પશુપાલનનો વ્યવસાય દિપી ઉઠે એટલા માટે યોગ્ય રહેઠાણમાં પશુનુ સ્વાસ્થ્ય સારું રહે, કુદરતી પરિબળો સામે રક્ષણ મળે, પશુ યોગ્ય પ્રમાણમાં ખોરાક ખાઈ શકે, સારી રીતે માવજત થઈ શકે, જેથી પશુઓ પાસેથી વધુ દૂધ ઉત્પાદન લઈ શકાય. આમ વધુ દૂધ આપતાં પશુઓને માટે યોગ્ય રહેઠાણ ઘણું અનિવાર્ય છે.પશુ રહેઠાણ માટે સ્થળની પસંદગી માટે નીચેના મુદ્દા ધ્યાનમાં લેવા જોઈએ.
(1) સ્થળ ઉચાણવાળી, સુકી અને સારી સમતલ તેમ જ યોગ્ય ઢાળવાળી જગ્યા પસંદ કરવી જોઈએ,જેથી વરસાદનું પાણી અને અન્ય ગંદુ પાણી સરળતાથી વહી જાય.
(2) સ્થળ રસ્તાની નજીક પણ મુખ્ય માર્ગથી થોડે દૂર હોવું જોઈએ.
(3) પાણી અને વીજળી પુરવઠો પુરતા પ્રમાણમાં નિયમિત મળતો હોવો જોઈએ.
(4) વૃક્ષો હોય તેવી જગ્યા અથવા ન હોય તો શેડથી ચાર મીટર દૂર વૃક્ષો ઉછેરવા તેમ જ રહેઠાણની ચારે બાજુ લીમડા, નીલગીરી કે શરૂ જેવા વૃક્ષોની હાર કરવી, જેથી વાતાવરણ ઠંડકવાળું રહે.
(5) લંબાઈ પૂર્વ-પશ્ચિમ રાખવી, પરંતુ દરિયાકાઠે પવનની દિશામાં શેડની લંબાઈ રાખવી.
પશુ રહેઠાણનું બાંધકામ કરવા માટે જરૂરી જગ્યા, ભોયતળિયું, ગમાણ, દિવાલ, છાપરું તથા મુત્રનીક, લાઈટ, પાણી તેમ જ વાડ વિશે અગાઉથી ધ્યાન આપવું જોઈએ અને જરૂરીયાત પ્રમાણે બાંધકામ કરવું જોઈએ. પશુઓનું રહેઠાણ ઓછા ખર્ચે આરામદાયક, સારી હવા-ઉજાસવાળુ તથા સૂકું રહે તેવું બનાવવું જોઈએ.
આ રહેઠાણમાં દરેક પુખ્ત પશુ માટે ભોયતળિયાની જગ્યાની સરેરાશ લંબાઈ 1.5થી 1.7 મીટરઅને પહોળાઈ 1.0 થી 1.2 મીટર રાખવામાં આવે છે. જાનવરો-પશુઓને કોઢમાં સરેરાશ માઠાદીઠ 4.0 સો.મી. જગ્યા આપવી જોઈએ. જેથી તેમને હલનચલનમાં બેસવા ઉઠવામાં તકલીફ પડે નહીં. ખાસ કરીને ભેંસોમાં ત્રાંસી બેસવાની ટેવ હોય છે. કોઢ(તબેલા)ના છાપરાની ઉંચાઈ મોભ આગળ 2.7 થી 3.0 મીટર અને નેવા આગળ 2 થી 2.3 મીટર રાખવા યોગ્ય છે.
પશુઓના રહેઠાણનું ભોયતળિયું જે તે સ્થળના વરસાદના પ્રમાણ પ્રમાણે સામાન્ય રીતે આજુબાજુની જમીન કરતા 15થી 45 સેમી ઉંચુ રાખવું જોઈએ. ભોયતળિયુ થોડુ મોંઘુ પડે છે. ભોયતળિયાને ગમાણથી દૂર 40 ઈંચ એક ઈંચનો ઢાળ આપવો જેથી આંચળ બગડવાના પ્રશ્નો ઓછા થાય છે અને જાનવર સારી રીતે વાગોળી અને ખોરાક પચાવી શકે છે.
પશુઓના રહેઠાણ-કોઢ બનાવતી વખતે આખી દિવાલના બદલામાં થાંભલા ખોડવા અથવા ત્રણ બાજુ ત્રીજા ભાગમાં દિવાલ ચણી તેની ઉપર સિમેનટ કે લોખંડના થાંભલા ઉપર છાપરું રહે તેવી વ્યવસ્થા ગોઠવવાથી બાંધકામનો ખર્ચ ઘટાડી શકાય છે. છાપરું બનાવવા માટે નળિયા, એસબેસ્ટોસ, સિમેન્ટ અથવા ગેલ્વેનાઈઝ લોખંડના પતરા અથવા સિમેન્ટ કોન્ક્રીટનો ઉપયોગ થઈ શકે છે. સખત ગરમી કે ઠંડો પવન તથા વરસાદની વાછટ અટકાવવા માટે છાપરાની લંબાઈ થાંભલાની બહાર જરૂરીયાત મુજ 50થી 75 સે.મી રાખવામાં આવે છે.
કોઢના છાપરા પર ખાસ કરીને ઉનાળાની ઋતુમાં સુકાં પૂળા જેવા કે ડકબ-પરાળ વગેરેનો અડધાથી પોણા ફુટ જેટલો થર કરવાથી કોઢમાં 2થી 4 સે.તાપમાન ઓછું રહે છે. ઉનાળાની ગરમી સામે સંપૂર્ણ રક્ષણ મળે છે. તેમ જ ગરમીમાં પશુઓને ખુલ્લામાં બાંધવા કરતા કોઢમાં રાખવામાં આવે તો ઘણો ફાયદો થાય છે.
પશુઓને ખોરાક ખવડાવવા માટે આવા મકાનોમાં દિવાલની લંબાઈને સમાંતર અંદરથી અર્ધ ગોળાકાર બેથી અઢી ફૂટની ગમાણ બાંધવામાં આવે છે. ગમાણ પથ્થર, લાકડું, ઈંટો અને સિમેન્ટ, રેતીની કે સિમેન્ટ કોન્ક્રીટની બનાવી શકાય છે.
ગામડાઓમાં 80-90 ટકા પશુઓને અપુરતી જગ્યામાં બંધીયાર અવસ્થામાં રાખવામાં આવે છે તેમને સુર્યપ્રકાશ અને હવા ઉજાસ ખુબ જ અપૂરતા પ્રમાણમાં મળે છે. ગમાણ લાકડાના આડાશવાળી અને માટીની હોય છે અને આખુ વર્ષ 24 કલાક પશુઓને કોઢમાં રાખવામાં આવે છે. જેના કારણે કેટલાક પશુઓમાં ખરીઓ વધવાના, પશુઓમાં આંઉના સોજાનો રોગ, ચામડીના રોગ વગેરે જોવા મળે છે તથા દૂધ ઉત્પાદન ઓછું મળે છે.પશુઓના રહેઠાણમાં ખુલ્લા વાડામાં પશુની ગણતરી ધ્યાનમાં લઈ યોગ્ય માપના હવાડા તૈયાર કરાવવા જેથી ચોવીસ કલાક ચોખુ પાણી મળી રહે. પશુઓના રહેઠાણમાં બપોર પછી તે સૂર્યનો તાપ પૂર્વ-પશ્ચિમ રહે તે રીતે આયોજન કરવું અને ગમાણ ઉત્તર-દક્ષિણ ગોઠવાય તેવું ધ્યાન આપવું.
પશુ રહેઠાણમાં પાકા ભોયતળિયામાં પશુ ઉભા રહેવાની જગ્યાની પાછળ મળ-મૂત્ર વહી જવા માટે છીછરી નીક બનાવવી જોઈએ, એને બીજે છેડે પેશાબ ભેગો થવા માટે એક કુંડી બનાવવી જોઈએ.આ કુંડી તરફ નીકનો ઢાળ 1 જેમ 40નો રાખવામાં આવે છે. નીકની પહોળાઈ 30 સે.મી. અને ઉંચાઈ ભોયતળિયાની સપાટીથી 5 સે.મી. જેટલી રાખી શકાય છે.
પશુ રહેઠાણના ગમાણ, છાપરા, ભોયતળિયુ, દિવાલ વગેરેમાં તિરાડો પડે તો તાત્કાલિક પૂરી દેવી નહીતર આ તિરાહોમાં જીંગોડા, ચાંચડ, ઈતરડી,જુ, જેવા બાહ્ય પરોપજીવીઓ ભરાઈ રહે છે અને મધ્યરાત્રિ દરમ્યાન જ બહાર નીકળી પશુઓનું લોહી ચુસે છે, ઉપરાંત અનેક રોગોનું વહન પણ કરે છે.
પશુ રહેઠાણમાં રાત્રિ દરમ્યાન અવલોકન થઈ શકે તે માટે વિજળી-પ્રકાશની સગવડતા રાખવી જોઈએ. પશુ રહેઠાણની આજુબાજુ વૃક્ષો ઉગાડવાથી ઉનાળામાં લૂં ફુકાવા સામે રક્ષણ આપે છે. ઉપરાંચ 5 ટકા જેટલી સૂર્યની ગરમી ઓછી કરે છે અને ભેંજ વધારે છે જેથી પશુઓની આરામદાયકતા વધે છે.
Share your comments