Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

ચોમાસાની મૌસમ માં કેવી રીતે કરવું અસરકારક પશુપાલન ! જાણીએ વિગતવાર માહિતી !

ખેડુત મિત્રો, ચોમાસાની ઋતુ આપણા માટે આશીર્વાદ સમાન હોય છે. પરંતુ આ ઋતુમા આપણે વાવણીમાં વ્યસ્ત હોવાથી કદાચ પશુપાલન પાછળ પૂરતુ ધ્યાન રાખી શકતા નથી અને ચોમાસાની ઋતુના કારણે પશુઓમાં વિશેષ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ વાત પશુપાલકોને ધ્યાને ન હોઈ, આ સમસ્યાઓને લીધે ઘણી વખત કિમતી પશુઓ રોગચાળામા સપડાઈ જાય છે અને તેમની ઉત્પાદન ક્ષમતા ઉપર વિપરીત અસર થાય છે, જેના લીધે પશુપાલકોને અંતે આર્થિક નુકસાન વેઠવું પડે છે.

Pintu Patel
Pintu Patel
પશુપાલન
પશુપાલન

ખેડુત મિત્રો, ચોમાસાની ઋતુ આપણા માટે આશીર્વાદ સમાન હોય છે. પરંતુ આ ઋતુમા આપણે વાવણીમાં વ્યસ્ત હોવાથી કદાચ પશુપાલન પાછળ પૂરતુ ધ્યાન રાખી શકતા નથી અને ચોમાસાની ઋતુના કારણે પશુઓમાં વિશેષ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ વાત પશુપાલકોને ધ્યાને ન હોઈ, આ સમસ્યાઓને લીધે ઘણી વખત કિમતી પશુઓ રોગચાળામા સપડાઈ જાય છે અને તેમની ઉત્પાદન ક્ષમતા ઉપર વિપરીત અસર થાય છે, જેના લીધે પશુપાલકોને અંતે આર્થિક નુકસાન વેઠવું પડે છે. જો ખેતીની સાથે પશુપાલન કરતા ખેડુતો ચોમાસાની ઋતુમાં પોતાની રીતે આગવું અને અનોખું આયોજન કરે, તો સંભવિત મોટા આર્થિક નુકસાનથી બચી શકાય છે. આ લેખમા ચોમાસાની ઋતુમાં પશુપાલનની સમસ્યાઓ અને તેના ઉપાય બાબતે રસપ્રદ માહિતી આપવાનો પ્રયાસ કરવામા આવ્યો છે. આ માહિતી ચોક્કસ રીતે ખેડુતોને ઉપયોગી બનશે અને પશુધનને આ ઋતુ દરમિયાન સ્વસ્થ રાખવામા મદદ થઈ શકશે.

જાનવરોનું રહેઠાણ અને ખોરાકની યોગ્ય  વ્યવસ્થા

પશુઓનું આવાસ ‌‍ઉચાણવાળી જગ્યાએ અને હવા ઉજાસવાળું હોવું ખુબ જરૂરી છે. જો રહેઠાણ ‍ઉચાણવાળી જગ્યાએ હશે, તો વરસાદી પાણીનો ભરાવો થશે નહિ, જેથી કરીને કાદવ-કીચડ અને  ગંદકીને રોકી શકાશે. પશુના રહેઠાણમાં પૂરતા પ્રમાણમાં હવા અને સુર્યપ્રકાશ મળી રહે તે આવશ્યક છે, આમ થવાથી પશુ આવાસમાં ભેજની માત્રા પ્રમાણસર રાખી શકાય છે. જયારે પશુ આવાસમાં ભેજનું પ્રમાણ વધી જાય તો શ્વસનતંત્રમાં ન્યુમોનિયા જેવા રોગો થાય છે. ઉપરાંત ભેજવાળા વાતાવરણમાં અન્ય ચેપી રોગોનો પણ ઉપદ્રવ વધતો હોય છે. ગંદવાડ અટકાવવાથી આવા રોગોની ઉત્પતિ અટકાવી શકાય છે. ચોમાસાની ઋતુમાં માખીઓનો ઉપદ્રવ વધુ હોય છે, માટે આજુબાજુના ખાડા-ખાબોચિયામાં પાણી ભરાય ન રહે, તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આવી જગ્યાએ ડીટીટીનો છંટકાવ કરાવવો યોગ્ય છે.

ચોમાસા દરમિયાન પશુઓના ખોરાકનું આયોજન ખુબ જ કાળજી રાખવી જરૂરી છે. વરસાદની ઋતુને ધ્યાનમાં રાખીને પૂરતા પ્રમાણમાં દાણ/કપાસિયા/પાપડી વગેરે ખરીદી લેવા અને વ્યવસ્થિત ભેજ ન લાગે તેવાં વાતાવરણમાં ભરી રાખવા જોઈએ. જો આવા ખોરાક વરસાદના સમયમાં ભીંજાય અથવા પલળે તો તેમાં ફૂગ અને અન્ય જીવાણુઓની વૃધ્ધિ થાય છે, ફૂગના વિષદ્રવ્યો પશુના પાચનતંત્રને નબળું બનાવે છે અને આવા ખોરાકના સેવનથી પશુ બીમાર પડે છે, માટે ખોરાકનો સંગ્રહ પણ વ્યવસ્થિત જગ્યાએ કરવો જોઈએ.

આ ઋતુમાં પશુઓ માટે આવશ્યક સુકા ચારાનો સંગ્રહ પણ અગાઉથી કરી લેવો જોઈએ, અને સુરક્ષિત જગ્યાએ સંગ્રહની સગવડ કરવી હિતાવહ છે. ચાલુ ચોમાસામાં સુકા ચારાની અછત અને ઊંચા ભાવ એ એક મોટી સમસ્યા હોય છે. ચોમાસાની ઋતુમાં લીલો ઘાસચારો સરળતાથી મળતો હોવાથી પશુપાલકો પશુઓને માત્ર લીલો ચારો જ ખવડાવે છે, જે ખરેખર પશુના આરોગ્ય માટે યોગ્ય તો નથી જ. સતત લીલો ચારો ખાવાથી પશુઓને આફરો થવાની શક્યતા રહે છે. આવા કિસ્સાઓમાં ઘણી વખત પુરતી કાળજી લેવામાં ન આવે તો પશુનું મૃત્યુ પણ થાય છે. આ સમસ્યાનું નિરાકરણ ખુબ જ સહેલું છે, ચોમાસા દરમિયાન પશુને લીલા ચારાની સાથે યોગ્ય માત્રામાં સુકો ચારો પણ ખવડાવવો જોઈએ.

લાંબા સમયના સતત વરસાદ અને વાદળછાયા વાતાવરણમાં લીલા ઘાસચારામાં નાઈટ્રેટ તત્વનું પ્રમાણ વધે છે અને આ તત્વ પ્રાણીના શરીરમાં ઝેરી અસર ઉત્પન્ન કરે છે. જો તાત્કાલિક સારવાર આપવામાં ન આવે તો પશુનું મૃત્યુ પણ થાય છે. નાઈટ્રેટની ઝેરી અસર ટાળવા માટે લીલા ચારા સાથે પશુઓને સંગ્રહિત સુકો ચારો આપવો જોઈએ. વરસાદની સિઝનમાં જો નિગલ વગરની જુવાર પશુઓને ખોરાકમાં આપવામાં આવે, તો સાઈનાઈડ નામના ઝેરી દ્રવ્યની અસર પશુને થાય છે. માટે કાચી જુવાર કે મકાઈ પશુઓને ચોમાસા દરમિયાન ખવડાવવી નહિ. 

ચોમાસાની ઋતુમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે, વાતાવરણમાં ગરમીની અસર પણ જણાય છે, આ ઉપરાંત વરસાદના પાણી ભરાવાથી ગંદકી થાય છે, આ બધું એકંદરે મળીને આપણા પશુઓમાં રોગની શક્યતાઓ વધારે છે. માટે ખાસ કરીને પશુ રહેઠાણમાં કોઈ જગ્યાએ પાણીનો ભરાવો ના થાય તે માટે અગાઉથી ચોમાસા પહેલા જ આયોજન કરી રહેઠાણની ગટર, કૂંડી વગેરે સાફ કરી, ચોખ્ખી કરવી જોઈએ. પશુ આવાસનું છાપરું કે ભોયતળીયું પણ વ્યવસ્થિત કરી, તેમાં પાણી ન ભરાય તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે. 

ચોમાસામાં પશુઆવાસમાં એકત્રીત થતા મળમૂત્ર તથા અન્ય કચરાનો તાત્કાલિક યોગ્ય જગ્યાએ નિકાલ કરવો. નિકાલ કરવાની જગ્યા પાણીના વહેણથી, તળાવથી કે નદીથી દુર રાખવી જેથી પાણીનું પ્રદુષણ અટકાવી શકાય અને માણસોમાં થતા ઘણા રોગો નિવારી શકાય. ચોમાસાની ઋતુમાં જો કોઈ પશુનું મૃત્યુ થાય, તો તેના મૃત શરીરને આવાસની જગ્યાથી દુર ઊંડો ખાડો કરી તેમાં મીઠું અને કોલસો નાખી તરત જ દાટી દેવું, જેથી કરીને મૃત શરીરમાંથી રોગોના જંતુનો ફેલાવો અટકાવી શકાય. ગંદકી વધશે તો માખી-મચ્છરોનો ઉપદ્રવ વધશે, માખી-મચ્છરો અને અન્ય પરોપજીવીઓ પશુઓમાં ઘણા બધા રોગોનો ફેલાવો કરે છે.

ચોમાસામાં ગાય-ભેંસોમાં ગળસૂંઢો, ગાંઠિયો તાવ, કૃમિરોગ વગેરેનું પ્રમાણ વધે છે. ઘેટા-બકરામાં ફૂટરોટ, કંટેજીયસ એક્થાયમાં (કટયો) જેવા રોગોનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. આગળ વર્ણવ્યા પ્રમાણે પશુ રહેઠાણ અને પોષણક્ષમ ખોરાકના આયોજનથી આ પૈકી ઘણા રોગો અટકાવી શકાય છે. આ ઉપરાંત ચોમાસા પહેલા પશુઓને ગળસૂંઢો અને ગાંઠિયા તાવની રસી મૂકાવવાથી આ રોગ સામે રક્ષણ આપી શકાય છે. રસીકરણના ઘનિષ્ઠ કાર્યક્રમોનું આયોજન, સરકારશ્રીના   કૃષિમહોત્સવ કાર્યક્રમમાં, ખેડૂત શિબિરોમાં અને સહકારી ડેરીઓ દ્વારા પશુપાલકોના ઘર સુધી ઉપલબ્ધ થાય, તે રીતે કરવામાં આવે છે. પશુપાલક મિત્રોએ આવા કાર્યક્રમોનો લાભ લઈ પશુઓનું આરોગ્ય જાળવવામાં મદદરૂપ થવું જોઈએ

આ ઉપરાંત, ચોમાસાની ઋતુ દરમિયાન સરકારશ્રીના હવામાન વિભાગ દ્વારા પ્રસારિત થતા હવામાન સમાચારોની પણ જાણકારી રાખવી જરૂરી છે. હવામાન સમાચારોમાં આવતી આગાહી મુજબ જો અતિવૃષ્ટિનું નિર્માણ થાય, તો તેનું ચોક્કસ આયોજન કરવું અતિઆવશ્યક હોય છે. પૂરની પરિસ્થિતિમાં સુરક્ષિત સ્થળ, જરૂરી પ્રાથમિક સારવારની દવાઓ, અગત્યના ફોન નંબરો વગેરે બાબતે પહેલેથી જ ચિંતન અને આયોજન કરવું જરૂરી છે. ચોમાસાના સમયમાં જો ખેડૂત અને પશુપાલક મિત્રો થોડી સાવચેતી દાખવે અને આગોતરું આયોજન કરે તો ઘણી બધી સમસ્યાઓ નિવારી શકાય છે અને આપણા કિમતી પશુધનને રોગમુક્ત, સ્વસ્થ અને સલામત રાખી શકાય છે.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More