વિવિધ પોષક તત્વોની આવશ્યકતા માત્ર મનુષ્યોને જ હોય, તેવુ નથી. પશુઓ અથવા વૃક્ષો સહિત સમગ્ર જીવ સૃષ્ટિ-પ્રાણ સૃષ્ટિને પણ તેની વિશેષ જરૂર પડે છે. આ પોષક તત્વોની ઊણપને લીધે પ્રાણીઓમાં વિવિધ લક્ષણો જોવા મળતા હોય છે. ખાસ કરીને પશુઓમાં આ પોષક તત્વોની ઊણપ પૂરી ન કરી શકવાના સંજોગોમાં તેમની ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો થાય, તે સ્વભાવિક છે. પશુઓને તેમની અવસ્થા પ્રમાણે સંતુલિત આહાર આપવો જોઇએ. પશુઓમાં પોષક તત્વોની ઊણપના કારણે વિવિધ પ્રકારના લક્ષણો જોવા મળી શકે છે કે જેની ઓળખ કરી સંબંધિત તત્વની ઊણપને પૂરી કરી શકાય છે. આ લક્ષણો અથવા રોગો આ પ્રકારે હોઈ શકે છે.
ઝિંક/જસ્તો : ઝિંક તત્વ અનેક એંજાઇમ્સનું નિર્માણ કરવામાં મદદ કરે છે કે જેમાં પ્રોટીન સંશ્લેષણમાં ઊણપ અને કાર્બોહાઇડ્રેડના ઉપચારમાં અવરોધ પેદા થવા લાગે છે. પશુને શરીરની ત્વચા સંબંધિત વિકાર થાય છે, જેમ કે ત્વચા સૂકી, કઠોર અને જાડી/મોટી થઈ જાય છે.
આયોડીન : આયોડીન થાયરૉઇડ નામના હૉર્મોનના સંશ્લેષણ માટે વિશેષ આવશ્યક છે. માટે આયોડીનની ઊણપથી થાયરૉઇડ ગ્રંથિનો આકાર વધી જાય છે અને પશુના ગળામાં સોજો આવી જાય છે. તેના કારણે પશુને આહાર લેવામાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સાથે નબળાઈ પણ આવી જાય છે અને ઉત્પાદકતામાં ભારે ઘટાડો આવી જાય છે.
કોબાલ્ટ : જે માટીમાંથી ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન લેવામાં આવે છે, તેમાં કોબાલ્ટની ઊણપ હોવાના સંજોગોમાં પશુઓ પર તેની અસર થાય છે. એટલે કે કોબાલ્ટની ઊણપ માટીમાં પણ હોય છે. આ કોબાલ્ટ તત્વ વિટામિન B12ના સંશ્લેષણમાં મદદ કરે છે કે જેને લીધે લાલ રક્ત કોશિકાઓનાં નિર્માણ અને વૃદ્ધિમાં મદદ મળે છે. કોબાલ્ટની ઊણપથી ભૂખ ન લાગવી, નબળાઈ અનુભવવી સહિતના કેટલાક લક્ષણો જોવા મળતા હોય છે.
કૉપર/તાંબુઃ આ એક એવાં એંજાઇમના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે કે જે કોશિકાઓનું નુકસાન અટકાવે છે અથવા નુકસાનનું પ્રમાણ ઓછું કરે છે. તેની ઊણપથી પશુના હાડકાંમાં મજબૂતી ઘટે છે કે જેના લીધે તેમાં વિકૃતિ ઉત્પન્ન થાય છે અને પશુ લંગડાઈને ચાલે છે. ત્વચા પરના વાળનો રંગ અસામાન્ય થઈ જાય છે. જેમ કે લાલ રંગની ગાયનો રંગ પીળો થઈ જાય છે અને કાળા રંગની ગાયનો રંગ ઘેરો ભૂરો રંગ થઈ જાય છે. આ તમામ લક્ષણો કૉપરની ઊણપને લીધે થાય છે.
વિટામિન E અને સેલેનિયમઃ તે વૃદ્ધિ અને પ્રજનન માટે ખૂબ જ આવશ્યક ખનિજ તત્વો છે. વિટામિન E અને સેલેનિયમ બન્ને શરીરને રોગપ્રતિકારક ક્ષમતા પૂરી પાડે છે.
મૅંગનીઝ : તેની ઊણપથી પશુઓમાં ગર્ભાધાનના પ્રમાણમાં ઘટાડો થાય છે. પશુનું હીટમાં ન આવવું, માંસ-પેશીઓમાં વિકૃતિ વગેરે રોગ મૅંગનીઝની ઊણપથી થઈ શકે છે.
આયર્ન/લોહ તત્વઃ તે હિમોગ્લોબિનનો સારો સ્રોત છે. તેની ઊણપને લીધે નવા જન્મેલા વાછરડા અને અન્ય પશુઓમાં એનીમિયા (લોહીની ઊણપ) થાય છે. લોહી નિર્માણમાં લોહ તત્વનું મહત્વનું યોગદાન છે.
Share your comments