સારી રીતે ટકી શકે છે. આ મધમાખીઓ કથીરીના ઉપદ્રવ સામે પણ પ્રતિકારક શકિત ધરાવે છે. આ માખીઓ પોતાના ખોરાક માટે ખૂબ દૂર સુધી જતી નથી માટે વસાહતની નજીક પૂરતો ખોરાક તેને મળી રહેવો જોઇએ. આ મધમાખીઓ સખત ગરમી કે ઠંડી સામે પણ ટકી શકે છે તે માટે આખા ભારત દેશમાં તેમજ એશિયાઇ દેશો જેવા કે પાકિસ્તાન, ચીન, નેપાળ, જાપાન, અફઘાનીસ્તાન, રશિયા, શ્રીલંકા વગેરે દેશોમાં જોવા મળે છે.
![ભમરીયું મધમાખી](https://gujarati.krishijagran.com/media/xnof23se/ભમર-ય-મઘમ-ખ.png)
ભમરીયું મધમાખી: તેઓ ભારતમાં થતી મધમાખીઓમાં સૌથી મોટી મધમાખી છે અને તેને સ્થાનિક ભાષામાં સારંગમાખી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મધમાખી મુખ્યત્વે ઉષ્ણકટિબંધ અને સમઉષ્ણકટિબંધ ભાગો જેવા કે એશિયા, સુમાત્રા, જાવા, ફિલિપાઇન્સ અને બીજા એશિયાઈ ટાપુઓમાં વિસ્તરેલ છે. આ મધમાખી એશિયા ખંડની બહારના વિસ્તારોમાં જોવા મળતી નથી. સપાટ મેદાનો તેમજ પહાડી પ્રદેશમાં ૧૨૦૦ મીટર ઊંચાઈ સુધી તેઓ જોવા મળે છે. ખૂબ ક્રોધી સ્વભાવ હોવાથી જલ્દી છંછેડાઈ જઈ અને ડંખ મારે છે તેમજ છંછેડવામાં આવે તો તે તેના દુશ્મન ઉપર દૂર સુધી પાછળ પડીને હૂમલો ચાલુ રાખે છે. તે સ્થળાંતર કરવાની વૃત્તિવાળી છે. તેના ડંખથી માણસનું મૃત્યુ પણ થઇ શકે છે. ઊંચા વૃક્ષો, મોટા મકાનોની દિવાલો કે છાજલીઓ ઉપર, પાણીની ઊંચી ટાંકીઓની નીચે કે મોટા ટાવરની નીચે મધપૂડો બનાવે છે. મધપૂડો ૧૦૦ થી ૩૦૦ સે.મી. લાંબો અને ૬૦ થી ૧૨૦ સે.મી. પહોળો હોય છે. એક પૂડામાંથી વર્ષે ૨૫ થી ૧00 કિલો મધ મળે છે.
આ માખીના સ્વભાવને લીધે ઘરગથ્થુ અને વ્યાપારી ધોરણે ઉછેરવી શક્ય નથી. આ પ્રજાતિની માખીઓ સ્થાન બદલતી રહેતી હોય છે. પરિણામે તેને મધપેટીઓમાં ઉછેરી શકાય નહીં. તે ૫- ૮ કિ.મી. દૂરથી પણ ફૂલોનો રસ અને પરાગરજ લાવે છે. ખોરાકની અછત અને વધુ તાપમાન હોય તો તે અનૂકૂળ સ્થળે સ્થળાંતર કરે છે. આપણા દેશમાં ૬૦ - ૭૦ ટકા મધ આ પ્રજાતિથી મળે છે. આ માખીઓની સારી વસાહતમાં ૬૦,000 થી ૧,00,000 મજૂરોની સંખ્યા હોય છે, ૫૦ થી ૧૦૦ મીટર દૂરથી માણસ આવતો હોય તો પણ તે જાણી શકે છે. આ જાતિની એક જ માખી પ000 માખીઓને સતે જ કરી શકે છે. તેને છંછેડવામાં આવે તો બીજી બધી જ પ્રવૃતિઓ છોડી દુશ્મન પર હુમલો કરે છે. એક માખી માણસને ડંખ માર્યા પછી તેની ગંધ છોડે છે જેથી બીજી બધી માખીઓ દુશ્મનને ઓળખી જાય છે અને એક સાથે તેના પર હૂમલો કરે છે. આ માખીઓ કરડવાથી ઘણી વખત માણસને દવાખાનામાં દાખલ પણ કરવો પડે છે તેમજ વધારે પડતી માખીઓ કરડવાથી માણસનું મૃત્યુ પણ થઈ જાય છે.
![ડાળી મધમાખી](https://gujarati.krishijagran.com/media/uijmvuhv/ડ-ળ-મઘમ-ખ.png)
ડાળી મધમાખી: ડાળી મધમાખી (એપીસ ફ્લોરીયા)એ મધમાખીઓની મુખ્ય જાતિઓમાં સૌથી નાના કદની મધમાખી છે. આ મધમાખી પૃથ્વીથી ૫૦૦ મીટર ઊંચાઇ સુધી મળે છે. ઝાડની ડાળીઓ, દિવાલોના ખૂણા અને કૂવાની બખોલમાં નાનો લંબગોળ મધપૂડો બનાવે છે. આ મધમાખી ઓછા પ્રમાણમાં મધ ભેગું કરી શકે છે. સ્વભાવમાં ભમરિયા મધમાખી કરતાં ખૂબ જ શાંત હોય છે તે કયારેક ડંખ મારતી હોવાથી તેને પાળવી અનુકૂળ નથી. તે સ્થાન પરિવર્તન કરતી રહે છે અને ૫-૬ મહિના કરતાં વધુ સમય એક જ સ્થાન ઉપર રહેતી નથી. આ મધમાખી ફક્ત એશિયાના મેદાની વિસ્તારમાં જ જોવા મળે છે. તે રણપ્રદેશમાં જોવા મળતી નથી. તે અન્ય પ્રજાતિની મધમાખી કરતાં વધુ તાપમાન (૫૦°સે.) સહન કરી શકે છે. તેની મધ ઉત્પાદન ક્ષમતા ખૂબ જ ઓછી છે. પરંતુ તે ફલિનીકરણમાં અગત્યનો ભાગ ભજવે છે. આ મધમાખી મુખ્યત્વે એક જ મધપૂડો બનાવે છે જેની પહોળાઇ ૩૫ સે.મી. લંબાઇ ૨૭ સે.મી. અને જાડાઇ ૧૮ સે.મી. હોય છે. એક મધપૂડામાંથી ૪૦૦ થી ૯૦૦ ગ્રામ મધ મળે છે. આ મધમાખીઓ ઘણા ખેતીપાકો જેવા કે ૨જકો, વાલ, કપાસ, લીચી, સુર્યમુખી વગેરેમાં પરાગનયન માટે મહત્વની પરાગવાહક છે.
![ઇટાલિયન મધમાખી](https://gujarati.krishijagran.com/media/chminjb4/ઇટ-લ-યન-મઘમ-ખ.png)
ઇટાલિયન મધમાખી: મધમાખીની આ જાતિ (એપીસ મેલિફેરા) સૌથી વધારે વિસ્તારમાં પ્રસરેલ અને ઉછેર માટે સૌથી વધારે મહત્વની છે. મધમાખીની જાતિઓમાં સૌથી વધારે મધ આપતી જાતિ ઇટાલીયન મધમાખી છે. વધારામાં આ જાતિની વાતાવરણમાં ભળવાની ક્ષમતા અદભુત છે. આ મધમાખીઓ કદમાં ભમરિયા મધ કરતાં નાની અને સાતપૂડિયા મધ કરતાં મોટી, રંગે ભૂરી અને સ્વભાવે નમ્ર હોય છે ખૂબ જ પ્રમાણમાં મધ એકઠું કરવાની ક્ષમતા ધરાવે છે. મધ એકઠું કરવા ખૂબ જ દૂર સુધી વારંવાર જાય છે. લાકડાની પેટીઓ બનાવીને તેનો ઉછેર કરવો અનુકૂળ છે. વર્ષમાં એક પૂડામાંથી સરેરાશ ૩૦ કિ.ગ્રા. અને વધારેમાં વધારે ૭૦ કિ.ગ્રા. જેટલું મધ મળે છે અને મધની ગુણવત્તા પણ સારી હોય છે. હાલમાં આ જાતિની માખીઓનો ઉછેર વ્યાપારી ધોરણે સારી રીતે વિકસેલ છે. આ મધમાખીનો ડંખ વધુ પીડાદાયક હોતો નથી. ભારતીય મધમાખી કરતાં વધુ મધ એકઠું કરે છે. આ પ્રજાતિની મધમાખીઓને પણ ભારતીય મધમાખીની જેમ જ અંધારુ વધુ પસંદ છે. દરેક પ્રકારના વાતાવરણમાં તે અનુકુલનતા કેળવી લે છે માટે આખી દુનિયાના મોટાભાગના દેશોમાં તે જોવા મળે છે. તે પોતાની વસાહત વારંવાર બદલતી નથી માટે પેટીઓમાં તેને ઉછેરી શકાય છે. તે ખૂબ જ પ્રમાણમાં મધ એકઠું કરતી હોવાથી મોટાભાગે વ્યાપારી ધોરણે આ મધમાખીઓને ઉછેરવાનું પસંદ કરે છે.
![ગુસ્યુ મઘમાખી](https://gujarati.krishijagran.com/media/kgcdlpxi/ગ-સ-ય-મઘ.png)
ગુસ્યુ મધ: આ માખી નાની ડંખ વગરની હોય છે જે દિવાલ ઉપર કે ઝાડની બખોલમાં નાના ગોળ મધપૂડા બાંધે છે જેમાંથી ખૂબ જ ઓછું મધ મળે છે. ગુસ્યા-મધમાખી ઘણી જ નાની અને ડંખ વગરની હોઇ અન્ય મધમાખીની માફક છંછેડાય તો ડંખ મારતી નથી. ગુસ્યા માખીની ૫૦૦ કરતા પણ વધારે જુદી જુદી જાતો છે. મોટામાં મોટી ગુસ્યા માખી ૧૩ મિ.મી. લાંબી. અને નાનામાં નાની ૨ મિ.મી. લાંબી હોય છે. દુનિયામાં મુખ્યત્વે ટ્રિગોના અને મેલિપોના પ્રજાતિની ગુસ્યા મધમાખી જોવા મળે છે. ભારતમાં મેલિપોના ગુસ્યા માખી જોવા મળતી નથી. ટ્રિગોના ગુસ્સા માખી પ્રમાણમાં નાના કદની ત્રિકોણાકાર ઉદરપ્રદેશ અને લાંબી પાંખો ધરાવતી હોય છે. જ્યારે મેલિપોના કદમાં મોટી અને ટૂંકી પાંખો ધરાવતી હોય છે. ગુસ્યા મધમાખીની સામાજીક અને ગૃહ વ્યવસ્થા અન્ય પ્રકારની મધમાખી જેવી જ હોય છે. તેમની એક વસાહત (કૉલની)માં ફક્ત એક જ રાણી (ક્વીન) તરીકે પરિપક્વ માદા હોય છે. નેવું ટકા જેટલા મજૂર/કામદારો (જે અપરિપક્વ માદાઓ હોય જ છે) અને ૫ થી ૧૦ ટકાના પ્રમાણમાં નર / ડ્રોન (જે નવી કોલોની બનવાની હોય ત્યારે જ અફલિત ઈંડામાંથી વિકાસ પામતા હોય છે)ની સંખ્યા હોય છે.
![ગુસ્યુ મધ](https://gujarati.krishijagran.com/media/4bwlg53t/ગ-સ-ય-મઘ.png)
રાણી સોનેરી બદામી રંગની અણીદાર ઉદરવાળી અને લગભગ ૧૦ મિ.મી. લાંબી હોય છે. રાણી પોતાના શરીરમાંથી એક ચોક્કસ પ્રકારના રસાયણનું (ફેરોમોન) ઝરણ કરે છે જે કોલોનીની સામાજીક વ્યવસ્થા જાળવવામાં મહત્વનો ભાગ ભજવે છે. તે ફક્ત ઇંડા મુકવાનું કામ કરે છે. કર્મચારી માખીઓ ૪ મિ.મી. જેટલા કદની હોય છે. તેઓ સામાન્ય રીતે નાના ફૂલોમાંથી પરાગરજ અને મધૂરસ શોધીને એકઠો કરવાનું, રાણીની તહેનાતમાં રહેવાનું, મધપૂડો બનાવવાનું, ઇયળને ખોરાક પૂરો પાડવાનું વગેરે કાર્યો કરે છે. વસાહતની યુવાન માખીઓ પરિચારિકા(નર્સ) તરીકેનું કામ કરે છે. મજૂર /કામદાર માખીના ઉદરપ્રદેશની નીચેની તરફ મીણગ્રંથીઓ હોય છે જેમાંથી મીણ ઝરે છે. કામદાર માખીઓ તેમના પાછળના પગ ઉપર આવેલી પરાગ ટોપલી (પોલન બાસ્કેટ) અને પરાગ બ્રશની મદદથી પરાગ ભેગા કરી પૂડામાં ખોરાક માટે સંગ્રહ કરે છે. આ ઉપરાંત જૂદી જૂદી વનસ્પતિમાંથી રેઝિન (જેને રાળ અથવા ડમ્મર કહે છે) એકઠું કરે છે અને પરાગ ટોપલીમાં દાણા સ્વરૂપે ભરીને પૂડામાં લાવે છે. રેઝિનમાંથી પ્રોપોલીસ નામનો પદાર્થ બનાવે છે જેને મીણ સાથે ભેળવીને સેરૂમેન નામનો પદાર્થ બનાવે છે. કર્મચારી-માખીઓ સેરૂમેન અથવા રેઝિન ભીની માટી અને ઘણી વખત પ્રાણીઓની હગાર અને વનસ્પતિના ટૂકડાનું મિશ્રણ કરીને બેટુમેન નામનો ખાસ પ્રકારનો પદાર્થ પણ બનાવે છે. ગુસ્યા-મધમાખી આ પદાર્થોનો ઉપયોગ કરીને તેમના પૂડા અથવા માળા બનાવે છે જ્યારે અન્ય પ્રકારની માખીના પૂડા ફક્ત મીણના બનેલા હોય છે. આ મધમાખીઓના એક મધપૂડામાંથી આખા વર્ષ દરમિયાન એક કિલો મધ નીકળે છે. આ માખી દ્વારા તૈયાર થતા મધમાં ઔષધિય ગુણ વધારે હોય છે.
સૌજન્ય:
શ્રી આર. ડી. ડોડીયા૧, ડૉ. એન. પી. પઠાણ૨ અને ડૉ. પી. એસ. પટેલ૧
૧કીટકશાસ્ત્ર વિભાગ, ચી. પ. કૃષિ મહાવિદ્યાલય
૨પાક સરંક્ષણ વિભાગ, બાગાયત મહાવિધ્યાલય
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિધ્યાલય, સરદારકૃષિનગર
Share your comments